વાસ્તુ એટલે શું? સંસ્કૃત શબ્દકોશમાં વાસ્તુ એટલે ગૃહ(ઘર) એમ કહ્યું છે. વરાહમિહિરની બૃહદસંહિતા અને અમરસિંહના અમરકોષમાં વાસ્તુ શબ્દને રહેણાક સાથે સરખાવાયો છે. વાસ્તુશાસ્ત્રની ગહન માહિતી મત્સ્યપુરાણમાં પણ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર એટલે ઘરની બાંધણી સાથે સંકળાયેલું વિજ્ઞાન, આધુનિક યુગના એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ મકાનના બાંધકામ વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુલક્ષીને જ કરે છે. વાસ્તુશાસ્ત્રના વિજ્ઞાન અને નિયમોને અનુલક્ષીને બનાવેલું રહેઠાણ મનને શાંતિ, શારીરિક તંદુરસ્તી અને ઉત્તમ ધન આપે છે તે બાબત દિનપ્રતિદિન સચોટ પુરવાર થતી જાય છે.
વાસ્તુશાસ્ત્રના મુખ્ય નિયમોમાં ઘર બાંધતા પહેલાં જગ્યાની પસંદગી, પસંદ થયેલી જગ્યા પર રહેઠાણનું બાંધકામ, રૂમના બાંધકામ અને રૂમના બાંધકામની દિશા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
વાસ્તુ એક કળા છે. ફિલાડેલ્ફિયાના પ્રખ્યાત આર્કિટેક્ટ, મોરિસ સિંડલેર પોતાના તમામ બાંધકામ ‘સ્થાપત્ય વેદ’ના સિદ્ધાંત અનુસાર બાંધે છે. તેમના મત અનુસાર મકાનનું બાંધકામ એવું હોવું જોઈએ કે ડાઇનિંગ રૂમમાં પ્રવેશો ત્યારે તમને ભૂખની અનુભૂતિ થાય. શયનખંડમાં પ્રવેશો ત્યારે નીંદરનો અનુભવ થાય અને અભ્યાસ રૂમમાં પ્રવેશો ત્યારે અભ્યાસની રુચિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય.અહીં વાસ્તુશાસ્ત્રના દરેક નિયમ જણાવ્યા છે.
જમીન પસંદગી
વાસ્તુવિજ્ઞાન મુજબ જમીનનો પ્લોટ ચોરસ અગર લંબચોરસ હોવો જોઈએ. જો જમીનનો પ્લોટ પૂર્વ અગર ઉત્તર તરફ ઢળતો હોય તો તેને પણ શુભ માનવામાં આવે છે. જમીનની મધ્યમાં હોકાયંત્ર મૂકી દિશા નક્કી કરવી અને તે મુજબ જો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની જમીન ઊંચી હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ તે લાભદાયી છે.
મંદિરની નજીક અગર કબર-સ્મશાનની નજીકની જમીન પાસે કદાપિ પ્લોટ ખરીદવો નહીં. જે પ્લોટમાં ચારે બાજુ 90 અંશનો ખૂણો પડતો હોય તે જમીન પણ શુભ ગણાય.
જમીન પરીક્ષણ (ભૂ-પરીક્ષણ)
‘બૃહદસંહિતા’માં વરાહમિહિર લખે છે કે જે જમીન પોચી હોય, જે જમીનમાંથી મીઠી સુગંધ આવતી હોય, જે જમીનમાં કુદરતી વૃક્ષો ઊગતાં હોય, કોઈપણ જાતના માનવજતન વિના ફળફૂલ ઊગતાં હોય તે જમીન શ્રેષ્ઠ કહેવાય.
બાલબોધ જ્યોતિષ સાર સમુચ્ચયના પાન નં. 62માં જમીન પરીક્ષણ માટે નીચે મુજબનો શ્લોક લખેલો છે. ‘ભૂમો મધ્યે ખનેદર્ત હસ્તમાત્રમ સમંતત: તત્છવભ્રમ પુચ્ચેતેન નૃપાસના વિચક્ષણ: વર્ધમાને ય વૃદ્ધિ: સ્યાહિને હીનં રામે સમમ’
અર્થાત્ ઘર બનાવવાની જગ્યાએ એક હાથ ઊંડો પહોળો ખાડો બનાવી. માટી-પથ્થર બહાર કાઢવાં. ત્યારબાદ ફરીથી તે ખાડામાં પથ્થર-માટી નાખવાં. આમ કરતાં જો માટી વધે તો જમીન શ્રેષ્ઠ-શુભ ગણાય, પણ જો માટી ઓછી પડે તો જમીન અશુભ સમજવી અને જો બરાબર થાય તો જમીન તટસ્થ ગણાય. માટી ખૂટે તેવી જમીનમાં ક્યારેય ઘર બનાવવું નહીં.
વિધિ શૂલ
વિધિ શૂલવાળી જમીન અગર તમારા ઘર આગળ જ રસ્તાનો અંત આવતો હોય તેવી જમીન લેવી નહીં. જે જમીનમાં ખૂણો પડતો હોય. પાણીનાં ખાબોચિયાં, ખાડા હોય, બાવળ, આંબલીનાં વૃક્ષ હોય તેવી જમીન પર મકાન બનાવવા બાબત બૃહદસંહિતામાં સ્પષ્ટ ના પાડી છે.
બોરવેલ-હોજ-પાણીનો સંગ્રહ (ઈશાન ખૂણો)
બૃહદસંહિતામાં વરાહમિહિર લખે છે કે બોરવેલ-હોજ કે પાણી સંગ્રહ માટેનું સ્થળ ઉત્તર-પૂર્વ દિશા વચ્ચે પૂર્વ તરફી ખૂણો પસંદ કરવો. તેમના મત મુજબ ઉત્તર પાણીનો બોર કરવાથી સંપત્તિ વધે છે. પૂર્વ-ઉત્તરમાં બોર કરવાથી બાળકોનું સુખ મળે છે. વૃક્ષાર્યુવેદ કે જેઓ સારગંધા સંહિતાના પ્રણેતા ગણાય છે. તેમણે તેમના પુસ્તકમાં બોર-કૂવા-પાણી બાબત ઘણા નિયમ જણાવ્યા છે.
ગર્ભન્યાસ વિધાન
જેવી રીતે શીલરોપણ વિધિ કરવામાં આવે છે તેવી રીતે વાસ્તુશાસ્ત્ર ગર્ભન્યાસ વિધિ કરવામાં આવે છે. જેને અંગ્રેજીમાં ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. શિલાન્યાસ વિધિ દક્ષિણથી પશ્ચિમ તરફ કરવામાં આવે છે. શિલાન્યાસ માટે જ્યોતિષશાસ્ત્રમાં ચૈત્ર, વૈશાખ, શ્રાવણ, કાર્તિક, માગશર મહિનાને શુભ ગણવામાં આવે છે. નક્ષત્રોમાં રોહિણી, મૃગશીર્ષ, હસ્ત, ચિત્રા, ઉત્તરા ફાલ્ગુની, જ્યેષ્ઠા છે. અષાઢ, શ્રાવણને શુભ માસ ગણવામાં આવે છે. તિથિ પ્રમાણે બીજ, છઠ, નોમ, દસમ સારી ગણાય. દિવસોમાં બુધવાર, ગુરુવાર અને શુક્રવારને શુભ માનવામાં આવ્યા છે.
બાંધકામ
મકાનનું મહત્તમ બાંધકામ દક્ષિણ-પશ્ચિમમાં કરવું જ્યોતિષની દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાય. પ્લોટની પૂર્વ-ઉત્તર દિશામાં મહત્તમ ખાલી જગ્યા રાખવી જોઈએ. મકાન અને કમ્પાઉન્ડ વોલનું બાંધકામ અલગ અલગ રાખવું.
શેષ અને સાઇઝ
‘બૃહદસંહિતા’ મુજબ મકાન ચોરસ અગર લંબચોરસ હોય તો વધુ શુભ ગણાય છે. ઉપરાંત મકાનની જેટલી પહોળાઈ હોય તેટલી જ ઊંચાઈ હોય તો વધુ શુભ ગણાય છે.
panckajnagar@yahoo.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.