હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અપૂર્વા મરી ચૂકી હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્થાન : મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આવેલા વિશાલ નગરનું સંદીપ એપાર્ટમેન્ટ. તારીખ 16 ઓક્ટોબર, 2018નો દિવસ. નવરાત્રિ ચાલી રહી હતી. અપૂર્વાની મમ્મી મોહિનીબહેન મંદિર જવા રવાના થયાં. જતાં જતાં જુવાન દીકરીને કહેતાં ગયાં, ‘બેટા, કુંડી અંદરથી બંધ રાખજે! સમય ખૂબ ખરાબ છે.’
અપૂર્વાએ હસીને બારણું બંધ કર્યું. કલાક પછી મોહિનીબહેન પરત આવ્યાં ત્યારે ઘરની કુંડી બહારથી બંધ હતી. એમણે આશ્ચર્ય સાથે બારણું ખોલ્યું અને અંદર પ્રવેશ્યાં. અંદરનું દૃશ્ય જોઈ એમના પગ તળેથી જમીન સરકી ગઈ. દીકરી અપૂર્વા હોલમાં લોહીલુહાણ હાલતમાં હતી. એમણે રાડારાડ કરી મૂકી. પાડોશીઓએ ભેગા મળીને અપૂર્વાને સરકારી હોસ્પિટલ પહોંચાડી અને બહાર ગયેલા એના પિતાને જાણ કરી. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અપૂર્વા મરી ચૂકી હતી. ડોક્ટરોએ તરત જ પોલીસને જાણ કરી. સૂચના મળતાં જ સિનિયર ઇન્સ્પેક્ટર અશોક માલી તેમની ટીમ સાથે હાજર થઈ ગયા. ડોક્ટરો સાથે વાત કરીને ઇન્સ્પેક્ટર અશોકે અપૂર્વાની લાશનું નિરીક્ષણ કર્યું. અપૂર્વાના ગળા અને છાતીના ભાગ પર તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવ્યા હતા. નિરીક્ષણ બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ. જે પાડોશીઓ એને હોસ્પિટલ લઈ આવ્યા હતા તેમની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ઇન્સ્પેક્ટરે  સૂચના આપી, ‘લાશ સાંજ સુધીમાં મળી જશે. તમે અપૂર્વાની માતાને ઘરે લઈ જાવ. અમે ફોરેન્સિક લેબની ટીમ સાથે થોડીવારમાં આવીએ છીએ. ત્યાં સુધી ઘરમાં કોઈને પ્રવેશ ન આપશો.’કલાક પછી અપૂર્વાના પિતા ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસ ટીમ પણ આવી પહોંચી. પોલીસને જોઈને અપૂર્વાનાં માતા-પિતા એમના પગમાં પડી ગયાં, ‘સાહેબ, અમે લૂંટાઈ ગયાં. અમારી એકની એક દીકરી ચાલી ગઈ. એના હત્યારાને છોડશો નહીં સાહેબ!’ ઇન્સ્પેક્ટર અશોકે સાંત્ત્વના આપી, ‘ચિંતા ન કરો, અમે હત્યારાને છોડીશું નહીં.’ આટલું બોલી ઇન્સ્પેક્ટર  અને ટીમ અપૂર્વાના ઘર તરફ આગળ વધ્યા. ઘરની અંદરના મુખ્ય હોલની વચ્ચોવચ લોહીનું ખાબોચિયું ઊભરાયેલું પડ્યું હતું. ઇન્સ્પેક્ટરે ઝીણી નજરે નિરીક્ષણ કર્યું. ઘરની તિજોરી ખુલ્લી હતી અને સામાન વિખરાયેલો પડ્યો હતો. અપૂર્વાનાં મમ્મી-પપ્પા પણ ત્યાં હાજર હતાં. ઇન્સ્પેક્ટરે પૂછતાં એમણે જણાવ્યું કે, ‘અપૂર્વાના બે મોબાઇલ ફોન અને ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ ગાયબ છે.’ તપાસ ચાલી રહી હતી ત્યાં જ એસ.પી. રાજેન્દ્ર માને અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી કાકાસાહેબ ડોલે અને ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર સુનીલ નાગર પણ આવી પહોંચ્યા. મહારાષ્ટ્રમાં મોટો અપરાધ થાય ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ સમાંતર તપાસ કરે છે એટલે તેઓ આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું, ‘સાહેબ, લૂંટનો ગુનો છે. અપરાધી સોનું, મોબાઇલ અને તિજોરીમાંથી સામાન લઈને હત્યા કરીને ફરાર થઈ ગયો લાગે છે.’

  •  પાગલ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી અને અપૂર્વાનાં મોતની ચિઠ્ઠી ફાટી

ઇન્સ્પેક્ટર હસ્યા, ‘ના, લૂંટનો ગુનો નથી. માત્ર લૂંટ થઈ છે તેવો સીન ક્રિએટ કરવામાં આવ્યો છે.’ આટલું બોલી એમણે ટેબલ પર પડેલા બે ચાના કપ અને એક પાણીના ગ્લાસ તરફ ઇશારો કરતાં કહ્યું, ‘અહીં કોઈ વ્યક્તિ જરૂર આવી હશે. અપૂર્વા એને સારી રીતે ઓળખતી પણ હશે. એટલે જ એને ચા-પાણી કરાવ્યાં છે.’ ઇન્સ્પેક્ટરની વાત સાંભળી અપૂર્વાની મમ્મી તરત બોલ્યાં, ‘હા સાહેબ, હું મંદિર ગઈ ત્યારે ચાના કપ કે ગ્લાસ કશું જ નહોતું પડ્યું.’ કોઈની અવરજવર બાબતે પાડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી. માત્ર બે લોકોએ એવું કહ્યું કે, ‘કોઈ અજાણ્યો છોકરો બાઇક લઈને આવ્યો હતો. એણે હેલ્મેટ પહેર્યું હતું એટલે ચહેરો જોઈ શકાયો નહોતો.’ એ વિસ્તારમાં કેમેરા નહોતા અને બાઇક નંબર કોઈએ નોંધ્યો નહોતો એટલે પોલીસ અટકી પડી.
***
પોસ્ટમોર્ટમ બાદ અપૂર્વાની લાશ તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી. અગ્નિસંસ્કાર બાદ તરત જ અપૂર્વાનાં માતા મોહિનીબહેન અને પિતા અનંતરાવ યાદવને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી લીધાં. ઇન્સ્પેક્ટરે તેમને કહ્યું, ‘અનંતરાવજી, તમારી દીકરીના હત્યારાને શોધવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ કામે લાગી છે. હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. અમારે અપૂર્વા અને તમારા વિશે સંપૂર્ણ માહિતી જોઈએ છે. પહેલાં એ કહો કે એ દિવસે તમે ક્યાં હતાં?’ ‘સર, એક્ચ્યુઅલી હું કર્ણાટક ગયો હતો. અપૂર્વા ત્યાંના જામખંડીની મેડિકલ કોલેજમાં બી.એ.એમ.એસ.નો અભ્યાસ કરી રહી હતી. રજાઓમાં એ અહીં આવી હતી અને હું એની ફી ભરવા ગયો હતો.’
‘અને મોહિનીજી તમે ક્યાં ગયાં હતાં?’
‘સાહેબ, હું મંદિરે ગઈ હતી. અગિયાર વાગ્યે ગઈ હતી, બાર વાગ્યે પરત આવી ત્યારે અપૂર્વા મરેલી પડી હતી’. આટલું બોલીને તેઓ રડી પડ્યાં.
‘અપૂર્વાનું કોઈ એફેર? એના દોસ્તો?’
‘ના સાહેબ! અમારી દીકરી ખૂબ સંસ્કારી હતી.’
‘તમને કોઈના પર શક છે?’
‘હા સાહેબ! એક તો કર્ણાટકની કોલેજમાં જ એનો એક ફ્રેન્ડ છે. એનું નામ ધોપલ મૌલી છે, એના પર શક છે અને બીજા છે બાબાસાહેબ જાધવ.’
‘એ બંને ક્યાં રહે છે?’
‘મૌલી ધોપલ તો મધ્યપ્રદેશ બાજુના કોઈ ગામનો છે. એ એની કોલેજમાંથી જ ખબર પડે અને બાબાસાહેબ જાધવ લાતુરના જ ઉસ્માનાબાદના ગોરબાડી ગામમાં રહે છે.’
‘એમના પર શંકાનું કારણ?’
‘સાહેબ, ખૂબ જૂની કહાની છે. બાબાસાહેબ જાદવનો દીકરો સાર્થક અહીં લાતુરમાં રહી ભણતો હતો અને અમારા વિસ્તારમાં જ રહેતો હતો, એની સાથે અમર શિંદે નામનો છોકરો પણ હતો. મારી દીકરી અપૂર્વા, સાર્થક અને અમર શિંદે સારા મિત્રો હતાં. 2012માં તેઓ આઠમા ધોરણમાં એક જ ક્લાસમાં અભ્યાસ કરતાં હતાં. ઉંમર અને અભ્યાસ વધતાં ત્રણે બારમા ધોરણ પછી અલગ થઈ ગયાં. સાર્થક એન્જિનિયરિંગના અભ્યાસ માટે ઔરંગાબાદ ચાલ્યો ગયો, અમર શિંદેએ પોલિટેક્નિકમાં એડમિશન લઈ લીધું અને અપૂર્વા મેડિકલમાં કર્ણાટક ચાલી ગઈ. પછી પણ સાર્થક અવારનવાર અપૂર્વાને મળવા માટે છેક કર્ણાટક જતો. અપૂર્વાને ખબર નહોતી કે સાર્થક એને પ્રેમ કરે છે, પણ એક વખત એ અહીં રજાઓમાં આવી ત્યારે અમર શિંદેએ એને સાર્થકના મનની વાત કરી. અપૂર્વાએ વાત ટાળી દીધી અને પાછી કર્ણાટક ચાલી ગઈ. ત્યાં એની દોસ્તી મૌલી ધોપલ સાથે થઈ. બંને વચ્ચે માત્ર દોસ્તી જ હતી, પણ આ વાત સાર્થકને ખબર પડતાં એ અપૂર્વાની કોલેજ ગયો અને એને મૌલી સાથે સંબંધ તોડી નાખવા ધમકાવી. અપૂર્વાએ અેને સાફ સાફ ના પાડી દીધી અને એના પ્રેમનો પણ અસ્વીકાર કર્યો. સાર્થક માટે એ આઘાત સહન કરવો ખૂબ અઘરો હતો. એણે ઘરે આવીને 23 જુલાઈ, 2018ના દિવસે આત્મહત્યા કરી લીધી. એના પિતા બાબાસાહેબે મારી દીકરી અપૂર્વા અને મૌલી ધોપલ સામે કેસ કર્યો. પોલીસે એ બંનેની ધરપકડ કરી અને પછી જમાનત પર છોડી પણ દીધાં. આ ઘટના પછી બાબાસાહેબ ખૂબ ગુસ્સે હતા. મને શક છે કે કદાચ તેઓએ પોતાના દીકરાની આત્મહત્યાનો બદલો લેવા મારી દીકરીની હત્યા કરાવી હોય. મને એવું સાંભળવા પણ મળ્યું હતું કે મૌલી પણ અપૂર્વાને મનોમન ચાહતો હતો. અપૂર્વાએ એના પ્રેમનો પણ અસ્વીકાર કર્યો હતો એટલે કદાચ એણે પણ આવું પગલું ભર્યું હોય. સાહેબ, અમારી દીકરી અમને બધી જ વાત કરતી હતી. આ જ હકીકત છે. તમે એ બંનેની કડપ પૂછપરછ કરો. ચોક્કસ એ બેમાંથી જ કોઈ હત્યારા હશે.’
શંકાની બીના પર ઇન્સ્પેક્ટરે તાત્કાલિક મૌલી ધોપલ અને બાબાસાહેબની ધરપકડ કરી કડક પૂછપરછ કરી. હત્યાના દિવસોમાં તેમની હાજરી, તેમના મોબાઇલની કોલ ડિટેઇલ વગેરે બધું જ ચેક કરવામાં આવ્યું, પણ એમના વિરુદ્ધ એક પણ પુરાવો મળ્યો નહીં આથી એમને છોડી મૂકવામાં આવ્યા અને એમની પાછળ ખબરીઓની ટીમ લગાવી
દેવામાં આવી.
બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની તપાસ જુદી જ દિશામાં લાગી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સુનીલ નાગર, સહાયક ઇન્સ્પેક્ટર સુનીલ રેજિતવાડ અને નામદેવ જાધવ અપૂર્વાના બંને મોબાઇલની કોલ ડિટેઇલની છાનબીન કરી રહ્યા હતા. અપૂર્વાની હત્યા થઈ હતી અગિયારથી બારની વચ્ચે. એના એક કલાક પહેલાં એના પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. એ નંબર પર ક્રાઇમ બ્રાન્ચની સૂઈ અટકી હતી. એ નંબર કોનો હતો? શું એ હત્યારો તો નહોતો ને? એ હત્યારો છે તો શા માટે હત્યા કરી? એ બધા જ પ્રશ્નોના જવાબ અને ક્રાઇમનું સનસનીખેજ સિક્રેટ આવતા અઠવાડિયે.(ક્રમશ:) {rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...