Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

આ નિયાઝીએ 16મી ડિસેમ્બર યાદ રાખવી જ પડશે

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

મૈં ઇસ હરામજાદી કૌમ કી નસલ ખતમ કર દૂંગા
- લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા નિયાઝી (બાંગ્લાદેશીઓ અંગે બોલતાં).


ચાર વર્ષ પહેલાંની આ ઘટના છે. એ સમયે ઇમરાન ખાન હજુ વિપક્ષનો નેતા હતો અને એની પાર્ટીએ રાજકારણમાં હજુ એટલું કાઠું કાઢ્યું નહોતું. એણે તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ સામે હડતાળનું એલાન કર્યું હતું અને હડતાળ માટેનો દિવસ નક્કી કર્યો હતો, 16મી ડિસેમ્બર. પાકિસ્તાની રાજકારણમાં ભૂચાલ આવી ગયો. એનું કારણ એ નહોતું કે ઇમરાન ખાન હડતાળની જાહેરાત કરી રહ્યો હતો કારણ એ હતું કે એણે ખોટો દિવસ પસંદ કર્યો હતો, એ ભૂલી ગયો હતો 16મી ડિસેમ્બરનો દિવસ પાકિસ્તાનના લશ્કરના ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને પાકિસ્તાની લશ્કરનો ઇતિહાસ જ લગભગ પાકિસ્તાનનો ઇતિહાસ છે!

ઇમરાન ડ્રગ્સના કે લોકપ્રિયતાના નશામાં 16મી ડિસેમ્બર, 1971ને યાદ રાખે એ ભારતીય શાસકોએ જોવું પડશે

16મી ડિસેમ્બર, 1971ના દિવસે ઢાકામાં લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા નિયાઝીએ 90 હજાર પાકિસ્તાની સૈનિકો સાથે ભારત સામે શરણાગતિ સ્વીકારી હતી. એ નિયાઝી, જેને પાકિસ્તાનમાં ટાઇગર નિયાઝી તરીકે ઓળખવામાં આવતો હતો. એ નિયાઝી ડિસેમ્બર 1971માં માત્ર પેપર ટાઇગર સાબિત થયો હતો.


43 વર્ષ પછી બીજો એક નિયાઝી ધેટ ઇઝ ઇમરાન ખાન નિયાઝી પાકિસ્તાનની સરકાર સામે બંધનું એલાન આપી રહ્યો હતો અને એ પણ એ દિવસે જ્યારે લેફ્ટનન્ટ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ આખા દેશને ભયાનક નીચાજોણું કરાવ્યું હતું. ઇમરાન પર ભારે દબાણ આવ્યું અને અંતે એણે બંધની તારીખ બદલવી પડી હતી. કોઈ પાકિસ્તાની જે દિવસને ભૂલી ન શકે એવા દિવસને ઇમરાન ખાન કેવી રીતે ભૂલી ગયો? કદાચ એનો જવાબ તાજેતરમાં ઇમરાન ખાનની એક પત્નીએ લગાવેલા આક્ષેપમાંથી મળે છે. રેહામખાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઇમરાનને ડ્રગ્સ લેવાની આદત છે અને ઘણી વાર એણે રાત્રે શું કર્યું કે શું કહ્યું એ સવાર પડતાં ભૂલી જાય છે. રેહામે એટલે સુધી કહ્યું કે જો ઇમરાન પાકિસ્તાનનો વડાપ્રધાન બને તો રાત્રે ‘ન્યુક્લિયર બટન’ દબાવી દે અને સવાર પડતાં ભૂલી જાય કે રાત્રે એણે ‘ન્યુક્લિયર બટન’ દબાવી દીધું હતું!
ખેર! ઇમરાન ખાન અતિ મહત્વાકાંક્ષી છે. ક્રિકેટના મેદાન પર આપણે એ જોયું છે.

11 વ્યક્તિઓની લીડરશીપ કરવી અને કરોડો પાકિસ્તાનીઓની લીડરશીપ કરવી એમાં આસમાન જમીનનો ફરક છે. ઇમરાન ખાન પોતાની લીડરશીપને સ્થાપિત કરવા ઉંબાડિયા ચાંપે એવો છે. ઇમરાન ખાન ડ્રગ્સના કે લોકપ્રિયતાના નશામાં પણ 16મી ડિસેમ્બર, 1971ને સતત યાદ રાખે એ ભારતીય શાસકોએ જોવું પડશે. આમ જુઓ તો ઇમરાન ખાનનું પાકિસ્તાનના વડાપ્રધાન પદે આવે તો એ મોદી માટે બગાસું ખાતાં પતાસું મળ્યા જેવો ઘાટ સર્જી શકે છે. ઇમરાન કાશ્મીર મુદ્દે કે ઇવન ભારત મુદ્દે કંઈક અટકચાળાં અચૂક કરશે જેને કારણે ભારતમાં એની સામે રાષ્ટ્રભાવનાની મજબૂત લહેર ઊભી થશે જેનો લાભ સ્વાભાવિક જ મોદીને મળી શકે છે.


ઇમરાન ખાનની છાપ અંગ્રેજીમાં કહીએ તો વુમનાઇઝર અને તળપદી ભાષામાં કહીએ તો ‘કાછડી છૂટા’ તરીકેની છે. આ ઉપરાંત એની અસંખ્ય નબળાઈઓ છે. એને પાકિસ્તાની લશ્કરનું સમર્થન છે અને આવી અનેક એબવાળો માણસ સ્વાભાવિક લશ્કરના ગીધ જેવા જનરલોના હાથમાનું રમકડું બની રહેશે. ઇમરાન ખાનના મોટાભાગના વ્યૂહ એના પોતાના નહીં હોય, પણ પાકિસ્તાની લશ્કરના જ હશે.

પાકિસ્તાની વડાપ્રધાનોનો કાર્યકાળ હંમેશાં વિખવાદોથી ભરપૂર હોય છે. ઇમરાનનો કાર્યકાળ પણ એવો જ રહેવાનો છે. ભારતના ‘પાકિસ્તાનવાદી’ઓ હવે ફરી ‘ક્રિકેટ ડિપ્લોમસી’ની તતૂડી વગાડશે.

ભારતમાં અભિનેતાઓ અવાર-નવાર રાજકારણમાં ઝંપલાવે છે અને એમાંના એમ.જી.આર અને એન.ટી.આર જેવાં સારા એવાં સફળ થયાં હતાં. ક્રિકેટરોમાંના કેટલાંક રાજકારણને રવાડે ચડ્યા હતા, પણ બહુ ઝાઝું આગળ વધી શક્યા નહોતા. હવે પાકિસ્તાનમાં એક ક્રિકેટર સત્તાનશીન થશે તો બંને દેશોની નજર એના કાર્યકાળ તરફ જ હશે.


પાકિસ્તાની વડાપ્રધાનોનો કાર્યકાળ હંમેશાં વિખવાદોથી ભરપૂર હોય છે. ઇમરાનનો કાર્યકાળ પણ એવો જ રહેવાનો છે. ભારતના ‘પાકિસ્તાનવાદી’ઓ હવે ફરી ‘ક્રિકેટ ડિપ્લોમસી’ની તતૂડી વગાડશે. રાજકારણીઓ માટે કહેવાય છે કે એ લોકો બીજાની ચિતામાં પોતાના રોટલા શેકી લે છે, પણ દંભી સેક્યુલારીસ્ટોને તો ચિતાની પણ જરૂર નથી પડતી એ લોકો શાંતિની ઠંડકના નામે પણ પોતાના રોટલા શેકી લેવાની આવડત ધરાવે છે.


ભારત અને પાકિસ્તાનનું સહઅસ્તિત્વ ભારતની શક્તિના પ્રમાણ પર ટકેલું છે. જો ભારત નબળું પડશે તો પાકિસ્તાન લશ્કરી અટકચાળાં કરતાં ખચકાશે નહીં. ભારત શક્તિશાળી હશે તો જ ભારત-પાક વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ રહેશે.


જનોઇવઢ : ભૂલશો નહીં કે લશ્કર પ્રજાનું નોકર છે. લશ્કર રાષ્ટ્રીય નીતિ ઘડતું નથી. આમ આદમીઓ નીતિ ઘડે છે અને તમારી (લશ્કર)ની ફરજ બને છે કે એ નીતિનું સંપૂર્ણપણે પાલન કરવું.

- મહંમદ અલી જિન્નાહ
(જિન્નાહને પાકિસ્તાની ઇતિહાસે કાયમ ખોટા સાબિત કર્યા છે.)

pranav.golwelkar@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP