Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

મોબ લિન્ચીંગ : હજાર માથાના રાવણને મારશો કેવી રીતે?

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

ટોળું આસુરી શક્તિ છે. છેલ્લા કેટલાંક સમયથી આપણને ટોળાંની આસુરી શક્તિના ભયાનક પુરાવા મળી રહ્યા છે. ક્યાંક બાળક ઉઠાવી જવાની શંકાના આધારે હત્યાઓ થઈ રહી છે. ક્યાંક ગાય ઉઠાવી જવાની શંકાના આધારે હત્યાઓ થઈ રહી છે. રાજકીય પક્ષો એકબીજા પર બેફામ આરોપો લગાવી રહ્યા છે, પણ એનાથી સ્થિતિ ભાગ્યે જ સુધરી રહી છે અને આમ પણ એમનો હેતુ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો લાવવાનો છે પણ નહીં. ક્યારેક સવાલ એ છે કે એક પ્રજા તરીકે આપણે આટલા બધા ગુસ્સાવાળા કેમ છીએ અને એક રાષ્ટ્ર તરીકે આપણે આટલા બધા શાંત કેમ છીએ? બીજી તરફ અફવાઓ ફેલાવવી એ આપણો માનીતો ‘ગृહ ઉદ્યોગ’ છે. ટોળાની આસુરી શક્તિને જ્યારે અફવાનું પીઠબળ મળે છે ત્યારે ટોળામાંનો દરેક વ્યક્તિ જાણે કે જલ્લાદ બની જાય છે અને પછી શરૂ થાય છે એક એકથી વધુ ચઢિયાતી હિંસા બતાવવાનો ખેલ!

જ્યારે ટોળું બનીએ છીએ ત્યારે આપણે જ આપણા સંસ્કારો, મૂલ્યો અને સંસ્કૃતિને આસાનીથી ભૂલી જઈએ છીએ

સવાલ એ છે કે ટોળાંને નાથવું સહેલું છે? ના, જરાય નહીં! આપણે લોકશાહીને જ ટોળાંશાહી-મોબોક્રસી બનાવી દીધી છે. મતદાનના દિવસે જ્યારે એક મોટું, વિરાટ ટોળું એક સામટું ધસી જઈ કોઈ એક પક્ષની તરફેણમાં મતદાન કરી આવે છે ત્યારે એ ઘટનાને આપણે લોકશાહીનો વિજય ગણીને જયજયકારથી વધાવી લઈએ છીએ. આપણને એ જીતમાં બહુ મોટો વિજય દેખાય છે. જે વિશાળ ટોળું એક અફવાથી ભરમાઈને કોઈની હત્યા કરે છે એ જ વિશાળ ટોળું કોઈકથી ભરમાઈને સાગમટે મતદાન પણ કરી શકે છે એ માનવા આપણે તૈયાર થતા નથી. સવાલ લોકતંત્રનો નથી સવાલ લોકોને જાગૃત કરવાનો છે, સવાલ લોકોને યોગ્ય શિક્ષણ આપવાનો છે, સવાલ એક વ્યક્તિને એટલી મજબૂત બનાવવાનો છે કે જેથી એ મોટા ટોળાં સામે મક્કમતાથી ઊભી રહી શકે. સૌ પ્રથમ તો ટોળું એટલે મતોનો ઢગલો એવી માનસિકતાને દૂર કરવી પડશે.


ટોળાંને સખતાઈથી કાબૂમાં લેવાની માનસિકતા આપણે કેળવી જ નથી. કેટલાંક ટોળાંઓને ‘ભાન ભૂલેલાં’ની પદવી અપાય છે, કેટલાંકને ‘આઝાદીના આશકો’નું બિરુદ અપાય છે તો કેટલાંક ટોળાંને ‘ધર્મરક્ષકો’નું માનવંતુ બિરુદ અપાય છે. એમના કૃત્યોને વાજબી ઠેરવવાની કોશિશ કરાય છે. કાયદાના સાણસામાંથી ટોળાંને છોડાવવા જાતભાતના કારસા રચી કઢાય છે. અને ટોળાંમાંના કોઈને સજા ન થાય તે માટે એક આખી મશીનરી કામે લગાડી દેવાય છે અને આ બધું થાય છે, માનવ અધિકારની દુહાઈ હેઠળ. માનવ અધિકારવાદીઓએ વધુ ઉત્સાહમાં માનવ અધિકારોનું ઘોર હનન કરનારાઓને જેટલા બચાવ્યા છે એટલા બીજા કોઈએ બચાવ્યા નથી. ટોળાંશાહી સામે કાયદો વધુ સખ્ત બનવો જોઈએ. સજા વધુ સખ્ત હોવી જોઈએ.


જ્યારે કોઈ જઘન્ય હત્યામાં કોઈ ટોળું સંડોવાયેલું હોય ત્યારે લઘુતમ સજા ફાંસીની જ હોવી જોઈએ. ભલે એ પછી કેસ રમખાણોમાં થયેલી હત્યાનો હોય અને પછી એ ટોળું ભલે કોઈ પણ ધર્મનું હોય! સામૂહિક ભેગા થઈને હત્યા કરનારાઓને સામૂહિક શિક્ષા જ થવી જોઈએ. જો આપણે આવી રીતે સખત સજા નહીં કરીએ તો આમ આદમીની જિંદગી સલામત જ નહીં રહે. કદાચ આપણે આપણી લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે. દયા એક વ્યક્તિ પર હોઈ શકે ટોળામાંના રાવણો પર દયા દાખવી શકાય નહીં. જો ટોળાંના ગુનાઓના કેસનો અભ્યાસ કરીએ તો માલૂમ પડશે કે આવા કેસોમાં સાક્ષીઓના ફરી જવાનું પ્રમાણ વધુ હોય છે,

કાયદાઓની છટકબારીનો ઉપયોગ કરવાનું પ્રમાણ ઘણું વધું હોય છે. જેટલા વધુ આરોપીઓ હોય એટલા જ વધુ લોકો એમને છોડાવવા માટે ધસી જતા હોય છે. પશ્ચિમી દેશોમાં આવી ટોળાંશાહીના કેસો આપણે ત્યાં કરતાં ઓછા જોવા મળે છે, એકંદરે શિક્ષણ વધુ હોવું એ હોઈ શકે છે. વળી પશ્ચિમી દેશોમાં આમ આદમી સામાન્ય રીતે નિયમ પાલન કરવામાં માને છે, નિયમોને સતત ભંગ કરવાની એની માનસિકતા હોતી નથી. આપણે હંમેશાં પશ્ચિમી સભ્યતાને ઉતારી પાડીએ છીએ, આપણે હંમેશાં માનવીય મૂલ્યો અને સંબંધોની બાબતમાં એમનાથી આપણને વધુ ઊંચા ગણીએ છીએ, પરંતુ જ્યારે ટોળું બનીએ છીએ ત્યારે આપણે જ આપણા સંસ્કારો, મૂલ્યો અને સંસ્કૃતિને આસાનીથી ભૂલી જઈએ છીએ. જ્યારે ટોળામાં હોઈએ ત્યારે આપણે અસુર બની જઈએ છીએ. એક એવો રાક્ષસ જે કોઈ રીતે સમજતો જ નથી. આપણે આ રાક્ષસને હણવો જોઈએ નહીં તો એ આપણને હણી નાંખશે.


જનોઇવઢ :

આધુનિક અસુરોનાં લક્ષણ.
1. એ લોકો સત્યની તપાસ કરવા માંગતા જ હોતા નથી.
2. એ લોકો જે કંઈ વાંચે કે સાંભળે કે જુએ એ બધા પર જ આંધળો વિશ્વાસ મૂકી દે છે.
3. અને પછી એ બધું જ એ લોકો બીજાને ફોરવર્ડ કરી દે છે પછી
4. એ લોકો એક ટોળું બની જાય છે.
pranav.golwelkar@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP