તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદની વિધવાને એક માફીપત્ર!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ટાઇટલ્સ
દેશભક્તિ અને સરકારભક્તિ બે અલગ વાત છે!(સેમ્યુઅલ જોનાથન)
નમસ્તે!

તમને આદરણીય કે પૂજ્ય, કયું સંબોધન કરું? કારણ કે તમે મને ઓળખતા નથી, ખરેખર તો તમને હું તો શું, આખો દેશ જ ખરી રીતે ઓળખી શક્યો નથી! ગુસ્સાના આ માહોલમાં શહીદોને તો સૌ માન આપશે, પણ મારા માટે શહીદ જેટલા જ માનના અધિકારી તમે પણ છો, કારણ કે તમે એ શહીદના ગુમનામ પડછાયા તરીકે જીવવાનું નક્કી કર્યું. જીવતાજીવત અને મોત બાદ હર હાલમાં તમે એમને સાથ આપવાનું નક્કી કર્યું. જે રીતે એક પાત્ર તરીકે રામ કરતાં સીતાં મહાન છે, બરાબર એમ જ તમે પણ મારા માટે એટલા જ મહાન છો. તમારા દુ:ખમાં કશું જ નથી કરી શકતો એ માટે સૌ પ્રથમ મને માફ કરજો.
કાશ્મીર-પુલવામામાં તમારા પતિએ જાન આપ્યો એ નાપાક ઘટનાના ઘા બધાંનાં દિલમાં છે. શરીરના ઘાવ રુઝાઈ શકે છે, દિલના નહીં. આજે સૌનો આક્રોશ નીકળી રહ્યો છે, પણ સાચા દેશપ્રમીઓ સાથોસાથ ડિજિટલ દેશભક્તો પણ ઠેરઠેર યુદ્ધ અને બદલાની માંગણી કરી રહ્યા છે! ખબર નહીં એમાંના કેટલા લોકોના ઘરમાંથી એક પણ માણસ ફોજમાં હશે? અમુક લોકો તો શહીદોને નામે પોતપોતાના નેતાઓને પ્રમોટ કરવામાં લાગી ગયા છે. એ સૌને માફ કરજો.
ખેર, જેમ જેમ સમય જાય છે તેમ તેમ આપણી દેશભક્તિ ઠંડી પડી જાય છે. હજુ માત્ર 8 જ વરસ પહેલાં 2011માં મુંબઈના પોશ ઇલાકામાં કારગિલ યુદ્ધના શહીદો માટે બનેલી આદર્શ સોસાયટીમાં જે ગોટાળા/કૌભાંડો થયેલાં એ વિશે આજે કોઈને કાંઈ પણ યાદ છે? શહીદોનાં મકાનોમાં નેતાઓએ બંદરબાંટ કરીને તમારા ફ્લેટ્સ હડપી લીધેલા! રાજકારણીઓનું ચાલે તો ત્રિરંગા ઝંડાને પણ ટુ બાય ટુ કટ પીસની જેમ કાપી કાપીને ભાવ લગાડી વેચી નાખે. એ બધાને પણ માફ કરજો.
આજે કોઈને યાદ છે કે જે કારગિલ યુદ્ધમાં આપણા બહાદુર જવાનોનો જીવ ગયો એ યુદ્ધમાં સૈનિકો પાસે બરફમાં પહેરવા માટે સરખા ગમ-બૂટ પણ નહોતી આપી શકી ત્યારની સરકાર! શહીદોની લાશને લઈ આવનારા કોફીન બોક્સની ખરીદીમાં પણ કૌભાંડ થયેલાં! જે સિપાહી દેશ માટે જાન પર ખેલીને લડે એને જો અમે એક નોર્મલ બૂટ નથી આપી શકતા તો બીજું શું કહેવું? જૂની વાત છોડો, આજે પણ સૈનિકોના રહેવા અને ખાવાપીવાની સ્થિતિ વિશે વાંચીને કાળજું કંપી જાય છે. આજે 2019માં પણ શું આપણી પાસે સૈનિકોના કાફલાને વિમાનમાં લઈ જવાનું બજેટ નથી કે આપણે આમ રોડયાત્રામાં 40 જુવાનો ગુમાવવા પડે? આવું હંમેશથી ચાલતું આવ્યું છે. 1960-70ના દાયકામાં પાકિસ્તાનમાં જઈને ભારત માટે જાસૂસી કરનાર મોહન અગ્રવાલ નામના જાસૂસે 15 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં સડવું પડેલું. એ મોહને પાક જેલમાં ખૂબ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરવી પડેલી. વરસો બાદ જેમ તેમ કરીને એ જાસૂસ જ્યારે ભારત ફર્યો ત્યારે ત્યારના વડાપ્રધાન મોરારજી દેસાઈએ મોહનને કોઈ પણ પેન્શન, સગવડ, ઘર કે ઇનામ આપવાથી સાફ મના કરેલી. ‘આ બધું કરવાનો તને પગાર તો મળતો હતો ને?’ છે ને હદ? એમને માફ કરજો.
ઇન્ટરવલ :
લાખ કરે પતઝડ કોશિશ પર ઉપવન નહીં મરા કરતા હૈ. (કવિ નીરજ)

થોડા દિવસો બાદ છાપાંવાળાં હેડલાઇનો ઉછાળીને ભૂલી જશે, સરકારી ન્યૂઝ ચેનલોના વેચાઈ ગયેલા એંકરો બૂમાબૂમ કરીને ખામોશ થઈ જશે અને પાછા કરીના અને તૈમુર પાછળ ધાડાં લઈને દોડશે. લેખકો-કોલમિસ્ટો એકાદ જુસ્સાવાળો લેખ લખીને ફરી પાછા હોળી-દિવાળી અને વેલેન્ટાઇન્સ ડેનાં વધામણાં લેવાં મંડી પડશે. થોડા દિવસ બાદ ચૂંટણીના પટાંગણમાં વીરોની શહાદતની વાતો પણ ફૂટબોલની જેમ ઉછળશે અને પછી દર વરસે ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસે દેશની દેશભક્તિની સીઝનલ લાગણી ફરીથી ઉભરાશે. એ સૌને માફ કરજો.
એક સરકાર જશે અને બીજી આવશે, પણ બહુ ઝાઝો ફરક નહીં પડે. નાટ્યશાસ્ત્રમાં કહે છે કે, ‘સૂત્રધાર કદીય મરતો નથી’ એટલે કે નાટકની વાર્તા કહેનાર લેખક/મુખ્ય પાત્રને તમે મારી નાખો તોય બીજા સ્વરૂપે એ ફરી ફરી જન્મે છે. રાજકારણ પણ એ અમર સૂત્રધાર જેવું છે. એ લોકતંત્ર પર મૂત્રધાર કર્યા જ કરશે. રાજકારણીઓ યા તો સવાઈ દેશભક્તિની વાતો કરીને વોટ ઉઘરાવશે અથવા તો શહીદોના નામે એકમેક સામે વિચિત્ર વિધાનો કરીને ભાવના ભડકાવશે. અરે! હુમલો કરનાર તો બહારના લોકો હતા, પણ શહીદોની શહાદતનો રાજકારણ માટે ફાયદો ઉઠાવનાર તો આપણાં પોતાનાં છે માટે વધુ દુ:ખ થાય છે અને એ લોકો તો તમારા ધિક્કારને ય પાત્ર નથી, માટે માફ કરજો!
તમે શહીદનાં વિધવા છો માટે માન થાય, પણ તમારું દુ:ખ 10 ટકા સમજવું અમારા જેવા માટે અસંભવ છે. જોકે, હવે આ વિધવા શબ્દ પણ હવે વારંવાર લખવો ગમતો નથી. સ્વામી વિવેકાનંદે કહેલું, ‘જે ધર્મ વિધવાનાં આંસુ લૂછી નથી શકતો એ ધર્મ ધર્મ નથી.’
મુબંઈના એક વરિષ્ઠ પોલીસ ઓફિસરે એક ખાનગી પાર્ટીમાં આ લખનારને કહેલું, ‘કોણ કહે છે આ દેશ ખેતીપ્રધાન છે? આપણો દેશ ઠગીપ્રધાન છે!’ ખરી વાત છે. આપણે સૌ વૈચારિક ઠગ છીએ. મોટીમોટી ફિલોસોફીની વાતો કરીએ છીએ, પણ વ્યવહારમાં શૂન્ય. જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે ત્યારની સરકારે ખૂબ માઇલેજ લીધું, ઇલેક્શનોમાં યુદ્ધવિજેતા બનીને વોટ ઉઘરાવ્યા અને પછી એ જ પાર્ટીના નેતા પાકિસ્તાન જઈને મહમંદઅલી ઝીણાની મઝાર પર જઈને ઝારઝાર આંસુએ રડેલા! એમને ઝીણાની મઝાર પર કારગિલ શહીદોની સમાધિ યાદ ન આવી? એમને માફ કરજો.
અગાઉ શૂરવીર પતિ યુદ્ધ પર જતો ત્યારે રાજપૂતાણીઓ સ્વમાનભેર કહેતી ‘કંથા,રણ મેં જાઈ કે પીઠ માં દેના લગાર, નહીં તો મારી સહેલી મને મારશે મેણાં કે હટ્ આ તો કાયર કેરી નાર!’ પણ ના તમે કાયરની નાર નથી, શહીદની સહધર્મી છો. તમે તો પતિના મર્યા બાદ હજુયે જીવનની જંગ લડે રાખશો. સલામ તમને ને પરિવારને! છેલ્લે, વિશ્વયુદ્ધના સમયે લખાયેલી નાનકડી ફ્રેન્ચ વાર્તા યાદ આવે છે: એક સિપાહી દેશ માટે લડવા ગયો. વર્ષો સુધી લડીને પોતાને ગામ પાછો ફર્યો ત્યારે એક અંધારી ગલીમાં એણે એની જ પત્નીને બૂમ પાડતી સાંભળી, ‘હે સોલજર, ફક્ત 100 રૂપિયામાં મજા કરવી છે? આવતો રહે!’ જે દેશ ખાતર પતિ સરહદ પર જાન આપવા ગયો છે, એ જ દેશના સમાજે એની જ પત્નીને વેશ્યા બનાવી નાખી! આવેશમાં વધારે લખાઈ ગયું હોય તો તમે અને આ પત્ર વાંચનાર સૌ કોઈની માફી. ગુસ્સો, લાચારી અને અકળામણને લીધે દિમાગ પર ઘણા બધા વિચારો એકસાથે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે.
એક આખરી વાત, મીડિયાની હેડલાઇનો કે બ્રેકિંગ ન્યૂઝના ધમાકા કે રાજકારણીઓના દાવાઓથી તમે અંજાઈ ન જતા. થોડા દિવસમાં બધુ રૂટિન થઈ જશે. ચૂંટણીના મૂડમાં સૌ આવી જશે. જોકે, કદાચ બની શકે કે આ વખતે આવું ન પણ થાય! અને એવું ન થાય તો અને તો જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપેલી ગણાશે! બાકી બધી તો વાતો.
લાચારીપૂર્ણ માફી સાથે જય હિંદ.
એંડ ટાઇટલ્સ:
આદમ : કેમ ચૂપ છે?
ઈવ : આને મૌન કહેવાય.
sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો