ટેક બુક- હિમાંશુ કીકાણી / આસિસ્ટન્ટ હાજર છે!

article by himanshu kikani

Divyabhaskar.com

Jul 22, 2019, 01:03 PM IST

તમારે અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તાથી કાંકરિયા જવું હોય અને પોતાનું વાહન ન હોય, ચોમાસામાં પણ ધોમ તડકો હોય તો સામાન્ય રીતે તમે શું કરશો? ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, તેમાં નાખેલી ઓલા કે ઉબરમાંથી કોઈ એક એપમાં તમારું લોકેશન જણાવશો, ડેસ્ટિનેશન લોકેશન - કાંકરિયા જણાવશો અને પછી ત્યાં જવાનું ભાડું તપાસશો, બરાબર? જરા વધુ સ્માર્ટ હો તો, ઓલામાં ભાડું ચેક કર્યા પછી ઉબરની એપ પણ ઓપન કરી, તેમાં ભાડું તપાસશો અને બેમાંથી જેનું ભાડું ઓછું હોય તેના પર રાઇડ બુક કરશો, પણ એ માટે આપણે વારાફરતી બંને એપ ઓપન કરવી પડે. આનો વધુ સ્માર્ટ રસ્તો પણ છે!
તમે સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો અને તેને કહો, ‘બુક મી અ રાઇડ ટુ કાંકરિયા’ આ કમાન્ડ માટે તમારે ટાઇપ કરવાની પણ જરૂર નથી, ફક્ત વોઇસ કમાન્ડથી કામ ચાલી જશે.
આટલું કહેતાં, આસિસ્ટન્ટમાં બે-ત્રણ બાબત બનશે. એ આપણું લોકેશન જાણશે, મેપ પર આપણા લોકેશનથી કાંકરિયા જવાનો રસ્તો બતાવશે અને નીચે, આપણા શહેરમાં જે એપ કેબ સર્વિસીસ ઉપલબ્ધ હોય તેનું, એ ડેસ્ટિનેશન માટે કેટલું ભાડું થશે એ બતાવશે.
ધારો કે આપણા શહેરમાં ઓલા અને ઉબર બંનેની સર્વિસ છે, તો બંનેનાં ભાડાં એકસાથે જોઈ શકાશે. તેની સાથોસાથ જે તે સર્વિસની કેબને આપણા સુધી પહોંચતા કેટલી વાર થશે એ પણ ત્યાં જ જાણવા મળશે. મજાની વાત એ છે કે તમારા ફોનમાં આમાંની કોઈ સર્વિસની એપ ઇન્સ્ટોલ ન કરી હોય તોપણ તેનું ભાડું અને બીજી વિગતો અહીં જાણી શકાશે.
અલબત્ત, અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે તેમ ભાડું અને કેબને પહોંચતા લાગતા સમયનો ફક્ત અંદાજ આપવામાં આવે છે.
આપણે જે સર્વિસની કેબ બુક કરાવવી હોય તેના પર ક્લિક કરતાં, જો એ સર્વિસની એપ આપણા ફોનમાં હશે તો તે ઓપન થશે, બાકી તેનું વેબ વર્ઝન આપણા ફોનના બ્રાઉઝરમાં ઓપન થશે અને પછી તેમાં લોગિન થઈને આપણે આગળ વધી શકીશું!
અચ્છા, આ તો ગૂગલ આસિસ્ટન્ટમાં ઉમેરાયેલી ફક્ત એક નવી સર્વિસની વાત થઈ. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા થોડા સમયથી ગૂગલની કોઈ પ્રોડક્ટ કે સર્વિસમાં સૌથી વધુ અપડેટ્સ આવી રહી હોય તો એ ગૂગલ આસિસ્ટન્ટ છે!
આમ તો જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ પીસી પર વધુ થતો હતો ત્યારે આપણા માટે ગૂગલનો ઉપયોગ સહેલો અને સ્પષ્ટ હતો - કંઈ સર્ચ કરવું હોય તો ગૂગલ.કોમ પર જાઓ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી તેમાં જ સર્ચ કરી લો.
સ્માર્ટફોનમાં ગૂગલની સર્વિસીઝનો ઉપયોગ ઘણી જુદી જુદી રીતે થઈ શકે છે એટલે યૂઝર તરીકે આપણે થોડા ગૂંચવણમાં રહીએ છીએ. કદાચ એટલે જ ગૂગલ આસિસ્ટન્ટનો, કમ સે કમ ભારતમાં પૂરતો ઉપયોગ થતો નથી, પરંતુ આ ટેક્નોલોજી નજીકના સમયમાં સ્માર્ટફોનના ઉપયોગની આપણી આદતો બદલે તો નવાઈ નહીં!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી