Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

ગીતા : એક યોદ્ધાએ બીજા યોદ્ધાને આપેલી સમજ

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

જે ધર્નુધર છે,
જે માછલીની આંખ વીંધી શકે એવો વીર છે,
જે મહાબાહો છે,
જે અનેક યુદ્ધોનો લડવૈયો છે,
જે પુરુષ હોવા છતાં એક આખું વર્ષ સ્ત્રી બનવાની અવહેલના ભોગવી ચૂક્યો છે.
જે સ્વજનો સામે મેદાને પડવાથી દૂર રહે એવો નીતિવાન છે.
ગીતા એને માટે છે! ગીતા એ કોઈ નવલકથા નથી! એ કોઈ ઉશ્કેરણી નથી. એ વીરયોદ્ધા માટેનો ડોક્ટ્રાઇન છે. એ રણનીતિ છે. ગીતાને નવલકથાની જેમ ‘વાંચી’ જવાનો આપણે ત્યાં શોખ છે. પૂર્ણ પુરુષોત્તમે યુદ્ધ ભૂમિની વચ્ચે કહેલી ગીતાને આપણે ત્યાં અર્ધ પુરુષો, કાપુરુષો અને આડેધડ જંગલની જેમ ઉગેલી દાઢી ધરાવતા પાજી પુરુષોત્તમો ચાર લીટી સંસ્કૃતમાં બોલી ગીતા પર ભંગાર ભાષણો કરતા રહે છે અને સાંભળવા બેઠેલા ‘અરજણો’ એટલું જ સમજે છે કે ગીતા એ કોઈ મહાન ગ્રંથ છે, જેને આપણા જેવાએ વાંચવાનો નથી.


તમારે ‘બુદ્ધ’ બનવું હોય તો એ જુદો માર્ગ છે. યુદ્ધ કરવું હોય તો ગીતા વાંચવી જોઈએ, જીવનમાં ઉતારવી જોઈએ. 16,108 રાણીઓ ધરાવતા અને સુદર્શન જેવા સંહારક શસ્ત્રની શોધ કરનાર કૃષ્ણ જે જીવનનો નિચોડ કહે છે એને પાખંડ બ્રહ્મચારી અને યુદ્ધને નામે મુઠ્ઠી પણ નહીં ઉછાળનાર સાધુ કેવી રીતે સમજાવી શકે એ સમજ બહારનું છે. જે યોદ્ધા છે, જે સંહારક છે, જે સંહારનાં શસ્ત્રોનો શોધક છે, એના માટે ગીતા અનિવાર્ય છે. એને એના તમામ પ્રશ્નોનો ઉત્તર ગીતામાં મળી રહે છે. અણુબોમ્બના જનક રોબર્ટ ઓપનહાઇમરે પણ ગીતાને ક્વોટ કરી હતી! ‘હું જ મૃત્યુ છું, હું જ સંહાર છું એવું ઓપનહાઇમર કહે તો એ લેખે લાગે, પચાવી પાડેલી સરકારી જમીન પર આશ્રમો તાણી બાંધનારા કહે ત્યારે એ હાસ્યાસ્પદ લાગે.

ગીતામાં કૃષ્ણ અર્જુનની ઉશ્કેરણી કરતા નથી, પાનો ચઢાવતા નથી, એ અર્જુનની અકર્મણ્યતા દૂર કરતા જાય છે

જ્યાં સુધી તમે ક્ષમા આપવા જેટલા વીર બન્યા નથી, જ્યાં સુધી તમને પ્રશ્નો નથી, જ્યાં સુધી તમે ‘સંહારક’ નથી ત્યાં સુધી ગીતા વાંચવાનો અર્થ નથી. લોકો કહે છે કે ગીતામાં દરેકને માટે કંઈક છે, હશે! પણ એકાદો ટુકડો એના કામમાં આવી જશે. દરેક શબ્દ, દરેક અધ્યાય એના કામનો નહીં હોય. કેટલાકને ગીતા વાંચ્યા બાદ પોતે જ અર્જુન છે એવું માનવાની ઘેલછા ઉપડી આવે એવી સંભાવના વધુ છે.


આપણાં શાસ્ત્રોમાં જ્ઞાન કે વિદ્યા સુપાત્રને જ આપવાની વાત કરાઈ છે. સુપાત્ર એટલે કોઈ ચોક્કસ વર્ણની વ્યક્તિ નહીં, પણ એવી વ્યક્તિ કે જેને એ જ્ઞાનની ખરેખર જરૂર છે અને એવી વ્યક્તિ કે જે એ વિદ્યાને ખરેખર સમજી શકે છે. ઉદાહરણ તરીકે તમારે પાડોશી સાથે ઝઘડો થયો છે અને તમે કોઈની પાસે મદદ માગવા જાવ છો અને એ વ્યક્તિ તમને અણુબોમ્બ બનાવવાની ટેક્નોલોજી ઓફર કરે તો તમે એ જ્ઞાનનું શું કરશો? તમે કંઈ અણુબોમ્બ બનાવીને પાડોશી ઉપર ફેંકી નહીં શકો. એમ કરવા જતાં તમે પોતે પણ બચો એવી કોઈ સંભાવના જ રહેતી નથી. અણુબોમ્બની ટેક્નોલોજીની તમને જરૂર જ નથી. તમને એ વિદ્યાનો કોઈ મતલબ નથી એટલે તમે એ વિદ્યા માટે સુપાત્ર નથી. ગીતામાં કૃષ્ણે પણ અર્જુનને આ જ રીતનું કહ્યું છે. એનો અર્થ એ નથી કે કૃષ્ણ ગીતાને ગુપ્ત રાખવા માગે છે. કૃષ્ણનાં વચનોનો અર્થ એ છે કે જેને ખરેખર જરૂર છે એને ગીતાનું જ્ઞાન મળે!


ગીતાનું પ્રથમ પાનું ઉઘાડતાં પહેલાં એક વાત સમજી લેવાની જરૂર છે કે આ યુદ્ધભૂમિ પર અપાયેલું જ્ઞાન છે અને એક યોદ્ધાએ બીજા યોદ્ધાને આપેલી સમજ છે! કૃષ્ણ અને અર્જુન ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. કૃષ્ણ ગીતાજ્ઞાન અર્જુનને ગમે ત્યારે આપી શકતા હતા, પણ આપ્યું નહીં, કેમ? કારણ કે અર્જુનને એની જરૂર હતી નહીં. આમાં સેન્સ ઑફ ટાઇમિંગ’ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામમાં આવે એ વિદ્યા બાકી બધાં થોથાં! જ્ઞાન આપનારે સમયનું ધ્યાન રાખવું સૌથી આવશ્યક છે.


ગીતામાં કૃષ્ણ ઉશ્કેરણી કરતા નથી, પાનો ચઢાવતા નથી, એ અર્જુનની અકર્મણ્યતા દૂર કરતા જાય છે. જો માત્ર પાનો ચઢાવીને, બિરદાવલીઓ ગાઈને જ અર્જુન યુદ્ધ કરવા તૈયાર થઈ જતો હોય તો ત્યાં કૃષ્ણનું કામ જ નહોતું. એ તો કોઈ પણ કરી શકત. અર્જુન યોદ્ધા છે, પણ જ્ઞાની છે. એનો સંશય જ્ઞાનમાંથી જન્મેલો છે, મોહમાંથી જન્મેલો છે.


ગીતામાં કૃષ્ણ એ યાદ નથી અપાવતાં કે દુ:શાસને કેવી રીતે દ્રૌપદીનું ભરી સભામાં ચીરહરણ કર્યું હતું અથવા કેવી રીતે પાંડવો માટે લાક્ષાગૃહ તૈયાર કરાયું હતું. આવી કોઈ જ બાબત કૃષ્ણ કહેતા નથી. કૃષ્ણ અર્જુનને અનાસક્ત કરે છે. અનાસક્ત અને વિરક્તમાં ફરક છે. ખૂંખાર યુદ્ધ કરવું અને એ પણ અનાસક્ત ભાવે કરવું એ કેવી રીતે કરી શકાય, એ સમજવું હોય તો ગીતા વાંચો બાકી ગીતા વાંચીને પણ ઝાઝું અમલમાં નહીં મૂકી શકાય!


જનોઈવઢ : તમે જેને ‘ધર્મ’ સમજો છો એ ધર્મ નહીં ફક્ત અંધવિશ્વાસ છે. અંધવિશ્વાસનો અર્થ એ છે કે જોયા, સમજ્યા વગર માની લેવું.
- ઓશો
pranav.golwelkar@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP