કાવ્યસેતુ / ‘મજા’ની મજબૂરી

article by latat hirani

લતા હિરાણી

Jun 04, 2019, 11:54 AM IST

આલ્લે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં,
કૌતુક જેવી વાત બની ગઈ, અમે મજામાં તમે મજામાં.
નામ-ઠામ ને નાણું-ભાણું ગોઠવવામાં રાત પડી ગઇ,
જાતને આગળ ધરતા ધરતાં, આખેઆખી જાત મરી ગઇ.
અંદરખાને કબર બની ગઈ, અમે મજામાં તમે મજામાં,
આલ્લે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં.
જાગ્યા ત્યારથી સૂતાં સુધીમાં, હસ્યાં મહીનું સાચ કેટલું!
મન તો ઠાલું ઝળાંહળાં છે, સાવ તૂટેલા કાચ જેટલું.
હાથ મિલાવો ટેવ પડી ગઈ, અમે મજામાં તમે મજામાં,
આલ્લે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં.
- ધ્રુવ ભટ્ટ
એક
સાચા માણસની સાચી સંવેદનાનું ગીત. આ ગીત કોઈનું પણ હોઇ શકે, દિલની સચ્ચાઈ એ એની પ્રાથમિક શરત છે. આપણે બધાં ‘અમે મજામાં તમે મજામાં’ની રમત રમ્યાં કરીએ છીએ ને આખી જિંદગી મજાથી, આનંદથી જોજનો દૂર જીવ્યાં કરીએ છીએ. ઓચિંતું કે પછી નક્કી કરેલી રીતે કે સમયે કોઈને મળતાં આપણો પહેલો પ્રશ્ન ‘કેમ છો?’ હોય છે ને એનો જવાબ પણ નક્કી જ હોય છે, ‘મજામાં!’ આ શબ્દો જાણે રોબોટ બોલતા હોય એટલા જડ અને યાંત્રિક બની ગયા છે, કેમ કે કોઈ હંમેશાં મજામાં હોય એવું બને નહીં. હા, એ ફિલોસોફી વળી જુદી છે કે ‘બધાંની પાસે આપણી મુશ્કેલીઓ ઓછી રડવા બેસાય?’ જીવન છે, ત્યાં સુધી પ્રશ્નો, મુસીબતો રહેવાનાં જ અને એ અંગત વાત છે એની જાહેરાત કરતાં ફરાય નહીં.
બીજું ચિંતન એય ખરું કે ગમે એવી મુશ્કેલીઓ હોય, પણ એને મન પર લીધા વગર કે અકળાયા વગર શાંત અને સ્વસ્થ ચિત્તે એના ઉકેલની દિશામાં વિચારનારા અને સદાય મોજમાં રહેનારા લોકો બહુ ઓછા, પણ હોય છે ખરા. આ જ કવિ બીજા એક ગીતમાં કહે છે, ‘ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.’ આવા મસ્ત અલગારી ઓલિયાઓ ખરેખર સદાય મજામાં હોય છે. એમને એમ કહેવાનો પૂરો હક છે. આ ગીતમાં જે ભાવ નિરૂપાયો છે એ માનવીના દંભ ને મુખવટા સામેનો છે અને અત્યંત અસરકારક રીતે રજૂ થયો છે.
‘અમે મજામાં, તમે મજામાં’ની જે હવા માણસને વીંટળાયેલી રહે છે એ કેટલી આભાસી છે! ‘આલ્લે’ અને ‘કૌતુક’ જેવા સરળ અને સહજ શબ્દો વાપરી જીવનની ગંભીર બાબત કવિ રજૂ કરી દે છે! ‘કેમ છો?’ પૂછનારને પોતાના પ્રશ્નની પોકળતા ખબર છે. સામે જવાબ શું હોય, એનીયે ખબર છે. જવાબ આપનાર પણ એક રૂઢ રીતે કહી દે છે, ‘મજામાં’ અને એને એના શબ્દાર્થ સાથે પણ લેવાદેવા નથી! આ નાટક સવારથી સાંજ સુધી સૌની સાથે ચાલ્યા રાખે અને કોઈને એના પર વિચાર કરવા જેટલીય જરૂર ન લાગે એ હકીકત છે ત્યારે ‘અંદરખાને કબર બની ગઈ, અમે મજામાં તમે મજામાં. આલ્લે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં’ આ કવિની દૃષ્ટિ છે! કવિનું ચિંતન છે!
દંભની દુનિયાના એક-એક પડદા ખોલતા કવિ કહે છે, ‘પોતાની જાતને મળવાનું બાકી જ રહ્યું,’ ખરા આનંદથી દૂર જ રહેવાયું ને આખી જિંદગી નામ-દામ, સત્તા-સંપત્તિ, નાત-જાત સંભાળવામાં વીતી ગઈ. બાહરી ઠાઠ ગમે એટલા રહ્યા, અંદરખાને શૂન્ય વધતું રહ્યું. કૃત્રિમ જિંદગી જીવવાની આપણને આદત પડી ગઈ. એટલી હદે કે સવારથી રાત સુધીમાં સચ્ચાઈની એક પળ જીવવાની સમજણ ન આવી. જીવવુંય એક ટેવ બની ગયું. હાય, હલ્લો અને ખસો નહીંતર ખસેડો જેવા અલિખિત સૂત્રો ક્યારે જીવનમાં વણાઈ ગયા એની ખબર પણ ના રહી.
[email protected]

X
article by latat hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી