ચાર્જર અને સેપ્ટીપિન શોધો તો મલે જ નહીં

  • પ્રકાશન તારીખ03 Dec 2019
  •  
હળવાશ- જિગીષા ત્રિવેદી
‘ખબર નઇં કેમ, પણ લીનાબેનનો મોબાઇલ નથ લાગતો!’ સવિતાકાકીએ મૂંઝવણ રજૂ કરી. એટલે કલાકાકીએ એના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો આદર્યાં.‘એમ નઇં, પહેલાં એ કહો, કે ટું ટું થાય છે ને પછી કોઇ અવાજ નહીં આવતો? કે પછી ફોનની અંદર પેલા બેન કે ભઇ એજ્જેટલી હું બોલ છ? સિચ ઓપ કે પહોંચની બહાર?’ ‘હા, જો સિચ ઓપ આવે, તો ચાર્જિંગ પતી ગ્યું હસે અને જો પહોંચની બહાર આવે, તો રહોડામ પડ્યો હસે.’ હંસામાસીએ અનુમાન કર્યું. ‘અટાણે તો પહોંચની બહાર આવે છે.’ સવિતાકાકીએ પરિસ્થિતિ જણાવી.‘તો બરાબર, ઘણી વાર તો એરઇએ બંને બોલે છે. આપ્ડે હુ હમજવાનું એ જ ખબર નઇં પડતી.’ કલાકાકીએ રેકોર્ડિંગ કરવાવાળા બહેન પર ઢોળી દીધું.‘હું કઉ, લીનાડી જ વેતા વગરની છે. એના વેતા જ નહીં. ચાર્જરની સું વાત કરો, એક્કેય વસ્તુ ઠેકાણે હોય છે ખરી એન ઘરમાં? જ્યારે બી કસ્સું જોઇતું હોય, ત્યારે તો એ વસ્તુ ના જ મળે.’ કંકુકાકીએ લીનાબેનને જ ઝપટમાં લીધાં. ‘હા..હોં, નક્કી પોતે ક્યાંક રમતાં હસે ને મોબાઇલ બાપડો ખૂણે-ખાંચરે પડ્યો ટીણીંગ ટીણીંગ થતો હસે.’ સવિતાકાકીએ સંમતિ દર્શાવી. ‘વાગી વાગીન ચાર્જિંગ પૂરું થઇ જસે અને હોલવાઇ જસે, તો હપ્પુચો નઇં મલે.’ કંકુકાકીએ ચિંતા દર્શાવી.‘જ્યારે એ મલસે, ત્યારે ચાર્જર ઠેકાણે નઇં હોય.’ હંસામાસીએ નિર્ણય આપી દીધો.‘પણ ચાર્જરનું ને સેપ્ટીપિનનું લગભગ એકહરખું.’ સવિતાકાકીએ અદ્્ભુત સરખામણી કરી.‘અરે! સેપ્ટીપિન તો પચ્ચી હોય, ચાર્જર એક જ હોય.’ કંકુકાકીને વાંધો પડ્યો, પણ હંસામાસીએ સવિતાકાકીને સાથ આપ્યો, ‘ના, કેમ? ઘરમાં એક જ કંપનીના બે-તૈણ ફોન હોય, તો બે-તૈણ ચાર્જરય હોય ને.’ ‘તે સેપ્ટીપિનો પચ્ચી હોય, તોય જરૂર હોય ત્યારે નથી જ મલતી ને? એટલે ચાર્જર ને સેપ્ટીપિન બેય મામા-ફઇના ભાઇ-બેન જ કે’વાય.’ સવિતાકાકી પોતાની વાતથી ડગે એવા નહી હોં. ‘આપ્ડે એ બાબતે એકદમ વેવસ્થિત હોં. હું એક વખત આઘી-પાછી હોય, પણ ચાર્જર તો પ્લગમાં લગાએલું જ હોય. સ્વિચ ભલે ને ચાલુ ન હોય, પણ એને ખસેડવાની તાકાત નઇં કોઇની અને મોબાઇલ બી ક્યાં તો હાથમાં, ક્યાં તો પ્લગે.’ કંકુકાકીએ કહ્યું. હંસામાસીએ જીવનમંત્ર રજૂ કર્યો, ‘આપ્ડે તમાર જેટલા ચોક્કસ નઇં, પણ ચાર્જર હાથવગું તો હોય જ. જો, એ માર ઘેર આવસે, તો હું ચાર્જર તો નહીં જ આલું. ખરાબ લાગે તો લાગે. સોનાનો સેટ પહેરવા લઇ જાય એ પોસાય, પણ આ બાબતમાં બાંધછોડ નહીં જ કરવાની.’ ‘ખરેખર તો ચાર્જરનું તાળા-ચાવી જેવું હોવું જોઇએ. તાળે તાળે અલગ ચાવી, એમ મોબલે મોબલે અલગ જ ચાર્જર. કોઇ એકાબીજાનું વાપરી જ ના હકે. કોઇ ઓળખીતું હોય મોબાઇલ કંપનીમ નોકરી કરતું, તો એન આઇડિયા આલો.’ કલાકાકીએ સૂચન કર્યું. એટલામાં લીનાબેન નીકળ્યાં અને કંકુકાકીએ ઉધડો લીધો, ‘કેમ તમે પહોંચની બહાર આવતાં’તાં? મોબાઇલ ક્યાં છે તમારો?’ ‘ઘેર જ. હું સિચ ઓપ કરી, ચાર્જિંગમાં મેલી ન, હુઇ ગઇ’તી.’ ‘તો ઓલી મોબાઇલમાં પહોંચની બહાર કેમ બોલે છે? ખોટાડી એક નંબરની.’ સવિતાકાકીએ અપશબ્દો ઉચ્ચાર્યાં. ‘એનો વાંક નહીં. માર અંદરનો રૂમ કવરેજ બહાર છે. મેં કવરેજની બહાર સિચ ઓપ કરીન અંદર મેલ્યો હોય, એટલે એ કોનફ્યુજ થાય યાર.’ લીનાબેનનો ટોન બદલાયો, ‘હું બહારના રૂમમાં હુતી’તી, ને તમાર વાતો મારા કાનના કવરેજમાં આઇ, તેમાં જાગી ગઇ અને હા, ચાર્જર અને મોબાઇલ, બેય ઠેકાણે જ છે હોં. (કહીને હંસામાસી સામે તીખી નજરે જોયું) કોઇએ ચિંતા કરવાની જરૂર નથી. મારે નિયમ જ છે. કોઇનો કાંસકો ને કોઇનું ચાર્જર મારે હરામ છે.’ બોલીને લીનાબેન બારણું વાસીને અંદર. બધાંએ મોં મચકોડ્યું અને હું કાંસકા અને ચાર્જર વચ્ચે સામ્યતા શોધવામાં પડી.
x
રદ કરો

કલમ

TOP