અંદાઝે બયાં / ઇલેક્શનની મોસમમાં ઊતરી આવે છે: કલમબાજ કે રોટીબાજ!

article by sanajay chhel

સંજય છેલ

Jan 30, 2019, 07:50 PM IST

ટાઇટલ્સ
કલમ ભલે તલવાર કરતાં વધુ શક્તિશાળી કહેવાતી હોય, પણ ડિક્શનરીને ઢાલ બનાવીને તમે લડી ન શકો! (છેલવાણી)


એક રાજાને વાર્તાઓ સાંભળવાનો બડો શોખ. એકવાર એણે એલાન કર્યું કે જે કથાકાર એવી વારતા સંભળાવે કે જેમાં કદી અંત જ ન આવે એનાં લગન રાજકુમારી સાથે કરવામાં આવશે અને અડધું રાજ પણ આપવામાં આવશે, પણ જો વારતાનો અંત આવે તો કથાકારનું માથું ધડથી અલગ! રાજકુમારી અને સત્તાની લાલચે અનેક લેખકો કે કલાકારોએ હિંમત કરીને તરહતરહની વારતાઓ કહી જોઈ, પણ એક પછી એક બધાનાં માથાં કપાતાં ગયાં! રાજ્યમાં કલાકારો–કથાકારો મૂંઝાયા કે આમ ને આમ ચાલશે તો લેખકો ખતમ થઈ જશે અને જો લેખકો ખતમ થઈ જશે તો રાજાની ચમચાગીરી કોણ કરશે?


સૌએ એક પ્લાન વિચાર્યો. બાજુના રાજ્યમાંથી મોટા લેખકને બોલાવવામાં આવ્યો, એ માની પણ ગયો! રાજાએ કથાકારને ચેતવ્યો કે જોજે કથાનો અંત આવશે તો તારી જિંદગીનો પણ અંત! પેલા કથાકારે કહ્યું, ‘વાંધો નહીં, મને ચેલેન્જ મંજૂર છે!’

  • સજા ભોગવીને દોસ્તોયેવેસ્કી ત્યાગ, વૈરાગ્ય અને પ્રેમ જેવા શાકાહારી વિષયો પર લખનાર સરકારી લહિયો બની ગયો

અને કથા કહેવી શરૂ કરી, ‘એક રાજ્ય બહુ જ સમૃદ્ધ હતું, કારણ કે એના રાજા બહુ જ પરાક્રમી, બુદ્ધિશાળી અને મહેનતુ હતા. રાજ્યમાં કદીયે દુકાળ પડતો જ નહીં, કારણ કે રાજા બહુ પુણ્યશાળી હતો. ધીમે ધીમે એ રાજ્યમાં એટલું બધું ધાન્ય જમા થઈ ગયું કે પ્રજાને હવે ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર જ નહોતી. બધાંનાં સુંદર ઘરો, બે ટંક આરામથી ભરપેટ ખાવાનું અને માણસો તો ઠીક, પણ પશુ-પંખી પણ લહેરથી જીવતાં હતાં, કારણ કે રાજાના પ્રતાપે રાજ્યમાં કદી ન ખૂટે એવો અન્નભંડાર હતો.’
આટલી વારતા સાંભળીને રાજાએ કથાકારને પૂછ્યું, ‘પણ આગળ શું થયું? દુશ્મનોએ આક્રમણ કર્યું?’


કથાકારે હસીને કહ્યું, ‘ના ના મહારાજ. એક દિવસ એ રાજ્યમાં એક ચકલીઓનું ઝુંડ આવ્યું. એ ચકલીઓ રોજ સવારે ઊડીને અન્નના કોઠારમાં આવે અને એક દાણો ચાંચમાં લઈને ફૂર્રરર દઈને ઊડી જાય. પછી સાંજે ફરીથી અન્નના કોઠારમાં આવે અને ફરી એક દાણો ચાંચમાં લઈને ફૂર્રરર દઈને ઊડી જાય. પછી બીજે દિવસે આવે અને ફરી દાણો લઈને ફૂર્રરર દઈને ઊડી જાય. પછી ત્રીજે દિવસે…’


કંટાળેલા રાજાએ કથાકારને રોકીને પૂછ્યું, ‘પણ આગળ શું થયું?’ કથાકારે કહ્યું, ‘બસ, આમ વરસો સુધી ચાલતું જ રહ્યંુ. અરે! હજીયે ચાલે છે. બિલકુલ તમારા આ રાજ્યની જેમ જ! ત્યાં અન્નના કોઠારમાં કદીયે ન ખૂટે એટલું ધાન છે. ચકલી આવે છે, દાણો લે છે અને ફૂર્રરર દઈને ઊડી જાય છે, કારણ કે રાજા મહાન છે. રાજ્યમાં સુખ અનંત છે. ચકલીઓનું ફૂર્રરરર અનંત છે!’ રાજાએ હાર માનવી પડી અને રાજકુમારી સાથે કથાકારને પરણાવ્યો, અડધા રાજ્યમાં ભાગ પણ આપ્યો!


આ વાર્તા અત્યારે એટલે યાદ આવે છે કે દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને અનેક ચાટુકાર લેખકો, પેકેજ લેતા પત્રકારો, વેંચાયેલા કલાકારો કે ખુલ્લાખલ્લા ચાપલૂસી કરવા માર્કેટમાં બહાર આવી ગયા છે. એ લોકો હવે 4-5 મહિના સુધી અચાનક પોલિટિક્સમાં ખૂબ જ રસ લેશે. એ લોકોએ પોતાનાં લખાણોમાં સરકારની ચમાચાગીરી ઓલરેડી શરૂ કરી દીધી છે. ‘દેશમાં અમુક નેતાનો તો કોઈ વિકલ્પ જ નથી’ જેવા દાવાઓ હવે થવા માંડશે.

સરકાર વિરુદ્ધ બોલનારને ચૂપ કરવા માટે એની ગંદી મજાકો થશે, વિરોધીઓનાં નામ સાથે ચેડાં કરીને ભદ્દી કોમેન્ટો લખાશે, બીભત્સ ફોટા સાથે જુઠાણાંઓ પીરસાશે. ફેવરિટ નેતાઓ માટે શાતિર ‘મેકીઆવેલી’ થી લઈને ‘ ચાણક્ય’ સુધીની ઉપમાઓની છૂટથી લહાણીઓ થવા લાગશે. સરકાર તરફી લોકોનું ટોળું એક વિરાટ માનવ આકાર લઈ લેશે અને એ ટોળું આક્રમક ગોડઝિલા જેવા પશુની જેમ વિરોધીઓના અવાજને કચડવા લાગશે!


ઇન્ટરવલ
મૈં સોચ રહા હૂં ક્યા ઉનકી કલમ ન ગાયેગી,
જબ ઝોંપડિયોં મેં આગ લગાઈ જાયેગી?
(કવિ નીરજ)


અહીંયાં વાત કોઈ એક વ્યક્તિના, કોઈ એક પક્ષ કે નેતાના વિરોધ કે સમર્થનની નથી, પણ ચૂંટણી દરમ્યાન ભણેલા-ગણેલા લોકોમાં પણ રાતોરાત જે શિકારી વૃત્તિ જન્મે છે એની છે! સીધો સંસ્કારી માણસ પણ હુલ્લડમાં કેવો ઉશ્કેરાઈને પથ્થર ઉપાડી લે છે, એવી મોબ સાઇકોલોજી માટે નવાઈ લાગે છે, પણ બહુ વિચાર્યું ત્યારે સમજાયું કે કોનમેન હોય કે લેખક-બુદ્ધિજીવી–કલાકાર હોય, પણ આખરે તો સૌ ‘સર્વાઇવર’ જ હોય છે.

‘સર્વાઇવર’ એટલે એ પ્રાણી જે પોતાના ‘સર્વાઇવલ’ કે જીવવા માટે કોઈપણ હદે જઈ શકે એ. તો થયું કે આ ‘સર્વાઇવર’ શબ્દનો ગુજરાતી કે હિન્દુસ્તાની અર્થ શું? તો નવો જ શબ્દ સૂઝી આવ્યો, ‘રોટીબાજ’! સત્તા સામે આંખ આડા કાન કરીને ચતુરાઈથી પ્રવાહ સાથે ચાલનાર, થોડી ઘણી નાની-મોટી ટીકા કરીને સત્તા સામે સમરસોલ્ટ મારનારીને સજદામાં પડનારા રોટીબાજો દરેક યુગમાં જન્મે છે. કાલીદાસ કે શેક્સપિયર પણ રાજ્યાશ્રય પર જીવતા હતા અને મિર્ઝા ગાલિબે પણ અંગ્રેજોની ગુલામી સ્વીકારેલી! દરેક શાણા રાજાને ખબર છે કે દુશ્મનના દેશને જીતવા કરતાં પ્રજાનાં દિલને જીતવું અઘરું છે એ માટે આવા સરકારી કલાકારો કામ આવે છે!


એઝરા પાઉન્ડ જેવા વિદ્વાન કવિ-સાહિત્યકારે ખુલ્લેઆમ મુસોલિની જેવા ક્રૂર ફાસીસ્ટ શાસકને સાથ આપેલો. પ્રજા પર કંટ્રોલ કઈ રીતે કરવો એ વિશે લખીને ઓફિસમાં મુસોલિનીને મળવા જતો. ક્યારેક પોતાની કવિતાઓ પણ હોંશેહોંશે વંચાવતો. મુસોલિનીએ એકવાર કહ્યું, ‘તમે બહુ રમૂજી લખો છો!’ અને એઝરા પાઉન્ડ જેવો મહાન કવિ આવી કોમેન્ટને વખાણ ગણીને હરખાયેલો. વરસો બાદ મુસોલિની યુદ્ધ હાર્યો અને ગોળી મારવામાં આવી અને એઝરા પાઉન્ડની પણ રાષ્ટ્રદ્રોહ માટે ધરપકડ કરવામાં આવી. એને પાગલ કરાર કરીને વરસો સુધી જેલમાં નાખવામાં આવ્યો.1950માં ઇટલી છોડતી વખતે પણ એણે મુસોલિનીની અદામાં સલામ કરીને ફોટો પડાવેલો!


સત્તાને અને સરમુખત્યારોને જળોની જેમ વળગીને ખુશ રહેનારા બધા જ યુગમાં, બધી જ સાઇઝમાં અવેલેબલ હોય છે. રશિયામાં સેન્ટ પિટરબર્ગમાં એકસાથે 25 લોકોને ફાંસી આપવાની તૈયારી થઈ ચૂકેલી અને મહાન રશિયન લેખક દોસ્તોયેવેસ્કી પણ હતો. દોસ્તોયેવેસ્કીનો અપરાધ એટલો જ કે એમણે સ્ત્રી સમાનતા, સમાજવાદ, ઉદાર વિચારો અને વાણીસ્વાતંત્ર્ય પર એમણે લખી બોલીને ચળવળ ચલાવેલી. ખુલ્લા મેદાનમાં એક પછી એક સૌને ગોળીએ દેવામાં આવ્યા. આ જોઈને દોસ્તોયેવેસ્કી જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે કમાન્ડરે કહ્યું, ‘તમને ગોળીથી નહીં ઉડાવાય, પણ એને બદલે ચાર વર્ષનો સાઇબીરિયામાં જેલવાસ થશે અને તમારે 6 વરસ રશિયન આર્મીમાં નોકરી કરવી પડશે. રાજા ઝારે તમારા પર ખાસ દયા કરી છે!’


પણ 10 વરસની આ સજા ભોગવીને દોસ્તોયેવેસ્કી જ્યારે પોતાના શહેર સેન્ટ પીટર્સબર્ગમાં પાછો ફર્યો ત્યારે એ સાવ બદલાઈ ગયેલો. ઉદારમતવાદી વલણ કે ઘાતકી રાજા ઝારનો વિરોધ કરવો, એ બધું જ એ ભૂલી ગયેલો! હવે એ ત્યાગ, વૈરાગ્ય અને પ્રેમ જેવા શાકાહારી વિષયો પર લખનાર સરકારી લહિયો બની ગયો. જો દોસ્તોયેવેસ્કી જેવાની સત્તા સામે આવી હાલત થતી હોય તો આપણા લોકલ મસ્કા-લાવસ્કી ઉર્ફ બટરબાજ, રોટીબાજનો શું વાંક?


એન્ડ ટાઇટલ્સ
ઇવ : ડોક્ટરો ઓપરેશન વખતે ચહેરા પર માસ્ક કેમ પહેરે છે?
આદમ : ઓપરેશનમાં કંઈ ભૂલચૂલ થઈ જાય તો કોઈ ઓળખી ન શકે ને! {
[email protected]

X
article by sanajay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી