પરિક્રમા / આપણે સંત અને શયતાન વચ્ચેનો ભેદ ભૂંસી નાખ્યો છે?

article by nagindas sanghvi

યુગપુરુષોના મરણ પછી તેમના પર ગુલાબનાં ફૂલ વરસાવનાર સમાજે  જીવતાજીવે મહાનુભાવો માટે કાંટા જ પાથર્યા છે

નગીનદાસ સંઘવી

Jun 04, 2019, 02:51 PM IST

ધાર્મિક અથવા વૈચારિક ઝનૂનના કારણે માણસ મૂરખ બને છે. મૂરખ માણસો જ ઝનૂની બની શકે છે તે દુનિયાનો એક ‌વણઉકેલ કોયડો છે. નથુરામ ગોડસે અંગેનો મતભેદ આ કોયડાના કારણે ઊભો થયો છે. સિનેમા જગતમાંથી રાજકારણના પ્રવેશ ઉંબરે અટકેલા કમલ હાસને નથુરામ ગોડસેને આઝાદ ભારતના પહેલા ત્રાસવાદી ગણાવ્યા અને ભોપાલમાં લોસભાની ચૂંટણીના ભાજપી ઉમેદવારે ગોડસેને ત્રિકાલાબાધિત દેશભક્ત ગણાવીને ભાંગરો વાટ્યો.
સામસામા છેડા પર ઊભેલા આ બંને મહાનુભાવોને 1947/48ની પરિસ્થિતિનો કશો ખ્યાલ કે સમજ હોય તેવું દેખાતું નથી. નથુરામ ગોડસે હત્યારો છે, પણ ત્રાસવાદી નથી અને ગાંધીજી જેવા પયગંબર તુલ્ય યુગપુરુષની હત્યા કરનાર નથુરામ ગોડસે હિન્દુત્વભક્ત છે, દેશભક્ત નથી. નથુરામ ગોડસેનાં મંદિરો બંધાયાં છે તેમ કાળભૈરવનાં મંદિરો પણ છે જ, કારણ કે આ દુનિયામાં સૌમ્યતાના ઉપાસકો કરતાં ભયંકરતાના પૂજારીઓની સંખ્યા વધારે છે.
નથુરામ ગોડસેએ ભારતના સાંપ્રત ઇતિહાસમાં ભૂંસી ન શકાય તેવું સ્થાન મેળવી લીધું છે, કારણ કે તેણે એક મહામાનવની હત્યા કરી છે. ખ્રિસ્તીઓના ઇતિહાસગ્રંથોમાં ઇસુને મોતનો દ્રોહ કરનાર જ્યુડાસ અને ઇસુને મોતની સજા ફરમાવનાર પાઇલોટ બંનેનો ઉલ્લેખ હરહંમેશ કરવામાં આવે છે. ગાંધીકથાના અંતિમ અધ્યાયમાં નથુરામ ગોડસેએ અચળ સ્થાન મેળવી લીધું છે. ગોડસેની જીવનકથામાં કશું નવું નોખું નથી, પણ ગાંધીજી પર તેણે કશા અંગત લાભ માટે ગોળી ચલાવી નથી અને તેના કટ્ટર અનુયાયીઓ માટે નથુરામ શહીદ ગણાય છે. તેમના માટે ગોડસે ભારતીય ઇતિહાસનું એક ઉપયોગી પાત્ર છે અને એક કટ્ટરપંથી હિન્દુના હાથે ગાંધીજીની હત્યા થઇ તે ગાંધી માટે અને ભારત માટે ઘણું લાભદાયી છે.
ગાંધીજીની હત્યા આઘાતજનક છે, પણ સ્વાભાવિક છે. યુગપુરુષોના મરણ પછી તેમના પર ગુલાબનાં ફૂલ વરસાવનાર સમાજે જીવતાજીવે મહાનુભાવો માટે કાંટા જ પાથર્યા છે. ગાંધી ખાટલે પડીને નાક અને ગળામાં નળીઓ ખોસી હોય તેમ મરે તેના કરતાં ગોળીથી મરે તે તેમના માટે ઓછું પીડાદાયક છે. અને ભારત માટે અતિશય ઉપયોગી મરણ છે. ગાંધીનો મરણોત્સવ ઊજવનાર લોકોએ પૂનામાં ખુશખબરી માટે મીઠાઇ વહેંચી અને મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો વિરોધી હુલ્લડો ફાટી નીકળ્યાં તેમાં વસંતદાદા પાટિલ જેવા આગેવાન પણ જોડાયેલા, પણ ગાંધીહત્યાથી ભારતમાં સોપો પડી ગયો અને હિન્દુત્વવાદીઓ ઓઝપાઇ ગયા. મુસ્લિમ વિરોધી હુલ્લડો દાયકા સુધી અટકી ગયાં અને આ દસ વરસમાં ભારતીય લોકશાહી પગભર થઇ ગઇ. તેનાં મૂળ ઊંડાં ઊતરી ગયાં.
પાકિસ્તાનમાં લોકશાહીને અવકાશ ન મળ્યો, કારણ કે હિંસાચાર લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે. મોહમ્મદ અલી ઝીણાનો અનુરોધ અરણ્યરુદન બની રહ્યો. ધર્મ, ખાનપાન, પહેરવેશ, ભાષા અને પરંપરાના ધોરણે એક જ સમાજના બે ટુકડા છતાં ભારત-પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસ અલગ પડ્યો તેનો જશ કે અપજશ નથુરામ ગોડસેને આપવો પડશે. લોકશાહી અને લશ્કરવાદ વચ્ચેની આ ચડાઉતરીએ પાકિસ્તાનને પાયમાલ કરી નાખ્યું અને આ સંઘર્ષ આજે સિત્તેર વર્ષે પણ ચાલી રહ્યો છે. 1977માં ચૂંટણીમાં પરાજય મળ્યો ત્યારે ઇન્દિરા ગાંધી જેવાં જાજરમાન રાજકારણીએ લગામ છોડી દીધી. 1978માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ચૂંટણી હાર્યા ત્યારે તેમણે સેનાપતિ ઝિયા ઉલ હકને સત્તાસ્થાને બેસાડ્યા. આ તફાવતનાં મૂળ ગાંધીની શહાદતમાં છે. 1947માં ગાંધીજીનું અવતાર કાર્ય સમાપ્ત થઇ ગયું.
નથુરામ ગોડસેની બંદૂક ગાંધીહત્યા માટે જવાબદાર નથી તેમ માત્ર ગોડસે જ ગાંધીહત્યા માટે જવાબદાર નથી. કોમી વિદ્વેષને પોષણ આપનાર અને તેનો પથારો પાથરનાર બધાં તત્ત્વો અને બધી સંસ્થાઓ ગાંધીહત્યામાં સંડોવાયેલી છે. નથુરામ ગોડસે તો બિચારો એક સાધન છે, તેને પ્રેરણા આપનાર કટ્ટરપંથી હિન્દુત્વવાદીઓને શોધવા અને સમજવા જરૂરી છે.
જૈન વિચારકોએ ત્રણ પ્રકારનાં કર્મ ગણાવ્યાં છે અને આ ત્રણે પ્રકારનાં કર્મનો પરિપાક માણસે ભોગવવો પડે છે તેવું માનવામાં આવે છે. જે કામ, જે કર્મ આપણે જાતે કરીએ તે કૃતકર્મ કહેવાય છે. ગાંધીહત્યા તે નથુરામનું કૃતકર્મ છે. જે કામ આપણે બીજા મારફતે કરાવીએ તેને કારીત કર્મ કહેવાય છે. ગોડસેને બંદૂક મેળવી આપનાર, તેને પ્રોત્સાહન આપીને હત્યા કરવા માટે ઉશ્કેરણી કરનાર લોકો આ કારીતી કર્મના પાપભાગી છે. સારા કે નરસા કામને વખાણે, ટેકો આપે, તેનું અનુમોદન કરે તે કર્મ અનુમોદિત કર્મ કહેવાય છે.
સંત અને સાધ્વી શબ્દનો દુરુપયોગ આજે જેટલો થાય છે તેટલો અગાઉ કદી થવાનું જાણ્યું નથી. આશારામજીને સંત ગણીએ, કમ્પ્યૂટર બાબા પણ સંત કહેવાય તો આપણા જેવા માણસોએ શયતાન ગણાવાનું પસંદ કરવું જોઇએ, કારણ કે આપણે સંત અને શયતાન વચ્ચેનો ભેદ ભૂંસી નાખ્યો છે.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી