આપણી વાત / ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો છાપવાથી લાંચરુશ્વત ઘટી ગઈ?

article by varsha pathak

વર્ષા પાઠક

Jan 23, 2019, 05:50 PM IST

ભારતની પ્રજામાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ જગાડવા અત્યારે સત્તાવાર ધોરણે જેટલા પ્રયત્ન થઈ રહ્યા છે, એટલા તો કદાચ અંગ્રેજો સામે લડતી વખતે આપણા ક્રાંતિવીરો અને નેતાઓએ પણ નહીં કર્યા હોય. થિયેટર, સ્કૂલ, સરકારી ઓફિસોમાં રાષ્ટ્રગીત ગાવાની ફરજ પડાય છે, સ્કૂલમાં હાજરી પૂરતી વખતે બાળકોને હાજર જીની જગ્યાએ જયહિંદ જેવું કંઈ બોલવાનાં સૂચન થાય છે, અંગ્રેજ અને મુસ્લિમ શાસકોનાં નામ ધરાવતાં શહેરો અને શહેરોનાં નામ બદલીને દેશના મહાન સપૂતોનાં નામ અપાય છે, સ્કૂલમાં ભણાવાતા ઇતિહાસમાં જ્યાં ભારતનું ગૌરવ ખંડિત થયાનું લાગે, એ ભાગ ઉડાવી દેવાય છે, ડગલે ને પગલે ભારતીય લશ્કરની બહાદુરી અને સૈનિકોનાં બલિદાન યાદ દેવડાવાય છે.

વહેતી ગંગામાં ડૂબકી મારીને આપણા ફિલ્મસર્જકો પણ પાવન થઈ રહ્યા છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, રાજા-રાણીઓ, સેના, શહીદો, ખેલાડીઓ વગેરેનો જયજયકાર કરતી જેટલી ફિલ્મો આવી છે, એટલી આ પહેલાં કયા દાયકા, અર્ધદાયકામાં આવેલી? અને તમે કહો, આ બધું કરવાથી લોકોમાં ખરેખર દેશપ્રેમ સહિત બધા સદ્્ગુણ જાગી જશે? ગાંધીજીની તસવીર ધરાવતી નોટો ખોટા કામમાં નથી વપરાતી?

  • ભારતના ઉજ્જ્વળ ઇતિહાસ અને સંસ્કૃતિ પર ગર્વ લેવાનું કહેનારા કયા યુગની વાત કરે છે?

લોકોને જ્યારે એમના દેશ અને સંસ્કૃતિ માટે અભિમાન લેતા કરવા હોય ત્યારે પહેલી શરત એ કે ભૂતકાળની અંગમતી, શરમજનક ગણાય એવી વાતો વિસારે પાડી દેવી કે એના પર વ્હાઇટવૉશ કરી દેવો. આ બાબતમાં અમુક અંશે આપણે અંગ્રેજો જેવા છીએ. થોડા સમય પહેલાં ઇંગ્લેન્ડ ફરીને પાછી આવેલી એક મિત્રએ આશ્ચર્યના ભાવે કહ્યું કે ત્યાંની સ્કૂલોમાં અંગ્રેજોએ ભૂતકાળમાં કેટલા દેશોને ગુલામ બનાવ્યા, છળકપટ અને અત્યાચાર કર્યા, એ વિશે કંઈ કહેવાતું જ નથી. મતલબ પોતે કરેલા પાપને અંગ્રેજોએ ઇતિહાસની ટેક્સ્ટબુક્સમાંથી ભૂંસી નાખ્યાં છે. આપણે ભારતમાં પણ આવું કરવા મથીએ છીએ. બહારથી આવીને ભારત પર રાજ કરી જનારા મુસ્લિમ શાસકો અને અંગ્રેજોને આપણે પુષ્કળ ભાંડીએ છીએ અને એમની સામે લડનારા લોકોની વીરગાથાઓ બાળકોને સુણાવીએ છીએ, પણ ક્યારેય લોજિકલ સવાલો ઊભા નથી થવા દેતા કે મુઠ્ઠીભર વિદેશીઓ આપણને મારી ગયા, ત્યારે આપણે શું કામ એક થઈને એમનો સામનો ન કર્યો? ભાઈઓ અંદરોઅંદર લડતા હતા. મહારાણા પ્રતાપના દુશ્મન તરીકે માત્ર અકબરનું નામ લેવાય છે, પણ રાણાના બબ્બે ભાઈઓ અકબર સાથે ભળી ગયેલા, એ ભૂલી જવાનું.


આપણો ઇતિહાસ કહેવાય એટલો ઉજ્જ્વળ નથી. વિદેશીઓ ભારતમાં ફાવી ગયા, કારણ કે આપણા રાજાઓ ઐયાશીમાં ને પોતાના વૈભવનો દેખાડો કરવામાં વ્યસ્ત રહેતા હતા અને પછી પોતાની ગાદી ગુમાવવાનો વખત આવે ત્યારે એમાંથી બે-ચાર જણ લડવા નીકળતા. જેને વિદેશી કહેવાય એમણે સારાં કામ કર્યાં હોય તોયે એને હવે આપણે ભુલાવી દેવા મથીએ છીએ. દાખલા તરીકે, અત્યાર સુધી સ્કૂલમાં ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં મુઘલ શહેનશાહ અકબર માટે અકબર ધ ગ્રેટ કે મહાન રાજા અકબર જેવા શબ્દ વપરાતા હતા, એની સામે થોડા સમય પહેલાં અમુક લોકોને વાંધો પડ્યો. હરિયાણાના મુખ્યમંત્રી મંત્રી ખત્તરે એમને ત્યાં અકબર રોડનું નામ બદલીને મહારાણા પ્રતાપ માર્ગ કરી નાખવાની ડિમાન્ડ મૂકી અને કેન્દ્રસરકારે મંજૂરી પણ આપી. કેમ ભાઈ, અકબરે કોઈ સારું કામ કર્યું જ નહોતું?

હિન્દુ મુસ્લિમ એકતા માટે અકબર જેટલા પ્રયાસ કયા હિન્દુ રાજાએ કરેલા? અને પોતાનું સામ્રાજ્ય વધારવા માટે તો એ સમયે લગભગ દરેક રાજા બીજા પર આક્રમણ કરતા હતા, તો રાજસ્થાન કે બીજા કોઈ પ્રદેશ પર ચઢાઈ કરનાર, રાણા પ્રતાપ સામે લડનાર અકબરને શું કામ ખરાબ કહેવો? અને એક વાત પર તો ઇતિહાસકારો સહમત થાય છે કે કોઈપણ શાસકને સારો કહેવો કે ખરાબ, એ વાત એણે યુદ્ધ દરમ્યાન દાખવેલી વીરતા કે અત્યાચાર પરથી નક્કી ન થાય. શાંતિકાળમાં એણે કેવું શાસન કર્યું, પ્રજાનું કેટલું ભલું થયું, એ પરથી એની મહાનતા નક્કી થાય. આ બાબતમાં અકબરનો રેકૉર્ડ બીજા રાજાઓથી ઊજળો છે. તો એને હવે દુષ્ટ કહીને આપણે ઇતિહાસ સાથે છેડછાડ નથી કરતાં? અને રાણા પ્રતાપનું નામ ઊજળું કરવા માટે અકબરનું નામ ભૂંસી નાખવાની જરૂર પડે?


હવે બીજી વાત- અંગ્રેજો કે મુઘલો સામે લડનારા દરેક ભારતીય રાજા કે રાણીને આપણે સ્વાતંત્ર્યવીર-વીરાંગના તરીકે ચીતરી નાખીએ છીએ, ત્યારે એ ભૂલી જઈએ છીએ કે એ લોકો પોતાનું રાજ્ય, પોતાની સત્તા બચાવવા માટે લડેલા. એમને દેશની ગુલામી-સ્વતંત્રતા સાથે ભાગ્યે જ લાગતુંવળગતું હતું. બલ્કે એમાંથી ઘણાએ તો પોતાની પ્રજા પર જુલમ કરવામાંયે બાકી નહોતું રાખ્યું. અત્યારે આપણે ત્યાં અનામતની હોળી છે, એની પાછળ પણ આપણા મહાન ગણાતા પ્રાચીન શાસકોને જવાબદાર ગણવા જોઈએ, કારણ કે એમણે જ્ઞાતિપ્રથા, ઊંચ-નીચને પ્રોત્સાહન આપ્યું કે એની પ્રત્યે આંખ આડા કાન કર્યા. હવેની પેઢીએ એ પાપનું પ્રાયશ્ચિત કરવું પડે છે.


ભારત સોને કી ચીડિયા હતો એવું કહેવાય છે, પણ એ કદાચ હજારો વર્ષ પહેલાંની વાત છે. સાચું પૂછો તો એના કોઈ નક્કર પુરાવા પણ નથી. બાકી આપણે જે ભારતને જાણીએ છીએ એ વર્ષોથી કંગાળ છે અને એને એવું રાખવામાં આપણા રાજપરિવારોએ સહુથી મોટો ફાળો આપ્યો છે. આજે એ લોકો ગૌરવશાળી ઇતિહાસની વાત કરે ત્યારે હસવું આવે કે નહીં? અને રડવું ત્યારે આવે જ્યારે નવી પેઢીને ઇતિહાસની એક જ બાજુ બતાવવાનો પ્રયાસ થાય. હા, આ ધંધો માત્ર વર્તમાન કેન્દ્રસરકારે નથી કર્યો. અત્યારે દેશભરમાં ગાંધી પરિવારના નામના રસ્તા, સંસ્થાઓ, યોજનાઓ વગેરે વગેરે ગણવા બેસીએ તો લાગે કે સ્વતંત્ર ભારતમાં માત્ર એમણે જ દેશના ઉદ્ધારનું કામ કર્યું છે. એમણે વળી પોતાની રીતે ઇતિહાસ લખ્યો છે. હા, ઘણા સમયથી મને સતાવતો એક પ્રશ્ન આજે પૂછવો છે- ટીપુ સુલતાનને ભારતીય ઇતિહાસમાં હીરો ગણવો કે વિલન? લોજિકલ જવાબ આપવાની કૃપા કરજો.
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી