સાિહત્ય વિશેષ / ‘સંધ્યાકાળે પ્રભાતફેરી’ કવિની કે વિવેચકની?

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Jan 20, 2019, 12:05 AM IST

રક્ષા શુક્લ અંગ્રેજીનું અધ્યાપન કરતાં કરતાં ગુજરાતી કવિતામાં રસ લેતા થયા. નરસિંહ મહેતાથી હરદ્વાર ગોસ્વામી સુધીના કવિઓએ તળાજાનું આ એક સરનામું તાજું રાખ્યું છે.

તળાજાની ‘સમન્વય’ સભામાં કવિઓ પધારે ત્યારે આરંભે પ્રાર્થના ગાવાનું મળે, રક્ષા શુક્લ માટે એ એક લહાવો હતો, પણ અનિલ જોશી તો અમરેલી-અમદાવાદથી દૂર નીકળી ગયા હતા. ‘ડેલીએથી પાછાય વળશો હો શામ મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં’ જેવાં ગીત રમેશ પારેખ સાથે ગાઈ લીધા પછી અનિલ જોશી મુંબઈની ભરતીઓટ માણી રહ્યા હતા. ‘ઝીણે ઝીણે રે આંકે રે અમને ચાળિયા.’ના અનુભવ સાથે નાટક અને ચલચિત્રને ગુજરાતી ઓળખ આપી રહ્યા હતા. એ વળી ક્યાંથી રક્ષા શુકલને ઓળખે! પણ કાવ્યસંગ્રહ ‘આલ્લે લે!’નો આવકાર લેખ બાતમી આપે છે, ‘સંધ્યાકાળે પ્રભાતફેરી’.


આ શીર્ષક વહાલભર્યો વિનોદ ધરાવે છે. કવિમિત્ર રમેશ પારેખના ઉદ્્ગારની યાદ તાજી થાય છે. અનિલભાઈ લખે છે,

  • અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ મુખ્યત્વે કવયિત્રી રક્ષા શુકલની ગીતકાર તરીકેની ઓળખ આપે છે

‘છેક તળાજાથી એક સ્વસ્થ અને પરિપક્વ અવાજ સંભળાય છે, તે કવયિત્રી રક્ષા શુક્લનો અવાજ. એમના કાવ્યસંગ્રહનું નામ ‘આલ્લે લે’ રમેશ પારેખની થોડી યાદ અપાવે, પણ અંદરની બધી કવિતાઓ પર રક્ષાની રાખડી બંધાયેલી છે, રક્ષા શુક્લની પોતીકી મુદ્રા છે. પોતીકી મુદ્રા એટલે કવિનું નામ વાંચ્યા વગર ભાવકને ખબર પડી જાય કે આ રચના કોની છે?’


નિવૃત્તિની વયે કારકિર્દીના આરંભને અનિલભાઈ ‘પ્રભાતફેરી’ કહે છે. એમાં રક્ષાબહેનની તાજગીની કદર જોઈ શકાય. તો ‘સખી રી આજ મંગલ ગાઓ રી!’ જેવી વધામણી પણ જોઈ શકાય.


‘કવિતાનું કમબેક’ નામે કેફિયતમાં રક્ષાબહેને કેટલીક વિગતો આપી છે! ‘શાળા-કોલેજમાં હું ક્યાંય ન મળું તો લાઇબ્રેરીમાં જડું. તળાજાની ‘સમન્વય’, કુમારની ‘બુધસભા’ શબ્દોની નોળવેલ, અક્ષરનું અજવાળું લઈ ઊભી છું.’


અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ મુખ્યત્વે કવયિત્રીની ગીતકાર તરીકેની ઓળખ આપે છે. ગુજરાતી ગીત પરંપરાના કેટલાક ઉન્મેષો વરતાય છે. વારસામાં મળ્યું હોય એને અજવાળીને નવા રૂપે રજૂ કરવાની સર્જકતા ધ્યાન ખેંચે છે. જેના પરથી સંગ્રહનું નામકરણ થયું એ ગીત ‘આલ્લે લે’ દરેક પંક્તિને અંતે ‘આલ્લે લે’ જેવા ઉદ્્ગાર સાથે આનંદ જગવી રહે છે, તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!
ગરમાળો ગુલમહોર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લે!


પ્રિયજનો પોતાને વૃક્ષમય જુએ અને બધી ઋતુઓની આત્મીયતા સર્જકતામાં પરિણમે એવો અનુભવ અનાયાસ વ્યક્ત થાય છે. અંતે વર્ષા અને વસંતનું એકત્વ વર્ણવાય છે.
આ રચનાને ત્રણ અંતરાના ગીત તરીકે મૂલવી શકાય તેમ પંદર પંક્તિના સોનેટ રૂપે પણ તપાસી શકાય એમ છે.


પ્રકૃતિના ઉપમાન અને એની રૂપરમણા રક્ષાબહેનનાં ગીતોને નોખી ઓળખ આપે છે. ઘણા નવકવિઓએ ‘હરિ’ને સંબોધીને કે ખીંટી બનાવીને ગીતો રચ્યાં છે. એનો અતિરેક જોઈને ધીરુભાઈ પરીખે તો શીર્ષક જ આપી દીધું, ‘હરિ ચડ્યા હડફેટે!’ એ પ્રકારની કૃતક આધ્યાત્મિકતા રક્ષાબહેનનાં ગીતોમાં વરતાતી નથી. શ્રદ્ધા અને કવિકર્મ એકરૂપ પામે અને ભાવક સુધી પહોંચે ત્યારે આ સર્જન-ભાવનની ઘટા સિદ્ધ થાય છે.
પુષ્પોની પગદંડીએ હું હરિ આવતા ભાળું,


ગીતને અંતે-
હરિવર મારે દ્વારે હો તે જગ આખાને તાળું
હરિ નામના મારગ ઉપર મહેક બધીયે ઢાળું.


અહીં ‘તાળું’ પ્રાસ તરીકે આવી ચઢે છે. એને બદલે ‘જગ આખાને ભાળું’ એ શબ્દપ્રયોગ રક્ષાબહેનના સંવેદન વિશ્વને વધુ અનુકૂળ રહેત.
બત્રીસ વર્ષની શૈક્ષણિક કારકિર્દી પછી, સંગીત અને પ્રવાસના સાથ પછી જે પ્રૌઢ શક્ય છે, એ અહીં વરતાય છે.
છેલ્લે ‘બે આંખોનું સરનામું’ ગીતની આરંભિક અને અંતિમ પંક્તિઓ કવયિત્રીનો ઉત્સાહ અને ઉન્મેષ જોઈએ:


બે આંખોનું સરનામું ને
જીવતર જાણે પરબીડિયું,
તું આવ્યાના પગરણ વચ્ચે હૈયું કાઢે છે હડિયું.
⬛ ⬛ ⬛


ખીલવા ખૂલવા ને પાંગરવા
આંગણ અમને તો જડિયું,
બે આંખોનું સરનામું ને
જીવતર જાણે પરબીડિયું.
(પૃ. 35, આલ્લે લે)
ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત આ સંગ્રહના મુદ્રક છે: બુકપબ. આનંદની વાત છે કે નકલો પાંચસોને બદલે બે હજાર છાપી છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી