રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / સાંભળવાની ધીરજ ન હોય તો મુશ્કેલીઓ શરૂ થઇ જાય

article by pundit vijayshankarmehta

Divyabhaskar.com

Jan 02, 2020, 06:41 PM IST
રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
શ્રીરામની સમજદારી સાથે લઇને અંગદ સીધો રાવણના મહેલમાં પહોંચ્યો. અંગદ પહોંચ્યો એ પહેલા મંદોદરીએ પતિ રાવણને વધુ એક વાર સમજાવવાનો પ્રયાસ કર્યો. જુઓ, દુર્ગુણો દૂર કરવામાં પતિ-પત્નીનો સંબંધ મહત્ત્તવની ભૂમિકા ભજવે છે. સમગ્ર પરિવારના કેન્દ્રમાં પતિ-પત્ની હોય છે. આ સંબંધમાં પ્રેમ હોય છે, તાણ હોય છે, જુદાઇ અને મિલન પણ હોય છે.
મનોવૈજ્ઞાનિકો પતિ-પત્ની વચ્ચે ઊભી થતી માનસિક તાણનાં ચાર કારણો જણાવે છે. આ ચાર કારણો રાવણ અને મંદોદરી વચ્ચે પણ હતાં. પહેલી બાબત પતિ-પત્નીના સંબંધમાં અપેક્ષાઓ હોય છે. આ સંબંધ અપેક્ષાના આધાર પર ટકેલો રહે છે. જેટલી અપેક્ષા પોતાના જીવનસાથી પાસેથી રાખવામાં આવે છે એટલી અપેક્ષા બીજા કોઇ પાસેથી રાખવામાં આવતી નથી. આ અપેક્ષા પ્રેમપૂર્વક પૂરી થાય છે. પણ રાવણ પ્રેમની ભાષા સમજતો જ નહોતો.
પતિ-પત્ની વચ્ચેની માનસિક તાણનું એક મોટું કારણ સાંભળવામાં ગરબડ છે. સાંભળવાની બાબતે બંને થોડાં નબળાં હોય છે. એકબીજાની વાત સાંભળતા આવડી જાય તો દાંપત્યજીવનમાં શાંતિ જળવાઇ રહે છે. સાંભળવાની ફાવટ ધીરજ ધરવાથી આવે છે. ધીરજપૂર્વક સાંભળવાની ફાવટ ન હોય તો જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થાય છે. ત્રીજી બાબત એ કે દુનિયામાં જીવનસાથીની નબળાઇ માત્ર જીવનસાથી જ જાણે છે. કોઇ મોટી હસ્તી કે પ્રતિષ્ઠિત વ્યક્તિ ભલે હોય, માણસ પોતાની મર્યાદા બીજા લોકો પાસે છુપાવે છે. લોકોને તેની મર્યાદાઓ વિશે ખબર નથી હોતી પણ તેના જીવનસાથી જાણે છે. તેનું કારણ એ કે બંનેને એકબીજાની મર્યાદાઓની ખબર હોય છે. તેથી ઘણી વાર અશાંતિ ઊભી થાય છે. મર્યાદાઓ દૂર કરી શકાય છે અથવા તો તેને સહન કરી શકાય છે. એના સિવાયનો ત્રીજો કોઇ રસ્તો નથી. પતિ-પત્ની જ્યારે એકબીજાની નબળાઇ જાણે છે ત્યારે તેને દૂર કરવાને બદલે દેખાડવાનું શરૂ કરી દે છે. એકબીજાની મર્યાદાઓને છતી કરવાથી કુટુંબમાં અશાંતિ ઊભી થશે જ. એટલે મર્યાદાઓને સહન કરવી પડે. મર્યાદાઓ સહનશક્તિથી દૂર થાય છે. તમારામાં જેટલી સહનશક્તિ હોય એટલી જ જીવનસાથીની મર્યાદાઓ દૂર થઇ શકશે. ચોથી બાબત પતિ-પત્નીનાં સંબંધમાં ભૂલી જવાનું બહુ મહત્ત્વ છે. જે લોકો ભૂલવાની ક‌ળા જાણે છે તેમનું દાંપત્યજીવન સુખરૂપ ચાલે એવી શક્યતાઓ વધી જતી હોય છે. તમારી સારપ અને બીજાની ખરાબ બાબતોને આ સંબંધમાં ભૂલી જાવ. જે થઇ ગયું તે વીતી ગયું. સંબંધોમાં જ્યારે સારા-નરસાંની વાત ન થાય ત્યારે તાણ પણ ઓછી રહેશે. એટલે ભૂલી જવાની આવડત જરૂર શીખવી જોઇએ.
રાવણે પત્નીની વાત બિલકુલ ન સાંભળી. વાતચીત કરવાનું બંધ કરી દીધું. બસ, અહીંથી જ દુર્ગુણ હાવી થવા લાગે છે. પરિવાર એટલા માટે તૂટે છે. જીવનસાથી સાથે વાતચીત જ બંધ થઇ જા પછી પતનની શરૂઆત થઇ જાય છે.
સાર: સંબંધોની મર્યાદાઓ સહનશક્તિથી દૂર થાય છે. તમારામાં જેટલી સહનશક્તિ હોય એટલી જ જીવનસાથીની મર્યાદાઓ દૂર થઇ શકશે.
X
article by pundit vijayshankarmehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી