નીલે ગગન કે તલે- મધુ રાય / ગરીબોં કા જીના, પસીના પસીના

article by madhu rye

Divyabhaskar.com

Jul 31, 2019, 03:24 PM IST

નીલે ગગન કે તલે- મધુ રાય
આ સૃષ્ટિના પ્રારંભે જ્યારે એકકોષી અમી‘બો’ ફાટતો ફાટતો બેકોષી અમી‘બા’ થયો હશે ત્યારે ટેમ્પરેચર શું હતું તેની તો જાણ નથી, પરંતુ જ્યારથી આપણી આવડી આ પૃથ્વી ઉપર વધઘટ થતી ગરમીની માપણી થાય છે ત્યારથી આજ સુધીમાં આ દુનિયામાં આ જુલાઈ 2019 મહિનો ‘હોટેસ્ટમાં હોટેસ્ટ’ મહિનો હતો.
ગયા અઠવાડિયે અમેરિકાના બેતૃતીયાંશ ભાગમાં ગરમી 100 ડિગ્રી ફેરનહિટની ઉપર ગઈ હતી. ન્યૂ યોર્કમાં મૂન લેન્ડિંગની 50મી જયન્તીનો ઓચ્છવ બંધ રખાયો હતો ને અમેરિકાના ઉત્તર છેડાથી માંડીને દક્ષિણ સુધી પારો એવો ઉછળેલો કે ઠેર ઠેર વાર્ષિક ગ્રીષ્મોત્સવો કેન્સલ થયા હતા ને ઘુડદોડો બંધ રહેલી. બેઝબોલની મેચો અધ્ધર થઈ ગયેલી.
આ પૂર્વે 1995ના જુલાઈમાં શિકાગોમાં 97 ડિગ્રી ફેરનહિટ (36 ડિગ્રી સેલ્સિયસ) ગરમીમાં 700 જણ મૃત્યુ પામેલા. આ વર્ષે આંધીમાં મોટાં શહેરોની વીજળી ખોટકાઈ પડતાં જે જે વિસ્તારનાં એરકન્ડિશન ચાલતાં નથી ત્યાં રહેવાસીઓને શેલ્ટરમાં ખસેડાયા છે. માંદા લોકો, વૃદ્ધો અને બાળકો વિશેષ જોખમમાં છે. ફિલાડેલ્ફિયામાં સેંકડો લોકોને સેફ સ્થળે ખસેડાયા છે. ન્યૂ જર્સીમાં 1 મિલિયન ડોલરની હાસ્કેલ ઇન્વિટેશનલ જેવી સંખ્યાબંધ ઘુડદોડો અનિશ્ચિત મુદ્દત માટે બંધ રહી છે.
અત્યાર સુધીમાં હીટસ્ટ્રોકમાં મિચ પેટ્રિયસ નામે એક લોકપ્રિય ફૂટબોલ ખેલંદાનું મોત નિપજ્યું છે. વર્જિનિયા અને નોર્થ કેરોલાઇના રાજ્યોમાં ગરમીએ ચિક્કાર અરાજકતા ફેલાવી છે. ન્યૂ યોર્કમાં 500 કૂલિંગ સેન્ટર ખોલાયાં છે અને માસાચુસેટ્સમાં સરકારે જનતાને ખૂલતાં કપડાં પહેરવાની અપીલ કરી છે. લગભગ 157 મિલિયન લોકો આ હીટ વેવમાં સપડાયા છે.
ન્યૂ જર્સીમાં 13,000 લોકોનો પાવર ગયો હતો અને ગરમી 118 ડિગ્રી ફેરનહિટ (48 ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચી હતી. આખરે આ લખાય છે ત્યારે ગયા સોમવારે ધૂઆંધાર વરસાદના તોફાનથી હીટ વેવનો અંત આવવા
વકી છે.
અમેરિકાની ગરમીમાં સોસાવાતા એનારાઈઓ વળી ઓર ચિંતિત છે, કેમ કે ભારતમાં વરસાદ ચાર દિવસ મોડો પડેલ છે અને દરમિયાન સતત 30 દિવસની દારુણ ગરમીમાં 100 જેટલા લોકોના જાન ગયા છે. દિલ્હીમાં 118 ડિગ્રી ફેરનહિટ (48 ડિગ્રી સેલ્સિયસ)નો રેકોર્ડ નોંધાયો છે. ગયા મહિને રાજસ્થાનના ચુરુમાં ટેમ્પરેચર 122 ડિગ્રી ફેરનહિટ (50 ડિગ્રી સેલ્સિયસ) થઈ ગયેલ.
અમેરિકાના ઘરના ફિટુસ થયેલા એર કન્ડિશનની અવેજીમાં જનતા સિનેમાગૃહોમાં, મ્યુઝિયમોમાં અને શોપિંગ મોલોમાં ભરાઈ રહી છે અને દૈનિકોમાં શીતળતા સંપન્ન કરવાના ઉપાયો પ્રકટ થઈ રહ્યા છે. જેમ કે, તમારી પથારીની ચાદરો ફ્રીઝરમાં બે-ત્રણ કલાક ઠંડી કરીને વાપરવી. તેથી નીંદર વહેલી આવશે.
અને શું ન કરવું? સવારે આઇસ ટી કે આઇસ કોફી કે બપોરે ઠંડો બીયર ન પીવો, કેમ કે તેથી બદનમાંથી પ્રવાહી શોષાઈ જાય છે ને ગરમી વધે છે. તેના બદલે બને એટલું ઠંડું પાણી કે જ્યૂસ પીવો. એક બીજો ઉપાય છે ઠંડા પાણીમાં કોણી સુધી હાથ બોળવા. તેનાથી આખા બદનમાં ઠંડક
પહોંચે છે.
ખોરાકમાં જલદી પચે એવું સાદું ભોજન લેવું, કેમ કે તેથી પચાવવા માટે હોજરીને ગરમી પેદા કરીને મહેનત કરવી પડતી નથી. સલાડ, સૂપ વગેરે શીતળતા માટે ઉત્તમ કહેવાય. તાજાં શાકભાજીનો રસ પીવાથી કોઠામાં શાતા પ્રસરે છે.
અને અલબત્ત, શ્રેષ્ઠ ઉપાય છે ‘યોગ’ વ્યાયામ. કૃપાલુ સેન્ટર ફોર યોગ એન્ડ હેલ્થની ભલામણ છે કે મોઢામાં જીભ ગોળ કરીને શ્વાસ અંદર લેવો ને નાક દ્વારા શ્વાસ બહાર કાઢવો. એવું પાંચ મિનિટ કરવાથી શરીરમાં આનંદ મંગલ વ્યાપી જાય છે એવું કથન શિવ મંગલ ફર્સટેનો નામે યોગશિક્ષકનું છે.
સીએનએન સમાચાર સંસ્થાના હેવાલ મુજબ હવે જો માણસજાત નહીં ચેતે અને હવામાનને કાબૂમાં રાખવા પગલાં નહીં લે તો ભારતના, બંગલાદેશના અને પાકિસ્તાનના અમુક વિસ્તારોની ગરમી એવી અસહ્ય થતી જશે કે સન 2100 પછી ત્યાં જીવવું દૂભર બનશે. ભારતના 70 ટકા લોકો તેમજ પાકિસ્તાન તથા બંગલાદેશની કુલ 1.5 બિલિયન પ્રજા ગરમીમાં ભૂંજાતી જશે. કેટલાક લોકો કહે છે કે ગરમી સિવાયની સરગર્મીથી 2100થી વહેલી કટોકટી આવશે. ગરીબોં કા જીના પસીના પસીના.
જય શતમન્યુ વજ્રપાણિ!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી