તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇતને તરસે કે પ્યાસ ભી ના રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજુએ કાખમાં તેડેલા છોકરાને સરખું કર્યું. થાકને કારણે સોજાઈ ગયેલા એના ટાંટિયામાં હવે જોમ નહોતું રહ્યું. તેણે ઉજાગરો આંજેલી આંખને સીમની વાટ પર ક્યાંય દૂર સુધી રમતી મેલી દીધી. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી તેણે નજર નાખી પણ ક્યાંય એને લીલોતરી ના દેખાઈ. ખારોપાટ આવીને આંખની ખારાશ સાથે ભળી ગયો.

 

છોકરું હવે ડચકાં ખાવા લાગ્યું હતું. અંજુ છુટ્ટા મોંએ રોઈ પડી… દૂર સુધી ઝાંઝવાય નહોતા કે છોકરાને પીવરાવે. બસ એક ટીપું પાણી મળી જાય તો છોકરાની પ્યાસ બુઝાઈ જાય અને એ બચી જાય...

છોકરું પાછું રડવા માંડ્યું. અંજુએ મસમોટો નિસાસો નાખ્યો. શું ખવરાવવું એને? શું પીવરાવવું એને? એણે છાતી પર નજર નાખી. છપ્પનિયા દુકાળની ધરતી જેવી સૂકીભઠ્ઠ છાતી માત્ર નામની છાતી હતી. પોલકું દૂધની શેરને બદલે પરસેવાથી ભીંજાયેલું હતું.
અંજુએ પરસેવો લૂંછવા કપાળ પર હાથ ફેરવ્યો. ચાંદલા વગરનું કપાળ એના હૈયે છરી ફેરવી ગયું. કાનજી ગયો અને ચાંદલા સાથે સાથે જાણે કપાળ પરની રેખાઓ પણ ભૂંસતો ગયો.


હજુ બે મહિના પહેલાં જ અંજુ સુખના હિંડોળે હીંચી રહી હતી. એક દિવસ અચાનક સીમમાં એ હિંડોળાની સાંકળ સદા માટે તૂટી ગઈ. કાનજી સ્વર્ગપુરીની યાત્રાએ ઊપડી ગયો અને પોતાને આ નરકપુરી જેવી જિંદગીમાં છોડતો ગયો.


બચેલી મૂડીમાંથી કાનજીનું કારજ અને પંદર-દી’-મહિનાનું રાશન માંડ પૂરું થયું. કદીયે આંગણું વળોટીને બહાર ન ગયેલી અંજુએ સીમમાં દાડીયે જવું પડ્યું. ત્રણ મહિનાનું છોકરું અને ઉપરથી પેટનો ખાડો પૂરવાનો. જોકે ઘરમાં આગળ-પાછળ કોઈ હતું નહીં એટલે શરૂઆતમાં તો એટલી બધી મુશ્કેલી ના પડી. પણ જેવું ધણીનું બારમું પત્યું કે બારણાની સાંકળ કરજદારોના હાથે ખખડવા લાગી. અંજુને તો સપનેય ખ્યાલ નહીં કે કાનજી એના માથે પચાસ-પચાસ હજારના દેવાનો પથરો મૂકીને ગયો છે. ધીરે-ધીરે કરજદારોની ભીંસ વધતી ગઈ. પહેલાં વિનંતી થતી હતી પછી ચેતવણી પછી હુકમ પછી ધમકી અને છેલ્લે…


‘અંજુડી… તારે પૈસા ના આલવા હોય તો મારી પાંહે એક મારગ છે!’ ગામના શાહુકારે કહ્યું, અંજુના ચહેરા પર તેજ છવાઈ ગયું. ‘હેં, શેઠજી! શું મારગ સે ક્યો ને?’ અને જવાબમાં વીરા શાહે અંજુનો હાથ પકડીને પાસે ખેંચી ‘અરે ભૂંડી, આ લાખ રૂપિયાની મૂડી પડી છે ને તું પાંચ-પચ્ચી હજારમાં રોવા બેઠી! અરે હું તો કઉં છું તારું એક-એક અંગ લાખનું થાય…’


‘હટ્‌… સાલા!’ કરતીકને અંજુ છટકી ગઈ. વીરા શાહને લાખ-લાખના અંગને બદલે લાખ-લાખની ગાળો દઈ કાઢ્યો. અંજુએ છાતી ઉપરથી સરકી ગયેલો સાડીનો છેડો સરખો કર્યો. એ સાથે જ એ મૂડી લાખની મટીને કરોડની થઈ ગઈ.


વીફરેલા વીરાએ પછી તો અંજુની બદનામી કરી. બદચલન, ચારિત્ર્યહીન ગણાવીને ગામમાંથી કાઢી મૂકી. અંજુ પાસે એકે રૂપિયો નહોતો. વૈશાખનો મહિનો હતો. ધરતી ધરતી મટીને અંગારો બની ગઈ હતી. અંજુએ ચાલવા માંડ્યું. એક-બે, ત્રણ, ચાર… કરતાં કરતાં પંદર ગાઉં ચાલી નાખ્યું તરસે. મા-દીકરા બંનેનો પ્રાણ જતો હતો. પણ પાણી લાવવું ક્યાંથી? આજુબાજુનાં નદી-નાળાં, તળાવ અને એની છાતી બધુંય સુક્કું ભઠ્ઠ પડ્યું હતું અને હવે તો આંસુઓનો દરિયોય ઉલેચાઈ ચૂક્યો હતો.


છોકરું હવે ડચકાં ખાવા લાગ્યું હતું. અંજુ છુટ્ટા મોંએ રોઈ પડી… દૂર સુધી ઝાંઝવાય નહોતા કે છોકરાને પીવરાવે. બસ એક ટીપું પાણી મળી જાય તો છોકરાની પ્યાસ બુઝાઈ જાય અને એ બચી જાય…  અંજુ બાવરી બનીને છોકરાને છાતી સરસો ચાંપી ચોપાસ નજર દોડાવા લાગી.
ત્યાં જ એની લીંબુની ફાડ જેવી આંખોમાં દૂર… દૂરથી ચાલ્યા આવતા એક ગાડાનું પ્રતિબિંબ ઝિલાયું. ગાડું નજીક ને નજીક આવી રહ્યું હતું. અંજુના હૈયે આશાનાં તોરણ બંધાયાં. એણે જેમ તેમ કરી છોકરાને ઢંઢોળી ઢંઢોળીને જીવતું રાખ્યું.


અને આખરે ગાડું નજીક આવ્યું… અંજુએ પહેલી નજર ગાડાના અંદરના ભાગે નાખી એની આશા ફળી. ગાડામાં એક પાણીથી છલકાતું માટલું પડ્યું હતું. પાસે પહોંચી ત્યાં જ એની આંખો ફાટી ગઈ. આશાનું તોરણ તણખલું બનીને ઊડી ગયું. હાથમાં લગામ પકડીને વીરો શાહ ખંધું અટહાસ્ય વેરી રહ્યો હતો.


દસ મિનિટ પછી પેલું છોકરું ખિલખિલાટ હસતું એની માના ખોળામાં રમી રહ્યું હતું. એની પ્યાસ બુઝાઈ ગઈ હતી અને આ તરફ ગાડામાં બેઠેલો વીરો શાહ પણ પેલા બાળક જેમ જ ખિલખિલાટ કરતો હતો. કારણ કે એની પ્યાસ પણ બુઝાઈ ગઈ હતી. તરસનું તાપણું બનીને ભડભડી રહી હતી તો માત્ર એકલી અંજુ.
rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...