Home » Rasdhar » રઘુવીર ચૌધરી
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

‘રેવા’ ફિલ્મ અને મૂળકથા ‘તત્ત્વમસિ’

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

‘રે વા’ ચલચિત્ર જોઇને આનંદ થયો, આશા પણ બંધાઇ કે નવી પેઢીના નિર્માતાઓ, દિગ્દર્શકો, કલાકારો પોતાની માતૃભાષાની મૂડીને સર્વ સુલભ કરવા સજ્જ થયા છે. છબીકલા, અભિનય, સંગીત વિશે લખવાનો અવકાશ નથી પણ નવલકથા અને ચલચિત્રમાં થયેલા એના વિનિયોગ વિશે અછડતી વાત થઇ શકે.
ધ્રુવ ભટ્ટનો ગીતસંગ્રહ ‘ગાય એનાં ગીત’ પ્રગટ થયેલો છે. તમારે આ ગીત ગાવાં હોય તો ગાઓ. ધ્રુવ ભટ્ટ માલિકી હક સૂચવતા નથી. પોતે ઉત્તમ ગીતકાર છે, વાદ્યોની મદદ વિના લય-તાલ સાથે ગાઇ શકે છે.

ચલચિત્રનો નાયક નર્મદા વિસ્તારના આશ્રમે આવ્યો છે. એના દાદાનું અવસાન થયું છે. ધનાઢ્ય હતા. એમણે તૈયાર કરેલા વીલમાં કર્ણને કશું આપ્યું નથી

પહેલી નવલકથા ‘સમુદ્રાન્તિકે’ સમુદ્રની નજીકથી ચાલવાનો અનુભવ રજૂ કરે છે. ‘સમુદ્રાન્તિકે’ની રચનારીતિ સરળ છે. જ્યારે ‘તત્ત્વમસિ’ વિવિધ સ્તરે ચાલે છે. પત્રો છે, ડાયરી છે, વર્ણનો છે. ચલચિત્ર એ સંકુલતા વ્યક્ત કરવાને બદલે સીધી દિશાની ઝડપી ગતિ પસંદ કરે. સંઘર્ષનું તત્ત્વ તારવે કે ઉમેરે, ‘રેવા’ના પટકથા લેખક અને મુખ્ય અભિનેતાએ સંઘર્ષનું તત્ત્વ ઉમેર્યું છે. એ ગીતકાર પણ છે.
‘તત્ત્વમસિ’ના મુખ્ય પાત્રનું નામ લેખકે પાડ્યું નથી. ચલચિત્રમાં એને કર્ણ કહ્યો છે. નવલકથાકારે પશ્ચિમના બે પાત્રની મદદ લીધી છે. પ્રોફેસર રુડાલ્ફ કથાનાયકને ભારત આવી આદિવાસીઓની સંસ્કૃતિનો અભ્યાસ કરવા પ્રરે છે, બલકે ફરજ પાડે છે. ‘યુનિવર્સિટીની જિંદગી કે લ્યુસીનો સાથ બંનેમાંથી એક પણ છોડવું તે મારે મન સજા જેવું હતું.’ આવ્યા પછી પ્રવૃત્ત થતો જાય છે, મધઉછેર, કાગળ અને વાંસના ઉદ્યોગો, ડાંગરની વાવણી...
ચલચિત્રનો નાયક પણ નાછૂટકે નર્મદા વિસ્તારના આશ્રમે આવ્યો છે. એના દાદાનું અવસાન થયું છે. ધનાઢ્ય હતા. એમણે તૈયાર કરેલા વીલમાં કર્ણને કશું આપ્યું નથી. જે કંઇ હતું એ આશ્રમના ટ્રસ્ટીઓને હવાલે કર્યું છે. મિ. મહેતા સૂચવે છે. તું ત્યાં જઇને બધા ટ્રસ્ટીઓની સહી લઇ આવ અને મિલકત તારા નામે કરાવી લે. કલાકાર-નિર્માતા ટ્રસ્ટના કાયદા જાણવા સમય કાઢી શક્યા નથી. એમને તો સંઘર્ષ ઊભો કરવો છે. કર્ણ લોભથી પ્રેરાઇને ધસી આવ્યો છે. સુપ્રિયાને જોયા પછી એના બીજા અણગમા ઓછા થાય છે એમાં કંઇક વધારાની રસિકતા દિગ્દર્શકે ઉમેરી છે. નવલકથાના નાયકને તો રીતસર લ્યુસી નામે મિત્ર છે. જેને એ પત્રો લખે છે. અને લ્યુસી પ્રો. રુડાલ્ફના સેવાભાવને સમજવા ઉપરાંત નર્મદાની સૃષ્ટિનાં રહસ્યો અને ભારતીય સંસ્કૃતિ- લોકસંસ્કૃતિના પ્રાણપ્રશ્નો સમજવા ઉત્સુક છે.
સુપ્રિયાનું પાત્ર ભજવનાર અભિનેત્રીએ ધ્રુવ ભટ્ટની સર્જકતાને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. પણ ચલચિત્રના અંત ભાગમાં કર્ણ અને સુપ્રિયા પરકમ્મા માટે તૈયાર થતાં સૂચવ્યાં છે એના કરતાં ‘આપી દે’ અને ‘લે ખા’ આ બે ઉદ્્ગારનું પુનરાવર્તન પૂરતું હતું. બંને ઉદ્્ગારો રેવાના છે, જે ક્ષણ માટે જ પ્રત્યક્ષ થાય છે. નદી આમ દેવીરૂપે પ્રગટ થાય ખરી? આ શંકાનું શક્ય એટલું સમાધાન આ બે ઉદ્્ગારોમાં છે.
ગણેશ શાસ્ત્રીનું જ્ઞાન અને તબલાંવાદન એક વિશિષ્ટ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. અભિનેતા ખુદ ‘તત્ત્વમસિ’માંથી બહાર આવતા લાગે. ગંડુ ફકીર કબીરસાહેબનો વારસો નોખી રીતે રજૂ કરે છે.
ફિલ્મમાં કાલેવાલી મા કર્ણને રહસ્ય જણાવે છે. એ દાદાનો પૌત્ર નથી. વરુના હુમલામાંથી બચાવીને એને ઉછેરેલો. દાદાજીએ એને દત્તક લીધેલો. આ જાણ્યા પછી બધું પડાવી લેવા આવેલો કર્ણ શું સાથે લઇ જાય? અને જાય પણ ક્યાં? ફિલ્મમાં સંઘર્ષ અને નાટ્યાત્મકતા ઉમેરવામાં આવી છે એ પ્રેક્ષકોને ઝકડી રાખશે, પણ ધ્રુવ ભટ્ટને તો અભિપ્રેત છે શ્રદ્ધા, ધર્મ નહીં, ઇશ્વરને પામવાનો છે, જતન કરવાનું છે સંસ્કૃતિનું. યુગોથી ચાલતી પરકમ્માનું રહસ્ય શું છે? પરકમ્માવાસી નહીં, પરકમ્મા મહત્ત્વની છે. કર્ણ મિશ્ર ભાષા બોલ છે. ધ્રુવ ભટ્ટના નાયકને પૂરેપૂરું ગુજરાતી આવડે છે.
ઘરમાં કશું ન હોય તો પણ ચાલ્યા જનારાને બોલાવી કહે, ખાલી પેટ જવા નહીં દઉં. ઘરમાં છે થોડો મહુડાનો દારૂ અને મીઠું. ગંડુ ફકીર દારૂ ગટગટાવી જાય છે. હવે એ સુપ્રિયાને ત્યાં જમવા નહીં જાય. આજનું ભોજન થઇ ગયું. દારૂને લીધે શું થશે એના પેટનું? તે દિવસ સુપ્રિયા પણ ઉપવાસ કરે છે. આ પાત્ર લેખક અને દિગ્દર્શકને એક કરે છે. અભિનંદન. {

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP