અંદાઝે બયાં- સંજય છેલ / અપૂન ભી જ્ઞાન-ગુરુ! કુછ ભી પૂછ લો!

article by sanjaychhel

Divyabhaskar.com

Oct 16, 2019, 04:25 PM IST
અંદાઝે બયાં- સંજય છેલ
​​​​​​​ટાઇટલ્સ
ડાહી સાસરે ના જાય અને ઘેલીને ‘લિવ-ઇન રિલેશન’માં રહેવા સમજાવે - નવી કહેવત
આપણે ત્યાં સંત, મહાત્મા, સાધુ, બાબા, ફકીરોને બહુ માન મળે છે અને સાથોસાથ ખૂબ બધા પૈસા પણ!હું રાજકારણી છું અને સંત થવાની મહેનત કરું છું’ એવું ખુદ ગાંધીજીએ ફ્રેન્કલી કહેલું, કારણ કે તેઓ સાચા માણસ હતા અને સાચા સંત થવામાં કેટલી મહેનત પડે છે એ જાણતા હતા, પણ આ દેશમાં જરાયે મહેનત વિના ઘણું બધું પામવું હોય તો સાધુ બાબા બની જવું. અહીં સાચા પુણ્યાત્માઓની વાત નથી થતી, પણ એક ‘ધંધાદારી બાબા’ તરીકે સફળ થવું કે રીઢા રાજકારણી થવું લાગે છે એટલું સહેલું નથી. બેઉ વિરોધાભાસી શબ્દો હોવા છતાં બેઉમાં એક જાતની ટેલેન્ટ જોઇએ. હમણાં થોડા વરસ પહેલાં કોઇક બાબા લોકોને એમ કહીને આશીર્વાદ આપતા કે ‘સમોસાં જોડે લાલ ચટણી ખાશો તો તમારા પર ‘ઈશ્વરની કૃપા’ ઊતરી આવશે અને ભાગી ગયેલી પત્ની પાછી આવીને ઘરે સમોસાં તળી આપશે!’ વળી આજકાલ સાધુ-બાબાઓ બહુ ન્યૂઝમાં રહે છે એટલે થયું કે આપણે પણ જ્ઞાન-ગુરુ બની જોઇએ. તો આંખ મીંચીને વિચાર્યું કે અમારો પણ કોઇ આશ્રમ હોય અને ભક્તો (અને ઓફકોર્સ ભક્તાણીઓ) જો અમને જાતજાતના સવાલો પૂછતા હોય તો અમે કેવી રીતે જ્ઞાન બાંટીશું?
પેશ છે, જ્ઞાનગંગાની છાલકની ઝલક-
ભક્ત-1: સંજુબાબા, કાલે મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઇ, હું શું કરું?
હું: વત્સ, એ તો એક’દી ભાગવાની જ હતી, કારણ કે એ તારા જેવાના પ્રેમમાં ગુડાણી હતીને? હવે ઈશ્વરની શોધમાં ધ્યાન લગાડ.
ભક્ત-1: પણ ઇશ્વરને શોધીને કંઇ નહીં થાય.‘ઈશ્વર’ એના પપ્પાનું નામ છે.
હું: તો એ છોકરીના વિચારોમાંથી મુક્તિ શોધ.
ભક્ત-1: એ પણ શક્ય નથી. ‘મુક્તિ’ એની મમ્મીનું નામ છે.
હું: અરે! તો એવી કોઇ છોકરી શોધ કે જેનાં મા-બાપનાં નામ આવાં ધાર્મિક ન હોય અથવા એવી શોધ કે જેનાં મા-બાપને નામ જ ન હોય! તારે પહેલી મુલાકાતમાં જ છોકરીને કહી દેવાનું,‘ડાર્લિંગ, તું મને મારી આવક વિશે ન પૂછતી અને હું તને તારો ભૂતકાળ નહીં પૂછું. ઇનક્લુડિંગ, તારાં મા-બાપનાં નામ પણ!’
ભક્ત-2: બાબા, મારી બેંક ઊઠી ગઇ, હું શું કરું?
હું: તો તું સૂઇ જા. જાગવાથી ઊઠેલી બેંકમાં ગુમાવેલ પૈસા યાદ આવશે અને પછી કાયમ માટે ઊંઘ ઊડી જશે. આ દેશમાં કોઇ બેંક ઊઠી જ નથી, મંદી આવી જ નથી કે ક્યાંય પૂર આવ્યાં જ નથી-એનો 108 વાર રોજ જાપ કર આપોઆપ ઊંઘ આવી જશે અને તેમ છતાં ઊંઘ ન આવે તો અમારી કોલમ રેગ્યુલરી વાંચ, ઘણાને તરત ઊંઘ આવી જાય છે અને ઘણાની ઊડી જાય છે!
ભક્ત-3: સંજુબાબા, મેં એક જગ્યાએ વાંચ્યું કે, ‘આપણે જે જાણીએ છીએ તેની આપણને ખબર પડી જાય અને જે નથી જાણતા તેની કદી ખબર ન પડે એ જ સાચું જ્ઞાન’ આ વાક્ય મને ગમ્યું ને જીવનમાં પણ ઉતાર્યું પણ એનો એક્ચ્યુઅલ અર્થ શું છે?
હું: વત્સ, સમજાય કે ન સમજાય, જીવનમાં ઉતાર્યું એટલું બસ. ચિકનગુનિયા અને દુનિયા નામના રોગ હજુ કોઇને સમજાયા નથી! ભારતનું બજેટ, ડોનાલ્ડ ટ્રમ્પનાં જુઠાણાં અને મુલાયમસિંહની વાણી કોઇને સમજાઇ નથી. સાચા જ્ઞાનનું પણ ગુલઝારની કવિતાઓ જેવું જ છે. કોઇને પૂરેપરું ક્યારેય કોઇ સમજ્યું નથી. આ સમજાયું?
ભક્ત-4: બાબા, હું ઓફિસમાં જેમની સાથે કામ કરું છું એ લોકોની એવી ગંદી ટેવ છે કે ઓફિસમાંથી જેવું કોઇ બહાર જાય તો તેની પીઠ પાછળ પંચાત શરૂ થઇ જાય છે. તો મારી પીઠ પાછળ આવી કૂથલી ન થાય તે માટે મારે શું કરવું જોઇએ?
હું: ડિયર, તારી પીઠ પાછળ વાત ન થાય એટલે તારે એમને પીઠ દેખાડવી જ નહીં. એ લોકો સામે છાતી દેખાડીને ઊંધા પગલે ચાલવું. તારી પીઠને ભીંત સાથે ચોંટેલી જ રાખવી. રૂમમાંથી સૌ બહાર નીકળી જાય પછી સાવ છેલ્લે તારે નીકળવવાનું. હવે તું એવું પૂછીશ કે સુ-સુ કરવા જવું પડે તો? હું કહીશ કે નહીં જવાનું. સંયમ જ સાચી સાધનાનો પાયો છે. ઓફિસમાં સુ-સુ રોકવા માટે પાણી ઓછું પીવાનું અને છતાંયે કંટ્રોલ ન થાય તો ઓફિસમાં સૌને સાથે સુ-સુ કરવા લઇ જવા માટે સમજાવવા. એમને કહેવાનું કે બધે જ સાથે રહેવાથી ભાઇચારો વધે છે. આટલું કરશે તો ઓફિસમાં પીઠ પાછળની ચિંતા નહીં રહે. પ્રભુ તને પીઠબળ આપશે.
ભક્ત-5: બાબા, હું ઇચ્છું છું કે મારા ઘરે અને ઓફિસમાં રૂપિયાની છોળો ઊડતી હોય. આટલો બધો કઈ રીતે ધનવાન બની શકું, એ માટે આપશ્રી મને કોઈ જ્ઞાન આપશો?
હું: વત્સ, એ જ્ઞાનની સાધના તો હું પણ વર્ષોથી કરી જ રહ્યો છું. લક્ષ્મીજીની અવિરત આરાધનામાં રત રહું છું, પરંતુ નગદનારાયણ હજુ દિલ્હી જેટલા દૂર ભાસે છે. મંદીના દિવસોમાં મંદિર કરતાં મનીની યાદ વધારે સતાવે છે. વત્સ, તારાં લક્ષણો જોતાં તું મારો પરમ ભક્ત બનવાને લાયક છે. તારે મારે એવી ‘ભક્તિ’ કરવાની છે કે આ આશ્રમમાં રૂપિયાની છોળો ઊડવા માંડે. તું તૈયાર છેને?
ઇન્ટરવલઃ
કવિતા ઔર સંગીત હૈં, ભરે પેટ કે કામ,
ભૂખા હો જબ પેટ તો સબ કુછ લગે હરામ
-કવિ ‘નીરજ’
ભક્ત 6: પૂ. બાબા, જ્યારે જ્યારે હું મારા કૂતરાને લઇને ફરવા નીકળું છું ત્યારે લોકો પૂછવા માંડે છે, ‘ઓ ક્યૂટ ડોગી... તું કેટલા વરસનું થયું?’ આવા સવાલોથી મારો કૂતરો બહુ મૂંઝાય છે અને મારી સામું જુએ છે. મારાથી એની વેદના જોવાતી નથી. શું કરું?
હું: ઈશ્વરનો પાડ માન કે એ લોકો તારા ડોગીને એમ નથી પૂછતા કે આ કોને લઇને તું ફરવા નીકળ્યું છે? એ લોકો કૂતરાને સવાલ પૂછે છે, પણ જો કૂતરાની ઉંમર વિશે તને પૂછે અને પછી તું વાંકો વળીને કૂતરાને પૂછવા જાય તો સમસ્યા કહેવાય! સો રિલેક્સ...
વત્સ, સંસાર અનેક પ્રકારનાં ભસતાં કૂતરાં અને કજિયાખોર માણસોથી ભરપૂર છે. એ હિસાબે તું આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે છો! જેમ કામ ટાણે
દરેક સેલ્સમેનના ફોન લેવા નહીં, ફેસબુક-ટ્વિટર પર દરેક કોમેન્ટના જવાબ આપવા નહીં એમ દરેક કૂતરાને માણસ વિશે અને દરેક માણસને કૂતરા વિશે જવાબ આપવા નહીં.
ભક્તાણી-1: વહાલા સંજુબાબા, લોકો રેસમાં ઘોડા પર શર્ત લગાવે છે, તો રેસિંગ કાર દોડાવતા માણસો પર કેમ નહીં?
હું: વહાલી, શરત એમના પર લગાવાય જેમના પર ભરોસો હોય અને ભરોસો તો જાનવરો પર મુકાય, માણસ પર થોડો મુકાય? માણસ તો ક્રિકેટ મેચની જેમ અંદરોઅંદર સેટિંગ કરીને હારી કે જીતીયે જાય. માણસ તો ખાનગીમાં ગળે વળગે, જાહેરમાં છરી મારે. એટલે જ આપણે ઈશ્વરનો ભરોસો રાખવો, મનુષ્યનો નહીં અને કાર રેલીમાં જો વાંદરાઓ કે કૂતરાઓ ગાડી ચલાવતા હોત તો તેમના પર શરતો લાગતી જ હોત કે નહીં?
ભક્તાણી-2: સ્વામી, મારા સપનામાં રોજ મહાભારતવાળો દુ:શાસન આવે છે. વારંવાર પૂછે છે કે આવનારી દિવાળી માટે મેં નવા પંજાબી સૂટ અને બીજા ડ્રેસ ખરીદ્યા, પણ સાડી કેમ ન ખરીદી? શું મને ભારતીય સંસ્કૃતિ પર ગર્વ નથી? બાબા, હું શું કરું? મને બહુ ડર લાગે છે.
હું: રિલેક્સ ડિયર, આવાં સપનાં વધુ સતાવે તો તારે દુ:શાસનનાં સપનાંમાં ઘૂસી જવાનું અને એને પૂછવાનું કે ‘દ્રૌપદીની સાડી કેટલા મીટર લાંબી હતી? એ બધી સાડીઓ પર જીએસટી ભર્યો કે નહીં?’ આ સાંભળીને ભલભલો દુ:શાસન ચૂપ થઇ જશે!
……બસ આટલું વિચારીને સપનાંમાંથી આંખ ખોલું છું ત્યારે ફોન આવે છે કે મારી ખરેખર બેંક ઊઠી ગઇ છે!
એન્ડ ટાઇટલ્સ
ઇવ: કંઇ પૂછ્યું?
આદમ: હા, જવાબ માટે આભાર! {
[email protected]
X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી