Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

સ્વાર્થનો સરવાળો હશે તો જ સંબંધ ટકશે

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

સંબંધોનું સત્ય : સ્વાર્થમ્ શિવમ્ સુંદરમ્
- અજ્ઞાત

નિ:સ્વાર્થ સંબંધ જેવું કશું જ હોતું નથી. સંબંધો એના જ ટકે છે જેને આ સત્ય સમજાઈ જાય છે. જો ભગવાન પાસેથી પણ મેળવવાનો સ્વાર્થ ન હોત તો આટઆટલાં મંદિરો ઊભાં ન થયાં હોત. માણસ એક સામાજિક પ્રાણી છે એમ કહેવા કરતાં માણસ એક સોદાબાજ પ્રાણી છે એમ કહેવું ઉચિત છે. ભગવાનની મૂર્તિ પર બે રૂપિયાનાં ફૂલો ચડાવીને બે લાખ માગવાનો ‘સોદો’ રોજ કરવો એને જ શાયદ ભક્તિ કહેતા હશે.

શિવ જો શક્તિની
તમામે તમામ જરૂરિયાત અથવા કહો કે, ‘સ્વાર્થ’ સંતોષે છે ત્યાં સુધી જ શિવ પાસે શક્તિ છે

સંબંધ એટલે સરખું બંધન. જ્યાં બે પાત્રોને સરખું-સમાન બંધન નથી ત્યાં એક માલિક છે અને બીજો ગુલામ છે. સંબંધ એટલે 50-50 ટકાની હિસ્સેદારી. અધિકારોમાં પણ અને ફરજોમાં પણ. મોટાભાગના સંબંધો બે જ કારણોથી તૂટી જાય છે, સલામતીનો અભાવ અને સેક્સનો અભાવ. સલામતી એ શાંતિની પ્રથમ શરત છે. જ્યાં સાથે હોવાની, સાથે રહેવાની સલામતી સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે ત્યાં ઝઘડા શરૂ થાય છે. પછી ભલેને ઝઘડાનું નિમિત્ત ગમે તે હોય, એના મૂળમાં તો સલામતીનો અભાવ જ હોય છે. સંબંધની સલામતી અને સંબંધમાં સલામતીની જવાબદારી બંને પાત્રોની 50-50 ટકા છે. એક પ્રખ્યાત વાક્ય છે, માત્ર ન્યાય થયો એ પૂરતું નથી, લોકોને લાગવું જોઈએ કે ન્યાય થયો છે. એ જ રીતે સંબંધ સલામત છે એ માટે એક પાત્રની માન્યતા પૂરતી નથી, સામેના પાત્રને લાગવું પણ જોઈએ કે સંબંધ સલામત છે, સંબંધમાં સલામતી છે.
સંબંધમાં સમય, પ્રેમ, સંભાળ ઇન્વેસ્ટ કરવાં પડે છે અને એને ‘ટોપઅપ’ પણ કરતા રહેવું પડે છે, પણ આ ઇન્વેસ્ટમેન્ટ પણ એક જ જણ કરતો રહે અને બીજો ઉડાઉપણે ખર્ચ કરતો રહે તો એક જણનું ‘દેવાળું’ ફૂંકાઈ જાય અને સંબંધ ખાલી થઈ જાય. ખાલી થયેલો સંબંધ એક ભયાનક બોજ બની જાય છે.


આર્થિક સલામતી હોય કે સંભાળની સલામતી, તમામ પ્રકારની સલામતીની ઇચ્છા એ સ્વાર્થ જ છે. જ્યારે તમે કંઈ આપવાની ઇચ્છા રાખો છો એ સ્વાર્થ છે અને કંઈ મેળવવાની ઇચ્છા રાખો છો એ સ્વાર્થ જ છે.


આટલું વાંચ્યા પછી એમ લાગે કે શું સ્વાર્થી હોવું એ ખરાબ છે? જી ના. એક સનાતન સત્ય સમજવાની જરૂર છે. સંબંધમાં જેટલા વધુ સ્વાર્થ હશે એટલો સંબંધ વધુ ચાલશે, એટલો વધુ મજબૂત બનશે. માત્ર શરત એટલી કે આ સ્વાર્થ સંતોષવામાં બંનેએ સાથે જ રહેવું પડે. એકની સલામતીનો સ્વાર્થ બીજો સંતોષે અને બીજાની સંભાળનો સ્વાર્થ પહેલો સંતોષે તો સંબંધ ટકશે જ. આવું જ બીજા સ્વાર્થનું છે. તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે બે પાત્રો એમના સ્વાર્થ સંબંધની અંદર સંતોષવાના બદલે બહાર સંતોષતા થઈ જાય છે ત્યારે ‘ઇન્વેસ્ટમેન્ટ’નું ઓડિટ થવા માંડે અને સંબંધો તૂટી જાય.


સ્ત્રી-પુરુષોના સંબંધમાં શિવશક્તિનું ઉદાહરણ સમજવા જેવું છે. શિવ અર્ધનારીશ્વર છે. આ અદ્્ભુત બાબત છે. એમનું અડધું શરીર શક્તિનું છે અને શક્તિનું અડધું શરીર શિવનું છે. હવે શિવ જો શક્તિની તમામે તમામ જરૂરિયાત અથવા કહો કે, ‘સ્વાર્થ’ સંતોષે છે ત્યાં સુધી જ શિવ પાસે શક્તિ છે અને જ્યાં સુધી શક્તિ શિવના તમામ ‘સ્વાર્થ’, તમામ જરૂરિયાત સંતોષે છે ત્યાં સુધી જ શક્તિ પાસે શિવ છે, પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીં શિવનો સ્વાર્થ કે શક્તિનો સ્વાર્થ એવું અલગ કંઈ જ નથી. અહીં જે છે એ સંયુક્ત સ્વાર્થ છે. એક સાદું ઉદાહરણ આ અર્ધનારીશ્વરનું સમજીએ. જો એમની એક આંખ છેક જમણી અને બીજી આંખ છેક ડાબી બાજુ જોવાનો પ્રયત્ન કરશે તો શું થશે? પ્રથમ તો આંખોનો દેખાવ સુંદરતા ખોઈ દેશે અને બંને આંખ જુદું જુદું જોશે, એટલે દૃશ્ય ત્રિપરિમાણીય નહીં દેખાય. આંખો દૃશ્યોના ઊંડાણની સમજ સાવ ખોઈ દેશે.


અર્ધનારીશ્વર કહો કે અર્ધપુરુષેશ્વરમાં સ્વમાં જ શિવ અને શક્તિ સમાયેલાં છે એટલે સ્વાર્થ એટલે જ શિવ અને શક્તિનો અર્થ છે. અહીં જુદો કોઈ જ ‘અર્થ’ નથી.


સંબંધોની સુંદરતા એ છે કે અહીં સ્વાર્થનો કોઈ લેખિત કરાર નથી. એકબીજાના સ્વાર્થની સમજણ જ સંબંધનો આધાર છે. નદી અને સમુદ્ર વચ્ચે એક સંબંધ છે! પાણીનું વહેવું કહો કે પ્રેમનું વહેવું એ સંબંધને ટકાવે છે, પણ નદીને પ્રેમ (પાણી) આપવા સમુદ્ર પોતે જ પર્વતો ભણી ચાલી નીકળે તો શું થાય? ચારે બાજુ માત્ર તારાજી થાય. સમુદ્રે પાણી ભરેલાં વાદળો નિયમિત પર્વતો પર મોકલી આપવાં પડે અને નદી પર્વતોના શિખરે જ બેસી રહે તો શું થાય? પાણીના ભારથી પર્વત તૂટી જાય. નદીનું વહેવું અને સમુદ્રનું સ્થિર રહેવું વાદળો દ્વારા પ્રેમના ઠાલવવા પર જ નિર્ભર છે. પાણી અહીં બંનેનો સ્વાર્થ છે, પણ એની તૃપ્તિ કરવાના બંનેના પ્રકાર જુદા જુદા છે. નદીઓ જો એકપક્ષી જ વાદળોનું પાણી લીધા કરે અને સમુદ્રોને પાણી મળે જ નહીં અને એક દિવસ સમુદ્ર સુકાઈ જાય અને પછી નદીએ પણ સુકાવું જ પડે. પાણી આ બંનેનો કોમન મિનિમમ સ્વાર્થ છે.


તમારો પાર્ટનર ભગવાન નથી કે જે બે રૂપિયાના ફૂલમાં બે લાખ આપી શકે એ સમજી લેવું. એનો સ્વાર્થ પૂરો કરો અને એ તમારો સ્વાર્થ પૂરો કરે એવી ગોઠવણ રાખો. પછી સંબંધને કોઈ સમસ્યા નહીં નડે.


જનોઈવઢ : નિ:સ્વાર્થ હોવું એ પણ તો એક સ્વાર્થ જ છે ને.
pranav.golwelkar@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP