તડ ને ફડ- નગીનદાસ સંઘવી / કાશ્મીર સમસ્યા : ડોનાલ્ડ ટ્રમ્પની લવાદી કે લવારી?

article by nagindas sanghvi

Divyabhaskar.com

Jul 31, 2019, 03:10 PM IST

તડ ને ફડ- નગીનદાસ સંઘવી
આપણી કાયમી સમસ્યા કાશ્મીર છેલ્લા બે મહિનાથી ચકડોળે ચડી છે. રાજનાથસિંહના નિવેદનથી શરૂ થયેલા ચકડોળને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઊલટી દિશામાં ઘુમાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના ઉકેલમાં લવાદી કરવાની મને વિનંતી કરી હતી તેવું નિવેદન તેમણે પત્રકાર પરિષદમાં કર્યું. મુલાકાતે આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ પરિષદમાં હાજર હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અસત્ય વક્તા તરીકે જાણીતા છે અને દરરોજના બાર વખતની સરેરાશ તેમના જુઠ્ઠાણા અંગે કાઢવામાં આવી છે. 1972ના ભારત-પાકિસ્તાનના શિમલા કરાર પછી એટલે કે છેલ્લા આડત્રીસ વર્ષથી ભારત સરકાર કાશ્મીર સમસ્યા દ્વીપક્ષી હોવાની અને ત્રીજા કોઈએ દખલગીરી કરવી નહીં, તેવું વલણ ધરાવે છે. પ્રસંગોપાત આવી જાહેરાત પણ થતી રહી છે.
ભારતીય જનતા પક્ષ આનાથી પણ એક ડગલું આગળ છે. કાશ્મીર ભારતનો અંતરંગ (Integrated) વિસ્તાર છે અને અમારા ઘરના ઝઘડા અમે કાશ્મીરી નાગરિકો જોડે વાટાઘાટો કરીને પતાવશું, પાકિસ્તાને વચ્ચે પડવાની જરૂર નથી. કાશ્મીર એક જ બાબતમાં દ્વીપક્ષી સમસ્યા છે અને જોરતલબીથી કબજે કરી લીધેલો કાશ્મીરી મુલક પાકિસ્તાને પાછો સોંપી દેવો જોઈએ. ભારતીય અને પાકિસ્તાની કબજા તળેના કાશ્મીરની સરહદ પણ અંકુશરેખા કહેવાય છે. ભાજપ તેને આંતરરાષ્ટ્રીય સરહદ ગણવા તૈયાર નથી.
બીજો કોઈ પક્ષ કે કોઈ આગેવાન અમેરિકાની દરમિયાનગીરીની અપેક્ષા દર્શાવે તે ઠીક છે, પણ ભાજપી પરંપરામાં ઉછરેલા અને કાશ્મીરમાં ઉગ્ર ઉપાયોનું સમર્થન કરનાર નરેન્દ્ર મોદી કાશ્મીરના ઉકેલ માટે અમેરિકાની દાઢીમાં હાથ નાખવા જાય તે લગભગ અશક્ય છે. ટ્રમ્પના નિવેદનથી નારાજ મોદી તો કદાચ સપ્ટેમ્બરની 24 તારીખથી શરૂ થતી યુનોની આમ સભા બેઠક વખતે ટ્રમ્પને મળવા માટે પણ રાજી નથી, પણ કાશ્મીરનો સવાલ ઉકેલાય નહીં ત્યાં સુધી આવી ગોબાચારી ચાલતી રહેવાની શક્યતા છે. ટ્રમ્પ પોતાની જાતને દુનિયા આખીનો રક્ષક સમજે છે અને અફઘાનિસ્તાન પરિષદમાં ભારતને બાકાત રાખીને તેમણે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ વધારે ગૂંચવી છે.
કાશ્મીર સમસ્યા તો છે જ, પણ તેનો થોડા વખતમાં જ કાયમી ઉકેલ આવી જશે તેવી જાહેરાત સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કરી છે. કાશ્મીરની સમસ્યા કાં તો ગૃહમંત્રી અથવા વિદેશમંત્રીનો વિભાગ છે. સંરક્ષણમંત્રી માત્ર લશ્કરી બાબત અંગે બોલી શકે. કાશ્મીરમાં ત્રાસવાદની સમસ્યા ખતમ કરવા માટે લશ્કરી બળ વાપરવામાં આવે છે અને આ કારવાઈ લગભગ પૂરી થવા આવી છે. કાશ્મીરની ત્રાસવાદી સમસ્યાનો ઉકેલ આવી જાય, પણ રાજકીય અને સામાજિક સમસ્યા તો ઊભી જ રહે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરની સમસ્યા અંગે વાટાઘાટો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. તેનાં સંભવિત પરિણામો અંગે કશું કહેવું શક્ય નથી, કારણ કે પાકિસ્તાનના મનમાં શું છે તે આપણે જાણતાં નથી અને જાણી શકવાના નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે શબ્દો અને અર્થ હંમેશાં એકસરખાં હોતા નથી.
કાશ્મીરની સમસ્યા ઉકેલવા કાશ્મીરી આગેવાનો જોડે જ ચર્ચા થશે તેવા ભારત સરકારના વલણની સ્પષ્ટતા રાજનાથસિંહે કરી છે, પણ કાશ્મીરી અલગતાવાદીઓની હુર્રિયતની આખી જમાત સાથે વાતચીત કરવાની અનિચ્છા જાહેર કરી છે. સાંસદોના પ્રતિનિધિમંડળે તેમની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ઘરના દરવાજા બંધ કર્યા હતા તેની યાદ તાજી અપાવી અને કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટની માગણીનો ફરી વખત ઉચ્ચાર કરવામાં આવ્યો. કોમી વૈમનસ્યના કારણે કાશ્મીરી પંડિતો દાયકાઓ અગાઉ કાશ્મીરથી ભાગીને દિલ્હીમાં તથા અન્ય શહેરોમાં નિરાશ્રિત તરીકે વસવાટ કરે છે. તેમને ફરી વસાવવામાં આવે તો પણ કાશ્મીરી મુસ્લિમોથી અલગ પડી જાય અને તેમની સુરક્ષાની ગોઠવણ કરવી પડે. આવા અલગ વસવાટો માટે અંગ્રેજી ભાષામાં ઘેટ્ટો શબ્દ (Ghetto) વપરાય છે. યુરોપમાં યહૂદીઓ માટે આવા ઘેટ્ટો રાખવામાં આવતા અને સાંજ પડતા તમામ યહૂદીઓએ તેમાં પુરાઈ જવું પડતું.
કાશ્મીરી ત્રાસવાદ અંગે ઘણું કહેવાયું છે અને છેલ્લે છેલ્લે તો અલકાયદાએ પણ કાશ્મીરમાં પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિ વિસ્તારવાની ધમકી આપી છે. કાશ્મીરી ત્રાસવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ગણવામાં આવે છે, પણ કાશ્મીરમાં હણાયેલા અને પકડાયેલા ત્રાસવાદીઓમાં સાઠ ટકા જેટલા કાશ્મીરના રહેવાસીઓ છે. પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે, પણ પ્રવૃત્તિ મોટાભાગે સ્થાનિક યુવાનો ચલાવે છે. કોઈ નામચીન ત્રાસવાદી પકડાય અથવા તેની સામે ધીંગાણું ચાલતું હોય ત્યારે યુવાનો અને કિશોરો પોલીસ પર પથ્થરમારો કરતા હોય છે. જોકે, હવે આવા પથ્થરબાજોની સંખ્યા અને શક્તિ બંનેમાં ઓટ આવી છે.
કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 રદ કરવામાં આવશે તેવી જાહેરાત ગૃહમંત્રી અમિત શાહ અવારનવાર કરે છે, પણ આ પગલું ભરવા માટે ભાજપ પાસે જરૂરી સંખ્યાબળ નથી. બંધારણમાં ફેરફાર કરવાનું ઘણું અઘરું છે. બંધારણ સુધારણાનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં કુલ સભાસદોની બહુમતીથી અને હાજર રહીને મત આપનાર સભાસદોની બેતૃતીયાંશ બહુમતીથી પસાર થવો જોઈએ. લોકસભામાં 545 સભાસદો છે, તેથી બંધારણ સુધારાના ખરડાને ઓછામાં ઓછા 273 સાંસદોની બહુમતી જોઈએ અને 500 સાંસદો હાજર હોય તો 374 મત જોઈએ. રાજ્યસભામાં 245ની સંખ્યા છે, તેથી ઓછામાં ઓછા 123 મત અને 200 સાંસદો હાજર હોય તો 134 મત મળવા જોઈએ. ભાજપની પાસે રાજ્યસભામાં આટલી બેઠકો નથી, તેથી સરકાર ધારે તો પણ આ કલમ કે કલમ 35 નાબૂદ કરી શકે તેમ નથી, તેથી આ કલમો નાબૂદ કરવાની ભાજપી સરકારની મનીષા લાંબા વખત સુધી પાર પડવાની નથી.
ભારતનું કાશ્મીર અને પશ્ચિમ એશિયાનું પેલેસ્ટાઇન, આ બે સમસ્યાઓનો સરળ અને સચોટ ઉકેલ દુનિયામાં કોઈની પાસે નથી. કાશ્મીરનો કોયડો તો પેલેસ્ટાઇન કરતાં પણ વધારે ગૂંચવાયેલો છે, કારણ કે તેમાં કોમી અને આર્થિક સમસ્યાઓની સેળભેળ થઈ ગઈ છે. મુસ્લિમોની બહુમતી હોય એવું એકમાત્ર રાજ્ય કાશ્મીર છે અને ભારતના તમામ મુસ્લિમો કાશ્મીરની પરિસ્થિતિ ચૂપચાપ અતિશય ચિંતાપૂર્વક નિહાળી રહ્યા છે. કાશ્મીરમાં હિન્દુ પંડિતોના પુનર્વસવાટની વાતને મહત્ત્વ અપાયું ત્યારથી આ કોમી સમસ્યાને એક વધારે વળ ચડ્યો છે, કારણ કે છેલ્લાં 40 વર્ષથી પડેલી કાશ્મીરી પંડિતોની મિલકત એમને એમ પડી રહી હોવાનો સંભવ નથી અને જેણે કબજો લીધો હશે તેની પાસેથી કબજો છોડાવવાનું કામ સહેલાઈથી થઈ શકે નહીં.
બીજો મુદ્દો પાણીનો છે. ભારતીય અને પાકિસ્તાનની પંજાબની નદીઓનાં મૂળ કાશ્મીરમાં છે અને આ ઉપરતળનો વિસ્તાર જેના કબજામાં હોય તેનો હાથ પાણીની બાબતમાં ઊંચો રહેવાનો છે. આ બાબતમાં કોઈને અન્યાય ન થાય તેવી રિવેરિયન ટ્રીટી તો કરવી જ પડે, પણ કરાર કરતાં કબજો હંમેશાં વધારે બળવાન હોય છે, પણ વધારે ઓછું દબાણ કરીને સામેવાળાને પરેશાન કરી શકાય.
સિંધુ કરાર અનુસાર ભારત આ નદીઓના પાણીમાં અવરોધ નાખતું નથી. લડાઈ વખતે પણ પાણીની વહેંચણીમાં કશી દખલગીરી થઈ નથી, પણ ભવિષ્યમાં શું થશે તે કોઈ કહી શકે નહીં.
કાશ્મીરનો આપણો હિસ્સો 70 વર્ષથી આપણા હાથમાં રહ્યો છે. દુનિયાનું કોઈ રાષ્ટ્ર પોતાના વિસ્તારને સહેલાઈથી જતો કરવાનું ટાળે છે. સીમાડાઓ ફેરવાય છે, પણ શાંતિ સુલેહથી બદલાતા નથી. કાશ્મીરનો મુદ્દો અથવા તો બીજા કોઈ મુદ્દાસર પાકિસ્તાન ભારત સામે લડી શકે તેમ નથી અને 1971-72માં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનની કમર તોડી નાખી છે.
બીજું, પાકિસ્તાન નાનો દેશ છે અને વ્યૂહાત્મક પીછેહઠ કરી શકાય તેટલી જગા પાકિસ્તાન પાસે રહે નહીં તેવું કેબિનેટ મિશને (1946) પોતાના હેવાલમાં નોંધ્યું છે. કારગિલની વરસી નિમિત્તે સેનાપતિ રાવતે પાકિસ્તાનને આપેલી ચેતવણી બિનજરૂરી છે, કારણ કે કાશ્મીરને હાથવગુ કરવા માટે પાકિસ્તાને ભારત સાથે કરેલી બધી લડાઈઓ પાકિસ્તાનને ભારે પડી છે.
કાશ્મીરનો ઉકેલ યુદ્ધથી આણી શકાય તેમ નથી, પણ પાકિસ્તાન સાથે વાટાઘાટો કર્યા વગર કાશ્મીરનો ઉકેલ આણવો શક્ય દેખાતું નથી. વાટાઘાટોના દરવાજા અત્યારે તો બંધ છે, પણ તે કાયમ માટે બંધ રહેવાના નથી. પાડોશી જોડેના અબોલા વહેલા મોડે તોડવા પડે છે.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી