સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી / ગરીબીને પડકારીને ગૌરવ મેળવનારા વી.પી. લોબો

article by prakash biyani

Divyabhaskar.com

Aug 14, 2019, 04:44 PM IST

સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
ગરીબ જન્મવું એ કોઈ ગુનો નથી, પણ ગરીબીમાં જીવવું એ ગુનો છે. એવા લોકો જ ગરીબ રહી જાય છે, જેમને પોતાની શક્તિઓ પર વિશ્વાસ નથી હોતો. પ્રતિકૂળ સંજોગોમાં જેમણે અડચણો અને અંતરાયો નથી રોકતા તેઓ ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ જાય છે. વેલેરિયન પોલ લોબો આવી જ એક સાહસિક વ્યક્તિ છે.
મેંગલુરુ નજીક એક પછાત ગામમાં વોગ્ગામાં મજૂર માતા-પિતાનાં સાત સંતાનોમાંના એક છે લોબો. માતા-પિતાને મજૂરીના મહેનતાણા સ્વરૂપે ચોખા મળતા હતા. તેનાથી ઘરમાં એક જ સમયે જમવાનું બની શકતું હતું. સરકારી સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી લોબો મેંગલુરુ આવી ગયા. અહીં સેન્ટ થોમસ ચર્ચની મિશનરી હોસ્ટેલમાં રહીને તેમણે સેન્ટ મિલાગ્રેસ સ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ શું કરવું તે વાતનો જવાબ ન મળ્યો તો લોબો પોતાની બચતના 50 રૂપિયા લઈને માતા-પિતાને કહ્યા વગર મુંબઈ આવી ગયા. સરકારી બસમાં મેંગલુરુના એક ડ્રાઈવરે તેમને મુંબઈ સેન્ટ્રલથી કોબાલાની સુંદરનગરની ઝુંપડપટ્ટીમાં ઉતારી દીધા. અહીં તેઓ ઉત્તર પ્રદેશના ટેક્સી ડ્રાઈવરોની સાથે રહ્યા. બદલામાં તેમણે એ લોકો માટે જમવાનું બનાવ્યું. અહીં ટેક્સી ધોઈને તેઓ રોજના 20 રૂપિયા કમાવા લાગ્યા. આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ નાની પોકેટ ડિક્શનરીથી તેઓ હિન્દી અને અંગ્રેજી શીખ્યા. દરરોજ નવા-જૂના અંગ્રેજી છાપાં તેઓ વાંચવા લાગ્યા. સુંદરનગરમાં આ‌વેલી ઝુંપડપટ્ટીના એક મિત્રે તેમને લોન્ડ્રીમાં નોકરી અપાવી તો તેઓ કપડાંને ઈસ્ત્રી કરીને મહિને 1200 રૂપિયા કમાવા લાગ્યા. પછી લોબોએ 200 રૂપિયા પોતાનાં માતા-પિતાને મોકલ્યાં અને જણાવ્યું કે પોતે મુંબઈમાં છે તથા કોઈ પ્રકારની ચિંતા ન કરે. લોબો ફોર્ટમાં એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાઈટ કોલેજમાં જોડાયા અને કોમર્સની સ્નાતક ડિગ્રી મેળવી લીધી. તે દિવસોમાં તો લોબો 4થી 5 કલાક જ સૂતા હતા. લંચબ્રેકમાં ટાઇપિંગ શીખ્યા કે જેથી તેમને સ્ટેનોગ્રાફરની નોકરી મળી જાય. તેઓ ગ્રેજ્યુએટ છે તે વાત જણાવ્યા વગર 1986માં તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં સાયન્ટિફિક ઉપકરણો વેચનારી જનરલ ટ્રેડિંગ કોર્પોરેશનમાં પ્યૂન તરીકે નોકરી શરૂ કરી. અહીં કંપનીના માલિકે લોબોમાં શીખવા અને કંઈ કરી બતાવવાનો જુસ્સો જોયો તો ટ્રેનિંગ અપાવીને સેલ્સ એક્ઝિક્યુટિવ બનાવી દીધા. ત્યારબાદ તેઓ સાયન્ટિફિક ઉપકરણો વેચવા માટે દેશની ઘણી યુનિવર્સિટીઝમાં જવા લાગ્યા.
