આપણી વાત / કોન્ગ્રેચ્યુલેશન્સ, તમે હવે ગરીબ છો

article by varsha pathak

વર્ષા પાઠક

Jan 16, 2019, 03:53 PM IST

થોડા સમય પહેલાં આપણાં એક મહિલા રાજકારણીએ ફરિયાદના સૂરે કહેલું કે એ કોઈ મંદિરમાં ગયાં, ત્યારે એમને એમની જાતિ પૂછવામાં આવેલી. અફકોર્સ, એમને મંદિરમાં પ્રવેશતા અટકાવાયાં નહોતાં, પણ આપણે ત્યાં જેમને દલિત કે પછાતવર્ગ કહેવાય છે, એમાં જન્મેલા આ સન્નારીનું કહેવું હતું કે ધાર્મિક સ્થળે શું કામ કોઈને કોઈની જાતિ પૂછવી જોઈએ.

  • હવે અનામત માટે મોરચા કાઢવાનો અધિકાર ભારતની માત્ર પાંચ ટકા જનતાને
    જ છે. તમે આ પાંચ ટકા જનતામાં આવો છો?

આ સાંભળીને એક જણે સોશિયલ મીડિયા પર કટાક્ષભાવે પૂછેલું કે કૉલેજમાં એડમિશન કે સરકારી ખાતામાં નોકરી લેવા જાવ ત્યારે તો ઉત્સાહભેર સામે ચાલીને પોતાની પછાત જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરો છો, તો પછી કોઈ મંદિરમાં માત્ર સામાન્ય પૃચ્છા થઈ એમાં આટલા ભડકી શું કામ જાવ છો?


સદ્્નસીબે આ વિવાદ વધારે વકર્યો નહોતો, પણ હવે સરકારે જ્યારે સવર્ણોમાં આર્થિક રીતે નબળા કહેવાય એવા લોકોને અનામતનો લાભ આપવાનું ઠરાવ્યું છે અને વિપક્ષોએ પણ મનેકમને એને ટેકો એવો પડ્યો છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે. આમ તો સંસદના બંને ગૃહમાં પસાર થયેલા બિલમાં ગરીબીની જે વ્યાખ્યા થઈ છે, એ સાંભળીને આશ્ચર્ય પામવું, હસવું કે રડવું, એ જ મોટાભાગના લોકોને સમજાયું નથી.

નવું બિલ કહે છે કે વર્ષે આઠ લાખથી ઓછી આવક ધરાવનારને અનામતનો લાભ મળશે, મતલબ મહિને 66 હજાર વત્તા 666 રૂપિયાની આવક ધરાવનાર હવે ઓફિશિયલી પુઅર છે અને હા, જે લોકો એક હજાર સ્ક્વેર ફિટથી નાના ઘરમાં રહેતા હોય એ પણ આર્થિક રીતે નબળાં ગણાશે. મતલબ દેશની લગભગ પંચાણુ ટકા વસ્તીને હવે અનામતનો લાભ મળશે.

સંસદમાં બિલ ભલે પસાર થઈ ગયું, પણ એ ખરેખર કાયદો બનશે કે નહીં અને એનો અમલ કઈ રીતે થઈ શકશે, એમાં કેટલી અડચણો પડશે, એના પર અત્યારે રાજકીય, સામાજિક, આર્થિક બાબતોના નિષ્ણાતો વચ્ચે જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. બૌદ્ધિકો દ્વારા એ વિષય પર અત્યારે પુષ્કળ બોલાઈ, લખાઈ રહ્યું છે, એટલે એની યોગ્યતા-અયોગ્યતા વિશે અહીં કંઈ કહેવું નથી, પણ સામાન્ય વ્યક્તિ તરીકે જે સામાન્ય પ્રશ્નો ઊભા થાય એની વાત કરવી છે.


અહીં ફરી પેલી મહિલાને યાદ કરીએ, જે પછાત વર્ગના અધિકારો માટે લડે છે, પણ એને કોઈ પછાત કહેવાનું તો બાજુએ રહ્યું, માત્ર જાતિ વિશે પૂછે તોયે ચીડ ચઢે છે. એવી જ રીતે આપણે ત્યાં મહિને પચાસ સાઠ હજારનો પગાર ધરાવનારનો દીકરો કદાચ અનામતનો લાભ લેવા ક્યાંક લાઇનમાં ઊભો રહેશે, પણ એની સાથે એના ઘરમાં કામ કરતી બાઈના દીકરાને જોઈને એને નથી જ ગમવાનું. રોજબરોજના જીવનમાં એને કોઈ ગરીબ કહે તો ગમશે?

મહિને સાઠ હજારનો પગાર ધરાવતો અને હાઉસિંગ લોન લઈને શહેરમાં પાંચસો સ્ક્વેર ફિટનો વન બીએચકે ફ્લેટ ખરીદીને ખુશ થતો યુવાન હવે મનગમતી કન્યા સાથે પરણવા તૈયાર થાય અને સુકન્યાનો પિતા કહી દે કે મારે ગરીબના ઘરમાં મારી લાડકી દીકરીને આપવી નથી, તો છોકરાને ખોટું લગાડવાનો અધિકાર છે?


આપણે ત્યાં આર્થિક રીતે નબળા ગણાવું, એ એક પ્રકારનું અપમાન ગણાય છે. કોઈ આપણને ગરીબ ન માની લે, એ માટે આપણે સતત સાવધાન રહીએ છીએ. લગ્ન જ નહીં સગાઈ જેવા પ્રસંગે પણ મિડલ ક્લાસ પરિવારો જે ધામધૂમ કરે છે, એની પાછળ ઉત્સાહ કરતાંયે મોટું કારણ એ જ હોય છે કે સામેવાળા આપણને લુખ્ખા, કડકા ન માની લે.

વેવાઈ કે જમાઈના બીજા ગુણ અવગુણ બાજુએ રાખો, પણ એ પૈસાદાર છે એવું ભારપૂર્વક કહેનારા લોકોને એમાં પોતાની મહત્તા દેખાય છે. ડોમેસ્ટિક એરપોર્ટ પરથીયે પોતાની સોલો સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકો હોય છે (એ અક્કલથી ગરીબડાઓ માટે કદાચ હજીયે હવાઈ મુસાફરી બહુ મોટી ચીજ છે), પણ ક્યારેય રેલવે પ્લેટફોર્મ કે બસ સ્ટોપ પરથી લેવાયેલી સેલ્ફી પોસ્ટ થયેલી જોઈ છે? ના, કારણ કે એ કદાચ પૈસાની તંગી દર્શાવી દેશે.

થોડા સમય પહેલાં સ્નેપચેટના સીઇઓએ ભારતને ગરીબ દેશ કહ્યો ત્યારે ભડકી ગયેલા ભારતવાસીઓ વિશે લખેલું, એ તમને યાદ હશે. કોઈની હિંમત કે આપણને ગરીબ કહી જાય? હવે અનામતનો લાભ લેવા માટે હું આર્થિક રીતે પછાત છું’ એવું લખીને આપવું પડશે, ત્યારે?


ચૂંટણી માથે તોળાઈ રહી છે, ત્યારે જ આ બિલ લઈ આવનાર શાસક પક્ષના ઇરાદા સામે સ્વાભાવિક રીતે શંકાની નજરે જોવાય છે, પણ એક રીતે તો આ પગલું ભરીને સરકારે આપણને બધાંને સમાન કક્ષામાં મૂકી દીધાં એવું માનીને ખુશ થવું જોઈએ? આપણા દેશના જાણીતા હિલસ્ટેશન્સમાં માથેરાન એ રીતે યુનિક છે કે અહીં કોઈ વાહનને પ્રવેશ નથી. અમીર, ગરીબ, બધાય વર્ગના લોકોએ અહીં આવ્યા પછી ફરજિયાત ચાલવું પડે.

કમ સે કમ આ એક બાબતમાં અહીં સમાનતા છે અને હવે આપણા નેતાઓએ 95 ટકા ભારતને આર્થિક બાબતે માથેરાન બનાવી દીધું છે. તમારો પગાર છ હજાર હોય કે સાઠ હજાર, તમે સહુ આર્થિક રીતે પછાત છો, પરંતુ બીજી તરફ હવે ઝઘડો કરવા માટે વધુ શત્રુઓ પણ મળી જશે. અત્યાર સુધી સવર્ણોની ફરિયાદ હતી કે એસસી, ઓબીસી વગેરે અનામતનો લાભ લઈને મેડિકલ કોલેજમાં અમારાં હોનહાર બાળકોની સીટ ઝૂંટવી જાય છે.

હવે અનામતનો લાભ લેવા માટે સવર્ણો અંદરોઅંદર લડશે. વર્ષે આઠ લાખ ઉપર બે હજારની આવક ધરાવનારે તો કંઈ બોલવાનું જ નહીં. એમણે ખુદને અંબાણી અને શાહરુખ ખાનના વર્ગમાં મૂકીને રાજી રહેવાનું.
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી