Home » Rasdhar » વીનેશ અંતાણી
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

સફેદ બરફ પર લોહીના લાલ ડાઘ

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
યુદ્ધની વિનાશકતા જાણીતી વાત છે, પરંતુ યુદ્ધ ક્યારેક અવાંછિત સર્જન તરફ પણ દોરી જાય છે. એવાં અવાંછિત સર્જનમાં એક છે ‘વોર-બેબીઝ’ કે ‘વોર-ચિલ્ડ્રન’ તરીકે ઓળખાતાં બાળકો. દુશ્મન દેશના સૈનિકો એમણે પચાવી પાડેલા દેશની સ્થાનિક મહિલાઓ સાથે

પોતાના જન્મ માટે કોઈ પણ હિસાબે જવાબદાર ન હોવા છતાં આવાં સંતાનોને એક પ્રકારનો અપરાધભાવ જિંદગીભર કોરી ખાય છે

શારીરિક સંબંધ બાંધે છે. તેના પરિણામે આ મહિલાઓ ગર્ભવતી થાય છે અને એમણે બાળકને જન્મ આપવો પડે છે. મોટા ભાગના કિસ્સામાં આ મહિલાઓએ ફરજિયાતપણે દુશ્મન સૈનિકો સાથે સંબંધ બાંધવો પડ્યો હોય છે. સૈનિકોએ સ્થાનિક મહિલાઓ પર કરેલા બળાત્કાર સૌથી મોટું કારણ છે. બાંગ્લાદેશના યુદ્ધ દરમિયાન આવા હજારો કિસ્સા બન્યા હતા.
વોર-ચિલ્ડ્રનને જન્મ આપનાર માતાઓ અને સંતાનોને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે. એમને નથી એમનો પરિવાર સ્વીકારતો કે નથી તો સમાજ કે રાજ્ય સ્વીકારતાં. એમને ડગલે ને પગલે અપમાન અને અવહેલના સહન કરવાં પડે છે. પોતાના જન્મ માટે કોઈ પણ હિસાબે જવાબદાર ન હોવા છતાં આવાં સંતાનોને એક પ્રકારનો અપરાધભાવ જિંદગીભર કોરી ખાય છે. એમની માનસિકતામાં વિરોધ અને બધી જ બાબતો માટે ફરિયાદનું વલણ સ્થિર થઈ જાય છે.
જોહ્્ન નામના એક વોર-ચાઈલ્ડે એના અનુભવની વાત કરતાં કહ્યું હતું કે એની માતાએ તો એક પુરુષ સાથે લગ્ન કરીને પોતાના જીવનમાં સ્થિરતા પામવાનો પ્રયત્ન કરી લીધો, પરંતુ જોહ્્નના સાવકા પિતાએ એને સ્વીકાર્યો નહીં. એટલી હદ સુધી કે એને રવિવાર કે રજાના દિવસે ઘરમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નહોતો. એણે ઘરની બહાર જ રહેવું પડતું. એની શાળામાં શિક્ષકો અને સહપાઠીઓ એની સતત મજાક ઉડાવતા અને એનું અપમાન કરતા. એ એક દિવસ શાળામાં ફૂટબોલ રમતો હતો ત્યારે એક ગોરા છોકરાએ એની બહુ ખરાબ રીતે મજાક ઉડાવી. જોહ્્ન તે અપમાન સહન કરી શક્યો નહીં. એણે પેલા છોકરાને ખૂબ માર માર્યો. છોકરાના નાકમાંથી લોહીની ધાર બરફ પર પડતી હતી. જોહ્્ન કહે છે: ‘હું સફેદ બરફ પર લોહીના લાલ ડાઘ જોઈ રહ્યો. તે વખતે મને લાગ્યું, જાણે હું મારી જિંદગીને જોઈ રહ્યો છું. ભગવાને મને જન્મ આપ્યો તો મને બરફ જેવું સફેદ અને સ્વચ્છ જીવન જીવવાનો અધિકાર પણ આપવો જોઈતો હતો, પરંતુ મારે લોહીના ડાઘ સાથે જ જીવવાનું છે.’
એક વોર-ચાઈલ્ડને એની માસીએ કહ્યું કે બધી ભૂલ એની માતાની છે. બાળક બોલ્યો: ‘હં… મારી માએ કેવા સંજોગમાં ભૂલ કરી તે હું કહી શકું તેમ નથી, છતાં જે કંઈ બન્યું તેમાં ભોગ તો મારો જ લેવાયો છે. હું મારા પિતા કોણ છે તે ક્યારેય જાણી શકવાનો નથી અને બીજા લોકોને મારી સાથે કોઈ પણ જાતની લેવાદેવા નથી. તેઓ મને જોઈ શકે છે, છતાં તેઓ હું એમની સામે અને આસપાસ જ હોઉં છું તે સત્ય પૂરતા અંધ રહેવાનું પસંદ કરે છે. મારી માતા જેની સાથે પરણી તે મારા પિતા મારો ઉલ્લેખ કરે છે ત્યારે ‘ધેટ બાસ્ટર્ડ બોય’ કહે છે, જાણે અનૌરસ હોવું એ જ મારી એકમાત્ર ઓળખ હોય.’
એવી ઘણી વ્યક્તિઓ એમના અજ્ઞાત પિતાની શોધ કરવાના પ્રયત્ન કરે છે. એવી શોધ કરતી કાર્લોની નામની મહિલાની ઉંમર બોંતેર વર્ષની થઈ, છતાં એણે એની શોધ છોડી નહોતી. કાર્લોની કહે છે: ‘મારા જન્મ માટે જવાબદાર પુરુષને હું એક જ સવાલ પૂછવા માગું છું – તેં અમારી સાથે આવું શા માટે કર્યું? એ મૃત્યુ પામ્યો હશે તો હું એનાં કાયદેસરનાં સંતાનોની સામે ઊભી રહેવા માગું છું અને જોવા માગું છું કે જે જીવન એમને મળ્યું તે મને શા માટે મળ્યું નહીં.’ કાર્લોનીની માતા એના પર બળાત્કાર કરનાર સૈનિક વિશે માત્ર એટલું જાણતી હતી કે એ જર્મન હતો અને દુશ્મન હતો.’
એક વોર-ચાઈલ્ડની કવિતા છે: ‘હું દરરોજ સવારે જાગું છું ત્યારે મારા કાનમાં યુદ્ધના ભયાનક અવાજોની વચ્ચે કોઈ સ્ત્રીની ચીસો અને પછી એના છાતીફાટ રુદનના પડઘા સંભળાય છે. હું તે અવાજોની વચ્ચે જન્મી રહેલા બાળકનું પ્રથમ રુદન સાંભળવા મથું છું અને મારા કાને મારો પોતાનો જ અવાજ સંભળાય છે.’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP