માનસ દર્શન- મોરારિબાપુ / બુદ્ધપુરુષનું એક સૌથી મોટું લક્ષણ હોય છે સમતા

article by moraribapu

Divyabhaskar.com

Jul 22, 2019, 01:12 PM IST

માનસ દર્શન- મોરારિબાપુ
​​​​​​​નારદજીનાં વચન છે કે હિમાલય, આપની આ કન્યાકુમારી સર્વ લક્ષણોથી સંપન્ન છે, પરંતુ નારદે સર્વ લક્ષણોથી સંપન્ન કહીને એક વિશિષ્ટ લક્ષણ તરફ સંકેત કરી દીધો. જો બધાં લક્ષણ હોય અને એ એક લક્ષણ ન હોય તો અન્ય લક્ષણ એટલાં ઉપયોગી નથી થતાં. એક કન્યાનાં બધાં લક્ષણો હોય એવું પરિવાર ઇચ્છશે, રાષ્ટ્ર ઇચ્છશે, વિશ્વ ઇચ્છશે, પરંતુ નારદના વચનમાં કહેવાયેલું અત્યંત આવશ્યક લક્ષણ છે તે એ છે કે આપની કન્યા નિરંતર પતિપ્રિયા હશે; કન્યાનું એ સર્વોત્તમ લક્ષણ છે. જે પોતાના પતિને નિરંતર પ્રિય હોય છે. બધાં લક્ષણો હોય; બત્રીસ લક્ષણો હોય; ચોસઠ કે બોતેર કલાઓ હોય, સ્વાગત, પરંતુ પતિપ્રિયતા ન હોય તો નારીનાં બધાં લક્ષણો કદાચ બોજ બની જાય. નારદે બહુ જ મહત્ત્વની વાત કહી કે સર્વોત્તમ લક્ષણ ‘હોઇહિ સંતત પિયહિ પિઆરી.’ એ પોતાના પતિને અત્યંત પ્રિય હશે, પરંતુ એવા પતિને પ્રાપ્ત કરવા માટે આપની પુત્રીને તપ કરવું પડશે અને શિવ આમ તો આશુતોષ છે, પરંતુ દુરારાધ્ય પણ છે અને ‘માનસ’માં લખ્યું છે કે ‘ઇચ્છિત ફલ બિનુ સિવ અવરાધે.’ તમારા હૃદયના ખૂણામાં આ સૂત્રને સંભાળી રાખજો. વ્યક્તિના મનમાં ઘણી ઇચ્છાઓ હોય છે, કેમ કે આપણે જીવ છીએ. મનની ઇચ્છાનુકૂલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ કોઇ પણ સાધક પછી એ કોઇ પણ ધર્મનો, વર્ણનો, જાતિનો, દેશનો, કાળનો હોય, પણ જ્યાં સુધી શિવઆરાધના નથી કરતો ત્યાં સુધી ઇચ્છિત ફળ અસંભવ છે, પરંતુ શિવ છે દુરારાધ્ય. નારદનાં એ વચન છે કે હિમાલય, તમારી પુત્રી તપ કરશે તો મેં વરનાં જે લક્ષણો તમારી સામે મૂક્યાં છે, એ ગમે તેવા પ્રારબ્ધને પણ ભગવાન મહાદેવ મિટાવી દેશે. એના જે અવગુણ માનવામાં આવે છે એ પણ ગુણ મનાશે. અહીં ‘માનસ’ની એક ચર્ચાસ્પદ ચોપાઇ; ચર્ચાસ્પદ તો નથી, પણ લોકોએ પોતાનું પાંડિત્ય પ્રદર્શિત કરવા માટે ચર્ચાસ્પદ બનાવી દીધી છે! લોકો જેની બહુ જ ચર્ચા કરે છે એ પંક્તિને પણ ઉદઘૃત કરીને હું આગળ વધું.
સમરથ કહું નહિં દોષ ગોસાઇ,
રબિ પાવક સુરસરિ કી નાઇ.
હવે આ પંક્તિનો અર્થ તો એવો થાય છે કે આ તુલસીએ લખી દીધું, સમર્થને કોઇ દોષ નથી. અહીં તો લખ્યું છે, સમર્થને દોષ નથી, પરંતુ આપણે તરત જોડી દઇએ છીએ કે એનો મતલબ સામાન્યને દોષ! એ તુલસીનું વક્તવ્ય નથી. મારા તુલસી દૃષ્ટાંત આપે છે કે ક્ષીર સમુદ્રમાં શેષ નારાયણની શય્યા પર નારાયણ વિષ્ણુ શયન કરે છે, પરંતુ નારાયણને જગતમાં કોઇ દોષ નથી દેતું કે આ તો આપની શય્યામાં સૂએ છે, કેવો માણસ છે આ? શું છે આ? તુલસીને ત્રણ વાત કરવી છે. ‘ભાનુ કૃસાનુ સર્બ રસ ખાહીં.’ ભાનુ એટલે સૂર્ય; કૃસાનુ એટલે અગ્નિ. સૂર્ય-અગ્નિ બે એવાં તત્ત્વ છે; તત્ત્વત: એક જ તત્ત્વ છે, પરંતુ આમ જુદાં છે. એ બધા રસ ખાઇ જાય છે. સૂર્ય એક ગંદા નાળાનું પાણી પણ શોષી લે છે અને અગ્નિમાં જે નાખો એને ખાઇ જાય છે, પરંતુ સૂર્યને કોઇ દોષ નથી દેતા કે એ સર્વભક્ષી હોવા છતાં સૂર્યની કોઇ નિંદા નથી કરતા. બધા એની પૂજા કરે છે. અગ્નિની પૂજા થાય છે. ‘શુભ અરુ અસુભ સલિલ સબ બહઇ.’ નારદ કહે છે, શુભ અને અશુભ બંને જળ ગંગામાં વહી જાય છે. હિમાલયથી નીકળેલી ગંગા તો શુભ વહે છે, પરંતુ ગંગાને કોઇ અપવિત્ર નથી કહેતું. શા માટે? ‘સમરથ કહું નહિં દોષ ગોસાઇ.’ અને લોકો શું કહે છે કે અહીં તુલસીએ કહી દીધું કે જે સમર્થ હોય છે, મોટા હોય છે એમને કોઇ દોષ નથી હોતો. સમાજ ઉદાર છે અને મોટાને કોઇ દોષયુક્ત ન સમજે તો પણ સમર્થ હોય એમણે વધારે આત્મચિંતન કરવું જોઇએ કે મારા રાઇ જેવડા દોષથી પણ સમાજને ધક્કો લાગી શકે છે. એમણે જાગૃત રહેવું પડે છે. સૂરજ જાગૃત રહે છે. અગ્નિ જાગૃત રહે છે. વહેતી ગંગા ક્યારેય વેકેશન નથી લેતી કે આજે સન્ડે છે; હું નહીં વહું.
નારદ કહે છે કે હિમાલય, શંકરને દોષ નહીં લાગે, કેમ કે શંકર સમર્થ છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એમનાં ત્રિનેત્ર છે એટલે શંકર સમર્થ છે. એમનામાં સૂર્ય તત્ત્વ પણ છે અને અગ્નિ તત્ત્વ પણ છે. એમના મસ્તક પરથી ગંગા પણ વહે છે.
‘નિર્દોષં હિ સમં બ્રહ્મ.’ ‘ભગવદ્્ગીતા’ કહે છે, સમર્થ એ છે, જે નિર્દોષ છે. આ નિર્દોષ તત્ત્વ ‘ભગવદ્્ગીતા’માં એક બ્રહ્મ છે અને શંકર બ્રહ્મ છે. શિવને કોઇ દોષ નથી લાગતો. એ નગ્ન રહે, કોઇ ચિંતા નહીં. એ ભુજંગભૂષણ રહે, કોઇ દોષ નથી. એ ગરલકંઠ હોય, કોઇ દોષ નથી. એ સ્મશાનમાં નિવાસ કરે, કોઇ દોષ નથી, કેમ કે ‘સમરથ કહું નહિં દોષ ગોસાઇ.’ શિષ્ટ ભાષામાં તો ‘સમર્થ’ શબ્દ છે, પરંતુ ગોસ્વામીજી લોકબોલીમાં બોલ્યા તો કહ્યું ‘સમરથ.’ રથ છે શરીર. ઉપનિષદોએ પણ કહ્યું છે. ગુર્જિયેફની વાત કરું તો, માણસનું શરીર એક રથ છે. હાથ, પગ, નેત્ર, કર્ણ શરીરમાં સમાહિત બધી ઇન્દ્રિયો જે રથ છે અને શરીરનો રથ જેમનો કાયમ સમ હોય છે એમને કોઇ દોષ નથી હોતો. જેમની જીવનયાત્રા સમ છે; સમતામૂલક છે એમને દોષ નથી.
બુદ્ધપુરુષનું એક સૌથી મોટું લક્ષણ હોય છે સમતા. અલબત્ત, બુદ્ધપુરુષમાં મમતા ન હોય એવી કોઇ વાત નથી. એ મોહ-મમતા પણ રાખે છે, પરંતુ જ્યારે પોતાનો આશ્રિત પ્રતિષ્ઠા માટે ભટકી જાય છે કે નિષ્ઠાભંગ કરે છે ત્યારે બુદ્ધપુરુષની મમતા ઓછી થઇ જાય છે; સમતા કાયમ રહે છે. આપણે એક વાક્ય બોલતા રહીએ છીએ, જે મોટેભાગે દાદાજી બોલતા રહેતા હતા, ‘ગુરુદેવ સમર્થ’, ‘ગુરુદેવ સમર્થ’; એક ગુરુ તત્ત્વ સમર્થ છે અને સમર્થ એ છે જેમની ઇન્દ્રિયો અને રથ સમ છે. મમતા તો બુદ્ધપુરુષ આરોપિત કરે છે કે લોકો સારા માર્ગે રહે કે અમને આવા બુદ્ધપુરુષ-મહાપુરુષની મમતા પ્રાપ્ત થઇ ગઇ છે. મમતા ક્યારેક ક્યારેક છૂટી પણ જાય છે, પરંતુ બુદ્ધપુરુષની સમતા ક્યારેય નથી છૂટતી.
બીજી વાત એ પણ તમે સમજી લો કે ઇશ્વરનો અવતાર થાય છે, સદ્્ગુરુનો ક્યારેય અવતાર નથી થતો. સદ્્ગુરુ કાયમ વર્તમાન છે. સદ્્ગુરુ ક્યારેય પોતાની પળને ભૂતકાળ નથી થવા દેતા અને પોતાની પળને ભવિષ્ય માટે પ્રતીક્ષામાં નથી રાખતા. સદ્્ગુરુ પળને પકડી રાખે છે. એટલા માટે કહેવાયું-
શીલવંત સાધુને વારેવારે નમીએ પાનબાઇ!
જેનાં બદલે નહીં વ્રતમાન રે;
ચિત્તની વરતી જેની સદાય નિરમળી,
જેને મા’રાજ થયા મે’રબાન રે...
એ ભજનાનંદી બુદ્ધપુરુષ છે, જે પળને ક્યારેય ભૂતકાળ નથી થવા દેતા અને પળને ક્યારેય ભવિષ્યમાં નથી રાખતા. સદ્્ગુરુનો અવતાર નથી થતો. સદ્્ગુરુ હોય છે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી