તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક જંગલમાં ચુનાવી દંગલ : ‘પંચતંત્ર’નો Punch!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ
ભૂખ્યાને ભોજન આપો તો પછી એ ગમે તેવી કવિતા સાંભળી લે - છેલવાણી

ઇલેક્શનના વાતાવરણમાં સાચું બોલવા અને બિન્ધાસ્ત લખવામાં ડર લાગે છે. આમેય છેલ્લાં અમુક વર્ષોથી એની પ્રેક્ટિસ છૂટી ગઈ છે, કારણ કે જેવું કોઈ મોં ખોલે કે પાકિસ્તાનની ટિકિટ પકડાવવાની વાત ઊછળે છે. માટે હું આજે રાજકારણ કે માણસોની નહીં, પણ જંગલમાં રહેતાં પશુઓની પંચતંત્ર ટાઇપની નિર્દોષ વાર્તાઓ કરીશ, પણ એ બધાં પ્રાણીઓ કોણ છે એ તમે જ વિચારી લેજો :    

  • વાંદરો હરણાંઓનું ઘાસ ખાઈ ગયેલો.  પેટ ભરાઈ ગયા પછી એણે એની વાંદરીને કીધું: ‘ઘાસ મેં બહુત દમ હૈ, બેબી’

એક જંગલમાં ચૂંટણી વખતે બધાં જ પ્રાણીઓ જાતજાતનાં ચુનાવી એલાનો-ઘોષણાઓ કરી રહ્યાં હતાં. એવામાં કોઈકનું ધ્યાન નિરાંતે સૂતેલા અજગર તરફ ગયું કે એય, જુઓ તો કેવો ગોળમટોળ થઈને બેઠો છે? નક્કી પેટમાં અવનવી વાનગીઓની ધક્કામુક્કી ચાલે છે.
પણ અજગર તો એટલું બધું ખાઈ ગયેલો કે હાલી પણ ન શકે. ત્યાં એક બગલો એના ખૂલેલા મોંમાંથી અંદર પેસી ગયો અને જોયું તો અજગરના પેટમાં તો કોલસો, ટુજી - થ્રીજી, રાફેલ રોકેટ, બોફર્સ તોપ, બ્લેક મની, કાચી ધાતુ, ખેતરોનાં ખેતરો અને એરપોર્ટો વગેરે કંઈકેટલું એમાં હતું. આ જોઈને બગલાની આંખો ફાટી ગઈ. એ ત્યાં જ ઢળી પડ્યો અને પછી અજગરે એનું મોઢું બંધ કરી દીધું. આ અજગરનું મોં 72 વર્ષથી ખૂલતું જ નથી. એ અજગર સત્તાનો-ભ્રષ્ટાચારનો અજગર છે. આ બધાં પ્રાણીઓ છે કે નેતાઓ, એ તમે નક્કી કરજો, પણ હા, જંગલ ચોક્કસ રાજધાની પાસે હોવું જોઈએ.
***
એક જંગલમાં તો એક સમાચાર વાઇરલ તાવની જેમ ફરી વળ્યા કે આપણા રાજા ફેમિલીએ તો સંકલ્પો લીધા છે ને કાંઈ. ગરીબોને દાન, જંગલમાં એકતા, સૌ સાથે સદ્્્ભાવ વગેરે વગેરે. આ સાંભળીને પશુઓની મંડળી ભેગી થઈ. એ લોકોને થયું કે રાજાની જેમ અમારેય આવા સંકલ્પો લેવા જોઈએ. એ બધાંમાં હતો એક વાંદરો. થોડીવાર પહેલાં એ હરણાંઓનું ઘાસ ખાઈ ગયેલો. એને એટલું તો ભાવ્યું કે પોતાનું પેટ ભરાઈ ગયા પછી એણે એની વાંદરીને કીધું: ‘ઘાસ મેં બહુત દમ હૈ, બેબી.’ વાંદરી પણ પતિના પગલે કૂદકા મારતી દોડી. પછી બંને વાનર જોડીએ ખૂબ ઘાસ ખાધું. સુકાઈ ગયેલું ઘાસ ભાળે તો લીલાં ચશ્માં પહેરીને ઘાસ ખાઈ જાય. આ કસરતમાં એક ઝાડથી બીજે ઝાડ ને બીજેથી ત્રીજે, પણ ગુલાંટો મારવામાં બંને પકડાઈ ગયાં અને ઘાસની ચોરી માટે ખેતમાલિકોની ધોલધપાટ પણ ખાધી! એટલે માર ખાધેલા વાંદરાએ સંકલ્પ કર્યો: હવેથી ઇલેક્શન સુધી હું ગુલાંટ નહીં ખાઉં. આ સાંભળીને વાંદરી હસી: ખી ખી ખી...
ઇન્ટરવલ
ફિર રહા હૈ આદમી ભૂલા હુવા, ભટકા હુવા,
ઇક-ન-ઇક લેબલ હૈ માથે પે લટકા હુવા!
-જોશ મલીહાબાદી

એક જંગલમાં બધાને એમ જ હતું કે એમનો રાજા સિંહ છે! સિંહને પણ એમ જ હતું કે પોતે સિંહ છે. હવે ત્યાં ટૂંક સમયમાં ઇલેક્શનની મોસમ આવવાની હતી. એમાં એક દિવસ સિંહથી ત્રાડ પડાઈ ગઈ, પણ છારી બાઝી ગઈ હોય એવો ફાટેલ અવાજ સાંભળીને પશુઓના કાન ચમક્યા: ‘લે! આ તો બકરીનો અવાજ છે!’
શિયાળ બોલ્યું: ‘ના, ના, મને તો લાગે છે કે બિલાડી બોલી.’
 સિંહ બધું મૂંગા મોઢે સાંભળે પણ કંઈ પ્રતિભાવ ન આપે. એમાં આ પશુટોળકીને મજા પડી ગઈ. એ તો માંડી વારેવારે કાંકરીચાળો કરવા, પણ નર્વસ સિંહ એક હુંકાર સરખો ન કરે. સિંહને થયું કે જેમ બાળકોને ભાઈબંધો ખીજવતા હોય ત્યારે એમની મા આવીને બચાવી લે છે એમ કાશ કોઈ બચાવી લે!
ત્યાં તો સિંહની જોરદાર ત્રાડ સંભળાઈ. પેલા ટીખળી પશુઓ તો હક્કાબક્કા થઈ ગયા. સૌને થયું કે સિંહભાઈના ગળામાંથી આવી ત્રાડ? હવે તો પડોશના જંગલમાં રહેતાં સસલાંઓનું તો આવી જ બન્યું. સિંહને પણ થયું કે મારી આવી ભારી ત્રાડ? એ નીકળી ક્યારે? મેં તો ત્રાડ પાડી નથી! તો પછી કોણે મારી?
સિંહે પાછળ ફરીને જોયું તો સિંહણ ઊભી ઊભી આંખ મીંચકારતી હતી કે: ‘ડિયર, ધેટ વોઝ તો મી. હું તને પ્રોમ્પટ્ કરતી હતી. તારી તાકાત તને યાદ અપાવતી હતી! ’ આ સંભળીને હવે સિંહમાં હિંમત આવી ગઈ. એણે એક જોરદાર ત્રાડ પાડી. પેલી ટીખળખોરોની ટોળકી ભાગી ગઈ.’  
હવે સિંહે વિચાર્યું કે હવે હું વિરોધ પક્ષના હુમલાઓ સામે ટકી શકું એ માટે એક લાકડી ખરીદીશ. થોડો ખર્ચો કરીને માઇક્રોફોન અને સ્પીકરની વ્યવસ્થા કરીશ, જેથી મારો અવાજ કમ સે કમ મારી બાજુમાં ઊભેલા અંગરક્ષકો તો સાંભળી શકે. એમનીય વરસો જૂની ઇચ્છા છે કે અમે જેની રખેવાળી કરીએ છીએ એવા આ માલિકનું ગળું કેવું જોરદાર છે!
સિંહે સંકલ્પ લીધો: મા કસમ, ચૂન ચૂન કે મારુંગા... ચૂન ચૂન કે મારુંગા.
આ સાંભળીને સિંહણ ખડખડાટ હસે જાય, હસે જાય.
સિંહે પૂછ્યું: ‘કેમ હસે છે?’
સિંહણે કહ્યું : ‘અરે નાદાન! પૂરા ન થાય એવા સંકલ્પો તો લેવાતા હશે ક્યારેય? અરીસામાં મોઢું તો જો! મારું માન. તારી આ કેશવાળી કોઈ સારા હજામને બોલાવીને સફાચટ કરાવી નાખ. બધાને ખબર તો પડે કે સિંહ પણ આખરે તો બિલાડી કુળનું જ પ્રાણી છે! માણસને આંત્રપુચ્છ હોય છે એવી તારે અગ્ર મુચ્છ છે. એનું ક્યાંય કશું ઊપજતું નથી. એ તો સારું છે કે હું બેઠી છું અને મારા જોર પર તું બાજુના જંગલના સસલા સામે છાતી કાઢી શકે છે. બાકી તો કોઈ મામૂલી લોંકડી પણ તને ટપલી મારીને ભાગી શકે.
અને પછી સિંહ મૌન થઈ ગયો અને વિચાર્યું આ પાંચ વરસ ઝટ પતે તો બલા જાય. મારે કેટલા દિવસ મર્દાનગીની જૂઠી એક્ટિંગ કરવાની?
***
એક જંગલમાં ઘોઘર બિલાડો રહે. એ હતો જ એવો પહાડી કે ખુદ સિંહ પણ એનાથી બીવે. બીજાં પ્રાણીઓને એમ જ થતું હતું કે આ બિલાડો કદાચ સિંહ જ હશે અને એણે બિલાડાનું માસ્ક પહેર્યું હશે! એટલે બીકના માર્યા એ પશુઓ એની પાસે પહોંચી જઈને પૂંછડી પટપટાવે: ઘોઘર બિલાડાજી, આપણા સિંહભાઈ બધું મમ્મીને પૂછીને જ કરે છે. તમે ખૂણામાં પડ્યા રહો છો એના કરતાં પટમાં આવો. સિંહને ચેલેન્જ ફેંકો!
બિલાડો તો ફૂલીને ફાળકો થઈ ગયો: ‘ક્યાં છે એની જાતનાં મીંદડાંઓ?’
એની ત્રાડ છેક પેલા સિંહની બોડમાં સંભળાઈ. વગર માઇક્રોફોન અને વગર સ્પીકરે આવેલી ત્રાડથી સિંહે ઝટપટ દોડી જઈને મમ્મીને ફોન કર્યો: ‘બા બા, બહુ સૂ સૂ લાગી છે. જઈ આવું?’
સિંહણ આ વખતે ન હસી.
પેલો બિલાડો હસ્યો: ખી ખી ખી!
એન્ડ ટાઇટલ્સ
આદમ: અમુક માછલીઓ પોતાનાં બચ્ચાંઓને જ ખાઈ જાય.
ઈવ: તો પછી એનો વંશ કેમ ટકતો હશે?

sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...