વ્યવસાયે તબીબ હોવા ઉપરાંત ગીત, ગઝલ, હાસ્ય, નાટ્યલેખન જેવા વિવિધ લેખનપ્રકારોમાં એમણે સફળ ખેડાણ કર્યું છે.

એક ગુમાવેલી સ્ત્રી અને છત્રીની કવિતા

  • પ્રકાશન તારીખ12 Aug 2019
  •  

મસ્તી-અમસ્તી- રઈશ મનીઆર
​​​​​​​ઈથોપિયામાં વરસાદ ન પડવાને કારણે ભૂખમરો આવશે, એની ચિંતામાં હું મેથીના ગોટા ખાઈ રહ્યો હતો. ત્યાં જ વાયવ્યના કમોસમી પવનોની જેમ હસુભાઈ હાથમાં જૂની છત્રી લઈ ટપક્યા. હું મોં છુપાવવા સામે પડેલું ‘કાલિદાસ’નું મેઘદૂત ખોલી વાંચવા લાગ્યો, પણ નાની પ્રતિકૂળતાથી હસુભાઈ ડગતા નથી, સામા ડગ ભરે છે.
‘છત્રી સંધાવવા કોઈ કારીગર શોધવા ગયો હતો.’ એમણે છત્રીના છિદ્રમાંથી મારી સાથે નજર મેળવીને કહ્યું.
‘આ છત્રીની ઉંમર જેટલી લાંબી કારકિર્દીવાળા કારીગરો હવે ક્યાંથી મળે?’
મારા હાથમાં ‘મેઘદૂત’ જોઈ હસુભાઈ સળવળ્યા, ‘અમને પણ આપો ને, ક્યારેક કોઈ સારી બુક વાંચવા!’
મેં કહ્યું, ‘આ બુક નથી, પુસ્તક છે, સંસ્કૃતમાં છે!’
‘કાલિદાસ’ની બાજુમાં ‘હરિવંશરાય’ પડ્યા હતા, એ ઉઠાવીને બોલ્યા, ‘આ પણ સંસ્કૃતમાં છે?’
‘ના! એ બચ્ચનકૃત ‘મધુશાલા’ છે! મધુશાલા એટલે શું ખબર છે?’
‘કવિ મધુભાઈના સાળા હશે! અથવા મધુભાઈ કવિના સાળા હશે!’ હું કંઈ સમજુ એ પહેલાં એ ‘તેજી’થી ‘બચ્ચન’નું પુસ્તક લઈ ગયા.
‘પાછું આપી જજો!’
‘આ પુસ્તક ચોરવાની નહીં, છત્રી ચોરવાની મોસમ છે!’ એમ કહી બહાર પડેલી છત્રીઓમાંથી એક છત્રી પણ લેતા ગયા. ભંગારમાં જ કાઢવાની હોવાથી મેં આ ઉઠાંતરીનો વિરોધ ન નોંધાવ્યો.
એ શાહુકારીથી બોલ્યા, ‘ચોમાસા પછી પાછી આપી જઈશ.’
છત્રી તો એમણે રાખી લીધી, પણ બીજા દિવસે હરિવંશરાયનો કાવ્યસંગ્રહ પરત કરી ગયા.
મેં કહ્યું, ‘બસ?’
એ બોલ્યા, ‘ફોરમ રાખી લીધી, ફૂલ પરત કર્યું.’
‘એટલે?’
‘બચ્ચનજીની સ્ટાઈલ આત્મસાત્ કરીને મેં એક કવિતા લખી છે. સંભળાવું?’
હસુભાઈ ‘સંભળાવુ?’ કહે પછી ‘ના’ કહેવા માટે મિલિસેકન્ડ જેટલો પણ સમય આપતા નથી.
‘તમને યાદ છે મારી ‘વર્ષા’ નામની એક પ્રેમિકા હતી?’
‘જે વર્ષો પહેલાં તમારી છત્રી લઈને ભાગી ગયેલી એ?’
‘હા એ જ. મેં આજે હરિવંશરાયજીની સ્ટાઈલમાં કવિતા લખી છે એના વિરહમાં!’
‘કોના? છોકરીના વિરહમાં?’
‘ના, છત્રીના વિરહમાં..!’
‘તો ઠીક! મને થયું જ કે તમારા જેવો વેપારી બુદ્ધિનો માણસ છોકરીના વિરહમાં કવિતા લખવા જેટલો સમય ન બગાડે!’
પછી કવિ હસુવંશરાય ‘અડચને’ છત્રીવિરહની આ કવિતા સંભળાવી.
कैसे तोडूं अब यादों का नाता?
आज भी बारिस का मौसम जब छाता,
एक दिन भी याद किये बिन नहीं जाता,
प्रियवर! क्यूं ले गये तुम मेरा छाता?
प्रियवर! क्यूं ले गये तुम मेरा छाता?
जब से ले गये तुम छाता,
बाहर नहीं मैं जा पाता,
घर में जी गभराता,
पिता चिल्लाये, मिमियाये माता,
भिग रहे सब भगिनी-भ्राता,
चैन नहीं है मेरे चित्त को, नहीं है मन को शाता,
जब से ले गये तुम छाता।
प्रेमिका का लगा था ताता,
पर मेरा एकमात्र था छाता,
न सिर्फ बारिस से वो बचाता,
लेनदार से मुंह छुपाता,
जब कुत्ते का सामना हो तो काम भी आता,
और डरती थी इस से गौमाता,
बिन छाते के हम... जैसे फोन विआऊट ‘डाटा’,
है जीवन में सन्नाटा,
सहा नहीं है जाता, अब उठा ही ले तू विधाता,
जब से ले गये तुम छाता।
अब व्याकुल हूं, हरदम नीर बहाता,
अगर जीतते राहुल, तो मुस्काता,
कम से कम बेरोजगारी का भथ्था तो पाता,
खरीद पाता नया ‘जवाहर’ छाता,
अब न हमारा एटीएम, ना ही बेंक में खाता,
ढूंढ रहा हूं मिल जाये कोई दीन-दयालु-दाता,
जो दिलवा दे छाता, फिर हो जाउं मदमाता,
जब से ले गये तुम छाता।
किस्मत ऐसी कहां कि अपनी कमाई से छाता लाता,
हम गरीब के पास ये छाता ऐसे ही कब आता?
किसी जगह से जो मैं खुद न इसे चुराता!
जब सोचूं तो अपनी कुशलता का खयाल दिल में आता,
मन भर आता,
जब से ले गये तुम छाता।
प्रियवर! क्यूं ले गये तुम मेरा छाता?
अगर कोई मांग के ले जाता,
तो मैं खुशी से बनता दाता,
तेरे बाप को अगर काम ये आता,
तो अपने मन को मनाता,
जब लेके फिरता इसे तुम्हारा जीवनदाता,
अपनी कमाई का जो नहीं, तो अपने जमाई का छाता!
तब दर्द से ये दिल ऐसे न भर आता,
पर तुमने है दुकान खोली, कल कोई था बताता,
कहते हैं कि लिखा बोर्ड पर,
यहां मिलेगा हर वेराइटी का छाता।
प्रियवर कितनों का आंगन तुमने हाये उजाडा,
हे दु:खदाता!
गिनती उसकी मैं कर नहीं पाता,
बहती आंखों से गंगामाता,
जब से ले गये तुम छाता...
प्रियवर! क्यूं ले गये तुम मेरा छाता?
હું બોલ્યો, ‘વાહ!’
‘આમ કોરું ‘વાહ’ નહીં ચાલે. કવિતા ગમી હોય તો બક્ષિસ આપો!’
‘બોલો શું જોઈએ? સુંદર નવી છત્રી કે સુંદર નવી સ્ત્રી?’
હસુભાઈ વિકલ્પો વિશે વિચારે એ પહેલાં અડચણ આવી, હેમાબહેન કપડાં સૂકવવા બાલ્કનીમાં ડોકાયાં. ‘જાઓ! એમને મદદ કરો નહીં તો તમને તડકે મૂકી દેશે!’
‘બંને જૂની જ સારી!’ કહી કવિ હસુવંશરાય ‘અડચન’ ભાગ્યા.
[email protected]

x
રદ કરો

કલમ

TOP