તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યમશીલતાનો કોઈ ધર્મ નથી હોતો : રફિક મલિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક મુસ્લિમ ઉદ્યમી પોતાની પુત્રીઓને વર્લ્ડ ક્લાસ શિક્ષણ અપાવે અને તેમને 70 વર્ષ જૂની શૂ બ્રાન્ડ સોંપી દે, દીકરીઓ પણ દેશનાં 117 શહેરોમાં 208 સ્ટોર્સ ખોલીને ધારાવીથી બ્રાઝિલ સુધી શૂઝ વેચે અને કંપનીનો કારોબાર 1200 કરોડ રૂપિયાથી વધારે થઈ જાય તો શું કહેશો? એ જ કહેશો કે ઉદ્યમશીલતાનો કોઈ ધર્મ નથી હોતો. બધાને સૂઝબૂઝ મળી છે. તમે તેનો કેવો અને કેટલો ઉપયોગ કરો છો તેના પર સફળતા અને સંપન્નતા નિર્ભર કરે છે.
મેટ્રો શૂઝના ચેરમેન રફિક મલિકના પિતા મલિક તેજાની આઝાદી પહેલાં ગ્રાન્ટ રોડ, મુંબઈની એક દુકાનમાં સેલ્સમેન હતા. એક દિવસ તેમણે નોકરી છોડી અને કોલાબામાં એક નાનકડી લોન્ડ્રી ખરીદી લીધી. 1950માં મુંબઈમાં ફિલ્મસ્ટાર અને પારસી પ્રભાવી સમુદાય હતા. સિનેમાનો ક્રેઝ વધી રહ્યો હતો. થિયેટરના નામ પર દુકાનનું નામ રાખવામાં આવતું હતું. મલિક તેજાનીએ પણ લોન્ડ્રીને શૂ સેન્ટરમાં ફેરવ્યું તો નામકરણ મેટ્રો શૂઝ કર્યું. મલિક તેજાની ગજબના સેલ્સમેન હતા. તેઓ 14 ભાષાઓમાં ‘હલો’ બોલી શકતા હતા. જેવો ગ્રાહક તેવી વાતચીતથી તેમણે પારસી સમુદાયને સૌથી પહેલાં પોતાના લોયલ ગ્રાહક બનાવ્યા. તે દિવસોમાં પારસી પરિવારમાં લગ્ન હોય ત્યારે ત્યાં વાગનારા ડ્રમ પર લખેલું હતું - મેટ્રો શૂઝ. મલિક તેજાનીએ પોતાના દોરના જાણીતા બોલિવૂડ ડિઝાઇનર માટે પણ દરેક સાઇઝ, રંગ, હિલ, હાઇટના શૂઝ બનાવ્યા. તેમણે એર ઇન્ડિયાને યુનિફોર્મના શૂઝ સપ્લાય કર્યા. એર હોસ્ટેસીસ પાસે વિદેશોમાંથી વિવિધ ડિઝાઇનના શૂઝ મંગાવ્યા અને ભારતમાં બરાબર તેવા જ શૂઝ બનાવીને વેચ્યા.

  • રફિક મલિક 15 વર્ષના થયા ત્યારે મોર્નિંગ કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં પિતાના બિઝનેસમાં સેલ્સમેન બની ગયા

રફિક મલિક 15 વર્ષના થયા ત્યારે મોર્નિંગ કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં પિતાના બિઝનેસમાં સેલ્સમેન બની ગયા. તેમનું કહેવું હતું કે શૂ સ્ટોર્સમાં શિક્ષિત યુવાઓ નોકરી કરવા ઇચ્છતા નથી, કારણ કે ત્યાં ગ્રાહકના પગ સ્પર્શવા પડે છે. મારા પિતાએ મને પહેલા જ દિવસે કહ્યું હતું કે 12 કલાક કામ ન કરી શકે તો તું રિટેલ બિઝનેસ નહીં સંભાળી શકે. રફિક મલિકે 1969માં મેટ્રો શૂ સ્ટોરને એરકન્ડિશન્ડ કરવાનું વિચાર્યું તો પિતાએ કહ્યું, ‘શું હવે ગ્રાહક દરવાજા ખોલીને આવશે?’ રફિક પિતાનો આશય સમજી ગયા અને તેમણે કોલાબા સ્ટોર પર પુશ ડોરને બદલે ઓટોમેટિક ડોર લગાવ્યા. આ સ્ટોરના કેશ કાઉન્ટરને મલિક તેજાનીએ નિધન (વર્ષ 2000) સુધી પોતાના અંદાજમાં સંભાળ્યું. 2006માં દેશમાં 50 મેટ્રો શૂ સ્ટોર્સ ખૂલી ગયા હતા.
1999માં પરિવારનાં મલ્ટિ બ્રાન્ડ ફૂટવેર સ્ટોર પર રફિક મલિકની મોટી પુત્રી ફરાહ મલિકે થોડા મહિના કામ કરતી વખતે પોતાના દાદાજી અને પિતાજીને બિઝનેસની ચર્ચા કરતા સાંભળ્યા હતા. ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ફરાહે મેટ્રો શૂઝનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યું તો અન્ય બ્રાન્ડ્સનાં ફૂટવેર્સ વેચવાનું પણ શરૂ કર્યું. મોચી શૂ સ્ટોર્સ ખોલ્યા. ડી-માર્ટ હાઇપર સ્ટોર્સમાં વોક-વેની શોઈ-ઇન શોપ્સ ખોલી. 2013માં રફિક મલિકે ફરાહને કંપનીની સીઈઓ અને એમ.ડી. બનાવી દીધી. રફિક મલિકની બીજી દીકરી અલિશા ઈ-કોમર્સ, માર્કેટિંગ અને ઓનલાઇન સેલની વાઇસ પ્રેસિડેન્ટ છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ સાથે ટાઇઅપ્સ કરીને મેટ્રો શૂઝ સ્ટોર્સ આજે મહાનગરોની જેમ નાનાં-નાનાં શહેરોમાં પણ ફેશનેબલ ફૂટવેર્સ લોકોને ઉપલબ્ધ કરાવી રહ્યું છે. વળી, મેટ્રો શૂઝ ડિજિટલ પ્લેટફોર્મ પર ફૂટવેર્સ લોન્ચ કરનારી પહેલી ફૂટવેર બ્રાન્ડ છે. મેટ્રો શૂઝ સ્ટોર્સ શ્રૃંખલાનું વેચાણ એક હજાર કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ગયું છે.
ફરાહ મલિક કહે છે કે ખાનપાનની જેમ જ દર 100 કિલોમીટર પછી ફૂટેવરની ફેશન બદલાઈ જાય છે. કોલકાતાના ગ્રાહક શોર્ટ હિલ પસંદ કરે છે તો દિલ્હીના લોકો લોંગ હિલ. ક્યારેક લોકો આરામદાયક અને મજબૂત જૂતાં ખરીદતા હતા, પણ ગ્લોબલ ટ્રાવેલિંગ વધ્યા પછી ભારતીયો પણ હવે સ્ટાઇલિશ ફૂટવેર માગવા લાગ્યા છે. આજે આરામદાયકની સાથે ફેશનેબલ શૂઝનો દોર છે. ફૂટવેર હવે માત્ર સાધારણ એક્સેસરીઝ નથી રહ્યાં, પણ તે લુકને ફિનિશિંગ ટચ આપનારી એક્સેસરીઝ બની ગયાં છે. એટલા માટે જ મેટ્રો શૂઝ ભારતીય, બ્રાઝિલ, ચીન અને ઇટાલીનાં ફૂટવેર્સ પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી રહ્યું છે. prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...