‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

‘માટીનું નૃત્ય’ માણતા રામચંદ્ર પટેલ

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

ચિત્રકલાના જાણતલ રામચંદ્ર પટેલ કવિતા, નવલિકા અને નવલકથામાં ઉત્તર ગુજરાતની સૃષ્ટિનું ચિત્રાત્મક આલેખન કરતા આવ્યા છે. અેમના લેખનને પાંચેક દાયકા થયા હશે.
મૂળ ઉમતા અને પછી પ્રોફેસર પુત્ર
ઉત્પલને કારણે હિંમતનગર સાથે વર્ષો સુધી સંકળાયેલા રહ્યા. ચાર કાવ્યસંગ્રહો, સાત નવલકથાઓ, ચાર નવલિકાસંગ્રહો અને બે નિબંધસંગ્રહો એમણે આપ્યા છે અને બીજાં બે પુસ્તક પણ ટૂંક સમયમાં પ્રગટ થવામાં છે. એમને અનેક નાનાં-મોટાં સન્માનો અને પુરસ્કારો ઉપરાંત પ્રતિષ્ઠિત કુમારચંદ્રક પણ મળ્યો છે. એમની સક્રિયતા જેટલી જ એમની વિનમ્રતા જાણીતી છે.
એમની પ્રતિનિધિ વાર્તાઓનો સંગ્રહ ‘પિછવાઈ’ વ્યાપક આવકાર પામે એવો છે. રામચંદ્ર પટેલ ઘટનાપ્રધાન લેખન કરતા નથી, પણ ચિત્રાત્મક વર્ણન અને ધરતી સાથે ઘરોબો ધરાવતાં પાત્રોના આલેખનને કારણે વાચકનો રસ ટકી રહે છે.
‘માટીનું નૃત્ય’ સને 2018માં પ્રગટ થયેલો એમનો ચોથો કાવ્યસંગ્રહ છે. પ્રકાશક ડિવાઇન. રામચંદ્રભાઈ લેખનના આરંભથી છંદોના ચાહક રહ્યા છે. ‘માટીનું નૃત્ય’ થોડીક અછાંદસ રચનાઓ બાદ કરતાં છંદોબદ્ધ કાવ્યોનો સંગ્રહ છે. એમાંય સોનેટનો કાવ્યપ્રકાર કવિને હસ્તગત છે. આ હથોટી દુર્લભ ગણાય. ચૌદ પંક્તિમાં છંદનો નિર્વાહ કરેલો અને એની છેલ્લી બે પંક્તિમાં નવો ઉન્મેષ દાખવવો - આ સર્જકકર્મ સહેલું નથી.
રામચંદ્રભાઈની ખૂબી એ છે કે માટી, પૃથ્વી, લૌકિક જગત સાથે પ્રતિબદ્ધ રહેવા છતાં એકવિધતા જાગતી નથી. માટી સાથેનો કવિનો નાભિસંબંધ માટી વિશેનાં સાત સોનેટમાં વ્યક્ત થયો છે.
‘માથું જરાક દઉં ખેતર ચાસ શેઢે’થી શરૂ કરીને બીજા સોનેટમાં પર્યાવરણ અસ્તિત્વનો ઉત્સવ બની
જાય છે:
ફોરાં પડ્યાં પલળી ભૂમિ જરાતરા, ત્યાં
માટી સમીરસમ સોડમ છોડવામાં
તલ્લીન: સીમનું થયું તળિયુંય ભીનું,
આબોહવા મઘમઘાટ, મલાર વિસ્તરે...
(પૃ. 15, માટીનું નૃત્ય)
બાળપણથી કવિએ માટીનો સ્વાદ
ચાખ્યો છે. રૂપેણ નદીની ભીની વેકૂરમાં
દેવદેરાં બનાવ્યાં છે. ધૂળ, માટી, રેત અને તળાવની ચીકણી માટી સાથે કલા અજમાવી છે. લખે છે:
‘મોટપણે ઉઘાડા પગે સીમવગડે, બીડ-ખરાબે ઢોરઢાંખર સાથે રખડવાનું બન્યું છે. આજેય ખેડેલ ખેતરની માટીમાં ખુલ્લા પગે ચાલવાનું બહુ ગમે. તેની માટી પર આડો પડીને ઊંઘ્યો પણ છું. કદીક માટી ઉપર ચત્તો પડીને, આકાશ વાંચતો, થાક ઉતારતો, શરીરઆરામ માણી લઉં છું. એ ખરી છે. મારા રોમરોમને ઝંકૃત કરી મૂકે છે.’ (માટીસ્વાદ)
- આ કેફિયતમાં લલિત નિબંધનું ગદ્ય સર્જાયું છે. એમ પણ કહી શકાય કે રામચંદ્ર કવિતા, વાર્તા કે નવલકથા લખે - કવિતા વિના એમને કળ વળતી નથી.
અહીં મોટાભાગના સંસ્કૃત છંદો પ્રયોજાયા છે. એમાંય વસંતતિલકા માટે કવિને પક્ષપાત લાગે છે.
પ્રકૃતિનું સૌંદર્ય, પૌરાણિક સંદર્ભ અને યાંત્રિક વિકરાળતા ‘બોલે ક્યહીંક’ સોનેટમાં વ્યક્ત થઈ છે. (પૃષ્ઠ-35)
‘એક કાવ્યકૃતિ’ દસ પૃષ્ઠની અછાંદસ રચના છે. એમાં કવિને વર્તમાનની બહાર નીકળવાની, પસવારવાનો આધાર લેવાની તક મળે છે.
છાપરીની છતમાંથી
ઓચિંતું
ખરરખર કરતું એક નક્ષત્ર
મારી પેટ ઉપર આવી પડ્યું.
(પૃ. 53)
સંસ્કૃત છંદોને કારણે પરંપરાગત સૃષ્ટિની નજીક શ્વસી શકાય. રામચંદ્રભાઈ અંગત, ગ્રામીણ સંદર્ભોને કારણે પરિચિત ભાવસૃષ્ટિ સર્જે છે. એમાં રહેલી એકવિધતા નડતી નથી, પ્રત્યક્ષીકરણમાં સહાયક થાય છે.
પ્રેમનાં, દાંપત્યનાં સોનેટ પણ અહીં
મોટી સંખ્યામાં છે. આ કવિનું દાંપત્ય શયનખંડમાં નહીં પણ રસ્તા પરના આત્મીય સંગાથનું છે.
જરા ચાલું:
રસ્તો બની પ્રિય તું ચાલે, અટકું તો
ફરી પાછી આવી કર પકડી દોરે... અવનવાં
સ્થળો ચીંધે: આંખો અમથી અડતાં દૃશ્ય ઊઘડે
અનોખાં, ત્યાં કોઈ નદી ચડી જતી સ્કંધ ઉપરે.
(પૃ. 72, જરા ચાલું)
‘હું’ નામની એક અછાંદસ રચનાનો અંત છે.
‘માટે છેલ્લે કહું છું
સહુને
જે પૃથ્વી હતી એ પાછી આપો.’
(પૃ. 101)
અત્યારે ગઝલ ખૂબ લખાય છે. કોઈક વળી ગીત પણ લખી નાખે છે. નોંધનીય છે કે રામચંદ્રભાઈએ અહીં એક પણ ગઝલ નથી મૂકી. લીલા દુકાળમાં ઉમેરો નથી કર્યો એ પણ નોંધપાત્ર ઘટના છે.

x
રદ કરો

કલમ

TOP