હવે લોબોએ પોતાનાં ભાઈ-બહેનોને પણ મુંબઈ બોલાવી લીધાં, પાર્ટ ટાઈમ નોકરી અપાવી અને નાઈટ કોલેજમાં પણ પ્રવેશ અપાવ્યો. જનરલ ટ્રેડિંગ કોર્પોરેશનમાં 5 વર્ષ નોકરી કર્યા પછી લોબો ગોરડિયા ફોર્જિંગમાં રિજનલ મેનેજર તરીકે જોડાયા. 1994માં તેઓ એક આર્ટ ગેલેરીના મેનેજર બનીને મસ્કત ગયા. 1997માં ત્યાંથી પાછા આવ્યા તો રિયલ એસ્ટેટ કંપની એવરશાઈન બિલ્ડર્સ અને અગ્રવાલ ગ્રૂપમાં નોકરી કરી. 2007માં તેઓ એવરશાઈન ગ્રૂપના સીઈઓ બની ગયા, પણ નોકરી તેમની નિયતિ નહોતી.
19 વર્ષની ઉંમરમાં લોબોએ મુંબઈમાં એક મિત્રની સાથે 60 હજાર રૂપિયામાં એક રૂમ-કિચનવાળું નાનું ઘર ખરીદ્યું. આ અનુભવ સાથે રિયલ એસ્ટેટ કંપનીઓમાં નોકરી કરતાં લોબોએ જોયું કે સામાન્ય જન માટે મકાન ખરીદવું કેટલું મુશ્કેલ છે. તેઓ નાનાં શહેરોમાં નિમ્ન મધ્યમવર્ગીય પરિવારો માટે જરૂરી સુવિધાઓવાળાં મકાન બનાવશે એવા સંકલ્પ સાથે 2009માં લોબોએ પોતાના બ્રધર-ઇન લો કેપ્ટન સેન્ડ્રિક ફર્નાન્ડિઝ અને મસ્કત નિવાસી મિત્રની મદદથી એક રિયલ એસ્ટેટ કંપની ટી3 અર્બન ડેવલપર્સ લિમિટેડની સ્થાપના કરી. આ કંપનીએ મેંગલુરુ, હુબલી અને શિમોગા(કર્ણાટક)માં નિમ્ન મધ્યમવર્ગીય પરિવારો માટે 1 કિચન અને બેડરૂમની 9 ટાઉનશિપ્સ ડેવલપ કરી છે. લિફ્ટ, કાર પાર્કિંગ, 24 કલાક પાણી, મોડ્યુલર કિચન અને સિક્યોરિટી જેવી સુવિધાઓની સાથે ખૂબ જ કિફાયતી હોવાથી અહીં ફ્લેટ્સ હોટ કેકની જેમ વેચાયા. હવે તેઓ કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુના નાનાં શહેરોમાં આવી જ ટાઉનશિપ્સ બનાવી રહ્યા છે.
વેલેરિયન પોલ લોબો પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. તેઓ હવે મુંબઈના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની પાસે લક્ઝરી મોટરકાર છે, પણ ઓફિસ આવવા-જવા માટે તેઓ લોકલ ટ્રેન કે ઓટો રિક્ષા પસંદ કરે છે. તેમને એક દીકરો અને એક દીકરી છે, જે મોંઘી સ્કૂલમાં ભણે છે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટથી જ સ્કૂલે આવે-જાય છે. ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે લોબોએ એક પરોપકારી સંસ્થા ટી3 હોપ ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી છે. તેમની કોર્પોરેટ ફિલોસોફી છે- ટ્રૂથફુલ, થોટફુલ અને થેંકફુલ.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી