Divya Bhaskar

Home » Rasdhar » વીનેશ અંતાણી
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

તમે તમારા જ હરીફ બનો

  • પ્રકાશન તારીખ10 Jul 2018
  •  

સફળતાની કોઈ સીમા નથી, પરંતુ સફળતા જ્યારે જિંદગીનું એકમાત્ર વળગણ બની જાય ત્યારે જીવનનો સાચો આનંદ ગુમાવી બેસવાની શક્યતા ઊભી થાય છે. કોઈ પણ વ્યક્તિ નંબર વન થવા માગે તે બહુ સારી મહત્ત્વાકાંક્ષા છે, પરંતુ તેનાથી એક ડગલું પણ પાછળ રહી જવાથી જાણે કશું મળ્યું જ ન હોય, બધું ગુમાવવી દીધું હોય તેવી હતાશા જન્મે તો તે જોખમી બને છે.


એક યુવાન શાળામાં, કૉલેજમાં, યુનિવર્સિટીમાં અને પછી વ્યવસાયમાં શ્રેષ્ઠતમ કરવા માટે પ્રયત્ન કરતો રહ્યો. એ એક સત્ય ભૂલી ગયો કે પ્રથમ રહેવાની હોડમાં એના જેવા બીજા કેટલાય લોકો હતા. તેઓ પણ ટોપ પર રહેવા રાતદિવસ મહેનત કરતા હતા. તે યુવાન કમનસીબે હંમેશાં થોડાક અંતર સાથે પ્રથમ સ્થાનથી પાછળ જ રહ્યો. એણે સિદ્ધ કર્યું તે ઉત્તમ જ હતું, છતાં એ તેનો આનંદ માણી શકતો નહોતો. એનામાં નિરાશા, ઇર્ષ્યા અને બીજાને કોઈ પણ ભોગે પછાડી દેવાની વૃત્તિ વકરતી ગઈ. એના સહકાર્યકર્તા, મિત્રો અને એનાં પરિવારજનો સુધ્ધાં એનાથી દૂર રહેવા લાગ્યાં. એની પત્ની જિંદગીને સહજ ભાવે અને જે મળે તેનો આનંદ માણવાનો અભિગમ ધરાવતી હતી. યુવાને પોતે ન કરી શક્યો તે એનાં સંતાનો કરે તેવી ઘેલછામાં પણ સપડાયો. એનાં બાળકો પિતાથી નારાજ રહેવા લાગ્યાં. પરિણામે એના પારિવારિક જીવનમાં ભંગાણ પડ્યું. પત્ની સંતાનોને લઈને અલગ થઈ ગઈ.

આપણે બંધનો તોડી શકીએ તો જ સીમા પાર કરી શકીએ. જાતને ચોક્કસ વળગણ સાથે બાંધી રાખવી તે પણ એક પ્રકારનું બંધન છે

સંતાનો પણ પિતાથી છૂટવાના રાહતભાવ સાથે મા સાથે ચાલ્યાં ગયાં. સફળતાના ગાંડપણમાં ફસાયેલો યુવાન હાથે કરીને નિષ્ફળ વ્યક્તિ બની ગયો. સૌથી શ્રેષ્ઠ, નંબર વન જ રહેવાની ઘેલછામાં ડૂબેલી વ્યક્તિઓ જીવનના એક તબક્કે પ્રામાણિકતાથી પાછળ વળીને જુએ તો એમણે શું ગુમાવ્યું છે તેનો અહેસાસ થાય. એવી જ એક વ્યક્તિએ લખ્યું છે: ‘મારાં માતાપિતાનો આગ્રહ હતો કે મારે પ્રથમ જ આવવું. તે કારણે મેં કેટલું બધું ગુમાવ્યું છે તેની હવે ખબર પડે છે. શાળાના દિવસોમાં મારા મિત્રો રમતા, ઝાડ ઉપર ચઢતા, તળાવ-નદીમાં ધુબાકા મારતા. હું એમને નફરતથી જોતો. મને લાગતું કે તેઓ એમનો સમય બરબાદ કરે છે. કૉલેજમાં આવ્યો. મને નાટક, સંગીત, વક્તૃત્વ જેવી કળામાં ભાગ લેવાની તક ઊભી થઈ હતી, પરંતુ હું વર્ગમાં પ્રથમ આવીને જ મારી જાતને શ્રેષ્ઠતમ સાબિત કરવા કોશિશ કરતો રહ્યો. મેં કૉલેજકાળમાં મળી શકે તેવા આનંદ અને મોજમસ્તીની તકો ગુમાવી. હવે હું તે સમયને પાછો મેળવી શકું તેમ નથી, પરંતુ મારાં સંતાનો આવી ‘રેટ રેસ’માં ફસાઈ ન જાય તે માટે બધા પ્રયત્ન કરું છું. હું મારાં સંતાનો દ્વારા મેં ગુમાવેલો સમય જીવવાની કોશિશ કરું છું.’ એણે સંતાનો માટે નવું સૂત્ર બનાવ્યું છે: ‘જીવનમાં શ્રેષ્ઠ હરીફ થવા કરતાં શ્રેષ્ઠ વ્યક્તિ થવું વધારે મહત્ત્વ ધરાવે છે.’


આપણે બંધનો તોડી શકીએ તો જ સીમા પાર કરી શકીએ. જાતને ચોક્કસ વળગણ સાથે બાંધી રાખવી તે પણ એક પ્રકારનું બંધન છે. તે બંધન વ્યક્તિને મુક્ત વિહાર કરવા દેતું નથી. એ પોતાના ક્ષેત્રમાં જ ગોળ ગોળ ફર્યા કરે છે. એક સીમા પાર કર્યા પછી જ નવા પ્રદેશમાં પહોંચાય છે. નવા પ્રદેશની પણ પોતાની સીમા, નવાં બંધન હોય છે. તેને પાર કરવાની ઇચ્છા માણસને ચેતનવંતી રાખે છે, તેમ છતાં દરેક નવા પ્રદેશમાં બધાથી આગળ થઈને પહેલા જ પહોંચવાની ઘેલછા ક્યારેક દુ:સાહસમાં પણ પરિણમે છે.


આજના ગળાકાપ સ્પર્ધાના સમયમાં માતાપિતા એમનાં સંતાનોના મનમાં એક પ્રકારનું પ્રદૂષિત વાતાવરણ ભરે છે. તેઓ ઇચ્છે છે કે એમનાં સંતાન કોઈ પણ પ્રકારની શારીરિક અને માનસિક હરીફાઈમાં પ્રથમ સ્થાન જ પ્રાપ્ત કરે. આ દૃષ્ટિકોણ સંતાનોના વ્યક્તિત્વ વિકાસને એકાંગી બનાવે છે. નંબર વન થવું એટલે બીજા બધાને પરાજિત કરવા. આ પ્રકારની માનસિકતા બાળકને નુકસાન કરે છે. તેઓ સમૂહને સાથે લઈને ચાલતાં શીખતાં નથી અને ઘણે અંશે સ્વાર્થી પણ બને છે. સમજુ માતાપિતા સંતાનોને શીખવે છે કે તમે જ તમારી અપેક્ષાની ઊંચાઈ નક્કી કરો અને તેને આંબવા માટે પ્રયત્નશીલ રહો. તમે તમારા જ હરીફ બનો.
vinesh_antani@hotmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP