Home » Rasdhar » વીનેશ અંતાણી
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

ધરતી પર રહેતાં શીખવે તે ધર્મ

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

વ ર્ષ ૧૯૮૫માં બાવીસમી ઓક્ટોબરથી વીસમી ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં સ્વામિનારાયણ નગરમાં ‘અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ’ યોજાયો હતો. તેના ઉપક્રમે અનેક વિદ્વાનોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ‘જીવનઉત્કર્ષ વ્યાખ્યાનમાળા’માં આપણા મૂર્ધન્ય ચિંતક અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શકે’ સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. તે વ્યાખ્યાનનો વિષય હતો ‘મહાભારત અને ધર્મ.’
તે વ્યાખ્યાનમાં એમણે એક સરસ વાત કહી હતી. રશિયન ક્રાંતિ થઈ ત્યારે લેનિને રશિયામાં ઘણા ફેરફારો કર્યા. સુપ્રસિદ્ધ રશિયન લેખક મેક્સિમ ગોર્કી એનાં વખાણ કરવા ભાષણો કરતો. એકવાર એ એક ગામડામાં ગયો અને કહ્યું કે વિજ્ઞાને કેટલી બધી પ્રગતિ કરી છે. આપણને આકાશમાં ઊડતાં આવડી ગયું, દરિયામાં નીચે રહેતાં આવડી ગયું, આપણને પૃથ્વીની નીચે રહેતાં પણ આવડી ગયું. આટલી બધી પ્રગતિ વિજ્ઞાને કરી છે. તે બધું સાંભળીને ગામનો એક વૃદ્ધ ડોસો બોલ્યો: ‘ગોર્કીસાહેબે કહ્યું એ બધું સારું કહ્યું. આપણને આકાશમાં અને દરિયાની નીચે રહેતાં આવડ્યું છે, પણ આપણને આ દુનિયામાં ધરતી પર કેમ રહેવું એ આવડ્યું નથી. એનો કોઈ ઉપાય બતાવો.’

ટિટોડીથી માંડીને અર્જુન સુધીની જે ચિંતા કરે તેનું નામ ભગવાન. એને કોઈ કામ હલકું નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી તેનો પાયો આ ધર્મ છે

ત્યાર પછી મનુભાઈ પંચોળી ‘દર્શક’ એ પ્રશ્નનો જવાબ આપે છે. ‘આ ધરતી પર કેમ રહેવું તે શીખવનારી ચીજ છે – ધર્મ. ધર્મની વ્યાખ્યા જ એ છે – ‘धार्यते इति धर्म:’. જેનાથી આપણે સારી રીતે જીવી શકીએ એ ધર્મ.’ એ મુદ્દાને સ્પષ્ટ કરતાં એમણે કહ્યું હતું કે માણસમાં અનેક શક્તિ રહેલી હોય છે, પરંતુ તે શક્તિને યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ અર્જુનના સારથિ હતા. તે કારણે એને ધર્મનું માર્ગદર્શન મળ્યું, જ્યારે અર્જુન દ્રોણપુત્ર અશ્વત્થામાને એવું માર્ગદર્શન મળ્યું નહીં. એનું પરિણામ અશ્વત્થામાએ ભોગવવું પડ્યું.
દર્શક કહે છે: ‘મહાભારત લખવાનો વ્યાસનો હેતુ મુખ્યત્વે ધર્મ સમજાવવાનો છે. યુધિષ્ઠિર એ ધર્મનું મોટું વૃક્ષ છે. એનું મૂળ શ્રીકૃષ્ણ છે અને દુર્યોધન અભિમાનનું મોટું ઝાડ છે. એનું મૂળિયું ધૃતરાષ્ટ્ર છે.’ કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે ‘તું ક્ષત્રિય છે. તારો સ્વભાવ-ધર્મ જ આતતાયીઓથી પ્રજાનું રક્ષણ કરવાનો છે. કૌરવો સામેનું યુદ્ધ અનાયાસે આવ્યું છે. આપણે યુદ્ધ અટકાવવા માટે અનેક સમાધાન કરવા તૈયાર થયા, છતાં દુર્યોધન માનતો નથી. તે પરિસ્થિતિમાં યુદ્ધ એ જ ઉપાય છે.’
એ જ કૃષ્ણ ધર્મનું બીજું એક સ્વરૂપ પણ બતાવવા માગે છે તે કહેવા માટે દર્શકે મહાભારતના યુદ્ધનો આરંભ કરતો શંખ ફૂંકાવાની તૈયારીમાં છે તે સમયે જ યુદ્ધભૂમિમાં બેબાકળી થઈને દોડાદોડી કરતી નાનકડી ટિટોડીની વાત મૂકી છે. કૃષ્ણ ટિટોડીને પૂછે છે, અહીં મોટી લડાઈ થવાની છે અને તું અહીં ઊભી છે? ટિટોડીને ભય છે કે આ યુદ્ધમાં એનાં ઈંડાં કચડાઈ જશે. કૃષ્ણ એનાં ઈંડાં હાથીના ઘંટ નીચે ઢાંકી દે છે. સાંજ પડે છે ત્યારે કૃષ્ણ કુરુક્ષેત્રમાં ટિટોડીનાં ઈંડાં શોધવા નીકળે છે. માંડમાંડ શોધી શકે છે. કૃષ્ણ ટિટોડીને કહે છે: ‘લે તારાં ઈંડાં. હવે ધ્યાન રાખજે, માણસજાતનો વિશ્વાસ ન કરવો.’
દર્શક કહે છે: ‘કૃષ્ણ એક બાજુ અર્જુનને કહે છે: તારે ભીષ્મને મારવા, તારે દ્રોણને મારવા, ભાઈ-ભત્રીજાને, મામાને મારવાના છે. તે ભગવાને એક ટિટોડી માટે આટલો પુરુષાર્થ કર્યો? ભગવાન જે કહે છે તે આ છે – એક બાજુ તમારે ફૂલ કરતાંયે કોમળ રહેવાનું છે ને બીજી બાજુ વજ્રથી પણ કઠોર થવાનું છે. આનું નામ ધર્મ.’
દર્શકે એમના તે વ્યાખ્યાનમાં કહ્યું હતું: ‘ટિટોડીથી માંડીને અર્જુન સુધીની જે ચિંતા કરે તેનું નામ ભગવાન. એને કોઈ કામ હલકું નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી તેનો પાયો આ ધર્મ છે. તે મંદિર, આશ્રમ કે એક ખૂણા માટે નથી. એ તો વૃક્ષના પાંદડે પાંદડે રસ ફેલાય તેમ, સંસારનાં બધાં કર્તવ્યમાં, રાજનીતિમાં, અર્થનીતિમાં, શિક્ષણ, વ્યાપાર કે ઉદ્યોગમાં બધે જ આ ધર્મનું શાસન ચાલવું જોઈએ.’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP