ભગવતીભાઈના વિપુલ લેખનનો વિકાસક્રમ

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Sep 09, 2018, 12:05 AM IST

ભગવતીકુમાર શર્મા (જન્મ તા. 31-5-1934, વિદાય તા. 5-9-2018) અજાતશત્રુ હતા એમ કહેવા કરતાં કહેવું ઘટે કે, સર્વ મિત્ર હતા. હિન્દુ ધર્મમાં ઊંડી આસ્થા હતી છતાં અન્ય કોઈ ધર્મ પ્રત્યે એમણે અણગમો દાખવ્યો નથી. બ્રાહ્મણની ઉપાસના અને ગોત્રનો મર્મ સમજવા મથતા રહ્યા છતાં હરિજનો અને ગિરિજનોની સમસ્યા પ્રત્યે સજગ રહ્યા. એમની નવલકથાઓમાં મુખ્ય પાત્રો છેવાડાના માણસ સુધી પહોંચ્યાં છે. ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ એમને વિશેષ આદર આપતા પણ અન્ય પક્ષોએ એમને પોતાના વિરોધી કહ્યા નથી. સાહિત્ય અને પત્રકારત્વ બેઉ ક્ષેત્રે હરીન્દ્ર દવેની જેમ ભગવતીકુમાર શર્માનું લેખન વિપુલ છે. બંનેમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં માનવમૂલ્યોનું જતન વરતાય છે તેથી કટોકટી કાળ પછી પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘વહેતાં વૃક્ષ પવનમાં’ મેં હરીન્દ્રભાઈ દવે અને ભગવતીકુમાર શર્માને અર્પણ કર્યો છે.

ભગવતીભાઈ સુરતના સંસ્કાર જીવન સાથે ઓતપ્રોત હતા. નવી પેઢીના સર્જકો માટે એમનું ઘર વર્કશોપ-કોઢ જેવું હતું. એમની પાડોશમાં સંગીતકાર રહેતા હતા. ભગવતીભાઈ સંગીત જાણતા અને ગઝલ સૂર સાચવીને ગાતા. એમના વક્તવ્યમાં સંસ્કૃત સમાસો આવે એ શુદ્ધ ઉચ્ચારને કારણે સાંભળવા ગમે. આંખોની નબળાઈ વધતી ગઈ પણ એ હાર્યા નહીં. છેલ્લાં બેએક વર્ષને બાદ કરતાં એ સક્રિય રહ્યા. જનક નાનુભાઈ નાયકનો આખો પરિવાર એમને વડીલ માનતો. સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓ સાથે એ સંકળાયેલા રહ્યા. પત્રકાત્વ અને પ્રવચનો દ્વારા એમણે સુરતને પોતાનું ઘર માન્યું, સુરતે અનેક વાર એમને નવાજ્યા, સાક્ષી બનવા મારે જવાનું થતું.
‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ ભગવતીભાઈની આત્મકથા છે તો સુરતનું જીવનચરિત્ર છે. ટૂંકી વાર્તા, લલિત નિબંધ, કટાક્ષ-હાસ્યના સંચયો અને ઘણું અપ્રગટ લેખન એમની પાસેથી મળ્યું છે.

ભગવતીભાઈ સુરતના સંસ્કાર જીવન સાથે ઓતપ્રોત હતા. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ ભગવતીભાઈની આત્મકથા છે તો સુરતનું જીવનચરિત્ર છે

બે દીકરીઓ રુચિરા અને રીના. રીનાનાં પુસ્તકો પ્રગટ થયાં છે. દીકરો મેહુલ નાટ્ય દિગ્દર્શક. છેલ્લે હું ભગવતીભાઈને મળવા ગયો ત્યારે એમના પૌત્રની વાગ્દત્તા પણ આવી પહોંચી હતી. ભગવતીભાઈનાં ધર્મપત્ની જસુમતીબહેન જાણે કે ઉપનિષદ કાળનાં ગૃહમાતા. સાસુને એમણે માતાની જેમ સાચવ્યાં છે. ભગવતીભાઈનો એક આખો કાવ્યસંગ્રહ જસુમતીબહેનના અવસાન પછી રચાયો. કુલ કાવ્યસંગ્રહો અગિયાર, જેમાં ‘છંદો છે પાંદડાં જેનાં’ પ્રગટ થતાં (1987) વરિષ્ઠ વિવેચકોનું ધ્યાન ખેંચાયું. હરિને સંબોધીને ઘણા કવિઓએ ગીત લખ્યાં પણ ભગવતીકુમારના સંબોધનમાં આર્ત સ્વર સંભળાય છે. એ ગીતોની ગેયતા ગાયકોએ સિદ્ધ કરી છે. વિભાબહેન દેસાઈના કંઠે સાંભળેલું:

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ
અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ
અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં.
(છંદો છે પાંદડાં જેનાં)


ભગવતીભાઈ ગઝલમાં સતત પ્રયોગ કરતા રહેતા. ‘તણખલાના માણસ’ ‘દિવ્ય ભાસ્કર’ના પાંચ સપ્ટેમ્બર અંકમાં પ્રગટ થઈ છે. ક્રિયાપદ વિનાની ગઝલ પણ એમની પાસેથી મળી છે જે ગેય તો છે જ. એક ટૂંકી બહરની રચનાના ત્રણ શેર જોઈએ:


પરોઢના આછા અજ‌વાળે,
સોનું વરસે છે ગરમાળે.
બેડું ભૂલી ગઈ પનિહારી
ચાંદો ઊગ્યો કૂવા થાળે
સૂની મેડીએ ચંદ્ર વરસતો
પડછાયો પોઢ્યો પરસાળે.
(નખદર્પણ)


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભગવતીભાઈને ડી.લિટ્્ની માનદ પદવી એનાયત કરી એમાં નિમિત્ત બનનાર પ્રો. દક્ષેશ ઠાકરે ભગવતીભાઈનો એક શેર કહ્યો:
તમે નામ મારું લખ્યું’તું જે ભીંતે
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.


અને 2006ના કવિતા ચયનમાં ડૉ. વિનોદ જોશીએ પસંદ કરેલી ભગવતીભાઈની ગઝલ ‘તટસ્થ છું’ એમની જીવનદૃષ્ટિની ઝાંખી કરાવે એવી છે. ચારેક શેર જોઈએ:


ચાલ્યા કરે છે એક રમત, હું તટસ્થ છું,

શ્વાસોની આવ-જા છે સતત, હું તટસ્થ છું.
તારા નયનમાં પાઠવું સ્વપ્નોના કાફલા,
સ્વીકાર તું કરે કે પરત હું તટસ્થ છું.
દરિયાને ભરતી-ઓટની ચિંતા નથી થતી,
મારો ભલે રહ્યો ન વખત, હું તટસ્થ છું.
આકાશ કોરું કટ્ટ ને આંખો સજળ સજળ,
શાની છે છત ને શાની અછત, હું તટસ્થ છું.


ગઝલના ચાહકો અને જાણતલ અહીં પ્રયોજાયેલા રદીફ કાફિયાની વિશેષતા સમજાવશે. ભગવતીભાઈને ઓળખનારને તો એમની તટસ્થતાની- રાગદ્વેષ રહિત મનોદશાનો અનુભવ છે, એની અહીં પુનરુક્તિ જોઈ સ્મરણે ચઢશે.


કુલ બાર નવલકથાઓમાંથી ‘પડછાયા સંગ પ્રીત’, ‘વ્યક્ત મધ્ય’, ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ વિશે મેં ટૂંકમાં કે વિસ્તારથી લખ્યું છે. બે પેઢીઓની બદલાતી મન: સ્થિતિ, એ કારણે જગતો સૂક્ષ્મ સંઘર્ષ ‘સમયદ્વીપ’માં કલાત્મક અભિવ્યક્તિ પામ્યો છે. ‘ઊર્ધ્વ મૂલ’ આમ તો ગીતાનો સમાસ છે, અહીં સ્વની શોધ, પોતાનાં મૂળિયાંની શોધ માટે પ્રયત્નશીલ નાયકની યાત્રા છે. ‘અસૂર્યલોક’ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કકૃત થયેલી, પાશ્ચાત્ય યંત્રસંસ્કૃતિના અંધાપામાં ભારતીય ધર્મદૃષ્ટિ થકી અજવાળું શોધવાનો પ્રયાસ છે.


ભગવતીભાઈને શક્ય એટલાં બધાં સમ્માન એનાયત થતાં હતાં, પણ એમની સૌથી મોટી પ્રાપ્તિ નિરપવાદ મૈત્રીની હતી. એક કર્મશીલ સારસ્વત તરીકે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને પ્રમુખ તરીકે ઉપકારક અને યશસ્વી કામગીરી બજાવી હતી.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી