અંદાઝે બયાં- સંજય છેલ / વિચારોનાં વર્તુળોમાં: થિંકિંગ થિંકિંગ ટુ મચ?

article by sanjay chhel

Divyabhaskar.com

Jan 09, 2020, 05:58 PM IST
અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
સરકાર ને દરકાર, બે વિરોધી શબ્દો છે.- છેલવાણી
જો કોઇ ગુજરાતી માણસને ઝાડ પરથી સરફજન નીચે પડતું દેખાય તો કદાચ એને પેલા સફરજનને, ફ્રૂટ સલાડમાં નાખીને ખાવાની કે પછી એને બજારમાં વેચી મારવાની ઇચ્છા જાગે. સારું છે કે ન્યૂટન ગુજરાતી નહોતો એટલે જ ઝાડ પરથી પડતા ફળમાં એને ગુરુત્વાકર્ષણનો વિચાર આવ્યો! જે લેખકને અંગ્રેજીમાં ઓર્ગેનિક ગાંધી કહેવાય છે એવા હેન્રી મિલર વિચારો વિશે કહે છે કે ‘થોટ્સ વિચારો, વિચારો.. એ માત્ર દિમાગની ખંજવાળ છે!’ ના સમજાયું? ચલો, ઉદાહરણ આપું? એક તળાવ હતું. તળાવ સામે બાળક બેઠો હતો. બાળક તળાવના શાંત પાણીમાં પથ્થર ફેંકતો હતો. ગોળ પથ્થર, પાણીમાં બે-ત્રણ કૂદકા મારીને ગુમ થઈ જતો. એક વૈજ્ઞાનિકે એ જોયું. એને એનું પોતાનું બાળપણ યાદ આવી ગયું. હવે વૈજ્ઞાનિકે પથ્થર ફેંક્યો અને એણે ફેંકેલો પથ્થર નવથી દસ ટપ્પી ખાઈને પાણીમાં ડૂબી ગયો. વૈજ્ઞાનિકે પેલા બાળકને સમજાવ્યું કે કયા ખૂણે પથ્થર કેટલી ઊંચાઈથી ફેંકવો અને કઈ રીતે નાખવો વગેરે વગેરે. બાળકે બધું સાંભળ્યા પછી નિરાંતે કહ્યું,‘તમે નાખેલા પથ્થર ઘણી ટપ્પી ખાઈ શકે છે, પણ હું એમ કરવા નથી માગતો. તમે ફેંકેલા પથ્થરથી ગોળ કૂંડાળાં થાય છે, જ્યારે હું તો પાણીમાં ચોરસ કૂંડાળાં કરવા માગું છું.’ વૈજ્ઞાનિક ચકિત થઈ ગયો અને ત્યાંથી ચાલવા માંડ્યો. વૈજ્ઞાનિકે એના મિત્ર આઈન્સ્ટાઈન પાસે જઈને જ્યારે આ વાત કહી ત્યારે આઇન્સ્ટાઇને કહ્યું,‘ એ બાળક ફરી મળે તો એને મારા વતી અભિનંદન આપજે અને કહેજે કે પાણીમાં ચોરસ કૂંડાળાં તો ક્યારેય નહીં થાય, પણ એનો વાંધો નહીં, કારણ કે અગત્યની વાત તો એ છે કે એને આવો નવો વિચાર આવ્યો.’
યેસ. વિચાર! થોટ્સ... યુગો પહેલાં આદિમાનવે પોતાના વધેલા નખથી ખોપરીમાં ખંજવાળવા માંડ્યું અને એક પછી એક વિચારો ફૂટવા માંડ્યા. એક પ્રશ્ન જે અજ્ઞાનમાંથી જન્મે છે એ નવા વિચાર તરફ લઈ જાય છે અને વિચાર પછી પ્રગતિ તરફ. વિચારોને વૈજ્ઞાનિકોના રો-મટીરિયલ્સ કે કાચી સામગ્રી કહી શકાય. આ જ વાત લેખક, કલાકાર કે દરેક માણસ માટે પણ લાગુ પડે છે.‘હું સવારે શા માટે ઊઠીને હજારો ડગલાં ચાલું છું?’-આ પ્રશ્નથી જ કદાચ જૂતાંની શોધ થઈ હશે. મેક્સ પ્લેન્ક નામના સંશોધકને વિચાર આવ્યો: ‘નવજાત લોઢું શા માટે લાલ હોય છે?’ ને એની ધાતુ વિશેની શોધ શરૂ થઈ. એક 16 વર્ષના તત્ત્વજ્ઞાનીને વિચાર આવ્યો:’પ્રકાશના કિરણ પર સવાર થઈને માણસ જો ઊડે તો એને શું દેખાય?’ ને એણે આખું ભૌતિકશાસ્ત્ર ઊથલાવી નાખ્યું. તમે કયા સમાજમાં કેવી પરિસ્થિતિમાં છો એના પર પણ આધાર રાખે છે.
એક કવિને વિચાર આવે છે કે ઈશ્વરને વારંવાર સાદ દેવો પૂરતું નથી, પણ જો એ ખરેખર હોય તો મસીહા કે ઈશ્વર નીચે કેમ અવતરતો નથી? ને પછી આધ્યાત્મિકતાનો અભ્યાસ શરૂ થયો. આપણને રોજબરોજના જીવનમાં અનેક વિચારો આવતા હોય છે. એમાંથી તરંગને પકડીને કશુંક નિર્માણ કરવું પડે છે. વિચાર આપણા માટે રોકાતો નથી, પણ આપણે નવા જન્મતા વિચારની પાછળ દોડવું પડે છે. ઘણીવાર આપને આપણા પડછાયા પાછળ દોડતા હોઇએ એમ પણ વિચારો પાછળ દોડવું પડે! ઘણી વાર કોઈ લેખક લખતાં લખતાં વાર્તા છોડી દે, કારણ કે એને લાગે છે કે જુદું જ લખાઈ રહ્યું છે. ઘણીવાર અચેતન મનમાં વાર્તા જન્મે છે. આખેઆખી કથા સપનામાં રેડીમેઈડ મળે છે. વિચારો દરેક સેકન્ડે પ્રવાહ બદલે છે, આપણાં મૂળિયાંને હલબલાવી આગળ નીકળી જાય છે.
ઇન્ટરવલ
મૈં ખયાલ હૂં કિસી ઔર કા,
મુઝે સોચતા કોઈ ઔર હૈ!-સલીમ કૌસર
એક હિલ સ્ટેશન પર નાનકડી ઝૂંપડીમાં દસેક વરસનો એક બાળક રોજ બારીએ બેસીને દૂરથી પસાર થતી માલગાડીને જોયા કરતો. પહાડોમાંથી કોલસા લઈ જતી એ માલગાડીના દરેક ડબ્બા પર એક કંપનીનું નામ એ વાંચ્યા કરતો. ટાટા કે બિરલા જેવી કોઈ એક જ મોટી કંપનીનું નામ સતત માલગાડીના ડબ્બા પર વાંચીને એને થયું કે આ કંપનીના માલિક પાસે કેટલા પૈસા હશે? અને મોટો થઈને એ શહેરમાં ગયો. એ કંપનીના માલિકને બે દીકરીઓ. એક પછી એક બેઉ દીકરીઓને એણે પ્રેમજાળમાં ફસાવી અને ખતમ કરી નાખી અને કંપની પર હક જમાવીને જ જંપ્યો. આઈરા લેવિનની અદ્્ભુત નોવેલ ‘કિસ બિફોર ડાઈંગ’ની આ વાત છે. એક નાના ગરીબ છોકરાને નજર સામે સતત દેખાતા કોઈ કંપનીના નામે એને કોઈ પણ ભોગે અમીર બનવાનો વિચાર આપ્યો અને માત્ર વિચારને કારણે એ ખૂની બન્યો. બે છોકરીઓએ જાન ગુમાવ્યા!
વિચારવું, ઘણું વિચારવું અને કશુંક નિર્માણ કરવું એ પીડા આપે છે, પણ એ પીડાનો પણ એક અજીબ આનંદ હોય છે. જે આનંદ કોઇને, બે આંગળીઓ વચ્ચેથી સરકતા વિવિધ રંગોથી બનતી રંગોળી રચવામાં મળતો હોય છે એવો જ રંગીન આનંદ. વ્યવસ્થિત અને અવ્યવસ્થિત વિચાર વચ્ચેની એક સ્થિતિ એવી હોય છે કે જ્યાં ક્યારેક સમાધિનો આનંદ મળી શકે છે. આ સ્થિતિને ચાઈનીઝ વિચારકો ‘લી’ કહે છે.
ઘણા ખરેખર એમ માનતા હોય છે કે મને જે સ્ફુરણા થાય છે, વિચારો જન્મે છે, આઈડિયાઓ આવે છે એ કોઈ મહાન શક્તિ અપાવે છે.
બેલા બાલ્ઝાક એની દસ વર્ષની ઉંમરે જર્મન થિયેટરમાં નાટક જોવા ગઈ હતી. નાટક એને સમજાયું નહીં, અભિનય ખાસ ગમ્યો નહીં, પણ સ્ટેજ પર અચાનક એક ઘોડો આવ્યો એ માત્ર એને યાદ રહ્યું. મોટી થઈને જ્યારે પોતે નાટકનું દિગ્દર્શન કરતી હતી ત્યારે એને ભૂતકાળની પેલી સ્મૃતિ પરથી એક વિચાર આવ્યો કે સ્ટેજ પર ઘોડાને લાવવા જેવી કોઈ આઈટમ કે ચમત્કૃતિ નાટકમાં હોવી જોઈએ. આ વિચાર, જે ભૂતકાળની યાદની બાય-પ્રોડક્ટ વિશે હતો એને કારણે જ બેલાએ ભવિષ્યમાં અદ્્ભુત નાટકો આપ્યાં! દરેક સર્જકે, વિચારકે પોતાની જાતને અનેક સવાલો પૂછ્યા હશે, ત્યારે જ કશુંક અસાધારણ જન્મ્યું હશે. ઘરેડ પર રેડ પાડવાની ઇચ્છા ધરાવતો માણસ જ કશુંક નવું શોધી શકે છે. તમને જો એમ લાગે કે તમારા ઘરના વોશબેસિનમાં ટપકતા પાણીમાં કોઈ રિધમ છે, તો તમે એ વિચારને પકડી પાડેલો માનજો. બાળકને પ્રશ્નો પૂછવાની આદતમાંથી પુખ્ત વિચાર જન્મતો જોઈ શકશો. ઘણીવાર અજાણતાં જ એક માણસ બીજા માણસને વિચાર કરતો મૂકી દે છે. અનિદ્રાથી પીડાતા અમીર માણસને, ટ્રેનમાં ઊંઘતો ભિખારી પણ નવાઈ પમાડી શકે છે. બધું જ વિચારથી જન્મે છે. માત્ર પેન્સિલ, કાગળ અને એકાંત એ જ સર્જકોની સાચી પ્રયોગશાળા છે.
સૃષ્ટિના આરંભમાં કોઈ પ્રયોગશાળા નહોતી, પણ એકાંત જ એકમાત્ર શોધશાળા હતી. જ્યારે કશું જ નહોતું ત્યારે ફક્ત વિચાર હતો. વિચાર જ માત્ર ઈશ્વર હતો. ઈશ્વરે વિચારી વિચારીને બધું નિર્માણ કર્યું, હવે માણસ વિચાર કરી કરીને બધું નિર્માણ કરે છે. વિચારની શૃંખલા શરાબીની બેતહાશા ઊંઘ જેવી છે, બધું ચકરાયા કરે. વિચાર જ ઈશ્વર છે ને એનો વિરોધ, ઈશ્વરનો વિરોધ છે. હવે જરા સરકારો પણ આ સમજી લે!
એન્ડ ટાઇટલ્સ
આદમ: હું તને ગમું છું?
ઇવ:હા, કારણ કે હું મને ગમું છું.
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી