રાગ બિન્દાસ / અથ શ્રી ઇલેક્શન ક્ષેત્રે, મતગણતરી પર્વ સમયે!

article by sanjay chhel

‘રહેવા દો બાપુ! પોલિટિક્સમાં વાતવાતમાં ઉપવાસ કરવા બેસીએ તો કાયમ માટે ભૂખે મરવાનો વારો આવે.’

સંજય છેલ

May 27, 2019, 06:36 PM IST

ટાઇટલ્સ
અશક્ય શબ્દ ડિક્શનરીમાં છે જ! (છેલવાણી)

નર્વસ નેતાજીના ઘરમાં મહાભારત યુદ્ધ પહેલાંની ઘોર શાંતિ જેવું વાતાવરણ હતું. કુરુક્ષેત્રમાં જેમ ગીધડાં ઊડતાં હતાં તેમ અહીંયાં ન્યૂઝ ચેનલો પર રિપોર્ટરો ચિચિયારી કરી રહ્યા હતા. કુરુક્ષેત્રમાં સૈનિકો લડાઇ શરૂ થવાની રાહ જોઇ રહ્યા હતા એમ અહીં પાર્ટીના કાર્યકર્તાઓ હાંફળાફાંફળા રખડી રહ્યા હતા. નેતાજીએ 33 કરોડ દેવતાઓની પૂરી પૂજા કરી. હાથની દસેય આંગળીઓમાં ગ્રહોની વીંટી પહેરી, મેઘધનુષમાં હોઇ શકે એટલા રંગોનાં ટીલાં-ટપકાં કપાળ પર કરી લીધાં. મત ગણતરી માટે નીકળતા જ હતા ત્યાં તો દૂરથી પત્ની થાળી લઇને આવતી દેખાઈ.
નેતાજી ભડક્યા, ‘અત્યારે તને નાસ્તો આપવાનું સૂઝે છે?’
‘અરે! નાસ્તો નથી, આરતી ઉતારવા આવી છું.’ પત્ની બોલી.
‘ઉતાર જલદી, ટેન્શનમાં ને ટેન્શનમાં લેંઘો ઊતરી રહ્યો છે!’
પત્નીએ આરતી ઉતારી એટલે નેતા ફટાફટ નીકળવા ગયા, પણ અચાનક એમને ચક્કર આવ્યાં. ભીંત પરની ગાંધીજીની તસવીર ધૂંધળી દેખાવા માંડી અને નેતાજી ધબાય નમ: થઈ ગયા. થોડીવારે કોઈકે એમને પેટમાં ગોદા મારીને જગાડ્યા તો આંખ ખોલીને એમણે જોયું કે ગાંધીજી, શ્રીકૃષ્ણના વેશમાં સામે ઊભા હતા અને લાકડીથી ગલીપચી કરતા હતા! ગાંધીજીના માથા પર ખાદીનો મુગટ, હાથમાં ચરખાના આકારનું સુદર્શન ચક્ર હતું, ગોળ ચશ્માંમાં તેજ ઝગારા મારતું હતું.
નેતાજીએ ચોંકીને પૂછ્યું, ‘બાપુ! તમે અત્યારે?’
‘હા, તારી નર્વસાત્મક સ્થિતિ જોઈને થયું તને મારા જેવા સારથિની જરૂર છે.’ બાપુ ઉવાચ અર્થાત્ બોલ્યા.
‘ના બાપુ, ડ્રાઇવર છે ને! તમને ડ્રાઇવિંગ ન ફાવે.’
‘એમ નહીં ગાંડા, તને સારથિ રૂપે મારા માર્ગદર્શનની જરૂર છે હાલ.’ બાપુ ઉવાચ.
‘માર્ગદર્શન શબ્દ ન બોલો બાપુ, એ સાંભળતાં જ ડર લાગે છે કે પાર્ટીવાળા મને રિટાયર કરીને માર્ગદર્શનમંડળમાં ન બેસાડી દે!’ નેતાએ ડરીને કહ્યું.
‘કાંઇ નહીં થાય. કેમ મૂંઝાય છે આટલો? ઇલેક્શનમાં હાર-જીત તો ચાલ્યા કરે.’ બાપુ ઉવાચ
‘તમને નહીં સમજાય, તમે કદી ઇલેક્શન લડ્યા હો તો ખબર પડે ને? પદયાત્રા કરી કરીને પગ પર ગોટલા ચઢી ગયા છે.’
‘એ બધો ડર છોડીને તારે મારે શરણે આવવું જોઇતું હતું. मामेकं शरणं व्रज!’ બાપુ ઉવાચ
‘તમારે શરણે? સોરી બાપુ, હવે ઇલેક્શનમાં તમે નથી ચાલતા, ઊલટાનું ગોડસે વધારે ચાલે છે.’ નેતા હસ્યા
ઇન્ટરવલ :
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે
(અને કેટકેટલું થવાનું છે!)
‘અરે! મારે શરણે એટલે જે નોટ પર મારા ફોટા છપાય છે એ રોકડાને શરણે! પૈસા ઉડાવવા જોઇતા હતા મૂરખ!’ બાપુ ઉવાચ.
‘બાપુ, બહુ ઉડાડ્યા છે. એનો જ તો ભરોસો છે જીતવામા, પણ જો જીતી જઇશ તો પછી સંસદમાં કામ કઇ રીતે કરીશ એનીયે ચિંતા છે!’ નેતાએ પરસેવો લૂછીને કહ્યું.
‘સાંભળ, તારી પાર્ટીના લોકો કે તારા વિરોધીઓને અંદરથી બરાબર પારખી લેજે. રાજનીતિ પણ એક યુદ્ધ છે. કોઇના પર પણ વિશ્વાસ કરવો નહીં.’ બાપુ ઉવાચ.
‘અરે! પણ અમારા કોણ છે ને વિરોધી કોણ છે એ જ સમજાતું નથી. છેલ્લાં 5 વરસમાં એટલા બધા લોકોએ એટલીવાર પાર્ટીઓ બદલી છે કે કોણ કોનું છે એ જ ઓળખાતું નથી!’
‘સામે ઊભેલા બધા જ શત્રુ છે, એમ સમજીને મીઠું મીઠું બોલવાનું.’ બાપુ ઉવાચ.
‘પણ બાપુ, મને મિનિસ્ટર બનવા મળશે કે નહીં?’ નેતાએ મુદ્દાની વાત પૂછી.
‘તું કર્મ કર, ફળની ચિંતા ન કર!’ બાપુ તરત ઉવાચ્યા.
‘ફળ ન મળવાનાં હોય તો મંજીરા વગાડવા આટલી મહેનત કરી ઇલેક્શનમાં?’ નેતાનો મૂડ બગડ્યો.
‘મૂરખ, તું સમજ્યો નહીં! લાગે છે તું ગીતા વિશે અજાણ છે!’ બાપુ ઉવાચ.
‘કોણ ગીતા? હું કોઇ ગીતા-બીતાને નથી ઓળખતો. ઇલેક્શન વખતે તમે કોઇ બાઇમાણસનું નામ ન લો. ખોટો ફસાઇ જઇશ!’ નેતાએ હાથ જોડીને કહ્યું.
‘અરે મૂઢમતિ! ગીતા એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા! એમાં કહ્યું છે ને કર્મ કરવા પર જ તારો અધિકાર છે. તું ચૂપચાપ પાર્ટી હાઇકમાન્ડની ચમચાગીરી કરવાનું કર્મ કરે રાખ. આપોઆપ મિનિસ્ટરશિપ મળી જશે.’ બાપુ ઉવાચ.
‘ઓહ એમ? એ સાચું. જોકે, એમ કરીને જ તો ટિકિટ મેળવી છે!’
‘બસ તો વિજયી ભવ: ને લોકોનું ભલું કર.’ બાપુ ઉવાચ.
‘પણ લોકો એટલે એક્ઝેટલી કોણ? જેણે મને વોટ આપ્યો હોય એ કે નથી આપ્યો એ?’ નેતાએ મૂંઝાઈને પૂછ્યું.
‘લોકો એટલે તું પોતે, તારા પરિવારના લોકો, તારા સગાં-સંબંધીઓ, તારા ઉદ્યોગપતિ મિત્રો. એ લોકોનાં જ કામ કરવાનાં. સમજ્યો?’ બાપુ ઉવાચ.
‘બાપુ ઊઠીને તમે આવી સલાહ આપો છો?’
‘હું હંમેશાં સત્યના પક્ષમાં રહ્યો છું! આજે 2019માં આ જ સત્ય છે. યાદ રહે, રાજનીતિ અને યુદ્ધમાં કશું જ ખોટું નથી હોતું.’ બાપુ ઉવાચ.
‘સાચું!’
‘સાચું નહીં ખોટું. ગધેડા!’ બાપુ ભડકીને ઉવાચ્યા.
‘હા એટલે કંઇ ‘ખોટું’ નથી હોતું એ ‘સાચું’ છે એમ જ. શું બાપુ તમે પણ અહિંસક થઇને આટલો ગુસ્સો કરો છો?’ નેતાજીએ હસ્યા
‘સોરી. આ ક્રોધ બદલ હું ઉપવાસ કરી લઇશ!’ બાપુએ શરમાઈને ઉવાચ્યું!
‘રહેવા દો બાપુ! પોલિટિક્સમાં વાતવાતમાં ઉપવાસ કરવા બેસીએ તો કાયમ માટે ભૂખે મરવાનો વારો આવે. ખાવાની વાત નીકળી જ છે તો મને કહો કે મિનિસ્ટર બનીને હું પૈસા કઇ રીતે ખાઉં?’
‘ગીતામાં કહ્યું છે: સંસારૂપી વૃક્ષનાં મૂળિયાં હવામાં છે અને શાખાઓ નીચે છે એમ પોલિટિક્સમાં પણ પૈસા ખાવાની બ્રાન્ચ નીચે છે, એટલે કે ગરીબો-ખેડૂતોની લોન, ગરીબોની સ્કીમમાંથી પૈસા ખાવાના પણ ઉપર જે લોકો છે, પિલિટિક્સનાં મૂળિયાં છે. એ પૈસાવાળાઓના પૈસા કદી ખાવા નહીં, ઊલટાનું એમને બેન્કોમાંથી ‘સરકારી પ્રોજેક્ટોમાંથી ખાવા દેવાના, એમને તારે બચાવવા અને ફસાઈ જાય તો તો દેશમાંથી ભગાડવા પણ!’ બાપુ ઉવાચ.
‘વિરોધ પક્ષ સામે કઇ રીતે લડવાનું?’
‘વિરોધીઓની સાથે ખાલી સંસદમાં કે ટીવી પરની ચર્ચાઓમાં જ ખોટે ખોટે લડવાનું, અંદરથી દોસ્તી રાખવાની. ખુદ નહીં લડવું પણ પબ્લિકને અંદર અંદર લડાવવાની. ધર્મ, ખોરાક, કપડાં, ભાષા કે ફિલ્મ કે એવા કોઈ પણ મુદ્દે! સમજ્યો?’ બાપુ ઉવાચ.
‘મીડિયામાં મારી સારી ઈમેજ કઈ રીતે બનાવવી?’ નેતા બોલ્યા,
‘મારો ઉપયોગ કરીને.’ બાપુ ઉવાચ.
‘એટલે તમારી જેમ ટકો કરાવી, પોતડી પહેરીને ફરવાનું? શું બાપુ? સંસદ કેવી લપસણી જગા છે. પગ ફસાઇને પડી જવાય તો ફજેતો થાય!’ નેતા હસ્યા.
‘મારો ઉપયોગ એટલે મારા ફોટાવાળી નોટ વાપરીને અખબાર મીડિયાને ખરીદી લેવાના. ચલો હવે હું જાઉં. મારો પ્રાર્થનાનો સમય થયો.’ બાપુ ઉવાચ.
‘તમે મારી જીત માટે પ્રાર્થના કરશો?’ નેતા પગે પડ્યો.
‘ના ભાઈ ના. આજકાલ તો હું મારા માટે જ પ્રાર્થના કરું છું કે કોઇ મારું પૂતળું ન તોડે, મારા પર કાળી મેશ ન ચોંપડે કે મને ગાળો ન આપે!’ બાપુ ઉવાચ!
બસ આટલું બોલીને બાપુ ગુમ થઇ ગયા. નેતાને પાછા હોશ આવ્યા અને એ બૂથ તરફ ભાગ્યા!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: ચૂંટણી પરિણામો અંગે શું લાગે છે?
ઇવ: પરિણામો માટે તૈયાર રહેવાનું!
[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી