સાહિત્ય વિશેષ / વ્રજની વિરહભૂમિ, કૃષ્ણની વિહારભૂમિ ઉદ્ધવની નજરે

ઉદ્ધવજીએ કહેલી કૃષ્ણકથા એના અસલ સ્વરૂપમાં કહેવાતી હોય એવી રચનારીતિ લેખક ભાણદેવજીએ પસંદ કરી છે

રઘુવીર ચૌધરી

May 20, 2019, 05:17 PM IST

ભાણદેવજી અધ્યાપક હતા, યોગ અને ધર્મ-અધ્યાત્મ ભણી વળ્યા. પછી પ્રવાસી અને લેખક થયા. એમનાં 134 પુસ્તકોમાં અગિયાર જેટલાં હિમાલય વિશેનાં છે. આ એમનું અનન્ય પ્રદાન છે. એમના વિશે ઉષાબહેન ત્રિવેદીએ પુસ્તક લખ્યું છે: ‘અધ્યાત્મમાર્ગના યાત્રી ભાણદેવજી.’ તાજેતરમાં ભાણદેવજીનું પુસ્તક ‘હિમાલયમાં ઉદ્ધવજીની કૃષ્ણકથા’ પ્રગટ થયું છે. આ દળદાર પુસ્તક ગૂર્જરે પ્રગટ કર્યું છે. ભાણદેવજીનાં પુસ્તકો શૈક્ષણિક મહત્ત્વ ધરાવે છે અને પૌરાણિક સૃષ્ટિમાં શ્રદ્ધા ધરાવતા વાચકોને ગમે છે.
ઉદ્ધવજીએ કહેલી કૃષ્ણકથા એના અસલ સ્વરૂપમાં કહેવાતી હોય એવી રચનારીતિ લેખકે પસંદ કરી છે. અહીં કથા પણ છે અને કથાવિમર્શ પણ છે.
ભાણદેવજી અવતારમાં માને છે. આ માન્યતા એમણે આઠ મુદ્દામાં રજૂ કરી છે. ચોથો મુદ્દો છે: માનવચેતનાના ઊર્ધ્વીકરણની મહાન પ્રક્રિયામાં એક નવું સોપાન સિદ્ધ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. આઠમો મુદ્દો છે: ‘પૃથ્વી પર કોઇ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે.’
ભગવાન સાથે એમની મંડળી પણ પૃથ્વી પર આવે છે. વ્યાસજી ઉદ્ધવજીને કૃષ્ણકથા કહેવા સૂચવે છે: ઉદ્ધવજી પણ શ્રીકૃષ્ણના વંશમાં જન્મ્યા છે. વંશના પરિચયથી આરંભ કરે છે. અહીં ચમત્કારિક લાગે એ પણ વાસ્તવિક બનાવીને રજૂ કર્યું છે. ‘હવે દેવકીજીના સાતમા ગર્ભમાં ભગવાનના અંશ સ્વરૂપ શ્રીશેષજી પધાર્યા. ભગવાન દેવકીજીને વ્રજમાં જઇ રોહિણીજીના ગર્ભમાં બલરામને સ્થાપિત કરવા સૂચવે છે એમ થાય છે.’ હવે માનવજાતના ઉદ્ધારનો સમય આવ્યો! (પૃ. 27)
આ પછી ઉદ્ધવજીની કૃષ્ણકથા શરૂ થાય છે. ચોપ્પનમા પ્રકરણમાં સમાપન છે.
ગુજરાતીમાં પોતપોતાના દૃષ્ટિબિંદુથી કૃષ્ણચરિત્રના અંશો પસંદ કરીને નવલકથાઓ લખાઇ છે. એમાં હરીન્દ્ર દવે કૃત ‘માધવ ક્યાંય નથી’ અને કાજલ ઓઝા વૈદ્ય લિખિત ‘કૃષ્ણાયન’ની અનેક આવૃત્તિઓ થઇ છે. કનૈયાલાલ મુનશી અને પન્નાલાલે સમગ્ર કૃષ્ણચરિત્ર વિસ્તારથી રજૂ કર્યું છે, એ પણ લોકપ્રિય છે. ભાણદેવજી અહીં મૂળ પૌરાણિક સંદર્ભોને સાંકળીને કૃષ્ણલીલાનો મર્મ સમજાવે છે. જરૂર લાગી ત્યાં વિવેચન પણ કરે છે. શ્રીમદ્ ભાગવતમાં રાધાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ જે ગોપી સાથે શ્રીકૃષ્ણ એકાંતમાં ચાલ્યા ગયા એ ગોપી રાધા જ છે એમ ભાણદેવજી તારવે છે: ભાગવતમાં રાધાજીનો સ્પષ્ટ ઉલ્લેખ છે, પરંતુ સ્પષ્ટ નામોલ્લેખ નથી. (પૃ. 204)
વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લોક મૂક્યા છે. સમયને ઉપર તળે કર્યો છે, બંસી વગાડવા અંગેનો પ્રસંગ સો વર્ષ પછી બને છે એવું વર્ણન કર્યું છે.
પ્રકરણ 30 ‘વાણીના અધિપતિનું વક્તવ્ય’માં ઉદ્યોગપર્વના અધ્યાય 9ના 63 શ્લોકનું ભાણદેવજીએ વિવરણ આપ્યું છે. આ પ્રકારના લેખમાં સામાન્ય વાચકો કરતાં અભ્યાસીઓને વધુ રસ પડે. ભગવાનના વક્તવ્યનું બાર મુદ્દામાં વિહંગાવલોકન પણ કર્યું છે. પ્રકરણ 32- ‘શ્રીકૃષ્ણનું સત્ય’માં દેખીતી રીતે અસત્ય લાગતાં વચનનો મર્મ સમજાવ્યો છે. ‘પાંડવ પક્ષનો વિજય તે સત્યનો વિજય છે અને ભગવાન સત્યની પ્રતિષ્ઠા માટે દૃઢપ્રતિજ્ઞ છે.’ (પૃ. 323)
પ્રકરણ 51- ‘ઉદ્ધવજી અને વિદુરજી’ યુદ્ધ રોકવા માટેના વિદુરજીના પ્રયત્નોની વાત કરીને વિદુરજી ભારતવર્ષનાં તીર્થોની યાત્રા કરવા નીકળે છે એનો ઉલ્લેખ છે. ઉદ્ધવજી અને વિદુરજી અંતે મળે છે. સ્થળ છે યમુના કિનારે શ્રીકૃષ્ણની લીલાસ્થળી. વિદુરજી શ્રીકૃષ્ણ અને સમગ્ર પરિવારના ક્ષેમકુશળ પૂછે છે પછી ઉદ્ધવજી વિદુરજીને કૃષ્ણકથા કહે છે. એના પચાસ જેટલા મુદ્દા લેખકે નોંધ્યા છે. દ્રૌપદી વસ્ત્રહરણનાં આધુનિક લેખકોએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યાં છે. દર્શકે લખેલા એકાંકીમાં ‘હરણ’ને બદલે આવરણ છે. રાજસભાની બધી સન્નારીઓ દ્રૌપદી પર વસ્ત્ર વરસાવે છે. ભાણદેવજીની આ અંગે આ પ્રમાણે નોંધ છે:
‘ઉદ્ધવજીએ વિદુરજીને દ્રૌપદી વસ્ત્રહરણની અને દ્રૌપદીના પરિત્રાણની કથા કહી.’ (424)
રુક્મિણીની ઇચ્છા છે રાધાજીને દ્વારકા બોલાવવાની. કોણ લેવા જાય? બધા વિકલ્પોની ચર્ચા પછી રુક્મિણી કહે છે: ‘આપ જાઓ. જો શ્રીકૃષ્ણ વૃંદાવનમાં જાય તો પછી સદેહે બહાર નીકળી ન શકે. સુરદાસજીએ ભલે ગાયું હોય ‘રાધા-માધવ ભેટ ભઇ’ પણ ભાણદેવજી ‘હું આવીશ હું આવીશ’ એ વચનમાં કૃષ્ણલીલાનો મર્મ સૂચવવા માગે છે. ઉદ્ધવજીના સૂચનના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે.
‘ઉદ્ધવજી! જો હું વૃંદાવનવાસીઓને કહી દઉં, ‘હું વૃંદાવન આવીશ નહીં, તો તે જ ક્ષણે તેમનાં શરીર ટપોટપ પડી જશે, ‘હું આવીશ’ આ સંદેશને આધારે, આ આશ્વાસનના આધારે તેમનાં શરીર ટકી રહ્યાં છે.’ (પૃ. 378)
હિમાલયમાં ઉદ્ધવજી દ્વારા કહેવાયેલી આ કૃષ્ણકથા ભાગવત-મહાભારતનો આધાર લે છે, પણ લેખક કહે છે તેમ એમને સૌથી મોટાે આધાર ભગવાન શ્રીકૃષ્ણનો છે. તેમણે લખાવ્યું તેમ લખ્યું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી