માનસ દર્શન- મોરારિબાપુ / ગુરુ અવતાર નથી લેતા, ગુરુમાં દસેય અવતાર છે

article by moraribapu

Divyabhaskar.com

Jul 29, 2019, 05:10 PM IST

માનસ દર્શન- મોરારિબાપુ
ગુરુનો અવતાર નથી થતો; ગુરુ હોય છે. એ અવતાર નથી લેતા એટલા માટે ગુરુનું કોઇ નામ નથી હોતું. બહુધા જાણતા હોવા છતાં પણ આપણે આપણા ગુરુનું નામ બોલતા નથી. ‘રામચંદ્ર ભગવાનની જય’ બોલીએ છીએ, પરંતુ જે ગુરુ છે એની જય. ઠીક છે, એક લેવલ પર બોલીએ, બાકી આપણે શું બોલીએ છીએ? ‘સદ્્ગુરુ ભગવાનની જય’. આપણે ગુરુનું નામ નથી આપતા. ગુરુનું કોઇ નામ નથી. ગુરુ છે ગુમનામ, બેનામ, નામના બંધનમાં ગુરુ નથી. ગુરુનું નામ એક લેવલ સુધી તમે જપો, ના નથી પાડતો, પરંતુ આખરી મંજિલ પર ગુરુનું નામ જ નથી હોતું. એ અનામ છે.
બીજું, જે અવતાર હોય છે એમાં રૂપ હોય છે. ગુરુનું કોઇ રૂપ નથી હોતું. હા, શરીરધારી જે છે તો આપણે માની લઇએ કે આ આપણા ગુરુ, પરંતુ તત્ત્વત: ગરુનું કોઇ રૂપ નથી. ગુરુ રૂપ નથી હોતા, ગુરુ સ્વરૂપ હોય છે. ગુરુનો કોઇ નકશો નથી. ગુરુની કોઇ આકૃતિ નથી. અવતારની લીલા હોય છે. લલિત નરલીલા, મનુષ્યલીલા, ક્યારેક ક્યારેક છળલીલા પણ! ગુરુની કોઇ લીલા નથી હોતી. ગુરુની કરુણાની ક્રીડા હોય છે. વિલસિત છે કરુણા. ક્યારેક વિવેકાનંદના ગુરુ ઠાકુરનો ચહેરો તો જુઓ. તમને લાગશે કે આ બૂઢા માણસના મુખેથી, એમની આંખોમાંથી કરુણા વહી રહી છે. ગુરુની લીલા નથી હોતી. લીલાનો એક અર્થ થાય છે નાટક. ગુરુ કોઇ રંગભૂમિના અભિનેતા નથી. એ કોઇ ને કોઇ અંદાજમાં તમને દેખાય એ તો કેવળ અને કેવળ એમની કરુણાની ક્રીડા છે. ગુરુનું નામ નથી હોતું. નથી રૂપ હોતું, નથી લીલા હોતી. ગુરુનું કોઇ ધામ નથી હોતું. વ્યવસ્થાના રૂપમાં કંઇ હોય એ ઠીક છે. હા, જન્મભૂમિનો મહિમા હોય છે, પરંતુ ગુરુનું કોઇ ધામ નથી હોતું. આખરે ગુરુ સ્વયં પોતાની જાતમાં જ ધામ છે. પૂર્ણ આશ્રિતને કોઇ પૂછે કે તમારા ગુરુનું ધામ કયું? તો એમ જ કહેવંુ જોઇએ, ગુરુ જ મારું ધામ છે. ગુરુ જ મારું નામ છે. ગુરુ જ મારું રૂપ છે. ગુરુ જ મારી કરુણા છે.
બુદ્ધપુરુષ એ છે કે જેને પ્રેમ કર્યા વિના તમે રહી જ ન શકો. આપણી એ કમજોરી થઇ જાય છે. એમના રૂપને તમે પ્રેમ નથી કરતા, કેમ કે રૂપ એમનું છે જ નહીં. એમના નામને તમે પ્રેમ નથી કરતા, કેમ કે એમનું નામ છે જ નહીં, કેમ કે એ ગુમનામ છે. એમને સુંદર ફાઇવસ્ટાર આશ્રમ માટે પ્રેમ નથી કરતા, કેમ કે એમનું કોઇ ધામ છે જ નહીં. એમની લીલા કે એમનું કોઇ નાટક નથી; એમની તો કરુણાની ક્રીડા છે, પરંતુ આપણે એમનાથી આકર્ષિત થયા વિના રહી નથી શકતા. ગુરુમાં કૃષ્ણપણું હોય છે, જે આપણને આકર્ષિત કરે છે, ખેંચે છે; દુશ્મનોને પણ ખેંચે છે. કોઇ પણ એનાથી અછૂતું નથી રહી શકતું. ગુરુમાં બુદ્ધ હોય છે. એટલા માટે તો સદ્્ગુરુનો સગોત્રી શબ્દ હું હંમેશાં યૂઝ કરું છું ‘બુદ્ધપુરુષ.’ પૂરેપૂરા બુદ્ધ એમનામાં ઊતરે છે; તથાગત ઊતરે છે અને ગુરુ અવતાર નથી લેતા, પરંતુ ગુરુમાં દસેય અવતાર હોય છે.
ગુરુનો અવતાર નથી થતો. અવતાર નથી થતો એવા ગુરુ છે ત્રિભુવન ગુરુ શિવ. મહાદેવનો કોઇ અવતાર નથી. એમનામાં બધા અવતાર છે. મહાદેવનું કયું નામ? કોઇ પણ નામ લગાવી દો. એ માણસ ગુમનામ છે. શિવનું રૂપ શું છે? ‘અમંગલમય શીલં’, શિવની કોઇ લીલા નથી, યાદ રાખજો. એ માણસે કોઇ લીલા નથી કરી; કરુણા અવશ્ય કરી છે અને એમનું કોઇ ધામ નથી. તો આ જે ત્રિભુવન ગુરુ છે એમાં બધા અવતાર સમાહિત થઇ જાય છે.
મને એવું પણ પૂછવામાં આવે છે કે બાપુ, જૂના જમાનામાં થતાં તપ આજના સંદર્ભમાં પ્રાસંગિક છે? એક પગે ઊભા રહીને તપસ્યા કરવાનું બહુ સારું સમાધાન આપી દીધું કે એકનિષ્ઠ થઇને તપ કરવું. તપ કોને કહેવાય છે? એનું એકવીસમી સદીના સંદર્ભમાં હું પરિવર્તન નથી કરતો. હું કલિયુગના સંદર્ભમાં તપની વ્યાખ્યા કરવા નથી જતો. હું દ્વાપરયુગમાં યોગેશ્વર કૃષ્ણએ જે તપની પરિભાષા કરી છે એ તમારી સામે મૂકવા માગું છું. ‘ભગવદ્્ગીતા’માં ત્રણ પ્રકારનાં સાત્ત્વિક તપ દર્શાવાયાં છે. માનસિક તપ, વાઙ્્મય તપ અને શારીરિક તપ. હું અને તમે આમ ચપટી વગાડીને કરી શકીએ છીએ. દિગંબરી લેવાની જરૂર નથી. ધૂપમાં આપણી જાતને ખાક કરવાની જરૂર નથી. એકવીસમી સદીમાં શું, આવનારી હજારો સદીઓ સુધી આ ‘ગીતા’નું વચન પ્રેક્ટિકલ બની રહેશે. ‘ગીતા’માં શરીરનું તપ શું છે?
દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્.
બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે.
આઠ બાબત ગણાવાઇ છે. શરીરથી તપ કરવું હોય તો એક પગે ઊભા રહેવાની જરૂર નથી. મા રહી શકે; એ તપ એક મા કરી લે તો પૂરતું છે; બાળકોને કરવાની જરૂર નથી. દેવ; જે દેવ હોય એની પૂજા કરવી એ શરીરનું તપ છે. તમારા ઘરમાં કોઇ માતાજી-દેવી હોય, કોઇ દેવ હોય, એની પૂજા કરો. સૂર્યદેવની પૂજા કરો, નમસ્કાર કરો, જળ ચડાવો; સૂર્યનમસ્કાર કરો. વિધવિધ દેવ છે એ દેવનું પૂજન કરવું એ શરીરનું તપ છે.
બીજું, જે દ્વિજ છે એનું પૂજન કરો. દ્વિજ એટલે કોઇ બુદ્ધપુરુષ, જેનો બીજો જન્મ થઇ ચૂક્યો છે. એક વાર માના ગર્ભમાંથી પ્રગટ થયા પછી કોઇ બુદ્ધપુરુષ મળી જાય અને એ બુદ્ધપુરુષે એને નવું ચૈતન્ય આપ્યું હોય એવા કોઇ દ્વિજ બીજીવાર જન્મી ચૂક્યા છે, એવા કોઇ ફકીર તમારા આંગણામાં આવી જાય તો એનો આદર સત્કાર કરીને, જલપાન કરાવીને, રોટી ખવડાવીને પૂજન કરવું એ શરીરનું તપ છે. ગુરુ; જે ગુરુ હોય એમનું પૂજન કરવું. અહીં ‘ગુરુ’ શબ્દનો સ્વામી રામસુખદાસજીએ એવો અર્થ કર્યો કે ગુરુ એટલે માતા, પિતા, આચાર્ય અને વડીલ; સ્વામીજીએ ગુરુરૂપે એ ચાર બતાવ્યા છે. માની પૂજા એટલે માની સેવા. જેમણે જન્મ આપ્યો, જેમણે કરુણાથી ભરી દીધા, એમને આદર આપવો. પિતા; જેમણે પોષણ કર્યું. આચાર્ય; જેમણે શિક્ષણ આપ્યું, વિદ્યા આપી એમની પૂજા અને આપણા કુળમાં, આપણા ગામમાં, આપણા પડોશમાં, આપણી જ્ઞાતિમાં, આપણી બિરાદરીમાં અથવા તો ક્યાંય પણ જઇએ; આપણાથી જે વયોવૃદ્ધ છે એમને આદર આપવો એ શારીરિક તપ છે.
પ્રાજ્ઞ, બુદ્ધિમાન; કોઇ સાહિત્યકાર, કોઇ સર્જક, કોઇ વિદ્વાન, કોઇ પંડિત, કોઇ વિદ્યાવાન જે પ્રાજ્ઞ છે; કોઇ બુદ્ધિમાન, ભલે તમે એમના વિચારો સાથે સહમત ન હો, પરંતુ માણસ ભણેલોગણેલો છે, આપણાથી મોટો છે તો એમની પૂજા કરો, એમને આદર આપો. એમને સાંભળો એ શારીરિક તપ છે. શૌચમ્; શૌચ એટલે પવિત્રતા. જ્યાં સુધી આપણી સન્મતિ રહે ત્યાં સુધી અંદરથી પવિત્ર રહેવાની આપણે કોશિશ કરીએ. શરીરને સ્વચ્છ રાખીએ અને વિચારોને પવિત્ર રાખીએ. આર્જવમ્; ગમે તેટલું સામર્થ્ય હોય તો પણ સરળતા જાળવી રાખવી એ શરીરનું તપ છે. આર્જવ એટલે કે ઋજુતા, નમ્રતા, બ્રહ્મચર્ય; બ્રહ્મચર્યનો અર્થ અહીં છે સંયમ, સમ્યકતા, બાકી બ્રહ્મચર્યની વાતો થઇ શકે છે, બ્રહ્મચારી થવું બહુ મુશ્કેલ છે. અહિંસા; કોઇની હિંસા ન કરીએ; કોઇને ધક્કો ન મારીએ; કોઇને ધક્કો મારીને આગળ જવાની ચેષ્ટા ન કરીએ; કોઇને હાનિ ન પહોંચાડીએ, પીડન ન કરીએ, એ શારીરિક તપ છે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી