Home » Rasdhar » ડૉ. શરદ ઠાકર
‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

હિસાબ-કિતાબ હમસે ન પૂછ અબ, એ જિંદગી... તુને સિતમ નહીં ગિને, તો હમને ભી ઝખ્મ નહીં ગિને

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

‘મ ને અને તમને આપણા માવતરોએ ભેગાં કર્યાં છે. એટલે જો આપણે લગ્ન કરીશું તો એ એરેન્જ્ડ મેરેજ જ ગણાશે. પણ તેમ છતાં હું તમને પૂછું છું-હું તમને પસંદ છું?’ ઓગણીસ વર્ષની અંગજાએ વીસમી સદીની મર્યાદા જાળવીને, એમાં એકવીસમી સદીની આઝાદી ભેળવીને સામે બેઠેલા યુવરાજને પૂછી લીધું. યુવરાજે તત્ક્ષણ જવાબ દીધો, ‘હા, તમે મને પસંદ છો. જો આપણને આપણા વડીલોએ ભેગાં ન કર્યાં હોત અને જો મેં તમને એ પહેલાં જ ક્યાંક જોઇ લીધાં હોત... તો...’ ‘તો? અટકી કેમ ગયા? વાક્ય પૂરું કરોને!’

સસરાનો ખોંખારો સંભળાય એટલે પુત્રવધૂએ બેઠકના ઓરડામાંથી અંદરના ખંડમાં ચાલ્યાં જવું પડે. સસરાજી ઘરમાં હાજર હોય તો અંગજા સૂરજનું અજવાળું ભાળી ન શકે

‘તો મેં તમારું અપહરણ કર્યું હોત!’ યુવરાજે એવી મુગ્ધ નજરથી અંગજા તરફ જોયું જેવી નજરથી ક્યારેક પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તાની સામે જોયું હશે. સાંભળીને અંગજા પ્રસન્ન થઇ ઊઠી. મુગ્ધ સવાલ કરી બેઠી, ‘ત્યારે તો આપણું લગ્ન ‘લવ મેરેજ’ જ ગણાશે ને?’
‘હા.’ યુવરાજે કહ્યું; પછી એણે પણ એક મુગ્ધ પ્રશ્ન પૂછી લીધો, ‘અંગજા, જીવનભર પ્રેમ નિભાવશો ને?’ ‘આ સવાલ તમારે મને નહીં, પણ મારે તમને પૂછવાનો હોય.’
‘કેમ?’
‘કેમ તે એટલા માટે કે સ્ત્રીઓ તો પૃથ્વીના આરંભકાળથી એકધારો, એકસરખો પ્રેમ કરતી અને નિભાવતી આવી છે. જે ફરી જાય તે માત્ર પુરુષ જ હોય છે.’
‘હું યુવરાજ છું. વિજયરાજનો દીકરો. બારસો વીઘા જમીનના માલિકનો એક માત્ર વારસદાર. વટ, વચન અને વેરને જાળવી શકું છું, તો મારા પ્રેમને નહીં ટકાવી શકું?’ યુવરાજની આંખ આટલું બોલતાંમાં તો લાલ ઘૂમ થઇ ગઇ. ચહેરા પર લોહી ધસી આવ્યું. દેહ પરનાં બાણું લાખ રૂંવાડાં ઊભાં થઇ ગયાં, ‘હું તમને વચન આપું છું કે જ્યાં સુધી જીવીશ ત્યાં લગી તમને જ જોઇશ. બીજી સ્ત્રી મારે મન મા-બહેન સમાન રહેશે.’
‘હું પણ તમને વચન આપું છું કે...’ અંગજા બોલવા ગઇ, પણ વાક્ય અધૂરું જ રહી ગયું.
યુવરાજે એને અટકાવી દીધી, ‘રહેવા દો! તમે જ તો હમણાં કહ્યું કે સ્ત્રીએ વચન આપવાની જરૂર ન હોય. સ્ત્રીઓ તો પૃથ્વીના આરંભકાળથી પ્રેમ કરતી અને નિભાવતી રહી છે.’ એ સાથે જ બંને હસી પડ્યાં.
બંને પ્રેમમાં પડી ગયાં. જ્ઞાતિ એક હતી, સમાજ એક હતો, પણ બંનેના પરિવારોની વિચારધારાઓ અલગ હતી. યુવરાજના પિતા વિજયરાજ કડક સ્વભાવના, પરંપરાના આગ્રહી, જુનવાણી સંસ્કારો ધરાવતા જમીનદાર હતા.
અંગજાના પપ્પા ગવર્નમેન્ટ ઓફિસર હતા. એક કરતાં વધારે શહેરોમાં રહેવાના કારણે એમની વિચારસરણી આધુનિક બની ગઇ હતી. દીકરી અંગજાને એમણે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે ઉછેરી હતી. અંગજા સ્વિમિંગ કોસ્યુમ પહેરીને ક્લબના સ્વિમિંગ પૂલમાં પણ જતી હતી અને શોર્ટ્સ-ટી શર્ટમાં ટેનિસ પણ રમી શકતી હતી. આધુનિક ફેશનનાં વસ્ત્રો પહેરવાં, બહેનપણીઓ સાથે ઘૂમવું, રેસ્ટોરામાં જવું, ફિલ્મો જોવી આ બધાની એને છૂટ આપવામાં આવી હતી.
એટલે તો સગાઇ પછી અને લગ્ન પહેલાંની મુલાકાતમાં એક વાર યુવરાજે એને હળવેકથી કહી દીધું હતું, ‘અંગજા, મારા બાપુ તદ્દન ઓર્થોડોક્સ છે. મને ડર છે કે તું અમારા ઘરમાં ગૂંગળામણ...’
‘એવો ભય રાખવાની જરૂર નથી. હું સ્ત્રી છું; મને દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થઇ જતાં આવડે છે.’
કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. એ વાતની પ્રતીતિ અંગજાને લગ્ન પછી તરત જ થઇ ગઇ.
‘વહુ, બેટા! આપણા ઘરમાં આવા પંજાબી ડ્રેસ પહેરવાની મનાઇ છે. ઘરમાં પણ સાડી જ પહેરવી પડશે. એ પણ ગુજરાતી ઢબે જ. અને હા, સાડીનો છેડો માથા પર ઓઢવાનું રાખો!’ વિજયરાજનો કડક અવાજ અફર આદેશ બનીને અંગજાના કાનમાં રેડાતો રહેતો.
વિજયરાજ બહાર ગયા હોય ત્યાંથી પાછા ઘરે આવે એ સાથે જ ડહેલીમાં પગ મૂકીને પહેલું કામ ખોંખારો ખાવાનું કરે. સસરાનો ખોંખારો સંભળાય એટલે પુત્રવધૂએ બેઠકના ઓરડામાંથી અંદરના ખંડમાં ચાલ્યાં જવું પડે. સસરાજી ચાર કલાક ઘરમાં હાજર હોય તો ચાર કલાક સુધી અંગજા સૂરજનું અજવાળું ભાળી ન શકે.
યુવરાજ જમવા માટે બેસે ત્યારે પીરસવાનું કામ યુવરાજની બહેન જ કરે. પત્નીથી પીરસી શકાય જ નહીં. જ્યાં સુધી સસરાજી હાજર હોય, પતિ-પત્ની એકબીજાની સાથે વાત પણ ન કરી શકે. ‘એવાં ટાયલાવેડાં આપણાં ઘરમાં નહીં ચાલે.’ સસરાજીનું વાક્ય એટલે આ ઘરનું ખાનગી બંધારણ!
અંગજાનો દિવસ જેલના કેદીના જેવો રહેતો હતો પણ રાત રાજરાણીની જેવી બની રહેતી હતી. દિવસે તો એ પતિની સામે આંખ ઊંચી કરીને જોઇ શકતી ન હતી, પણ રાત પડે એટલે એને શયનખંડ સુખ, પ્રેમ અને શંૃગારરસનું ત્રિવેણી ધામ બની જતું હતું.
યુવરાજને મોડે સુધી જાગવાની આદત હતી. બંને જણાં મોર અને ઢેલ બનીને મધરાતની મહોબ્બત માણી લેતાં હતાં.
‘અંગજા, તું ખુશ તો છો ને?’ યુવરાજ પત્નીને પ્રગાઢ આલિંગનમાં જકડીને ગણગણી લેતો હતો.
‘હા, હું ખૂબ જ ખુશ છું.’ અંગજાની આંખોમાં સચ્ચાઇ વાંચી શકાતી હતી.
‘હું જાણું છું કે બા અને બાપુનો સ્વભાવ સાવ જુનવાણી છે. દિવસે તારી ઉપર કેટલા બધાં નિયંત્રણો હોય છે. તારા પિયરમાં તું આઝાદ પંખીની જેમ મુક્ત ગગનમાં ઊડતી હતી; મારી સાથે પરણ્યા પછી તારી હાલત પીંજરામાં કેદ પંખીના જેવી...’
‘એવું ન બોલો; તમને મારા સમ છે. હું તમને પ્રેમ કરીને આ ઘરમાં આવી છું. તમારા ઘરના જે રીત-રિવાજ, રહેણી-કરણી અને પરંપરાઓ હોય તે મારે પાળવાનાં જ હોય. મને કદાચ થોડી-ઘણી તકલીફ પડતી હશે, પણ એ બધાનું સાટું તમે રાત્રે વાળી આપો છો. તમે એક રાતમાં મને જેટલો પ્રેમ આપો છો એના બદલામાં હું આખું જીવન ન્યોછાવર કરવા તૈયાર છું.’ અંગજા પતિની છાતીમાં માથું છુપાવી દેતી અને એ પછીનો સમય સુગંધિત બની જતો. બધું બરાબર ગોઠવાઇ ગયું હતું ત્યારે એક દુર્ઘટના બની ગઇ. યુવરાજ બાઇક પર ક્યાંક જઇ રહ્યો હતો, સ્પીડ વધારે હતી. વચ્ચે સ્પીડબ્રેકર આવ્યું તે એને દેખાયું નહીં. બાઇક ઊછળી, યુવરાજ પણ હવામાં ઊછળ્યો અને પછી રોડ ડિવાઇડર પર પછડાયો. કરોડરજ્જુના મણકા પર જોરદાર ઇજા થઇ. વિજયરાજ પાસે પૈસાની કમી ન હતી. એમણે પહેલાં ઓર્થોપેડિક સર્જનને અને પછી ન્યૂરોસર્જનને કહ્યું, ‘સાહેબ, તમારા બિલની ચિંતા ન કરશો. તમે દસ લાખ માગશો તો હું વીસ લાખ આપીશ. પણ મારા યુવરાજને પાછો હરતો-ફરતો કરી દો.’ બે વાર સ્પાઇન સર્જરી કરવામાં આવી. પણ સફળતા ન મળી. યુવરાજ હવે પથારીમાં ચત્તોપાટ પડ્યો રહેતો હતો. વિજયરાજ ચૂપચાપ બધું જોયા કરતા હતા. વહુ આખો દિવસ રસોડું સાચવે, પતિની શુશ્રૂષા કરે, ઝાડો-પેશાબ કરાવવાથી માંડીને બોડીને સ્પંજ કરવા સુધીની તમામ ફરજો જાતે બજાવે, ખબર પૂછવા માટે આવતા મહેમાનોની સરભરા કરે અને આ બધું સાડીમાં લપેટાઇને અને લાજનો ઘૂમટો કાઢીને કરતી રહે. રાત્રે એકાંતમાં યુવરાજ રડી પડે, ‘અંગજા, પ્રિયે! હું તો હવે ક્યારેય પથારીમાંથી ઊભો નહીં થાઉં. મારો દેહ ક્યારેય ચેતનવંતો નહીં થાય. પણ તું તારી જિંદગી બચાવી લે.’ ‘કેવી રીતે?’ અંગજા પૂછી લેતી. ‘તારા પિયરમાં ચાલી જા. બીજું લગ્ન કરી લે. મારા આ લાકડાના ઠૂંઠા જેવા શરીરને વળગી રહીશ તો તું પણ મારી જેમ...’ અંગજા યુવરાજના હોઠો પર પોતાની હથેળી દબાવી દેતી, ‘આ વાત ફરીથી ક્યારેય ન કરશો, યુવરાજ. મેં ફક્ત તમારી સાથે લગ્ન નથી કર્યાં, પણ મેં આ પૂરા પરિવારની સાથે લગ્ન કર્યાં છે. હું જતી રહીશ તો પછી બાપુનું કોણ? બાની હાલત કેવી થશે? બહેનબા તો પરણીને ચાલ્યાં જશે. તમારું ધ્યાન કોણ રાખશે?’ યુવરાજની રડતી આંખો થંભી જતી હતી. એ અંગજાની હથેળી ચૂમી લેતો અને કહેતો, ‘તું સ્ત્રી નથી, અંગજા, તું તો દેવી છે. સાક્ષાત્ મા ભવાનીનો અંશ છો. તારા જેવી સ્ત્રીઓના કારણે જ શબ્દકોશમાં પ્રેમ, કરુણા, વફાદારી અને સમર્પણ જેવા શબ્દો ટકેલા છે.’
બંધ શયનખંડની વાતો ધીમે ધીમે બારણાં વીંધીને બહાર પ્રસરવા માંડી. વિજયરાજ કંઇ મૂક-બધીર કે અંધ થોડા હતા? પૂરાં પાંચ-પાંચ વર્ષ સુધી અંગજાનું એકધારું તપ જોયા પછી એક દિવસ એમણે અંગજાને પોતાની પાસે બોલાવી. કહ્યું, ‘બેટા! ઘૂમટો કાઢી નાખો. આજથી તમે આ ઘરની વહુ નહીં પણ દીકરી છો. આપણા સમાજમાં સદીઓથી ચાલ્યા આવતા રીત-રિવાજો એક ચોક્કસ અર્થમાં યોગ્ય જ છે, પણ આજથી હું તમને એ બધામાંથી મુક્ત કરું છું. તમે લગ્ન પહેલાં પિયરમાં હતાં ત્યારે જેવાં કપડાં પહેરતાં હતાં, એવાં હવે પહેરી શકો છો. તમે બહેનપણીઓ સાથે હરવા-ફરવા જઇ શકો છો. રેસ્ટોરામાં કે થિયેટરમાં પણ જઇ શકો છો. મને તમારી વિવેકબુદ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ છે.’
‘બાપુ!!!’ અંગજાએ માથા પરથી ઘૂમટો હટાવ્યો અને એ રડી પડી. {

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP