બુધવારની બપોરે- અશોક દવે / પ્રભુ, કોઈને શરદી ન આપે...

article by ashokdave

Divyabhaskar.com

Oct 16, 2019, 04:27 PM IST

બુધવારની બપોરે- અશોક દવે

ગામ આખાને થાય છે, એમ મને શરદી થઈ. છીંકાછીંક ચાલુ અને અવાજ સ્વ. મુકેશ જેવો થઈ ગયો. મુકેશ ‘સ્વર્ગસ્થ’ થઈ ગયો અને હું હજી ‘નારણપુરાસ્થ’ છું, એટલો ફેર! શ્વાસ લેવાની તકલીફ, નાક વારંવાર સાફ કરવું પડે (ભ્રૂંઉઉઉઉ) કરતો અવાજ નીકળે, લોકો આપણી સામે જોઈને મોઢાં બગાડે અને ચહેરો આખો દયામણો થઈ જાય. એ વખતે આ બધું કોઈ જોતું હોય, એને બહુ મજા આવતી હોય, પણ હેલ્પ કરવા ન આવે, છતાં મારી હાલત જોઈને લગભગ રડી પડશે, એવાં એક સંબંધી મહિલાએ ભારે ચિંતાથી પૂછ્યું, ‘કાંઆઆઆ, સુઉં થીયું છે?’
મેં કીધું, ‘પ્રેગ્નન્ટ છું, બહેન. સાતમો જાય છે!’
સ્વાભાવિક છે, હું આ જન્મ પૂરો થાય ત્યાં સુધી પ્રેગ્નન્ટ થાઉં, એવી તો કોઈ શક્યતા નથી. પછી તો ઇશ્વરની મહેરબાની, છતાં શરદી, તાવ, મચકોડ કે ડેંગ્યૂમાં લપટાયા હોઈએ, એટલે જે જુએ એ સલાહો આપવા મંડી ન પડે, એટલે મારે મને પ્રેગ્નન્ટ બનાવવો પડ્યો. ‘પારકી આશ, સદા નિરાશ’ના ધોરણે’
કમનસીબ શરદીવાળાઓનું હોય છે કે, લોકોને એ સહેજે ખતરનાક રોગ લાગતો નથી. ‘ઓહ! શરદી થઈ છે. મને તો એમ કે...’
આપણે જાણે એમનાં સપનાં તોડી નાંખ્યાં હોય, એવા નિરાશ થઈ જાય. જેને થઈ હોય એ ભોળિયાને શરદી સાથે કફ પણ થયો હોય, એટલે બધાની વચ્ચે કરુણ શરમ અનુભવતો હોય. છીંકો ખાવા માટે કોઈ પોતાનો રૂમાલ પણ ન આપે. એ આપણો જ વાપરવો પડે. ભલેને એ રૂમાલ ડિમ્પલ કાપડિયાએ કેમ ન માગ્યો હોય! મુહબ્બતમાં ભલે ડિમ્પલનાં આંસુ પી જઈએ, પણ એની છીંકોના ફુવારાથી તો આપણો રૂમાલે ય ન બગાડાય. સુઉં કિયો છો? (તમે ચૂપ રહેજો. કાંઈ બોલવાનું નથી, આ મારી અને ડિમ્પલ વચ્ચેનો મામલો છે!)
મને દુ:ખ એ વાતનું છે કે, આપણી શરદી સ્નેહીજનોમાં સહેજ બી કરુણા કે અનુકંપા જન્માવી શકતી નથી. નાકનું એક બાજુનું ફોયણું ભરાઈ ગયું હોવાથી આખી રાત સુસુડ-સુસુડ અવાજો કરે રાખીએ, આખી રાત એક જ પડખે સૂવું પડે, એમાં બીજા બધા તો ઠીક, વાઇફ પણ બીજા રૂમમાં સૂવા જતી રહે. સ્કૂટર સ્લિપ થઈ જવાથી મારા ખભાનું હાડકું ભાંગી ગયું હતું, જે સાત મહિના ચાલ્યું અને પત્નીએ રોજ આખી રાત મારી સેવા કરી હતી, પણ કફ-શરદી તો એના આક્ષેપ મુજબ, ચેપી હોવાથી, ‘હાય રામ, મારે મરવું નથી. ક્યાંક મને ચેપ લાગી જાય તો?’ એ સવાલે રોજ રાત્રે એ મને છોડીને બીજા રૂમમાં જતી રહેતી. (પ્રભુ કરે, હરએક ત્રાસેલા ગોરધનને રોજ રાત્રે શરદી થાય. જય અંબે!) અર્થાત્, મારે વાઇફની સેવાઓનો લાભ લેવો હોય તો આ શરદા-ફરદાથી ઘણું મોટું કરી બતાવવું પડે. આટલામાં ઈ નો માને!
વર્ષો પહેલાં હું ગુજરાતી સાહિત્ય પરિષદોનાં જ્ઞાનસત્રો કે અધિવેશનોમાં જતો, ત્યારે બોરિંગ અને લંબાણિયાં લેક્ચરોથી ‘હું તો છૂટું, પણ તને ય છોડાવું’ના ધોરણે ખિસ્સામાં હોમિયોપેથિક છીંકણી રાખતો. જરાક અમથી ચપટી લેવાથી મિનિમમ દસ-વીસ છીંકો તો આવે જ. કવિઓ-લેખકો આમે ય 60-70ની ઉંમરના તો હોય અને છીંકણી જોઈને ગેલમાં આવી જાય. આજુબાજુ બેઠેલા આવા આઠ-દસ સાહિત્યકારોને મારી હથેળીમાંથી નનેકડી ચપટી ભરવાનું આમંત્રણ આપું અને બધા હોંશે હોંશે લે ય ખરા. આપણે તાબડતોબ ઊભા થઈને ઘટનાસ્થળ છોડી દેવાનું. ઓહ! પપ્પા અચાનક ઓફિસ જવા બેદર્દી થઈને નીકળી જાય ને વાંહે છોકરાઓ ચીસાચીસ કરી મૂકે, એમ મારા ગયા પછી સમગ્ર સભામંડપમાં છીંકાછીંક શરૂ થઈ જતી. 40 મિનિટથી માઇક પર ચીપકેલા વક્તાને સભામંડપમાં બેઠેલા સાહિત્યકારો સૌજન્યને આધીન બેસાડી ન શકતા, એ કામ મારી છીંકણી ચોથી મિનિટે કરી બતાવતી. આ છીંકાછીંકમાં વક્તો એટલો નર્વસ થઈ જતો કે, આજે ગુજરાતી સાહિત્ય પરિષદમાં જે કોઈ સારા (અને ટૂંકા) વક્તાઓ બચ્યા છે, એ મારી છીંકણીની બદૌલત છે.
શરદી તો સમજ્યા હવે કે, આપણને જોનારાઓને ય ગમે. એમને નિરાંત થાય કે, હોસ્પિટલમાં આપણી ખબર કાઢવા ગાંઠનું પેટ્રોલ બાળીને આવવું નહીં પડે, પણ શરદી થઈ હોય ત્યારે આપણે એ લોકો કરતાં વધારે ગુલાબી-ગુલાબી લાગતા હોઈએ. નાક કેવું લાલ રતૂમડું થઈ ગયું હોય! અવાજમાં કરુણા આવી જાય, આંખોમાં પાણી અને આપણી આજુબાજુ ય પાણી. તમે ઉચ્ચ સ્તરના ગાયક ભલે હો, પણ શ્વાસ લેવા સુસુડ-સુસુડ કરતો અવાજ વગર શરદીએ ઊભો કરી શકાતો નથી. સીધેસીધા લોકો આપણાથી બે ફૂટ આઘા ન ખસે, પણ છીંકાછીંક અને સુસુડ-સુસુડ કરો, લોકો સાણંદ-ધ્રાંગધ્રા જતા રહેશે અને તમને રમવાનું મોકળું મેદાન આપતા જશે.
એ વાત જુદી છે કે, ધરખમ શરદા-ફરદા હોવા છતાં આપણે ગણતરીના જ માણસોને નડી શકીએ છીએ, પણ આપણા હિતેચ્છુઓ બહુ નડવા આવી જાય છે. દસકાઓ પહેલાં જ્યારે એક અંધારી સાંજે હું ફ્લેટના ટેરેસ ઉપર તમારા સહુની થતાં થતાં રહી ગયેલી સમજો ને... લગભગ 75 કે 76ની ભાભી સાથે પાણીની ટાંકી પાછળ સુખ-દુ:ખની છપછપ અવાજે ગંભીર ચર્ચાઓ(!) કરતો બેઠો હતો, ત્યાં જ બનતા સુધી એ 76મો ભાવિ સસરો ભારોભાર કોપાયમાન થઈને હાથમાં ઉગામેલી છત્રી લઈને ધૂંઆપૂંઆ થતો આવ્યો. હવે કોઈને 77મો સસરો નહીં બનવા દઉં, એવું ઝનૂન હશે કદાચ, પણ એ તો અમને બંનેને છીંકાછીક કરતો જોઈને બગડ્યો, ‘હે ય, સું કરો છો? મારી છોકરીને શરદીમાં મારી નાંખવી છે? શરમ નથી આવતી વગર વિક્સ ચોળે અહીં જમાવટો કરીને બેઠો છે? સાલા... ઊભો થા... હમણાં ને હમણાં ઊભો થા અને ઘેર જઈને ગરમ પાણીનો નાસ લઈ લે... ઊભો થા કહું છું.’
કેટલા આઘાત-પશ્ચાત્તાપની વાત છે કે, હું તો કેમ જાણે ગિફ્ટ-પેકેટમાં એની છોકરીને કેન્સર-બેન્સર આપતો જવાનો હોઉં, એમ એક મામૂલી શરદીને કારણે એણે ઉત્તમ જમાઈ ગુમાવ્યો.
એ તો પછી ખબર પડી કે, ડોહાનું આખું ફેમિલી કફ-શરદીથી ચક્કાજામ થઈ ગયું હતું અને ડોહાએ એ બધા માટે જવાબદાર મને ઠેરવ્યો હતો. (બોધ : તમને જરાક અમથી શરદી-ફરદી થઈ હોય તો, એટલા દહાડા સનમને મળવાનું મોકૂફ રાખો. તમારે ય ગણતરી 78-79થી શરૂ કરવી પડશે: બોધ પૂરો.)
ઇન ફેક્ટ, શરદીથી ત્રાસેલા લોકો એના ફાયદા જોઈ શકતા નથી. અરે! એરપોર્ટના લાઉન્જમાં બેસવાની જગ્યા ન મળતી હોય તો નાક સુસુડ-સુસુડ કરતા કોકની બાજુમાં જઈને ઊભા રહો. તરત જગ્યા ખાલી. ગુલાબનું ફૂલ પહેલી એકાદ-બે સૂંઘ પૂરતી જ સુવાસ આપે છે, પણ પાંચ-દસ રૂપિયાનું ઇન્હેલર લઈ આવો. ઇચ્છો ત્યાં સુધી સૂંઘે રાખો. આપણા નાકે વિક્સ ઘસ્યું હોય તો એની સુગંધ એવી રળિયામણી હોય છે કે, (સોરી, સુગંધો ‘રળિયામણી’ ન હોય... ‘મનમોહક’ વાંચવું) કોઈને આપણી બાજુમાં બેસવું ગમે. વિશ્વનો કોઈ પણ મર્યાદા પુરુષોત્તમ આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ શકતો નથી, એ હિસાબે આપણી છીંકથી કોણ કોણ ઘવાયું, એ જોઈ શકતા નથી ને કેવળ ‘સોરી’ જ બોલવાનું હોય છે. ગુજરાતી હો તો ‘સોરી’ બોલી લીધા પછી ‘હોં’ ચિપકાડવાનું હોય છે, એટલે જે કોઈ ઘાયલ થયું હોય એને આશ્વાસન મળે કે, ‘નેવર માઇન્ડ... આ તો વેજિટેરિયન છીંક હતી.’
બહુ દર્દ સાથે કહેવું પડે છે કે, આજે ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે છતાં છીંક ખાનારાઓને સામાજિક આવકાર મળતો નથી. દર્શકો આવા છીંકુઓ સામે ઘૃણાની નજરથી જુએ છે. નાક આપણું બગડ્યું હોય ને નાક ચઢે છે એમનું! શરદી માંડ કોઈ બે-ત્રણ દિવસ ચાલનારી જાહોજલાલી છે, છતાં એને તાબડતોબ કાઢવા માટેના ઉપાયો બતાવનારા હાજર થઈ જાય છે. શરદીને બદલે શરદીવાળાને કાઢવાના ઉધામા શરૂ થઈ જાય છે.
પણ એ બધાને કાઢવા માટે ખુલ્લા મોઢે ખાધેલી એક વિકરાળ છીંક જ કાફી છે. હાક, છીંઈઈઈઈ!
સિક્સર
વારંવાર વિદેશના પ્રવાસે જતા મોદીની ટીકા કરનારા બેવકૂફોને એમના હ્યુસ્ટનના પ્રવાસ પછી આવી મુલાકાતોનું મૂલ્ય સમજાયું હશે. વિદેશ-પ્રવાસો કરવાથી મોદી બની શકાતું નથી, એનું પહેલું ભાન ઇમરાન ખાનને થયું હશે.
- હાઉડી મોદી?
- હા, ‘ઊરી’ મોદી.
[email protected]

X
article by ashokdave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી