Home » Rasdhar » ડૉ. શરદ ઠાકર
‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

કોઈની વેદના વાંચો, વેદ નહીં વાંચો તો ચાલશે

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
ડૉ.ચૈતન્ય પટેલનો ફોન જ્યારે પણ આવે ત્યારે અચાનક જ આવે, અણધાર્યો જ આવે અને આગોતરી જાણ કર્યા વગર જ એમની વાત આવે, ‘શરદ, તૈયાર થઈ જા. હું પાંચ મિનિટમાં તને લેવા માટે આવું છું. મારા ખેતરમાં જવાનું છે.’

હું કૂવા પર કપડાં ધોવા ગઈ હતી. ત્યાં કોઈકે કહ્યું કે ડૉક્ટર સાહેબ કપડાં આપવા આવ્યા છે. હું તો કપડાંનું તગારું કૂવા કાંઠે મૂકીને નીકળી પડી

હું સખળડખળ થઈ જાઉં. મારે ઘરમાંથી નીકળવાનું હોય તો ઓછામાં ઓછા ચારેક કલાકની નોટિસ જોઈએ. તૈયાર થવામાં જ પૂરા બે કલાક નીકળી જાય. ઘણી વાર હું મજાકમાં મિત્રોને કહેતો હોઉં છું કે જો મને અમેરિકાથી ફોન આવે કે ‘પહેરેલાં કપડે આવી જાવ, તમને અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લેવડાવવાના છે.’ તો પણ હું ના પાડી દઉં! (આ મજાક છે, એમાં અતિશયોક્તિ અલંકાર જ ચાલે!)
મારા બધા મિત્રો મારી વાતનો સ્વીકાર કરીને મને આગોતરી જાણ કરે છે, પણ ડૉ. ચૈતન્ય પટેલ આઝાદ ભારતના આઝાદ અને મનસ્વી નાગરિક છે. ઘણી વાર એ મને મારા બેડરૂમમાં ઘૂસીને બ્લેન્કેટ ખેંચીને ઉઠાડી ચૂક્યા છે, પણ એમના જેવો નિષ્પાપ અને સરળ મિત્ર મળવો એ ખરેખર મારું સદ્્નસીબ છે. અમારી દોસ્તી છેક વી.એસ. હોસ્પિટલમાં હતા ત્યારથી આરંભાઈ હતી. આજે ચાર દાયકા પૂરા થવા આવ્યા. ઓવર ધી યર્સ, મારા તમામ મિત્રો, સંબંધીઓ, પરિચિતો બદલાઈ ગયા છે, જો કોઈ એવું ને એવું રહ્યું હોય તો તે ડૉ. ચૈતન્ય પટેલ છે.
રવિવારનો દિવસ હતો એટલે ના પાડવાનું કોઈ કારણ ન હતું. હું ચંપલ પહેરીને એમની કારમાં બેસી ગયો. સાવ ધૂની માણસ! ડ્રાઇવર હતો તો પણ એને પાછળ બેસવાનું કહીને ગાડી જાતે ચલાવવા માંડ્યા. હું બાજુની સીટમાં હતો. અમારી મંજિલ શહેરની બહાર જવાના માર્ગ પર આવતું અેક ગામ હતું. ત્યાં એમણે જમીન લીધી છે.
અમે ખેતરમાં જ પહોંચ્યા, હર્યાફર્યા. ડૉ. પટેલની ભીતરમાં હજુ પણ જીવંત રહેલો ખેડૂત કામે ચડી ગયો. એ ખેતીકામ કરવામાં મગ્ન બની ગયા. પછી હાથ-પગ ધોઈને હું જ્યાં બેઠો હતો તે વૃક્ષની છાંયામાં ઢાળેલા ખાટલા પાસે આવી ગયા. નોકરને કહ્યું, ‘બે કપ સરસ કોફી બનાવ. લે, આ ચાવી. કારની અંદરથી દૂધની બે કોથળીઓ કાઢી લાવ. સાથે બ્રેડનું પેકેટ છે એ પણ.’
મેં આશ્ચર્યપૂર્વક પૂછ્યું, ‘આપણાં બે જણાની કોફી માટે દૂધના બે પાઉચની ક્યાં જરૂર છે? એક તો બહુ થઈ જશે.’
એ હસ્યા. ખેતરનો રખેવાળ પણ હસી પડ્યો. થોડી વાર પછી મને બે કોથળી દૂધનું અને બંને જણાના હાસ્યનું રહસ્ય સમજાઈ ગયું. રખેવાળે બે કપ કોફી અમને આપી અને એક મોટા વાડકામાં અડધો લીટર દૂધ ભરીને એમાં બ્રેડની અડધો ડઝન સ્લાઇસના ટુકડા પલાળીને એક કૂતરાની આગળ મૂકી દીધા. આ માણસ પૈસાની બાબતમાં આવો જ છે. પરસેવાનું પૂર પાડીને પૈસા કમાય છે અને ઉદાર હાથે રૂપિયા ખર્ચી જાણે છે. અમારી ચાર દાયકાની દોસ્તીમાં એમણે ક્યારેય મને ખિસ્સામાં હાથ નાખવા દીધો નથી. (જોકે, પટલાણીનો જીવ જરાક ટૂંકો ખરો!)
3-4 કલાક ખેતરમાં પસાર કરીને અમે પાછા કારમાં ગોઠવાયા. અમદાવાદ તરફ આવવા માટે નીકળી પડ્યા. રસ્તામાં એક જગ્યાએ કાર ઊભી રાખી. ડૉ. ચૈતન્યભાઈ બોલ્યા, ‘અહીંનાં ભજિયાં વખણાય છે.’ એમણે ઓર્ડર આપ્યો. ભજિયાં તળાય ત્યાં સુધી અમે બાજુમાં બેસીને વાતે વળગ્યા. ‘શરદ, આજકાલ નવું શું કર્યું? કંઈક સંભળાવ.’ એમણે પૂછ્યું.
અને મને એક અઠવાડિયા પહેલાંની ઘટના યાદ આવી ગઈ. મેં કહેવાનું શરૂ કર્યું, ‘ચૈતન્યભાઈ, ગયા અઠવાડિયે હું ધોલેરા પંથકના એક ગામડે ગયો હતો. મિત્ર અરુણ ત્રિવેદી સાથે હતા. એ વિસ્તારમાં અનેક વર્ષોથી હું સેવાકાર્યમાં જોડાયેલો રહ્યો છું. આ વખતે અમે બહેનો માટે, વિદ્યાર્થીઓ માટે, વૃદ્ધો માટે કપડાં, સાડીઓ અને બ્લેન્કેટ્સ લઈને ગયા હતા. એક પૂરી જીપ ભરાઈ જાય એટલી સામગ્રી હતી. 7-8 પોટલાંઓ તો જીપની ઉપરના કેરિયર પર મૂકવા પડ્યાં હતાં.’
ચૈતન્યભાઈને વાત સાંભળવામાં રસ હતો, મને કહેવામાં રસ હતો.
ગયાં વર્ષે મેં વસ્ત્રસેવાની ઝુંબેશ ઉપાડી હતી. મને પોતાને પણ કલ્પના ન હતી એવો જોરદાર પ્રતિસાદ મળ્યો. સુરેન્દ્રનગરથી લઈને દક્ષિણ ગુજરાતની ભૂમિ પરથી નવાંનક્કોર કપડાંઓનો મેહ વરસ્યો. અમદાવાદ ભલે વિશ્વનું સૌથી કંજૂસ શહેર ગણાતું હોય, પણ મારો અઢી દાયકાનો અનુભવ આ પ્રચલિત માન્યતાને સાવ ખોટી સાબિત કરે છે. અનાજ હોય, કપડાં, દવાઓ કે રોકડ માટેની પહેલ હોય, કુલ રાહત સામગ્રીમાંથી સિત્તેર પ્રતિશત હિસ્સો અમદાવાદની આ ગણતરીબાજ પ્રજા મને આપતી રહી છે.
એક સમય એવો આવ્યો કે મારું નર્સિંગહોમ આ પોટલાંઓથી ભરાઈ ગયું. મારી વ્યસ્તતા વચ્ચેથી હું સમય કાઢી શકતો ન હતો એ જ કારણ હતું. એક દિવસ મેં અરુણ ત્રિવેદીને ફોન કરી દીધો, ‘ભાઈ, હવે વધારે દિવસો કાઢી શકાય તેવું નથી. ગામડે જવું જ પડશે.’
અમે ઉપડ્યા. લગભગ બપોરના ચારેક વાગ્યે ભાણગઢ પહોંચ્યા. શાળાના આચાર્યશ્રીને અને ગામના સરપંચને અગાઉથી જાણ કરી દીધી હતી, એમણે જરૂરતમંદ લોકોને બોલાવી રાખ્યા હતા.
યુવાન બહેનો હતી, વૃદ્ધ સ્ત્રી-પુરુષોની કતાર અલગ હતી, છોકરીઓ અને છોકરાઓ પણ વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ બેઠાં હતાં. સૌથી પહેલાં અમે વૃદ્ધોને ધાબળાઓ વહેંચ્યા. પછી બહેનોને સાડીઓ આપી. છેલ્લે બાળકોને કપડાં આપ્યાં. એ ઉપરાંત અસંખ્ય ચીજો આચાર્યશ્રીને સોંપીને અમે જીપમાં બેઠા. જીપ ચાલુ થઈ એટલામાં દૂરથી અવાજ આવ્યો, ‘ઊભા રહો! એ સાહેબ, ઊભા રહો, હું સાડી લેવામાંથી રહી ગઈ.’
એક પાંત્રીસેકની દેખાતી સ્ત્રી હાંફળીફાંફળી અમારી દિશામાં દોડતી આવી રહી હતી. મેં અરુણભાઈને પૂછ્યું, ‘હવે એક પણ સાડી બચી છે આપણી પાસે?’
‘ના, સાહેબ.’ એમણે માહિતી આપી.
એટલી વારમાં તો પેલી સ્ત્રી અમારા સુધી પહોંચી ગઈ, ‘સાહેબ, હું કૂવા પર કપડાં ધોવા ગઈ હતી. ત્યાં કોઈકે કહ્યું કે ડૉક્ટર સાહેબ કપડાં આપવા આવ્યા છે. બધી બાઈયુંને સાડી આપી. હું તો કપડાંનું તગારું કૂવા કાંઠે મૂકીને નીકળી પડી.’, ‘માફ કરજે, બહેન. તું મોડી પડી. સાડીઓ ખલાસ થઈ ગઈ.’
‘આવું ન બોલો, સાહેબ. જીપમાં જુવો. એકાદી તો પડી જ હશે. મારી પાસે સાજી-આખી કે’વાય એવી એક પણ સાડી ઘરમાં નથી. થીગડાં મારેલી સાડી પહેરીને સારા પ્રસંગે જતાં શરમ આવે છે.
‘બહેન, મને માફ કરી દે. એક પણ સાડી બચી નથી.’ મેં નરમ અવાજમાં ક્ષમા યાચીને એને આશ્વાસન દીધું, ‘ફરીથી આવીશું ત્યારે સૌથી પહેલી સાડી તને આપીશું.’
એ સ્ત્રીને રડતી મૂકીને અમે નીકળી ગયાં, પણ મનમાં એક ખટકો રહી ગયો. આઝાદીનાં સિત્તેર વર્ષ પછી પણ આ દેશની ગ્રામ્યમાતા પાસે પહેરવા માટે એક સારી સાડી નથી? (સારી એટલે હજાર-બે હજાર રૂપિયાની નહીં, અમે આપી હતી તે માંડ દોઢસો-બસો રૂપિયાની એક હશે.)
હું દરેક સ્થિતિ માટે સરકારને દોષ આપતો નથી. સરકાર એની રીતે કામ કરે જ છે, પણ હું દોષ હંમેશાં આપણી સિસ્ટમને આપું છું. એવું તે શું થઈ રહ્યું છે કે આપણા ગરીબ લોકો પાસે માનપૂર્વક જિંદગી જીવવા માટેની પાયાની જરૂરિયાતોનો અભાવ છે?
દાયકાઓ પહેલાં રાજકોટમાં પધારેલા તત્કાલીન વડાપ્રધાન પં.નહેરુની ઉપસ્થિતિમાં મુશાયરાના મંચ પરથી ‘ઘાયલ’ સાહેબે લલકાર્યું હતું, ‘મેલુંઘેલું મકાન તો આપો, ધૂળ જેવુંય ધાન તો આપો, સાવ જૂઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો.’ એના અંતિમ ચરણમાં શાયર કહે છે, ‘માઈના પૂત માનવીને પ્રથમ, માનવીનો મિજાજ તો આપો.’
બસ, મારી વેદનાનું મૂળ કારણ આ હતું. વાત પૂરી કરીને મેં મિત્ર ડૉ. ચૈતન્ય પટેલને કહ્યું, ‘ભાઈ, આવું કેમ થાય છે આ દેશમાં? મારી આંખો સામેથી એ ગરીબ સ્ત્રીનો આજીજીભર્યો ચહેરો હટતો જ નથી. એક માણસ જેવો માણસ બીજા એવા જ માનવી આગળ યાચનાભર્યો હાથ લંબાવે એ વાત જ કેટલી દુ:ખદાયક છે! એ માનવીના મિજાજનું શું?’
ડૉ. ચૈતન્ય પટેલ તે સમયે તો કંઈ બોલ્યા નહીં. ખવાઈ ચૂકેલાં ભજિયાંનું બિલ ચૂકવીને ગાડીમાં બેસી ગયા. ફરી પાછા અમદાવાદ તરફ.
એક જગ્યાએ એમણે ગાડી ઊભી રાખી દીધી. મને કહ્યું, ‘બારીમાંથી બહાર નજર ફેંક. તારી સાઇડમાં કંઈ દેખાય છે?’
મેં જોયું. રોડથી થોડાક ફીટ દૂર એક નાની શી દેરી જોવા મળી. વિશાળ વૃક્ષની નીચે કોઈએ ગેરકાયદેસર ચણી દીધી હોય એવી દેરી હતી. (કાયદેસર પણ હોઈ શકે.) વાંધો દેરીનો નથી, પણ એની સાથે જોડાયેલી અંધશ્રદ્ધાનો છે. હું પોતે પરમ શ્રદ્ધાળુ માણસ છું, પણ જે દૃશ્ય જોવા મળ્યું એનો સંબંધ શ્રદ્ધા સાથે નહીં, પણ અંધશ્રદ્ધા સાથે હશે.
ડૉ. ચૈતન્ય પટેલે માહિતી આપી. ‘આ દેરી વિશે આજુબાજુનાં ગામડાંઓમાં એવી માન્યતા છે કે અહીં દર્શન કરીને જો સાડી અર્પણ કરવાની માનતા માનો તો અવશ્ય તમારું કામ થઈ જ જાય. લોકોનાં કામ થઈ જાય છે, એટલે અહીં આવીને બધા સાડીઓ અર્પણ કરી જાય છે.’
વૃક્ષની ડાળીએ ડાળીએ વિવિધ રંગની સાડીઓ બાંધેલી હતી. હું સાત રંગોના પ્રવાહને પવનમાં લહેરાતા જોઈ રહ્યો. મનમાં વિચારી રહ્યો, ‘આમાંથી થોડીક સાડીઓ પેલા ગામડાની ઉઘાડી સ્ત્રીને... માનતા જ એવી બની જાય કે મારું ફલાણું કામ થઈ જશે તો હું એક સાડી કોઈ ગરીબ સ્ત્રીનો દેહ ઢાંકવા માટે આપીશ. જો આવું થઈ જાય તો...?’ એક હળવા આંચકા સાથે ડૉ. ચૈતન્યભાઈએ ગાડી ચાલુ કરી લીધી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP