Home » Rasdhar » રઘુવીર ચૌધરી
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

ગૃહિણી કવયિત્રી પારુલ ખખ્ખરની કલમને ડાળખી ફૂટી

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
‘એતદ્’ સામયિકમાં પ્રકાશિત રચનાઓ ગુણવત્તા ધરાવતી હોય એવી એની પ્રતિષ્ઠા છે. કમલ વોરા અને નૌશિલ મહેતા એના સંપાદકો છે. આગામી અંકથી વાર્તાકાર-વિવેચક કિરીટ દૂધાત સંપાદક તરીકે જોડાઈ રહ્યા છે. એ બદલે ત્રણેય સંપાદકોને અભિનંદન. ‘એતદ્’ અને ‘સમીપે’ જેવાં સાહિત્યિક સામયિકો ટકવાં જોઈએ, પગભર રહીને.
‘અેતદ્’ના જાન્યુઆરી-માર્ચના અંકમાં અમરેલીનાં ગૃહિણી કવયિત્રી પારુલ ખખ્ખરની રચના પ્રગટ થઈ છે : ‘એક કાવ્ય’.

આ ગઝલસંગ્રહ દ્વારા પારુલબહેનની સાહિત્યની જે સમજણ કેળવાઈ છે એ કવિતાના અન્ય પ્રકારોમાં વ્યક્ત કરવામાં સફળતા મળે એવી અપેક્ષા

વળાંક, ઠેસ, કાંકરા અને પ્રવાસની કથા,
નથી વિરામ પામતી પ્રલંબ રાસની કથા.
હવાને મંત્રમુગ્ધ જે કરી શકે છે નૃત્યથી,
એ વાટ રાતભર લખી શકે ઉજાસની કથા.
નિ:શબ્દ રાખ તાપણે ફરી વળી છે ધ્યાન દે,
લગાવ ફૂંક છંદની, જગાડ પ્રાસની કથા.
ગલી એ સાંકડી, તમારું કદ અને અહમ્ બડો,
જનાબ એટલી હતી દીવાનેખાસની કથા.
રદીફ-કાફિયા જોઈને પ્રશ્ન થાય: આ સ્વરૂપ ગઝલનું છે તો અેક શેર કેમ ઓછો? ત્યાં ‘કલમને ડાળખી ફૂટી’ નામે પારુલ ખખ્ખરનો ગઝલસંગ્રહ સુલભ થયો. નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈ દ્વારા.
સિત્તેર ગઝલના આ સંગ્રહમાં એકસઠમાં ક્રમે આ ગઝલ છે. પેલો ખૂટતો શેર રચનાના મધ્ય ભાગમાં છે. આ પ્રમાણે:
સમગ્ર વાનગીને ચાર ચાંદ જે લગાડતા,
કહું છું એ બધા ચટાકેદાર શ્વાસની કથા.
આ શેર સંપાદકોએ ન છાપીને ગઝલની પાંચ શેરની શરત તોડી છે. બદલામાં ‘ગઝલ’ને બદલે ‘કાવ્ય’ તરીકે રચના છાપી છે. ઝીણું જોનારા સહૃદયો કહી શકશે કે આ પાંચમા શેરનું વાતાવરણ જુદું પડે છે. રદીફ-કાફિયા સચવાયા છે પણ ‘ચટાકેદાર શ્વાસ’ કહેવાથી બીજા ચાર શેરની બરાબરી થતી નથી.
પહેલા શેરની ‘પ્રલંબ રાસની કથા’ આકર્ષે છે. પહેલી અને બીજી પંક્તિ વચ્ચેનો રમણીય વિરોધ ગઝલિયતની શરત પાળે છે. પ્રચલિત થાય એવો બીજો શેર- નિ:શબ્દતાની રાખ, તાપણું અને ફૂંક એક ચિત્ર રચે છે. એમાં છંદ અને પ્રાસ જોડાય છે તેથી આ શેર પણ નોંધપાત્ર બને છે.
ગુજરાતીમાં આદિલ મન્સૂરીથી લલિત ત્રિવેદી સુધીના કવિઓએ સિત્તેરથી અંેશી શેરની ગઝલો લખી છે. પણ પારુલ ખખ્ખરે પાંચ શેરની ગઝલની મર્યાદા સ્વીકારી છે. બોલચાલની ભાષા અને લયની સહજતા સતત જોવા મળે છે. લાંબી બહેરની- પ્રલંબ લયની રચનાઓ પણ છે. ‘તો પકડો કલમ’નો પહેલો શેર જુઓ:
છોડી દીધેલો દાખલો વર્ષો પછી સમજાય
તો પકડો કલમ.
કોરી હથેળી પર ભૂંસેલું નામ જો વંચાય
તો પકડો કલમ (પૃ.27)
પ્રથમ પ્રણયની સ્મૃતિ સહજ રીતે સૂચવાઈ છે, મુખરતા વિના.
ગઝલમાં અનાયાસ આવતા પ્રેરક શેરને શ્રોતાઓની દાદ મળતી હોય છે:
હવે તો છેક સુધી પહોંચવું જરૂરી છે,
સફરની આખરી ટૂંકે થયું છે અજવાળું.
(પૃ.64)
{{{
ઝાડ તરસનું દરિયા કાંઠે ઊગ્યું ને ઘેઘૂર થયું,
પારુલજીએ રણમોઝારે જઈને વીરડા ગાળ્યા છે.
(પૃ. 65)
કચ્છનું અને અન્યત્ર દરિયાની ખારાશને પીને- જીરવીને વિકસતું ચેરિયાનું વૃક્ષ અહીં યાદ આવે. એવી જ ઊર્જા સ્વીકારાઈ છે ભારતીય ગૃહિણીની, જે વેઠીને વિકસી છે, સહુના વિકાસમાં નિમિત્ત બની છે.
કવિતા શું છે? પારુલજી કહે છે કે દર્દનો શબ્દ સાથે યોગ-
બોલવું તો છે ઘણું પણ મૌન રોકે છે હજી,
દર્દનો હો શબ્દ સાથે યોગ ત્યારે બોલશું.
(પૃ.58)
કંઈક રહસ્યમય છતાં સદીઓનો નાતો સૂચવતું તત્ત્વ આ ટૂંકી બહેરની ગઝલમાં વ્યક્ત થયું છે:
કોઈ જાગી રહ્યું છે સદીઓથી,
કોઈ છે બેખબર અમારામાં.
(પૃ.46)
આ ગઝલસંગ્રહ દ્વારા સાહિત્યની જે સમજણ કેળવાઈ છે એ કવિતાના અન્ય પ્રકારોમાં વ્યક્ત કરવામાં સફળતા મળે એવી શુભેચ્છા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP