સાહિત્યવિશેષ- રઘુવીર ચૌધરી / અનુ-આધુનિકતાવાદનો અંત આવી ગયો છે?

article by raghuvir chaudhari

Divyabhaskar.com

Jan 06, 2020, 05:32 PM IST
સાહિત્યવિશેષ- રઘુવીર ચૌધરી
ડો. અવધેશકુમાર સિંહ (1960-2019) ભારતના એક મોટા સાહિત્યચિંતક થઇ ગયા. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આયોજકોએ એમની વંદના કરવા એક બેઠક ફાળવી હતી. શ્યામ પારેખ, જુમાના શાહ, અનુપા અને મુકુંદભાઇએ પ્રો. સિંહના માનવીય અભિગમ અને વિદ્વત્તાની વાત કરી.
અવધેશકુમારજી મધ્ય પ્રદેશની વિક્રમ યુનિ.માં અંગ્રેજીના અધ્યાપક હતા ત્યારે પ્રો. મહાવીરસિંહ ચૌહાણના પરિવારે એમને શોધી કાઢ્યા. મોટી પુત્રી કિરણ સાથે લગ્ન થયાં. કિરણે મારા માર્ગદર્શનમાં સમીક્ષક નામવરસિંહ વિશે પીએચ.ડી. કર્યું. બધાં ત્રિભાષી. હિન્દીના બહુ ઓછા અધ્યાપકો ગુજરાતીમાં બોલે, પણ મહાવીરસિંહજી અને અવધેશકુમાર ગુજરાતી બોલે, એટલું જ નહીં, ગુજરાતી સાહિત્ય વિશે લખે પણ ખરા. દૃષ્ટાંત રૂપ ભારતીય પરિવાર.
અવધેશકુમાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાયા. અંગ્રેજીના અધ્યયન સાથે તુલનાત્મક સાહિત્ય અને અનુવાદ વિજ્ઞાન વિશે નોંધપાત્ર કામ કર્યું. વિવિધ પરિસંવાદો અને સત્રો યોજાતા, એમાં દેશના વરિષ્ઠ સર્જકો અને સાહિત્યચિંતકો આવે. સને 2006થી 2009 દરમિયાન બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ તરીકે અવધેશકુમારે જવાબદારી સંભાળી.
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના એ સંસ્થાપક સંયોજક હતા, વર્ષ 2010-11. એ પછી દિલ્હીના ઇન્દિરા ગાંધી મુક્ત વિશ્વવિદ્યાલયમાં અનુવાદ-અધ્યયન અને પ્રશિક્ષણ કેન્દ્રના નિયામક તરીકે 2014 સુધી કાર્યરત રહ્યા. પછી સુરતની ઓરો યુનિ.ના કુલપતિ બન્યા. એ દરમિયાન પૂર્વ ભારતમાં પ્રવચન આપવા ગયેલા ત્યાં હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું. અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી અભ્યાસીઓને ભારે આઘાત લાગ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢ અધિવેશનમાં ભાષા-સાહિત્યના વર્તમાન અને ભાવિ વિશે એમનું અધ્યક્ષીય પ્રવચન યાદગાર નીવડ્યું. એ વૈશ્વિક સંદર્ભો સાથે ભારતીય પરિસ્થિતિની વાત કરતા.
સને 2016માં એમનું પુસ્તક ‘સમકાલીન આલોચના વિમર્શ’ પ્રગટ થયું. અહીં ભારતીય અને પાશ્ચાત્ય સમીક્ષાનો સથવારો છે. સાત અધ્યાયમાં વહેંચાયેલા આ પુસ્તકનો પાંચમો અધ્યાય છે: ‘ઉત્તર-આધુનિકતાવાદ કી મૃત્યુ ઔર પર આધુનિકતાવાદ.’
ફ્રાન્સના કલા-વિવેચક અને સર્જક નિકોલસ બૂરિઆએ હેટ આર્ટ ગેલેરીમાં 2009માં પ્રયોગ કર્યા અને એ પછી ઘોષણાપત્ર રજૂ કર્યું: અનુ-આધુનિકતાવાદનું હવે અસ્તિત્વ નથી રહેતું અને એનું સ્થાન લે છે પર-આધુનિકતાવાદ. આલ્ટર મોડર્નિઝમ. વૈકલ્પિક આધુનિકતાવાદને બદલે પર-આધુનિકતાવાદ કહેવાનું કારણ શું? વૈકલ્પિકમાં તો એક છે એનો વિકલ્પ આપવાનો છે, જ્યારે અહીં વાત ‘અન્ય’ની કરવાની છે. એનું પૂર્વ અસ્તિત્વ ન હોય અને એ પ્રગટ થાય. અહીં સ્થળ-કાળ ગૌણ બને છે.
ગુજરાતના ગ્રામવિસ્તારમાં નિર્મૂળી નામની પીળા રંગની વેલ વક્ષો પર જોવા મળે છે. એને ત્યાંથી તોડી-ઉપાડીને બીજા વૃક્ષ પર મૂકો તો એ ત્યાં જીવી જશે, ચોંટીને વિકસશે. કેટલાક નિર્મૂળીને ‘અમરવેલ’ પણ કહે છે, પણ મૂળ વાત મૂળની છે, મૂળ ન હોય તોય જે હોઇ શકે.
બૂરિઆએ ‘રેન્ડિકેન્ટ’(2009)માં આની ચર્ચા કરતાં ઉપર્યુક્ત નિર્મૂળી જેવા રેન્ડિકેન્ટ છોડ સાથે આજના સર્જક-કલાકારને સરખાવ્યો છે. નિશ્ચિત સ્થાન સાથે બંધાયા વગર રખડું જીવની જેમ એ પ્રવર્તે છે. એ વૈશ્વિક પરિવેશમાં કામ કરે છે. વિચારોનો સ્વતંત્ર પ્રવાહ પેદા કરે છે. જેને એ વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો અને સર્જકો સાથે પોતાના વિચારો અને રચનાકાર્ય દ્વારા વહેંચાય છે. આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન અને સ્પર્ધાઓમાં ભાગ લે છે. એ પોતાનાં મૂળિયાંને ક્ષતી પહોંચાડ્યા વિના, એમનાથી અલગ થઇને એકસાથે ક્રમિક રીતે વ્યક્તિગત મૂળિયાંથી સર્જનાત્મક અસ્તિત્વ ટકાવી રાખે છે. પહેલાં કલાકારોની શોધ પોતાનાં મૂળિયાં-મૂળ સ્થાન પર પાછા આવવાની રહેતી. નવો રેન્ડિકેન્ટ કલાકાર સડકના રસ્તે જોડાય છે અને પાછા ફરવાના કોઇ સ્થાનના અભાવે એ ચાલતો રહે છે. એના બ્રહ્માંડમાં નથી તો કોઇ મૂળ, નથી કોઇ અંત. (જુઓ પૃ. 128, સ. આ.વિમર્શ)
પ્રો. સિંહે પર-આધુનિકતાવાદ પૂર્વેની ચાર મુખ્ય વિચારણાની પણ ચર્ચા કરી છે, જે મુખ્યત્વે પશ્ચિમની છે: 1. તત્ત્વમિમાંસક-મેટાફિઝિકલ ચિંતકો, મુખ્યત્વે ગ્રીક ચિંતકો. 2. ધર્મશાસ્ત્રીય-થિયોલોજિકલ ચિંતકો અને પ્રચારકો, જેવું વરવું પરિણામ આવ્યું-સ્વર્ગમાં જવાના પરવાના આપનારાઓનું પ્રભુત્વ. 3. આધુનિકતાવાદી ચિંતક-વીસમી સદીના પૂર્વાર્ધમાં એનો પ્રભાવ દૃઢ થયો. સંદેહવાદ, સિનિસિમમ, નિહિલિઝમ, અસ્તવ્યસ્તતા-કન્ફ્યુઝન. 4. અનુ-આધુનિકતાવાદ-પૂર્વેની નકારાત્મકતામાંથી મુક્ત થઇ વિષયવસ્તુ અને વિચારની ક્ષિતિજો વિસ્તારી પ્રો. સિંહે આ મુદ્દાની ચર્ચા કરીને તારવ્યું છે: અહીં નવકૃતિ કેન્દ્રીયતા અને નવપાઠવાદ ઉપસી આવે છે: નાકને સીધેસીધું પકડવાને બદલે હાથ ફેરવીને પકડવા જેવી આ વાત છે. બીજી કેટલીક વિચારણા પણ ધ્યાન ખેંચે છે.
X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી