Home » Rasdhar » રઘુવીર ચૌધરી
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

વિનોદભાઈ હાસ્યકારમાંથી પૂરા કદના લેખક બન્યા

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
હાસ્યલક્ષી ચરિત્રમાળા ‘વિનોદની નજરે’ પછી બીજી કીર્તિદા કૃતિ ‘વિનોદવિમર્શ’, જે સૈદ્ધાંતિક વિવેચનનું નિરૂપણ કરે છે. જોકે, સાહિત્ય કરતાં પહેલાં વિનોદભાઈની અંગત વાત કરું તો કૈલાસબહેન અને નલિનીબહેન તેમની બે પત્ની. એક કૌટુંબિક લગ્ન અને બીજું પ્રેમલગ્ન. એમને ત્યાં એક લગ્નપ્રસંગ હતો ત્યારે વિનોદભાઈ બંને પત્નીઓ સાથે આમંત્રણ આપવા મારે

જે વાચકો શરૂઆતથી વિનોદનાં પુસ્તકો જોતા આવ્યા છે એમને ખબર છે કે વિનોદે રમૂજ કિસ્સાઓ ભેગા કરવાથી શરૂ કરીને ‘વિનોદની નજરે’ સુધીનો વિકાસ કર્યો હતો

ઘરે આવેલા. એ લોકો આમ રાગથી સાથે ફરે છે એ જોઈને પારુને ભારે નવાઈ લાગેલી, આનંદ પણ થયેલો. વધુ આનંદ તો એ જાણીને થયો કે બાળકો મોટાં થતાં ત્યાં સુધી એમને ખબર જ નહોતી પડી કે જન્મ આપનાર મા કઈ છે. એમને નલિનીબહેન વિના ચાલે પણ કૈલાસબહેન વિના ન ચાલે. થોડાંક વર્ષ પહેલાં ડૉક્ટરે વિનોદને કહ્યું કે દશેક વર્ષ પહેલાં તમને હૃદય-રોગનો નાજુક હુમલો થયો હોય એમ આ યંત્ર સૂચવે છે. એનું કારણ વિનોદને જડ્યું નહોતું. હું ધારું છું કે એવામાં બેમાંથી એક પત્ની પિયર ગઈ હશે. જો રિસાઈને પિયર ગઈ હોત તો એ હુમલો ખતરનાક નીવડ્યો હોત. વિનોદે ગૃહસ્થ થયા પછી જ્યારે નલિનીબહેન સાથે પ્રેમલગ્ન કરવાનો ઇરાદો જાહેર કર્યો ત્યારે ભાવિ સાસુ મધુકાન્તાબહેને ગુસ્સે થઈને કહેલું: ‘બીજી વખત લગ્ન કરતાં શરમ નથી આવતી?’ વિનોદે કાનની બૂટ પકડતાં જણાવેલું: ‘આવે છે. ઘણી શરમ આવે છે. કાકાએ (સસરાએ) ચાર વખત લગ્ન કરેલાં. હું તો હજી અડધે રસ્તે જ છું. એ બદલ શરમ તો આવે જ ને!’
આ પ્રકારનો એક બીજો કિસ્સો પણ વિનોદના ચાહકો જાણે છે. એક વાર સુરતમાં એની સામે તહોમતનામું મૂકી મોક-કોર્ટ કરવામાં આવેલી. વાર્તાકાર સરોજ પાઠકે સમાજસેવિકા તરીકે એની સામે એવી ફરિયાદ કરેલી કે આ શખ્સે ઘરમાં એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને રામચન્દ્રના એક પત્નીવ્રતના આદર્શનું ખંડન કર્યું છે. વિનોદે પ્રતિકાર કરતાં ન્યાયાધીશને કહેલું: ‘નામદાર, મારો આદર્શ રામ નહીં, દશરથ છે. એમના આદર્શને પહોંચવામાં આ સમાજસેવિકા કોઈ રીતે મદદરૂપ થઈ શકે ખરાં?’ - વિનોદ આવું બોલી શકે, માત્ર વિનોદ ખાતર.
વિનોદનો જન્મ (14-1-38 - 23-5-2018) મકરસંક્રાન્તિને દિવસે થયેલો છે, 1938માં. ઉત્તરાયણ પછી દિવસ ધીમે ધીમે મોટો થતો જાય. વિનોદના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પણ ધીમે ધીમે દાખલ થયો છે. નિશાળમાં શિક્ષકને ઓરડામાં પૂરી દેવા જેવાં તોફાનો પણ કરેલાં. મેટ્રિકની પરીક્ષા ઓછામાં ઓછા અંકે પાસ કરેલી. બી.એ. થયા તે પણ ત્રીજા વર્ગમાં. એલએલ.બી.માં ત્રીજા વર્ગનું ધોરણ સાચવી ન શકાયું અને બીજા વર્ગમાં જવાનું આવ્યું, કેમ કે ભારતીય રેલવેની જેમ એલ.એલ.બી.માં ત્રીજો વર્ગ રહ્યો ન હતો. યશવંતભાઈની આર્ટ્સ કૉલેજમાં દાખલ થયેલા. અંગ્રેજીના અધ્યાપકને એવા હેરાન કરેલા કે એમણે યશવંતભાઈને કહી દીધેલું, કાં તો હું નહીં કાં તો વિનોદ નહીં. આ બાબતે યશવંતભાઈએ વિનોદની સલાહ લીધેલી. વિનોદે ગંભીરતાથી કહેલું: સાહેબ, એમને રાખો. કેમ કે હું એમના જેવું અંગ્રેજી વિદ્યાર્થીઓને ભણાવી નહીં શકું. ‘વિનોદની નજરે’ લેખમાળાનો પહેલો હપ્તો યશવંતભાઈ વિશે છે. ગુરુદક્ષિણાની ભાવના એમાં દેખાઈ આવે છે.
પ્રમુખ થવા પૂર્વે વિનોદ પચીસેક વર્ષથી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં ઊભા રહેતા અને બહુ સારા મતથી ચૂંટાઈ આવતા.
વિનોદ, બોરીસાગર, નિરંજન ત્રિવેદી, મધુભાઈ એ બધા નજીકના મિત્રો, હાસ્યકાર હોવા છતાં એકબીજાની ઇર્ષા નહીં. પોતાને ત્યાં સારો પ્રસંગ હોય કે દિવાળીનાં અભિનંદન પાઠવવાનાં હોય ત્યારે આ લોકો સીધી રીતે વર્તે જ નહીં. આમાં મૂળ પહેલ વિનોદની.
પરમાનંદ ગાંધી દૈનિકમાં આજની વાત લખતા હોય તો વિનોદ ‘આજની લાત’ લખે. ‘પહેલું સુખ તે મૂંગી નાર’ જેવાં શીર્ષકો એને સહજ રીતે જ સૂઝે. એક પુસ્તક છે ‘વિનોદ ભટ્ટ (વિ) કૃત શાકુન્તલ.’ પૌરાણિક કથાનકોમાં ફેરફાર કરીને પણ એણે વિનોદ સાધ્યો છે. જે વાચકો શરૂઆતથી એનાં પુસ્તકો જોતા આવ્યા છે એમને ખબર છે કે વિનોદે જોક્સ અને રમૂજ કિસ્સાઓ ભેગા કરવાથી શરૂ કરીને ‘વિનોદની નજરે’ પુસ્તક આપવા સુધીનો વિકાસ કર્યો છે. બચુભાઈ ‘કુમાર’માં ‘વિનોદની નજરે’ લેખવાળા પ્રગટ કરતા એથી તંત્રી તરીકેના બચુભાઈના કેટલાક આગ્રહો જાણનાર એમના મિત્રોને નવાઈ લાગતી. હાસ્ય થતું હોય તો હકીકત સાથે છૂટ લેવામાં પણ વાંધો નહીં- એવી કશીક હિંમત કેટલાંક ઠઠ્ઠાચિત્રોમાં ડોકાઈ આવે છે. મારે કહેવું જોઈએ કે એમાં કોઈને ઉતારી પાડવાનો કે જાણી જોઈને ડંખ દેવાનો આશય નહીં. સમજણ જ એવી કે આવું લખીએ તો બે માણસ વધુ હસે. કેટલાક હાસ્યકારો સુધારક દૃષ્ટિથી લખતા હોય છે. હળવી રીતે કાન પકડતા હોય છે. વિનોદને એવી સામાજિક જવાબદારી નહીં. હાસ્ય થવું જોઈએ. વિનોદ ખાતર વિનોદ. હા, રાષ્ટ્રીય પ્રશ્નો ઊભા થાય ત્યારે હિંમત કરીને સત્ય સૂચવે. વ્યાપક ઔચિત્યની કોઠાસૂઝ પણ ખરી. જ્યોતીન્દ્ર, ચાર્લી ચેપ્લિન, મન્ટો જેવા લેખકોને સેવ્યા છે. શ્રોતાઓને હસાવવા માટે પોતે ઠોઠ હોવાની છાપ ઊભી કરી છે. વાસ્તવમાં હતા ચતુર સુજાણ. નહીં તો અન્ય ક્ષેત્રના બૌદ્ધિકો અને રાજપુરુષો વિનોદને ક્યાંથી વાંચે? માધવસિંહ સોલંકી હાસ્યકાર વિનોદ વિશે બોલી શકે, એવો એમનો અભ્યાસ.
સત્કર્મે નુકસાન વેઠવાની હિંમત ખરી. કટોકટીની વિરુદ્ધ સારું એવું લખ્યું હતું. સ્વતંત્રતા વિશેની મમતા. વખાણ ગમે, પણ એ બધું જતું કરવાનું આવે તો વસવસો પણ ન કરે. ક્યારેક પોતાની વિરુદ્ધનો લેખ જોઈને પણ વિનોદને આનંદ થતો હતો.
વિનોદે સંપાદનનાં પણ પાંચેક પુસ્તક પ્રગટ કર્યાં છે. ગુજરાતી હાસ્યના જમા-ઉધાર પાસાની એને ખબર છે. કશુંક નવું કરવાની તમન્ના. કવિસંમેલનોનું સંચાલન કરીને કવિઓના ભોગે શ્રોતાઓને હસાવ્યા છે અને એમાં ઊણપ રહી જતી લાગે ત્યાં પોતાનો ભોગ પણ આપ્યો છે. બીજી બાજુ કવિઓને કમાતા પણ કર્યા છે. આ કાર્યક્રમોની લોકપ્રિયતાએ લેખનની ઉપેક્ષા થવા દીધી નથી એ સૌથી મોટી વાત છે. હાસ્યનાં સ્વરૂપો અને શૈલી પરત્વે અનેક અખતરા કરેલા છે. દૃષ્ટાંત-કથા, નવલિકા, સંવાદ, પત્ર, રેખાચિત્ર, જીવનચરિત્ર, હેવાલ, વિવેચન - અનેક પ્રકારે વિનોદે હાસ્યલેખન કર્યું છે. શેખાદમ ગ્રેટાદમ, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન, નર્મદ: એક કેરેક્ટર, સ્વપ્નદ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે જેવાં પુસ્તકો આપીને કૉલેજ દરમિયાન અભ્યાસની ઉપેક્ષા કરેલી એનું સવાયું પ્રાયશ્ચિત્ત કર્યું છે. આરોગ્ય અને જ્યોતિષ વિશે લખીને પણ હાસ્ય જગવતા. દીકરા જ્યોતિષી છે! સાહિત્ય પરિષદના પ્રમુખ થઈને એના સદ્્ભાવનું ક્ષેત્ર વિસ્તારવા પોતાની લોકપ્રિયતાની મૂડી રોકી. એમની સક્રિયતા વિરલ ગણાય.
બેએક માસ પૂર્વે મનુભાઈ શાહ અને રતિલાલ બોરીસાગર સાથે એમની ખબર કાઢવા જવાનું થયું. જાણેલું કે એમણે હોસ્પિટલનો ત્યાગ કર્યો છે. કહે: બસ, બહુ થયું. અમે એમ માનીએ? પછી તો વસુબહેન, ભાગ્યેશ, રઇસ પણ જોડાયાં. માધવને વાત કરી. કિડની હોસ્પિટલમાં લોહીનું ડાયાલિસિસ કરવાની સગવડ. વિનોદભાઈ મિત્રો અને કુટુંબીજનોના પ્રેમને વશ થયા. બેએક માસ સહુની વચ્ચે હાજર રહ્યા. 23 મેની સાંજે એમના ચાહકોની સંખ્યા જોઈ. માત્ર સાહિત્ય ક્ષેત્રના નહીં, સમગ્ર ગુજરાતના એ લાડકા હતા. મૈત્રીના માણસ હતા. પોતાની તબિયતની ચિંતા વિના ગુણવંત શાહ મળવા આવે. બંને નવું નવું વાંચવાના શોખીન. વિનોદભાઈ જાતને કેળવતા રહ્યા અને પૂરા કદના લેખક બન્યા. ગુજરાતના વિદ્વાન હાસ્યકારોમાં સ્થાન પામ્યા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP