Home » Rasdhar » વીનેશ અંતાણી
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

ગુલમહોરથી બાવળ સુધી વૈશાખી વૈભવ

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
ગ રમીનો પ્રકોપ ચારે બાજુ પથરાયો છે. સવારે ઊગતાંની સાથે જ સૂર્યદેવ ઉગ્ર થઈને આવનારા દિવસનું જાણે ભવિષ્ય ભાખી દે છે. હું અમદાવાદમાં હોઉં ત્યારે સવારે ચાલવા માટે એક મંદિરના વિશાળ પરિસરમાં જાઉં છું. થોડો છાંયો, વધારે તો સૂર્ય નીકળતાંની સાથે જ તેજસ્વી

કુદરત એ જ છે, પણ આપણું જીવન હવે શહેરી થયું છે. તોયે એટલું સાચું છે કે ક્યાંક ઘાસ ફરફરતું રહે તો હજીય આપણી આંખને રીઝવે છે

અને તીખો તડકો. તેની તેજછાયામાં શરીર ધકેલતો ચાલ્યા કરું. રાતે પરિસરના વિશાળ ઓટલા પર ખુલ્લા આકાશ નીચે સૂતેલા શ્રમિકો જાગી ગયા હોય, તડકાથી બચવા ક્યાંક ચાલ્યા ગયા હોય – દેખાય નહીં, પરંતુ એમનાં અર્ધ વાળેલાં પાથરણાં તડકામાં અનાથ જેવાં દેખાય. મને એમની વીતેલી રાતની ઇર્ષ્યા આવે. આગળ વધતી રાતની સાથે પવનમાં શીતળતા ઉમેરાતી હશે તો એ લોકો આખા દિવસના શ્રમ પછી નિરાંતે ઊંઘી જતા હશે. થાક એટલો બધો હશે કે ઉપર
દેખાતા વૈશાખના આકાશ તરફ એમનું ધ્યાન પણ જતું નહીં હોય.
‘મહારાષ્ટ્રના સારસ્વતોનાં સરસ્વતીજી તરીકે જાણીતાં સમાજસેવક, સંશોધક અને લેખક વિદૂષી દુર્ગા ભાગવતના એક મરાઠીમાં લખાયેલા પુસ્તક ‘ઋતુચક્ર’નો અરુણાબહેન જાડેજાએ ગુજરાતીમાં સુંદર અનુવાદ આપ્યો છે. તેની પ્રસ્તાવનામાં દુર્ગાતાઈ લખે છે: ‘કુદરત એ જ છે, પણ આપણું જીવન હવે શહેરી થયું છે. જીવનના ઉદ્દેશ પણ ફેરફાર જોવા માગે છે. તોયે એટલું સાચું છે કે ક્યાંક ઘાસ ફરફરતું રહે તો હજીય આપણી આંખને રીઝવે છે. વરસાદની ઝરમર હજીય કાનમાં કાળના અનાદિ ગૂઢ કવન રેડી જાય છે. સૂસવાતો વાયરો વાતી વખતે ઘસારો વેઠેલા કાળા પહાડની ભીષણ કથા કહી જાય છે.’
દુર્ગાજી કહે છે તેમ આજેય કુદરત શહેરના માણસને એની દોડધામ અને કામકાજના દબાણ હેઠળ પણ ક્યારેક પોતાના ઘરની બારીમાંથી બહાર ડોકિયું કરવા પ્રેરે છે ત્યારે બદલાતી ઋતુઓની સાથે કુદરતના નવા સ્વાંગ જોવાની તક સંવેદનશીલ નજરને મળી તો જાય જ છે. દુર્ગા ભાગવત કહે છે: ‘ભલેને આપણે કુદરતથી દૂર જઈએ તોયે કુદરત તો આપણો પીછો કરતી જ હોય છે.’
એમણે વૈશાખને ચૈત્રના સખા જેવો કલ્પ્યો છે, જાણે બંને એકબીજાની સાથે ગૂંથાયેલા જ હોય છે. કેવો છે આ વૈશાખ? દુર્ગાતાઈ તેનું ચિત્ર દોરે છે: ‘તડકો બહુ તપે. દિવસ મોટા થતા જાય. મધરાતે વાયરાનો શ્વાસ રોખીને સૃષ્ટિ એકદમ સ્તબ્ધ ઊભી હોય. નક્ષત્રોનું તેજ ધીમું પડે. શુક્ર, ગુરુ, મંગળ જેવા તારલા શિયાળામાં આપણી નજરને અચૂક ખેંચી લે, તેવું અત્યારે (વૈશાખમાં) થતુ઼ં નથી. દિવસે તડકો આકરો લાગે તોયે સૂર્યના દિવ્ય તેજનો પ્રકાશ ચારેકોરથી આપણને ઘેરી લે છે.’
વૈશાખના ધખતા દેહમાંથી કેવી કેવી સુગંધ પ્રગટે છે તેના તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જાય. દુર્ગાતાઈ કહે છે તેમ વૈશાખ મોગરાનાં ફૂલને બધાં જ માનઅકરામ આપે છે. જાઈજૂઈ, મોગરો, પારસ – આ બધાં ફૂલોની સુગંધ વૈશાખમાં ચરમસીમાએ પહોંચે છે. ગુલમહોર ફાટફાટ થવા લાગે. એની લીલી કળીઓ અને રતૂંમડાં પુષ્પોના મનોહર ગુચ્છા વૃક્ષ પર શોભી ઊઠે. દુર્ગાતાઈ ધોળા ચંપાના ઝાડ વિશે કહે છે: ‘વૈશાખની ભરબપોરે ધોમધખતા તાપમાં જ ખીલવાની જિદ લઈને બેઠેલા આ ઝાડની મને હંમેશાં નવાઈ લાગે. આ ઝાડ સામે જોઉં એટલે પંચાગ્નિ સાધનાના તપમાં જ જેનું સૌંદર્ય પ્રેમની કુમાશને લીધે અત્યંત ખીલી ઊઠ્યું હતું એવાં પાર્વતીજી સાંભરી આવે.’ તો ગુલબાસ માટે કહે છે કે વૈશાખી બપોરની ગરમી આરોગીને આ બધાં ફૂલોની કળીઓનું તેજ વધવા લાગે. તેઓ ‘અતિ નાજુક તંતુનાં બનેલાં’ બાવળનાં ફૂલોને પણ ભૂલ્યાં નથી. ‘એક તો કાંટા, ઉપરથી ગામડિયાં ઝાડ ઉપર જન્મવાનું નસીબમાં લખાઈને આવ્યાં હોવાથી એને લોકોનાં માનસન્માન મળતાં નથી… મોગરો, રાતરાણી, પારસ જેવાં કેટકેટલાં ફૂલોની સુગંધનો વરસાદ સાંજથી પરોઢિયા સુધી ચાલુ હોય, પણ દેશી બાવળનાં ફૂલો તો ભરબપોરે પણ સુગંધી ઉચ્છ્વાસ કાઢતાં હોય… મને કાયમ નવાઈ લાગે કે આવાં ઝાડ શહેરના બાગબગીચામાં કેમ ઉછેરાતાં નહીં હોય?’ વૈશાખનાં આ રૂપ છે – ગુલમહોરથી બાવળિયા સુધી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP