એક જિંદગી કાફી નહીં અલવિદા, કુલદીપ નૈયર

article by raj goswami

રાજ ગોસ્વામી

Sep 02, 2018, 12:05 AM IST

વાતાવરણ નિરાશાજનક હતું. નેફા (નોર્થઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી-અરુણાચલ પ્રદેશ)નો ખાસ્સો એવો ભાગ હાથમાંથી ગયો હતો. ભારતીય દળો છેક તેઝપુરની તળેટી સુધી પાછાં આવી ગયાં હતાં. લાચારીનાં વાદળ એવાં ફેલાઈ રહ્યાં હતાં કે, જે લોકો બહાદુર હતા તે પણ ઢીલા પડી ગયા હતા. વડાપ્રધાન હતા તો દૃઢ, પણ એમને એનો અંદાજ આવતો ન હતો કે, સ્થિતિ કેવી આકાર લેશે. એક સાંસદ ખાદીલકર (જે હવે નાયબ સ્પીકર પણ હતા) લોબીમાં એમને મળ્યા, અને ડિપ્લોમેટિક રસ્તો અપનાવા સૂચન કર્યું. નાસેર (ઈજિપ્તના ગમાલ અબ્દેલ નાસેર) કામ આવે?

કુલદીપ નૈયરની આત્મકથા, બિયોન્ડ ધ લાઈન્સ, એમની જ નહીં, આઝાદ ભારતની કહાની છે

નાસેર નિરાશાજનક નીકળ્યા, નેહરુ બોલ્યા. મોસ્કો? ‘મને બહુ આશા નથી,’ એ બોલ્યા.
એક ખાલીપો ઘેરાઈ વળ્યો હતો. ચીન સાથે શાંતિની બુનિયાદ પર એમણે જે કંઈ ઊભું કર્યું હતું, તેને આમ ધરાશાયી થતું જોઇને એમને કેટલી પીડા થતી હશે. એમના ઘરમાંથી વાતો આવતી હતી કે, એ સામાન્ય કરતાં વધુ મૌન થઇ ગયા હતા, વિચારો પ્રગટ કરતા ન હતા, અને ક્યારેક ચિંતામાં ધ્રૂજતા હતા. ગુટ-નિરપેક્ષ દેશો છેહ દઈ ગયા હતા.


ઈમર્જન્સી કેબિનેટ બેઠકમાં ગૃહપ્રધાન (લાલ બહાદુર) શાસ્ત્રીએ સૂચન કર્યું કે, ભારત ચાઉં-એન-લાઈના પત્રમાં ચીનનો જે પ્રસ્તાવ છે, તે સ્વીકારી લે. વડાપ્રધાને કહ્યું, ‘ના.’ બીજા મંત્રીઓ PMના પક્ષમાં હતા. રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને સાહસિક સમાધાન સૂચવવા બદલ ગૃહપ્રધાનની પ્રસંશા કરી. નેફામાં એવા-એવા ધબડકા હતા કે, સૈન્યના વડા જનરલ થાપરનું રાજીનામું ગમે ત્યારે આવવાનું હતું.


ગૌહાટીથી ડિમાન્ડ હતી કે, દિલ્હીથી કોઈ વરિષ્ઠ નેતા આસામની મુલાકાત લે. નવી દિલ્હીને આસામની પડી નથી, એવા જનતાના રોષથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને દુઃખી હતા. નેહરુના પ્રજાજોગ સંદેશમાં ‘અત્યારે મારી સહાનુભૂતિ આસામની જનતા સાથે છે’ વિધાનનો અર્થ, રાજ્યને ‘ગુડબાય’ એવો થયો. ઘણા આસામીઓ ખુલ્લેઆમ કહેતા હતા કે, રાજ્યને અનાથ છોડી દેવા બદલ, આપણે ચીનાઓ સાથે હાથ મિલાવીને ‘દિલ્લીવાળાઓ’ને પાઠ ભણાવો જોઈએ. અંતે લાલબહાદુર શાસ્ત્રીને આસામ જવા કહેવામાં આવ્યું.


ઉપરની આ આખી વાત, ચીને શસ્ત્રવિરામ જાહેર કર્યો તેના બીજા દિવસે, 20 નવેમ્બર, 1962ના રોજ લખાયેલી છે, અને એ પત્રકાર કુલદીપ નૈયરની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’નો હિસ્સો છે. આ કુલદીપ નૈયરનું 95 વર્ષની ઉંમરે ગયા બુધવારે અવસાન થઇ ગયું.


પત્રકારો તો ઘણા છે, પણ જેના જવાથી એક આખો ઈતિહાસ પણ જાય, એવા પત્રકારો જૂજ છે. નૈયર એમાંના એક. જેણે વિભાજનનું દર્દ ભોગવ્યું હોય, અને જે સ્વતંત્ર ભારતમાં નવા ઇતિહાસના સાક્ષી બન્યા હોય એવા પત્રકારો તો કદાચ હવે રહ્યા નથી. કુલદીપ નૈયર એમાં હતા, હવે એ પણ ગયા. એમની માતા પાસેથી 120 રૂપિયા લઈને સિયાલકોટથી દિલ્હી આવનારા નૈયર પરિવારના પહેલા સભ્ય હતા. દિલ્હી દંગાની લપેટમાં હતું. નૈયરની ટ્રેન 24 કલાક સુધી મેરઠમાં અટવાયેલી રહી. દિલ્હી પહોંચીને એ સીધા જ બિરલા હાઉસ ગયા, જ્યાં ગાંધીજી રહેતા હતા. ત્યારે એમની ઉંમર 24 વર્ષની હતી.


એમની આત્મકથામાં નૈયર લખે છે, “મારી જિંદગીમાં વિભાજનની જેટલી અસર પડી છે, તેટલી બીજી કોઈ બાબતની નથી પડી. વિભાજને મને મારાં મૂળિયાંમાંથી ઉખાડી નાખ્યો. મારે એક નવા માહોલમાં નવેસરથી જિંદગી શરૂ કરવી પડી. જિંદગીમાં દરેક નવી શરૂઆત અનોખી હોય છે. હું ભૂલમાં પત્રકારત્વમાં આવી ગયો હતો. મારે વકીલ થવું હતું, અને ડિગ્રી પણ મેળવી હતી. સિયાલકોટમાં હું વકીલ તરીકે નામ નોધાવું, તે પહેલાં ઇતિહાસ આડો આવ્યો. ભારતનું વિભાજન થઇ ગયું, અને હું દિલ્હી આવી ગયો, જ્યાં ઉર્દૂ અખબાર ‘અંજામ’માં મને નોકરી મળી. હું હંમેશાં કહું છું કે, મારા પત્રકારત્વનો આગાજ (આરંભ) અંજામ (અંત)થી શરૂ થયો.’
નૈયરને ઉર્દૂનો ખૂબ શોખ હતો. દરિયાગંજ-દિલ્હીમાં એ મશહૂર શાયર હસરત મોહાનીને મળ્યા, અને એમનો જ એક શેર બોલ્યા;


નહીં આતી તો યાદ ઉનકી, મહિનો તક નહીં આતી
મગર જબ યાદ આતે હૈ તો અકસર યાદ આતે હૈ
મોહનીએ પૂછ્યું, ‘ઉધર સે લગતે હો, પર કિધર સે?’ ‘સિયાલકોટથી’, નૈયરે કહ્યું. ‘ઇકબાલ પણ ત્યાંના જ છે.’ મોહાની બોલ્યા. ઇકબાલ, ફૈઝ બંને સિયાલકોટના હતા. મોહાનીએ નૈયરને ત્યારે કહેલું કે, હિન્દુસ્તાનમાં ઉર્દૂનું મહત્ત્વ ઘટી જશે, અને એમના કહેવાથી નૈયરે અંગ્રેજી પત્રકાર બનવાનું નક્કી કર્યું.


નૈયરની આત્મકથા એમની જ નહીં, આઝાદ ભારતની કહાની છે. આ આત્મકથા 1940થી શરૂ થાય છે, જ્યારે ‘પાકિસ્તાન-પ્રસ્તાવ’ પસાર થયો હતો. વીસ પ્રકરણોમાં વિભાજિત આ પુસ્તકમાં ભારત-પાકિસ્તાન વિભાજન, ચીનનું યુદ્ધ, બાંગ્લાદેશનું યદ્ધ, 1975ની કટોકટી અને 1977ની ચૂંટણી, ઓપરેશન બ્લુ સ્ટાર, રાજીવ ગાંધી અને વી.પી. સિંહનો દૌર, બાબરી ધ્વંસ, ભાજપની પહેલી સરકાર અને મનમોહન સિંહની સરકારના સમયનું વિવરણ છે.


ભારતમાં ભાગ્યે જ કોઈ પત્રકાર હશે, જેણે હિંમતથી, સ્પષ્ટતાથી અને ભાવનાથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના એક મહાસંઘની તરફદારી કરી હોય. નૈયર લખે છે, ‘મારા માટે આ પ્રતિબદ્ધતાનો સવાલ છે, જૂની યાદો સાથે જોડાયેલી લાગણીઓનો નહીં. મને આશા છે કે એક ને એક દિવસ દક્ષિણ એશિયા શાંતિ, સદ્્ભાવના અને સહકારની સહયોગી દુનિયા બનશે. મહાદ્વીપ પર લાંબા સમયથી છવાયેલાં નફરત અને દુશ્મનીનાં વાદળો વચ્ચે પણ હું આ ઉમ્મીદ કરું છું.’


નેતાઓ કે લેખકો તો બીજાં પુસ્તકો વાંચીને ઇતિહાસ લખતા હોય છે. નૈયર તો એ જીવ્યા હતા, એના સાક્ષી હતા. ગાંધીજીની હત્યા પછી સ્થળ ઉપર પહોંચનારા પત્રકારોમાં નૈયર પણ હતા. એ ‘અંજામ’ સમાચારપત્ર તરફથી રિપોર્ટિંગ કરવા ગયા હતા. એનું વિવરણ આજના કોઈપણ પત્રકાર માટે રોમાંચક છે. એ દિવસ યાદ કરીને નૈયર લખે છે,


‘30 જાન્યુઆરી, 1948નો એ દિવસ શિયાળાના અન્ય દિવસ જેવો જ હતો. હલકો તડકો અને ઠંડક હતી. કાર્યાલયના એક ખૂણામાં પીટીઆઈનું ટેલિપ્રિન્ટર સતત શબ્દો છાપી રહ્યું હતું. ડેસ્ક ઇન્ચાર્જે મને લંડનના એક સમાચાર અનુવાદ કરવા આપ્યા હતા. હું ચા પીતાં-પીતાં ધીમે-ધીમે કામ કરી રહ્યો હતો. એવામાં ટેલિપ્રિન્ટરની ઘંટી વાગી. હું કૂદીને ટેલિપ્રિન્ટર પાસે પહોંચ્યો, અને મેં એમાંથી બહાર આવતા ‘ફ્લેશ’ને વાંચ્યો-ગાંધી શોટ. મિનિટોમાં જ હું અને મારો એક સહકાર્યકર મોટરબાઈક પર સવાર થઇ બિરલા હાઉસ પહોંચ્યા. મેં ગમગીનીનો માહોલ જોયો.

ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને ત્યાં જતા અને ગાંધીને સલામી આપતા જોયા. થોડા અંતર પર પટેલ, નેહરુ અને રક્ષામંત્રી બલદેવ સિંહ ચિંતામાં હતા કે, આ અનહોની ઘટનામાંથી પેદા થનારી હિંસામાંથી દેશને કેવી રીતે બચાવી શકાય. ત્યાં જ એ નક્કી થયું કે, રેડિયો પર એ જાહેરાત કરવામાં આવે કે, મારવાવાળો મુસલમાન નથી, જેથી મુસલમાનોને કાતિલ માનીને એમની વિરુદ્ધ હિંસા ન ભડકે.’ એ પછીનો પૂરો ઘટનાક્રમ નૈયરે ચશ્મદીદ ગવાહ તરીકે લખ્યો છે. આ અને આવાં અનેક દૃષ્ટાંત સાથેનું ‘બિયોન્ડ ધ લાઈન્સ’ ભારતનો રાજનૈતિક દસ્તાવેજ છે.
અભિજ્ઞાનશકુંતલમાં એક શ્લોક છે:
यद्यत्साधु न चित्रे स्यात् क्रियते तत्तदन्यथा ।
तथापि तस्या लावण्यं रेखया किंचिदन्वितम् ।।

X
article by raj goswami

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી