રણમાં ખીલ્યું ગુલાબ / તેરે દામન સે જો આયે ઉન હવાઓં કો સલામ ચૂમ લૂઁ મૈં ઉસ જુબાઁ કો જિસપે આયે તેરા નામ

article by dr. sarad thaker

ડૉ. શરદ ઠાકર

Jan 20, 2019, 12:05 AM IST

15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. આ બે આપણા રાષ્ટ્રીય તહેવારો, પણ ગુંજેલા અને ગાજેલા મુઠ્ઠીભર નેતાઓની આભામાં દબાઈ ગયેલા અથવા દબાવી દેવામાં આવેલા અગણિત ક્રાંતિવીરોનાં નામો યાદ આવી જાય છે. શાહરુખ ખાન અને સલમાન ખાનની હથોડાછાપ ફિલ્મોના ઘેનમાં મદહોશ બનીને ડૂબી ગયેલી આજની નવી પેઢીને આવા જ એક ક્રાંતિવીરનો પરિચય આજે કરાવવો છે.


મા ભારતીના ભાલ ઉપર આઝાદીનું જે લાલ તિલક શોભી રહ્યું છે તેમાં થોડોક ફાળો આ ક્રાંતિવીરના લાલચટક રક્તનો પણ છે. એનું નામ સરદારસિંહ રાણા.
સુરેન્દ્રનગર જિલ્લા ચુડા પંથકના કંથારિયા ગામના ઠાકોર રવાજીભાઈ રાણા અને ફુલજીબાના ઘરમાં 1870ની દસમી એપ્રિલે સરદારસિંહનો જન્મ થયો ત્યારે કોને ખબર હતી કે આ બાળક મોટું થઈને આખા યુરોપને ખળભળાવી મૂકે એવાં પરાક્રમો કરશે, લંડન ખાતે ઇન્ડિયા હાઉસની સ્થાપનામાં સિંહફાળો નોંધાવશે અને જાણીતા સ્ટુટગાર્ડમાં પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવશે?

  • દેશ આઝાદ થયા પછી પંડિત નેહરુએ રાણાજીને પત્ર લખ્યો, ‘તમારું સપનું સાકાર થયું છે. આઝાદીના સમારંભમાં આપને પધારવાનું હું આમંત્રણ આપું છું.’

પ્રારંભિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં જ પૂર્ણ કરીને રાણાજીએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને પૂણેની ફર્ગ્યુસન કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, 1898માં, પણ પછી શું? યુવાન રાણાજીના મનમાં ભવિષ્યનાં સોનેરી સપનાં સળવળતાં હતાં. પિતાજીને તો કંઈ કહી શકાય તેવું હતું નહીં. એમણે પોતાના કઝિન તરફ નજર દોડાવી. લાઠીના યુવાન રાજવી કવિ કલાપી એમના સગા મસિયાઈ ભાઈ થતા હતા. એમને વાત કરી, ‘સૂરસિંહ, મારે વિલાયત ભણવા જવું છે. બેરિસ્ટર બનવું છે. મને માત્ર ટિકિટની જોગવાઈ કરી આપો, ત્યાં ગયા પછી હું મારું ફોડી લઈશ.’ લાઠી નાનકડું રજવાડું હતું. કલાપીએ લીમડીના ઠાકોર અને જસદણના કાઠી દરબાર વાજસુર વાળાની મદદથી આર્થિક વ્યવસ્થા કરી આપી. રાણાજી લંડન જઈ પહોંચ્યા.


બે વર્ષની સખત મહેનત પછી રાણાજીએ બેરિસ્ટરની ઉપાધિ મેળવી લીધી. આ બે વર્ષ દરમિયાન તેમણે તેમનો તમામ ખર્ચ જાતે રળી લીધો. એ જમાનામાં ગુજરાતના હીરા ઝવેરાતના વેપારીઓ લંડન અને પેરિસમાં હીરા વેચવા જતા હતા, પણ એમને ભાષાનો પ્રશ્ન નડતો હતો. રાણાજીએ એમનો સંપર્ક કર્યો. પૂછ્યું, ‘તમારે દુભાષિયાની જરૂર હોય તો હું તૈયાર છું.’ વેપારીઓ ઊછળી પડ્યા, ‘તમને અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતા આવડે છે?’


‘હા, અંગ્રેજોને આંજી દે તેવું અંગ્રેજી બોલી શકું છું અને ફ્રેન્ચમેન ફફડી ઊઠે તેવું ફ્રેન્ચ બોલી શકું છું અને તમારી સામે તળપદી કાઠિયાવાડી પણ ફાડી જાણું છું.’ ખર્ચનો પ્રશ્ન હલ થઈ ગયો.


આ અરસામાં ભારતની લોહિયાળ ક્રાંતિનો ઇતિહાસ ઘડાઈ રહ્યો હતો. આ જ અરસામાં ગરજતા સિંહ જેવા સરદારસિંહ રાણાનો ભેટો કચ્છી માડુ શ્યામજી કૃષ્ણ વર્મા અને પારસી વિદૂષી મહિલા મેડમ કામા સાથે થયો. લંડનના ઐતિહાસિક ઇન્ડિયા હાઉસની સ્થાપના થઈ ગઈ. સરદારસિંહ રાણા પાસે હવે પૈસાનો પ્રવાહ પૂર વેગે થવા લાગ્યો હતો. તેમણે સ્કોલરશિપની યોજના શરૂ કરી.

ભારતથી આવેલા તેજસ્વી તારલાઓનું તેજ પારખીને પસંદ કરવા માંડ્યા. તે જમાનામાં વાર્ષિક બે હજાર રૂપિયાની એક સ્કોલરશિપ, આવી ત્રણ-ત્રણ સ્કોલરશિપ દર વર્ષે આપવાનું શરૂ કર્યું. વર્ષો સુધી આ સ્કોલરશિપનો લાભ મેળવીને અનેક ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટનમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરી આવ્યા. અમદાવાદના વિનોદિની નીલકંઠ એમાંના એક. પંડિત નેહરુના પ્રિય ક્રિષ્ણા મેનનની બહેન પણ આવી જ એક લાભાર્થી હતી. પછી એક દિવસ એક મરાઠી તેજતર્રાર યુવાન ઇન્ડિયા હાઉસમાં આવી પહોંચ્યો. એના હાથમાં પૂણેના ગણિતના પ્રાધ્યાપક લોકમાન્ય ટિળકનો ભલામણપત્ર હતો. ટિળક લખતા હતા, ‘આ છોકરાને તમારા હાથમાં સોંપું છું. જતનથી સાચવજો. અગ્નિનો તણખો છે, એમાંથી આગનો ભડકો તમારે બનાવવાનો છે. એને સ્કોલરશિપ આપજો. નામ છે વિનાયક દામોદર સાવરકર.’


ઇન્ડિયા હાઉસના બેઝમેન્ટમાં અભિનવ ભારતની ગુપ્ત સભાઓ ભરાવા માંડી. એક એકનું નામ સાંભળતાં આપણાં માથાં ઝૂકી જાય એવા માથાફરેલ મરજીવાઓ તેમાં હાજર રહેતા હતા. શ્યામજી, સરદારસિંહ રાણા, મેડમ કામા, સેનાપતિ બાપટ, ઐયર, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (સરોજિની નાયડુના ભાઈ), મદનલાલ ઢીંગરા અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ વીર સાવરકરજી. સાવરકરજી યુવાન હતા, પણ આ મરજીવાઓના મંદિર ઉપરનો સૌનેરી કળશ હતા.


સરદારસિંહ રાણા આ ગતિવિધિઓનો અતૂટ હિસ્સો હતા. સાવરકરજીએ મદનલાલને આદેશ આપ્યો, ‘ભારતના હાડોહાડ વિરોધી અને લંડનના અગ્રણી નેતા કર્ઝન વાયલીને ઠાર મારવાનો છે. આ કામ તને સોંપું છું. જો સફળ થાય તો ફાંસીના માંચડે ઝૂલી જજે અને જો નિષ્ફળ થાય તો મને મોં બતાવવા પાછો આવીશ નહીં. આ અફાટ દુનિયામાં મનફાવે ત્યાં ખોવાઈ જજે.’


મદનલાલે હસતા મુખે પડકાર ઝીલી લીધો. ‘ગુરુજી, હું ઝૂલી જઈશ, પણ મને આપવા માટે રિવોલ્વર ક્યાં છે.’
આ ઐતિહાસિક હત્યા માટે જરૂરી રિવોલ્વર લાવી આપનાર સરદારસિંહ રાણા હતા. કર્ઝન વાયલી ઠાર મરાયો, મદનલાલ ઢીંગરા ફાંસીએ ચડી ગયો અને વીર સાવરકર થોડા સમય બાદ પકડાઈ ગયા. સરદારસિંહ રાણા અલોપ થઈ ગયા અને પછી ફ્રાન્સના પેરિસમાં પ્રગટ્યા. અંગ્રેજો હાથ ઘસતા રહી ગયા.


પેરિસમાં એમનો ઝવેરાતનો ધંધો ખૂબ ફૂલ્યોફાલ્યો. ખીજવાયેલી અંગ્રેજ સરકારે રાણાજીને ભારતમાંથી દેશનિકાલ કર્યા. કંથારિયા ખાતેની તેમની જમીન જપ્ત કરી લીધી. કંથારિયામાં માતા-પિતા ઉપરાંત એમનાં ધર્મપત્ની સોનબા અને બે કુંવરો ભારે આર્થિક ભીંસમાં આવી ગયાં.
1907માં ફરી એક ઐતિહાસિક ઘટના બની. જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં વિશ્વના તમામ દેશોના પ્રતિનિધિઓની એક પરિષદ યોજાઈ હતી. ગમે તે રીતે મેડમ કામા અને સરદારસિંહ રાણા તેમાં પ્રવેશી ગયાં. તેઓની સાથે છુપાવીને રાખેલો તિરંગો ધ્વજ પણ હતો. કાર્યવાહી ચાલુ હતી ત્યારે બંને સાથીદારોએ ભારતનો એ પ્રથમ તિરંગો ધ્વજ લહેરાવ્યો અને જગત આખાને ચોંકાવી દીધું. ડંકાની ચોટ પર જાહેર કર્યું, ‘અમે ભારતવાસીઓ, બ્રિટિશ હકૂમતથી જરા પણ રાજી નથી. ભારત આઝાદી ઝંખે છે.’ (ભારતનો આ પ્રથમ રાષ્ટ્રધ્વજ રાણાજીના ચોથી પેઢીના વારસદાર રાજેન્દ્રસિંહ રાણાના ઘરમાં મોજૂદ છે.)


ભારતમાં બોમ્બ અને પિસ્તોલનો યુગ શરૂ કરનાર જે ત્રણ ક્રાંતિકારીઓ હતા એ ત્રણેય ગુજરાતીઓ હતા. ગુજરાત માત્ર ગાંધીજીનું નથી, પણ શ્યામજી, સરદારસિંહજી અને મેડમ કામાનું પણ છે. આ ધરતી પર રેંટિયા અને તકલીના ગુંજારવની સાથે સાથે બોમ્બ ધડાકા અને પિસ્તોલના ભડાકા ગાજ્યા હતા.


દેશનિકાલની સજા પામ્યા પછી રાણાજીએ પત્નીને મળવાની આશા છોડી દીધી. એક જર્મન સ્ત્રી મેડમ રેસી સાથે લગ્ન કરી લીધાં. આ સંસ્કારી સ્ત્રીએ પતિના દાઝેલા હૈયા પર ઠંડકભર્યો મલમ લગાવી આપ્યો. 1932માં આ પત્નીનું મૃત્યુ થયું. કાળક્રમે પ્રથમ પત્ની સોનબા પણ દેવલોક પામ્યાં. પતિ-પત્નીનો મેળાપ ક્યારેય ન થયો. વીર સાવરકરે માર્સેલ્સના દરિયામાં જે ઐતિહાસિક ભૂસકો માર્યો ત્યારે તેમને ભગાડી જવા માટે સરદારસિંહ રાણા અને મેડમ કામા દોડતી કારમાં પહોંચી ગયાં હતાં. એ સહેજ મોડાં પડ્યાં એટલે વીર સાવરકર ફરીથી પકડાઈ ગયા, નહીંતર આ ત્રિપુટીએ ભારતની આઝાદી ત્રણ-ચાર દાયકા વહેલા જ અપાવી દીધી હોત.


રાણાજીને પંડિત નેહરુ અને કવિવર ટાગોર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. શાંતિનિકેતનની રચનાના પાયામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું.


1947માં દેશ આઝાદ થયો. પંડિત નેહરુએ રાણાજીને પત્ર લખ્યો. ‘તમારું સપનું સાકાર થયું છે. આઝાદીના સમારંભમાં આપને પધારવાનું હું આમંત્રણ આપું છું.’ રાણાજીએ મજાક કરી, ‘હું તો દેશનિકાલ થયેલો અપરાધી છું.’ પંડિત નેહરુએ ખાસ વિમાનમાં બેસાડીને રાણાજીને ભારતમાં આવકાર્યા. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી આવી ત્યારે પ્રથમ લોકસભામાં 60થી વધારે સાંસદો એવા હતા, જે સરદારસિંહ રાણાની સ્કોલરશિપ મેળવીને આગળ આવ્યા હતા. ભારતમાતાના આ તેજસ્વી સપૂતે 25 મે, 1954ના દિવસે પોતાની વહાલી ધરતીની ગોદમાં અંતિમ શ્વાસ છોડ્યા.
(શીર્ષક પંક્તિ: પ્રેમ ધવન)
[email protected]

X
article by dr. sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી