Home » Rasdhar » ડૉ. શરદ ઠાકર
‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

આખરે ગુમાવેલી જિંદગીનો હિસાબ મળી ગયો, આ કાગળનો પૈસો આખી જિંદગી ગળી ગયો

  • પ્રકાશન તારીખ02 Jun 2018
  •  
ડૉ. સુરેશભાઈની સરનેઇમ બોર્ડ પર લખેલી જે હોય તે, પણ આમજનતામાં એમની ઓળખ ‘ડૉ. સુરેશ સગડી’ તરીકે જ સ્થાપિત થઈ ગઈ હતી. મેં જ્યારે એમને જોયા હતા (અને જાણ્યા હતા) ત્યારે મારી ઉંમર બાવીસેક વર્ષની, સાહેબ તે વખતે બાવન-ત્રેપનના.
એ નાનકડા શહેરના એક માત્ર જનરલ સર્જન. હોશિયાર પણ ખરા અને અઢી દાયકાનો અનુભવ હતો એટલે ઓપરેશનોમાં એમની મહારત જોરદાર જામી ગઈ હતી. દર્દી પૂછે, ‘સાહેબ, ઓપરેશનમાં જોખમ જેવું તો નથી ને?’
સાહેબનો સ્વભાવ સળગતી ભઠ્ઠી જેવો. દર્દીના એક પણ સવાલનો સીધો જવાબ તો આપે જ નહીં. આંખો પહોળી કરીને કહે, ‘જોખમ છે. સો એ સો ટકાનું જોખમ છે, પણ જો ઓપરેશન નહીં કરાવે તો બસો ટકાનું જોખમ છે. બોલ, મરવું છે? તો ચાલવા માંડ! જો જીવતા રહેવું હોય તો વોર્ડમાં જઈને ખાટલામાં સૂઈ જા. કાલે સવારે પહેલું ઓપરેશન તારું!’
દર્દી આખી રાત પથારીમાં તરફડતો રહે. ઊંઘે એ બીજા. એનાં સગાંવહાલાં પણ બાપડા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહે, પણ બીજા દિવસે ઓપરેશનમાં ડૉ. સુરેશભાઈ કમાલ કરી નાખે. જાણે માખણના પીંડામાં ફેરવતા હોય તેમ દર્દીના પેટ પર છરી ફેરવે! ખરાબ થઈ ગયેલું એપેન્ડિક્સ કાઢવાનું હોય, મરી ગયેલું આંતરડું કાપીને કાઢી નાખવાનું હોય, પેટમાં મોટી ગાંઠ થઈ હોય તે દૂર કરવાની હોય, ડૉ. સુરેશભાઈ વીસમી મિનિટે તો પેટના ટાંકા લઈને ઓપરેશન પૂરું કરતા હોય!
મેં જાતે એમને ‘સ્પ્લીનેક્ટોમી’ કરતાં જોયા હતા. એક માજીની બરોળ ફૂલીને મોટા તડબૂચ જેવી થઈ ગઈ હતી. બરોળ એટલે સાદી ભાષામાં કહું તો લોહીથી ભરેલું માટલું. એને કાઢવાનું ઓપરેશન જોખમી ગણાય. ડૉ. સુરેશભાઈએ એક મિનિટમાં પેટ ખોલી નાંખ્યું. બીજી મિનિટે ‘સડપ’ કરતોકને હાથ બરોળની પાછળ ખોસી દીધો. જાણે કે. લાલનો જાદુ બતાવતા હોય તેમ ચાર-પાંચ મિનિટમાં બરોળ દૂર કરી દીધી! પાંચમી મિનિટે તો એ ટાંકા લઈ રહ્યા હતા.
મારાથી રહેવાયું નહીં, વખાણ થઈ જ ગયા, ‘વાહ, સર! વ્હોટ એન એક્સેલન્ટ સર્જરી! આટલી વારમાં તો બીજા કોઈ સર્જન એપેન્ડિક્સ કાઢવાનું ઓપરેશન પણ ન કરી શકે!’
ડૉ. સુરેશભાઈ સર્જન મટીને સગડી બની ગયા, ‘તું એ ગધેડાઓને સર્જન ગણે છે? હું તો એ બધાને કસાઈ માનું છું કસાઈ! સર્જન તો એક જ છે, એ હું જ.’
ક્રોધ એ તામસી પ્રકૃતિનું લક્ષણ છે અને તામસી સ્વભાવના માણસોમાં દુર્ગુણોની સંખ્યા એકલ-દોકલ નથી હોતી. ક્રોધની સાથે અભિમાન, લોભ, મોહ, ઈર્ષા, કંજૂસાઈ જેવા અનેક દુર્ગુણોની ફોજ જોડાયેલી હોય છે. ડૉ. સુરેશભાઈમાં આ આખું લાવ-લશ્કર મોજૂદ હતું.
દર્દીઓ પાસેથી તગડી ફી વસૂલ કરવામાં એ એટલા જ કુશળ હતા, જેટલા સર્જરી કરવામાં હતા. દર્દી ગમે એવો ગરીબ હોય, ડૉ. સુરેશભાઈ એને બિલમાં એક પૈસાનીયે રાહત આપતા નહીં. ‘દાગતર સાહેબ, દયા કરો! પાંચસો-હજાર ઓછા કરો.’ કોઈ ગરીબ માણસ બે હાથ જોડીને આજીજી કરે.
ડૉક્ટરનો જવાબ આવે, ‘હું ઓપરેશન કરતી વખતે બે-ચાર ટાંકા નહીં લઉં તો ચાલશે? કામ પૂરેપૂરું કરાવવું છે અને પૈસા ઓછા આપવા છે! ફરી વાર જો આ વાત કરી તો દવાખાનાનું પગથિયું ચડવા નહીં દઉં.’
દર્દીઓ શું કરે? ક્યાં જાય? મજબૂર હતા. આસપાસના બસો કિ.મી. વિસ્તારમાં બીજો કોઈ સર્જન ન હતો. એનાથી દૂર જે હતા એ આટલા હોશિયાર ન હતા.
અઢી દાયકાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં સાહેબે મબલખ ધન એકઠું કર્યું હતું. શહેરમાં ચાર વિશાળ, વૈભવી બંગલાઓ હતા. બેન્કનાં લોકર્સ સોનાની લગડીઓથી છલકાતાં હતાં. શહેરની બહાર વિશાળ ખેતરો હતાં. વાહનોની વાત કરીએ તો જે કારનું નવું મોડલ બજારમાં આવે તે બીજા જ દિવસે સાહેબના આંગણામાં જોવા મળી શકે. એક વાર તો ત્રણ ડ્રાઇવરોને લઈને સાહેબ અમદાવાદ ગયા, ત્રણ અલગ-અલગ કંપનીઓની મોંઘીદાટ ગાડીઓ છોડાવીને ઘરે લઈ આવ્યા. ગમે તેવી કીમતી કાર હોય, ડૉક્ટર સાહેબ ત્યાં સુધી જ વાપરે જ્યાં સુધી એ બગડે નહીં. કારમાં નાનું સરખું પણ રિપેરિંગ આવે એટલે સાહેબ કારને વેચી નાખે.
એમનો મુદ્રાલેખ હતો, ‘આઈ વિલ બાય એ કાર એન્ડ સમબડી એલ્સ વિલ રિપેર ઇટ!’ (હું માત્ર કાર ખરીદીશ, એને રિપેર બીજો માણસ કરાવશે.)
તમને સ્વાભાવિકપણે જ આવો સવાલ થાય કે જે માણસ આવો ખર્ચાળ હોય તેને કંજૂસ કેવી રીતે કહેવાય? તો જવાબ જાણી લો. ડૉક્ટર માત્ર પોતાના અને પરિવારના સભ્યો માટે જ રૂપિયો વાપરી શકતા હતા. સમાજનું કોઈ પણ સારું કામ હોય ત્યારે એક ફૂટી કોડી પણ ખરચતા નહીં.
કોઈ વૃદ્ધાશ્રમમાં દાન અાપવાની વાત હોય કે પાંજરાપોળમાં, ડૉ. સુરેશભાઈનો ફાળો ‘ઝીરો’! કોઈ ગરીબ વિદ્યાર્થી ભણવાની ફી માટે એમની મદદ યાચવા આવે તો ડૉક્ટર સાહેબ સહાય આપવાને બદલે સલાહ આપે, ‘ભણીને તારે શું કરવું છે? એના કરતાં મારા નર્સિંગ હોમમાં પ્યૂન તરીકે લાગી જા. બે ટંકના રોટલા નીકળી જશે.’
કોઈને ખેતરમાં કામ અપાવી દેવાની વાત કરે તો કોઈને બંગલાનો વોચમેન બનાવી દેવાની ઓફર મૂકે. એમની પત્ની હેમા પણ હવે તો કંટાળી ગઈ હતી. ખાનગીમાં ચાર-પાંચ સાધુ-બાવાઓ પાસે જઈને રડી આવી હતી, ‘મહાત્મા, મારા પતિ ભલે મોટા સર્જન હોય, પણ અંદરથી એ દાનવ જેવા છે. તમે એને માણસ બનાવી આપો.’
સાધુ-બાવાઓ દોરા-ધાગા આપે, પણ સર્જનના હાથમાં એ બાંધે કોણ? આ તો બિલાડીની ડોકમાં ઘંટ બાંધવા જેવી વાત! ડૉ. સુરેશભાઈ ઇશ્વરમાં ન માને તો પછી આવા દોરા-ધાગામાં માનતા હશે?
એક વાર તો હેમાબહેને હિંમત ભેગી કરી અને પતિને કહ્યું, ‘તમે મારું કહ્યું માનશો? એક વાર, આજે એક જ વાર મારી સાથે એક વૈરાગી બાબાનાં દર્શન કરવા આવશો?’
ડૉક્ટર ગયા, પણ તાર્કિક એવા સાબિત થયા કે બે કલાકની મુલાકાતના અંતે ડૉક્ટર તો ન સુધર્યા, પણ વૈરાગી બાબા બગડી ગયા.
ઘરે પાછા આવીને પત્નીએ હળવો ઝઘડો શરૂ કર્યો, ‘તમે ક્યારે સુધરશો?’, ‘હું સુધરેલો જ છું.’
‘તમારી અંદર એક હજાર અવગુણો રહેલા છે, અમને બધાંને એ દેખાય છે. તમને નથી દેખાતા?’
ડૉ. સુરેશભાઈએ જિંદગીમાં પહેલી વાર મુદ્દાની વાત કરી, ‘હેમા, હું જાણું છું કે હું તામસી સ્વભાવનો પુરુષ છું, પણ આ જગતમાં પૂર્ણ વ્યક્તિ કોણ છે? કોઈ નહીં. કોઈકમાં થોડા તો કોઈકમાં ઝાઝા અવગુણો હોવાના જ. અને આ બધું એના ડી.એન.એ.માં છપાઈ ગયું હોય છે. માણસ મૃત્યુ પામે ત્યારે એની સાથે જ એનો સ્વભાવ જાય છે. કહેવત છે ને કે પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જ જાય!’
‘કહેવત તો સામાન્ય માણસોને લાગુ પડે, તમે તો આટલા બધા સમજદાર છો. તમે આ દુર્ગુણોમાંથી મુક્ત ન થઈ શકો?’
‘થઈ શકું. પણ એ બીજા કોઈના કહેવાથી નહીં થાય. જો મને કોઈક ચોટ લાગી જશે, જો મારા અંતરનાં દ્વારા ખૂલી જશે તો ક્ષણવારમાં આ બધું સરી પડશે.’
હેમાબહેને પહાડ જેવડો નિસાસો મૂક્યો, ‘આવું તો ક્યારે થાય?’ અને એક દિવસ આવું થયું. સાવ નાનકડી ઘટનામાંથી થયું. ડૉ. સુરેશભાઈ બાથરૂમમાં નહાતા હતા. સવારના આઠ વાગ્યાનો સમય. પત્ની કિચનમાં બ્રેકફાસ્ટ બનાવી રહી હતી. નાહી લીધા પછી સુરેશભાઈને ખબર પડી કે ટોવેલ તો બાથરૂમમાં હતો જ નહીં. ભુલાઈ ગયું હશે. જન્મનાં વસ્ત્રોમાં એક બાહોશ સર્જન પાણીથી નીતરતી હાલતમાં ઊભા હતા. બહાર પણ આવી ન શકાય તેવી હાલત હતી. એમણે ચિલ્લાવાનું શરૂ કર્યું, ‘હેમા! મારો ટોવેલ આપજે! હેમા! હેમલી! બહેરી! સાંભળે છે કે નહીં?’
કોણ સાંભળે? પછી એમણે બંધ બારણાં પર હાથ-પગ પછાડવાનું શરૂ કર્યું. ધણધણાટી સાંભળીને હેમાબહેનના કાન ચમક્યા. એ દોડી આવ્યાં, ‘શું થયું? કેમ બૂમો પાડો છો?’
‘મને ટોવેલ આપ. હું ભૂલી ગયો છું.’ સુરેશભાઈએ કહ્યું. હેમાબહેને ટોવેલ ધર્યો. સહેજ બારણું ઉઘાડીને હાથ બહાર કાઢીને ડૉક્ટર સાહેબ ટોવેલ લઈ લીધો. પણ જ્યાં શરીર લૂછવા ગયા, ત્યાં જ એમનું ધ્યાન ગયું કે શરીર પરથી પાણી તો સરી ગયું હતું. ભીનાશ ઊડી ગઈ હતી. ડિલ કોરું થઈ ગયું હતું. ડૉ. સુરેશભાઈ વિચારમાં પડી ગયા, ‘બસ? આ શરીરની આવી જ તાસીર? પળવારમાં ભીનાશ જતી રહી? મારા શરીરમાં આટલી બધી ગરમી? લોકો મને સુરેશ સગડી કહે છે એ આટલા માટે? અને શરીરની વાત જવા દો, મેં તો મારા મનમાંથી, જીવનમાંથી, વાણી-વર્તનમાંથી પણ બધી ભીનાશ ખંખેરી નાખી છે. આખી જિંદગી કોરોકટ રહીને જીવ્યો છું. માત્ર હું અને હું જ! જે પળે હું મૃત્યુ પામીશ ત્યારે મારા ‘હું’નું શું થશે?’ બુદ્ધિ તો હતી જ. તર્કશક્તિ પણ હતી. ભૂતકાળમાં કાનમાં પડેલાં શાસ્ત્ર-વચનો પણ હતાં. બધાનો સર‌વાળો ક્ષણવારમાં થઈ ગયો. જે દ્રાવણ રચાયું તે દિવ્ય હતું. બહાર આવીને એમણે પત્નીને કહ્યું, ‘હેમા, જેટલું કમાયો છું એ છુટ્ટા હાથે વાપરજો, માત્ર આપણાં માટે જ નહીં, બધાંના માટે. અને આજથી હું કમાવાનું બંધ કરું છું, કામ કરતો રહીશ.’ (1978-79ના સમયમાં જ્યારે આ ઘટના બની ત્યારે ડૉ. સુરેશભાઈ પાસે આશરે ત્રીસ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ હતી. પાછલાં વર્ષોમાં એ સાવ બદલાઈ ગયા હતા. લોકો એમને ‘સંત સુરેશભાઈ’ કહીને બોલાવતા હતા.)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP