Home » Rasdhar » ડૉ. શરદ ઠાકર
‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

ઇત્તફાક સે તો નહીં હમ સબ ટકરાયે થોડી સાજિશ તો ખુદા કી ભી હોગી

  • પ્રકાશન તારીખ02 Jun 2018
  •  
રા ત્રિના સાડા અગિયાર વાગ્યા ત્યારે શિખર ઘરે પહોંચ્યો. ડોરબેલ દબાવ્યો. પપ્પાએ બારણું ઉઘાડ્યું. પહેલો સવાલ આ પૂછ્યો, ‘બેટા, તારી મમ્મી માટેની મેડિસિન્સ લાવ્યો છેને?’
શિખરે જમણો હાથ કપાળ પર ઠપકાર્યો, ‘ઓહ પપ્પા! આઇ એમ સો સોરી. મમ્મી માટેની ટેબ્લેટ્સ લાવવાનું તો હું ભૂલી જ ગયો. મિનેષ, હિતેષ, રિતેશ અને...’
‘મને ખબર જ હતી કે તું ભૂલી જવાનો છે. તારી જિંદગીમાં રખડવું, ભટકવું, મિત્રોની સાથે ટોળટપ્પા કરવા, હોટલોમાં આચરકૂચર નાસ્તા-પાણી કરવાં એ જ મહત્ત્વનું છે. મા અને બાપ જાય ભાડમાં!’ અનુભાઈના બોલવામાં દીકરાની ગફલત પ્રત્યે જોરદાર આક્રોશ હતો, ચીડ હતી, ઠપકાનો ભાવ હતો અને નફરત હતી.
શિખર પણ સમજી ગયો કે એણે ખૂબ મોટી ભૂલ કરી નાખી હતી. ઘરમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. વૃદ્ધ, બીમાર મમ્મી, નિવૃત્ત પપ્પા અને ત્રીજો પોતે. કોલેજ પૂરી કરીને નોકરીમાં જોડાયેલો જુવાન દીકરો. શિખર નામ.
શિખર જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે જ પપ્પા પાસે જીદ કરી હતી, ‘પપ્પા, મને બાઇક અપાવો.’
‘બેટા, આપણે એવા પૈસાદાર નથી કે હું... આપણું ઘર મારા પેન્શન પર ચાલે છે. એમાં તારો ભણવાનો ખર્ચો, તારી મમ્મીની બીમારી, ડૉક્ટરની ફી અને દવાઓ અને એવું હોય તો કાલથી મારી સાઇકલ તું વાપરજે.’
‘સાઇકલ?’ શિખરે મશ્કરીભર્યા અવાજમાં કહ્યું હતું, ‘હું તમારી પાસે મોટરસાઇકલની માગણી કરું છું અને તમે મને સાઇકલ આપવાની વાત કરો છો? પપ્પા, કોલેજમાં તો હવે છોકરીઓ પણ સાઇકલ પર નથી આવતી.’
અનુભાઈ ગરીબ હતા, પણ બાપ હતા. ઉછીના-ઉધાર લઈને દીકરાને બાઇક લઈ આપી, પણ એ પછી તો શિખરનું રખડવાનું વધી ગયું. ઘરમાં પગ વાળીને બેસવાનું નામ જ નહીં. બે ટંક જમવા માટે જ ઘર યાદ આવે.
એમાં આજે સાંજે એ ‘ફ્રેન્ડ્ઝની સાથે ફરવા જાઉં છું’ કહીને ગયો તે ગયો. અનુભાઈએ પૂછ્યું હતું, ‘ક્યારે પાછો આવીશ?’
‘ઓહ પપ્પા!’ શિખરે સહેજ ચિડાઈને પૂછ્યું હતું, ‘હું આઠ વાગ્યે આવું કે દસ વાગ્યે, તમને શું ફરક પડે છે?’
‘બેટા, ઘણો ફરક પડે છે. તને અત્યારે નહીં સમજાય. તારો દીકરો જ્યારે જુવાન થશે ત્યારે સમજાશે, પણ જવા દે એ વાત. મારે તને એક કામ સોંપવાનું છે.’
‘શું?’
‘જ્યારે તું પાછો આવે ત્યારે તારી મમ્મી માટે દવાઓ લેતો આવજે. બ્લડપ્રેશરની છેલ્લી ટેબ્લેટ આજે સવારે પૂરી થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું છે કે સવાર-સાંજનો એક પણ ડોઝ ચૂકશો નહીં. જો ચૂકી જશો તો બી.પી. વધી જશે. બ્રેઇન હેમરેજનું પણ જોખમ...’
‘ઓકે. પપ્પા. મને પ્રિસ્ક્રિપ્શન પેપર આપો. હું ટેબ્લેટ્સ લેતો આવીશ. બીજું કંઈ?’
‘આ એક જ કામ યાદ રાખે તો પણ સારું.’ પપ્પાને દીકરાના ભુલકણા સ્વભાવ વિશે જાણ હતી. શિખર સાવ ભુલકણો હતો એવું ન હતું, સાથે સાથે તે બેદરકાર પણ હતો. મિત્રોની સાથે ગપ્પાં-ગોષ્ઠિ કરવામાં ધાર્યા કરતાં વધારે મોડું થઈ ગયું. ઘરે આવ્યો ત્યારે જાણ થઈ કે મમ્મી માટે દવાઓ લઈ આવવાનું રહી ગયું છે.
‘હવે શું કરીશું બેટા? ડૉક્ટરે કહ્યું હતું કે જો એક પણ ટેબ્લેટ ચૂકી જશો તો...’
‘એવું નહીં થાય પપ્પા, હું પાછો જઉં છું. હમણાં જ ગોળીઓ લઈ આવું છું.’ શિખરે તૈયારી દર્શાવી.
અનુભાઈએ કહ્યું, ‘બેટા, આટલી મોડી રાતે ક્યાંથી દવા લઈ આવીશ? બધા જ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ ચૂક્યા હશે.’
અનુભાઈની ધારણા સાચી હતી. એ શહેર ખાસ મોટું ન હતું. આખા શહેરમાં માંડ 5-7 જેટલી દવાની દુકાનો હતી, એમાંની એક પણ દુકાન ચોવીસ કલાક માટે ખુલ્લી રહેતી હોય તેવી ન હતી. જો કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ ઊભી થાય તો સરકારી હોસ્પિટલમાં જ પહોંચવું પડે. ત્યાં જે દવાઓ હોય એની અસરકારકતા વિશે સામાન્ય પ્રજાજનોના મનમાં ખાસ અહોભાવ ન હતો.
શિખર ઝડપથી ફ્લેટનાં પગથિયાં ઊતરી ગયો. બાઇક ચાલુ કરી ખાલી સૂમસામ સડક પર મારી મૂકી. નાનકડા ટાઉનમાં નવ-સાડા નવ વાગ્યે તો લગભગ સન્નાટો છવાઈ જાય. રડ્યાખડ્યા માણસો જ દેખાય. શિખરે જોયું કે મોટાભાગની દુકાનો બંધ હતી. મેડિકલ સ્ટોર્સ પણ બંધ થઈ ગયા હતા. પાંચેક જગ્યાએ તપાસ કરી લીધા પછી એણે બાઇકને પેટ્રોલપંપવાળા રોડ પર વાળી લીધી. એ રોડ જરાક દૂર હતો, પણ ત્યાં બે મોટા મેડિકલ સ્ટોર્સ આવેલા હતા. એ રોડની છેક છેલ્લે એક જાણીતો પેટ્રોલપંપ હતો. એ પછી ટાઉનની હદ પૂરી થતી હતી. પેટ્રોલપંપની આગળ રસ્તો પણ કાચો હતો. થોડીક નવી સોસાયટીઝ અને ફ્લેટ્સની સ્કીમ્સ બની રહી હતી, પણ ત્યાં વસ્તી હજુ પાંખી હતી.
શિખર જેની આશામાં એ રોડ પર પહોંચ્યો હતો એ ફળીભૂત ન થઈ. તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી. પેટ્રોલપંપ હજુ ચાલુ હતો. શિખરે પેટ્રોલપંપ પર કામ કરતા એક છોકરાને પૂછ્યું, ‘અહીંથી આગળ કોઈ મેડિકલ સ્ટોર આવશે?’
છોકરાએ માથું ધુણાવ્યું, ‘ના, હવે એક પણ દુકાન નહીં જોવા મળે.’ શિખર નિરાશ થઈ ગયો. ફેરો માથે પડ્યો એની નિરાશા અને મમ્મીની તબિયત બગડશે એની ચિંતા. ઉપરથી પપ્પા ઠપકો આપશે એ વાતનો ભય પણ ખરો.
બીજો કોઈ રસ્તો ન હતો. શિખરે બાઇક સ્ટાર્ટ કરી. પેટ્રોલપંપમાંથી બહાર આવ્યો. ત્યારે એક સાવ નાની ઘટના બની.
એક ભિખારી જેવો દેખાતો કિશોર ત્યાં ઊભો હતો. એણે હાથ આડો કરીને ઊભા રહેવાનો સંકેત કર્યો. આવી તંગ માનસિક હાલતમાં પણ શિખરે બાઇકને બ્રેક મારીને થંભાવી દીધી, ‘શું છે?’
છોકરો બોબડો હતો. બોલી ન શક્યો. હાથના ઇશારાથી સમજાવવા લાગ્યો, ‘મારે આ દિશામાં જવું છે. મારો પગ દુખે છે. પૈસા નથી. મને લિફ્ટ આપશો?’
શિખરે જોયું કે એ જે દિશા ચીંધી રહ્યો હતો તે તો શહેરની બહાર જવાની દિશા હતી. પેટ્રોલપંપથી આગળ જવાની દિશામાં થોડીક છૂટક વસ્તી જ હતી. આ બહેરા-મૂંગા છોકરાનાં મા-બાપ કદાચ ત્યાં કોઈક ઝૂંપડામાં
રહેતાં હશે.
કોઈ પણ માણસ આવી રીતે લિફ્ટ આપવા તૈયાર થાય નહીં. એક તો સમય બગડે અને વધારામાં મોંઘા ભાવનું પેટ્રોલ વપરાય, પણ શિખરના હૃદયમાં આ ગરીબ, દિવ્યાંગ કિશોર માટે કરુણા ફૂટી આવી. ઈશ્વરે દરેક મનુષ્યમાં થોડાક તો સદ્્ગુણો મૂક્યા જ હોય છે. શિખર ભલે ભુલકણો, બેદરકાર, મસ્તીખોર અને બિનજવાબદાર હતો, પણ સાથે સાથે એ દયાળુ પણ હતો.
એણે પેલાને ઇશારો કર્યો, ‘બેસી જા બાઇક પર.’ છોકરો બેસી ગયો. શિખરે બાઇક દોડાવી મૂકી. સારું એવું અંતર કાપ્યા પછી છોકરાએ હાથ વડે શિખરનો ખભો દબાવ્યો. ગળામાંથી વિચિત્ર અવાજ પણ કાઢ્યો. ગોલમાલ ફિલ્મના તુષાર કપૂરની જેમ, ‘એ...ઓ...આ...ઓ...’ કરીને બાઇકને ઊભી રખાવી દીધી.
‘આવી ગયું તારંુ ઘર? ચાલ, ઊતરી જા.’ શિખરે કહ્યું. છોકરો ઊતરી ગયો. શિખરની સામે બે હાથ જોડીને પાછો, ‘એ...ઓ...આ...ઈ...ઓ...’ કરવા માંડ્યો.
શિખરને એની ‘ભાષા’ તો સમજમાં ન આવી, પણ એના અવાજમાં રહેલો ભાવ સમજાઈ ગયો. એ કહેતો હતો, ‘ભગવાન તમારું ભલું કરશે. તમે મારા જેવા ગરીબ, બોબડા છોકરાને અડધી રાતે આવી મદદ કરી છે તો ઈશ્વર પણ તમને...’
શિખરને હસવું આવી ગયું. કહેવાનું મન થઈ આવ્યું, ‘બાપલા, તું જતો હોય તો જાને! તું શું બોલે છે એ માણસને નથી સમજાતું તો પછી ભગવાનને ક્યાંથી સમજાવાનું હતું? મને હવે જવા દે અહીંથી. મમ્મી માટે દવા લઈ જવાની હતી એ કામ તો થયું નહીં અને તું કહે છે કે ભગવાન મારું ભલું...’
ત્યાં જ શિખરની નજર છોકરાની પીઠ પાછળ વીસેક ફીટના અંતર પર આવેલી એક જગ્યા પર પડી. એનું મોં ખુલ્લું રહી ગયું. એક દુકાન હતી. ખુલ્લું શટર હતું. ફૂલોની સજાવટ હતી. નવું જ રંગાવેલું લાઇટવાળું બોર્ડ હતું. નામ વંચાતું હતું, શિવ મેડિકલ સ્ટોર. કૌંસમાં લખેલું હતું: (ચોવીસ કલાક ખુલ્લી રહેતી શહેરની એકમાત્ર દુકાન.)
શિખરને લાગ્યું કે એનું હૃદય છાતીનું પાંજરું તોડીને બહાર આવી જશે! એની ખુશીની હદ પાગલપણા સુધી જઈ પહોંચી. એ દુકાન પાસે પહોંચી ગયો. ત્યાં એક મિડલ એજનો પુરુષ ઊભો હતો. સાથે વીસેક વર્ષની છોકરી હતી. બાપ-દીકરી હોય એવું દેખાઈ આવતું હતું.
‘આ મેડિકલ સ્ટોર પહેલી વાર જોયો.’ શિખરે કહ્યું. ‘આજે જ ઉદ્્ઘાટન થયું છે. આમ તો એક જાતનો જુગાર જ ખેલ્યો છે. આપણા ખોબા જેવડા ટાઉનમાં ચોવીસ કલાક ખુલ્લી રહેતી દુકાનની જરૂર જ ન હોય. જુઓને, અત્યારે છેલ્લા બે કલાકથી એક પણ ગ્રાહક આવ્યો નથી. બાપ-દીકરી બગાસાં ખાતાં બેઠાં હતાં, ત્યાં તમે...’
શિખરે ખિસ્સામાંથી દવાની ચિઠ્ઠી કાઢીને એ પુરુષના હાથમાં મૂકી દીધી, ‘ભાઈ, હું પણ કંઈ મારી જાતથી દોરવાઈને નથી આવ્યો, મને તો કોઈક ખેંચી લાવ્યું છે.’
‘કોણ? તમને અહીં સુધી કોણ લઈ આવ્યું?’ પુરુષે ગોળીઓની સ્ટ્રીપ શિખરને આપતાં પૂછ્યું.
કોણ જાણે કેમ, શિખર જવાબ ન આપી શક્યો. એને શબ્દો જ ન સૂઝ્યા. ગળામાંથી માત્ર અવાજો નીકળ્યા, ‘એ...આ...ઓ...આ...’ દુકાનદાર સાંભળી રહ્યો અને જોઈ રહ્યો. શિખરના હાથનો ઇશારો ક્યારેક સામે આવેલી ઝૂંપડી તરફ થતો હતો, ક્યારેક ઉપર આસમાનની
દિશામાં.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP