મસ્તી-અમસ્તી / આઈપીએલ ધનશંકરની નજરે!

IPL spot-fixing!

‘દર્શકોને હૃદયરોગનો હુમલો ન આવે તે માટે પરિણામ પહેલેથી નક્કી કરવાની ઉદાત્ત ભાવનાને ફલશ્રુતિનિયતિકરણ(મેચ ફિક્સિંગ) કહી શકાય.’

રઈશ મનીઆર

May 20, 2019, 05:23 PM IST

‘વર્તમાન આઈપીએલ મેં સંપૂર્ણ જોઈ.’ ધનશંકર સાંધ્યસભામાં બોલ્યા, ‘હવે ધોકાદડાની રમત(ક્રિકેટ)નું જ્ઞાન વધતાં વિશ્વપ્યાલામાં (વર્લ્ડકપમાં) દોડતું શ્રાવ્યવર્ણન(રનિંગ કોમેન્ટ્રી) આપવા વિચારું છું.’
‘તમે અને ક્રિકેટ? આ તો ઔરંગઝેબ અને સંગીત જેવું કોમ્બિનેશન થયું!’ મેં કહ્યું.
‘આધુનિક પ્રવાહો સાથે કદમ મિલાવવા એ આર્ય નરનું લક્ષણ છે!’ ધનશંકરે સ્મિત રેલાવ્યું, એનો રેલો બાબુ બાટલી સુધી ગયો, ‘હું વાટ કરે? ટમને નાડું બી હરખું બાંધતા ની આવડે ને તમને પાવર-પ્લે, સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ, સુપરઓવર, પર્પલકેપ આ બઢામાં હું ઢૂળ ખબર પડે? બે હવાલ પૂછું તો પાયજામો પલળી જહે!’
‘આપ પ્રશ્નોત્તરી કરી મારું જ્ઞાન ચકાસી શકો છો!’ ધનશંકરે પડકાર ઝીલ્યો.
બાબુ : આઈપીએલનો મટલબ?
ધનશંકર : ભારતીય વિશેષ સંગઠન.
બાબુ : આઈપીએલની મેચ પે’લાના માહોલનું વર્નન કરો!
ધનશંકર : પહેલાંના સમયમાં વિદૂષકો જનાવરોના ખેલ ક્રીડાંગણમાં(સરકસમાં) જેવાં વસ્ત્રો પહેરતાં એવા ભિન્ન રંગનાં ભડક વસ્ત્રો પહેરી બે જૂથ ક્રીડાંગણમાં ઊતરે છે. એમને જોવા આવેલા કીડિયારાને કારણે ક્રીડાંગણ કીડાંગણ સમું ભાસે છે.
પ્રેરણા : પપ્પા! તમે પેલી ‘આનંદીકન્યાઓ’ને (ચિયર ગર્લ્સને) તો ભૂલી જ ગયા!
ધનશંકર : એમને કેમ ભુલાય, પણ આ તો આચારસંહિતા!
બાબુ : ક્રિકેટમાં ટપ્પો પડતાં ટમને કેટલો ટાઈમ લાયગો?
ધનશંકર : શરૂમાં ચારેક ઋતુ (સિઝન) તો હું નેત્રસહાયક(ચશ્માં) વગર જોતો હતો. તેથી મને આ સાવ વ્યર્થ વ્યાયામ લાગતો. એક વ્યક્તિ દોડીને જમણો હાથ ફેરવે, એટલે એની સામે ઊભેલો એના હાથમાં રહેલો ધોકો વીંઝે અને પછી બિલ્લીપગે આગળ વધી રહેલા દસ જણામાંથી કોઈ એકાદ કારણ વગર દોડે અને દોરડા પાસે જઈ કાદવ ન હોવા છતાં લપસે. છેક પાંચમાં વરસે ખ્યાલ આવ્યો કે આ રમતમાં એક દાડમ જેવો દડો પણ હોય છે, જે મારી ઉંમરનાને નેત્રસહાયક પહેરવાથી જ દેખાય!
હસુભાઈ : ટૂંકમાં, તમારા મતે ક્રિકેટ એટલે દાડમ જેવા દડાની આસપાસની દોડધામ!
ધનશંકર : આના કરતાં પગદડાની (ફૂટબોલની) રમતમાં દડો તડબૂચ જેવડો હોવાથી સરળતાથી દૃશ્યમાન હોય છે.
બાબુ : ક્રિકેટની રમટનું શોટ(શોર્ટ)માં ટૂંકું વર્નન કરો.
હસુભાઈ : માસ્તરની તો શોર્ટનોટ પણ લાંબી જ હશે.
ધનશંકર : એક દડાબાજની સામે ધોકાબાજ અને એની પાછળ એક કાષ્ઠરક્ષક(વિકેટકીપર) સીધી લીટીમાં હોય છે. બે રમતનિયંતા(અેમ્પાયર) પણ હોય છે. સહુ દડાની નજીક જવા માગે, એ બન્ને બે દડાથી દૂર ભાગે. આટલા વરસોના સૂક્ષ્મ નિરીક્ષણ પછી મને એ બોધ પ્રાપ્ત થયો છે કે દડો કાષ્ઠને ગબડાવી દે તો દડાબાજ માટે સહુ તાળી પાડે છે અને દડો ધોકા સાથે અથડાઈ ગમે તે અણધારી દિશામાં દૂર પરાવર્તિત થાય તો ધોકેબાજ માટે સહુ તાળી પાડે. કયા રંગનાં વસ્ત્રોવાળા પ્રેક્ષકો તાળી પાડે છે એ ધ્યાનથી જોઈએ, તો શું બન્યું એનો ખ્યાલ જલદી આવે છે.
બાબુ : બસ, બસ! રે’વા ડેવ! આમાં ને આમાં ટો મારો બઢો નશો ઉટરી જહે!
ધનશંકર(હવે અટકી શકે એમ નથી) : આ ખેલમાં મુખ્ય વસ્તુ દોડપ્રાપ્તિસંખ્યા(રન)નો સરવાળો છે. એ રીતે સૌથી મહત્ત્વનું કામ ગણકનું છે. છતાં ગણકને વધુ મહેનત કરાવનાર પ્રાણીને ‘મુકાબલાનો મનુષ્ય’(મેન ઓફ ધ મેચ) શા માટે કહેવામાં આવે છે, એ સમજવા મારી વિદ્વત્તા ઓછી પડે છે.
બાબુ : પ્રોફેસર! સિક્સર-બિક્સરમાં હમજ પડે કે?
ધનશંકર : મને ‘ષટક’(શતક નહીં, સિક્સર!) સર્વથા નિંદનીય લાગે છે. પ્રસ્વેદ પાડી દોડીને એકઠી કરેલી એકલદોકલ દોડપ્રાપ્તિસંખ્યા(રન) કરતાં દડાને હવામાં અધ્ધર ઉછાળી, ખૂબ દૂર મોકલી દડો ખોઈ નાખવાની શક્યતા ઊભી કરનાર અરાજકને વગર દોડ્યે છ જેટલી દોડપ્રાપ્તિસંખ્યા(રન) મળે છે; એ ક્યાંનો ન્યાય? વળી, આવા ફટકા પર સહુ ‘છક્કો છક્કો’ કહી ગાલિપ્રદાન કરે છે, છતાં ફટકેબાજ ખુશ થઈ ધોકો હવામાં હલાવી આ અપમાનનો સ્વીકાર કરે છે.
બાબુ : આઉટ કેવી રીતે થવાય?
ધનશંકર (હસીને) – મદિરા પીને તમે ‘આઉટ’ થઈ જાઓ છો એના કરતાં આમાં ભિન્ન રીતે ‘આઉટ’ થવાય. મદિરાથી ‘આઉટ’ થનાર પ્રસન્ન હોય, જ્યારે દડાથી ‘આઉટ’ થનાર વિષાદ અનુભવીને વિદાય થાય! વિદાય થનારના
હોઠ ધ્યાનથી વાંચો તો તમને સુરતી ભાષા પણ વંચાઈ શકે.
ખેલબાહ્ય(આઉટ) થવાની બે મુખ્ય રીતો વર્ણવું. એક કાષ્ઠનું પતન થવાથી! પણ મને એ સમજાતું નથી કે કાષ્ઠની પાછળ પગે ગાભાગોદડી પહેરી ઊભેલ ડાકલા જેવો શખ્સ કાષ્ઠરક્ષક કહેવાતો હોવા છતાં એ કાષ્ઠનું પતન થવાથી આનંદિત થઈ કૂદવા કેમ માંડે છે?
ખેલબાહ્ય થવાની બીજી રીત. આ રમતમાં એ વિનયી ફટકાબાજને સન્માન મળતું નથી જે દડાને જમીનદોસ્ત કર્યા વગર સજ્જનતાપૂર્વક સીધો ક્ષેત્રરક્ષકના હાથમાં સાચા સરનામે મોકલે છે. કોઈ અગમ્ય કારણસર એ વીલા મોઢે પાછો ફરે છે અને રમતનિયંતા આંગળી ઊંચી કરી ‘આ અન્યાય
માટે ઈશ્વર જવાબદાર છે’ એવી ભાવહીન કબૂલાત કરે છે.
બાબુ : ક્રિકેટની ખરી મજા શું?
ધનશંકર : કહેવાય છે કે પરિણામની અનિશ્ચિતતા જ આ રમતની ખરી મજા છે, પણ મુકાબલાનું પરિણામ અણધાર્યું આવવાથી ઘણા દર્શકોને હૃદયરોગનો હુમલો આવે છે. આવું ન બને તે માટે પરિણામ પહેલાંથી નક્કી કરી રાખવું જોઈએ. આ ઉદાત્ત ભાવનાને ફલશ્રુતિનિયતિકરણ(મેચ ફિક્સિંગ) કહી શકાય.
ઈન્ટરવ્યૂને અંતે પાકી ગયેલા બાબુ બાટલીએ સુરતી ભાષામાં ધનશંકરના ક્રિકેટજ્ઞાનની પ્રશંસા કરી.
ધનશંકર બોલી ઊઠ્યા, ‘આમ દુર્જન-ભાષા(સ્લેજિંગ)નો પ્રયોગ ન કરો!’ ⬛
[email protected]

X
IPL spot-fixing!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી