વિનોદ જોશીને નરસિંહ મહેતા એવોર્ડ: 2018

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી 24 ઓક્ટોબરને બુધવારે શરદપૂર્ણિમાએ સાંજે સાડા પાંચ વાગ્યે જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલી રૂપાયતન સંસ્થાના પરિસરમાં વંદનીય મોરારિબાપુના હસ્તે 2018નો નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થશે. વિદ્યમાન ગુજરાતી કવિને અપાતો આ સૌથી મોટો એવોર્ડ છે. રૂપિયા એક લાખ એકાવન હજાર, નરસિંહ મહેતાની પ્રતિમા અને શાલ દ્વારા કવિની વંદના થાય છે.


આ વખતે પહેલીવાર પુરસ્કૃત કવિની ચૂંટેલી રચનાઓનો સંગ્રહ પ્રવીણ પ્રકાશન દ્વારા પડતર કિંમતે સુલભ થશે અને કવિનું પ્રબંધ કાવ્ય ‘સૈરન્દ્રી’ પણ મોરારિબાપુના હસ્તે લોકાર્પણ પામશે. નરસિંહ મહેતા સાહિત્યનિધિના યુવાન ટ્રસ્ટી અને કવિ પ્રણવ પંડ્યા કાર્યક્રમનું સંયોજન કરશે. દર વર્ષે બે હજાર જેટલા સાહિત્યરસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય છે.

 

દોહા-ચોપાઈમાં ઢાળેલું ‘સૈરન્દ્રી’ પ્રબંધકાવ્ય એમના ભાવવાહી કંઠને કારણે કવિતાને કાનની કળા કહેનારને સાચા ઠરાવે છે

આ વખતે શ્રોતાઓમાં કવિઓની સંખ્યા વધુ હશે. પ્રથમ એવોર્ડ બે દાયકા પહેલાં કવિવર રાજેન્દ્ર શાહને અર્પણ થયો હતો. એ કાર્યક્રમ જૂનાગઢ નગરના વિશાળ પ્રાંગણમાં યોજાયો હતો. સહૃદયોની સંખ્યા પાંચ હજારથી વધુ હતી. ત્યારે મનોજ ખંડેરિયા ટ્રસ્ટના પ્રમુખ હતા અને પૂર્ણિમાબહેનની કલાદૃષ્ટિનો સહયોગ હતો. અત્યારે રૂપાયતનના મુખ્ય ટ્રસ્ટી હેમંતે નાણાવટી કાર્યક્રમની કાળજી લે છે. મોરારિબાપુ એકબે દિવસ વહેલા આવીને ગિરનારનું સાહચર્ય સેવે છે. દરેક ગુજરાતીએ એકવાર તો ગિરનારની નિશ્રામાં પહોંચવું જોઇએ.

 

પરકમ્માની આગોતરી શરૂઅાત કરનારને સિંહ પરિવારનું મિલન થવાની શક્યતા હોય છે. એક તો નરસિંહનું નામ અને ગિરનાર પર ચંદ્રોદય કયા કવિને પાઠ કરવાનું મન ન થાય? ગયા વર્ષે આધુનિક કવિ ગુલામ મોહમ્મદ શેખ અને રવિ-ભાણ સંપ્રદાયના આચાર્ય-ગીતકાર દલપત પઢિયારનું આ એવોર્ડથી સન્માન થયું હતું. બંનેની કવિતા સહૃદયોએ માણી હતી.


કવિશ્રી વિનોદ જોશી અસ્મિતાપર્વના સંયોજનને કારણે હરિશ્ચંદ્ર જોશીની જેમ વ્યાપક સદ્્ભાવ પામ્યા છે. હરિશ્ચંદ્રભાઇ તો રીતસર સંગીત જાણે છે, વિનોદ જોશી લોકલયમાં પોતાનાં ગીત રજૂ કરતી વખતે સંગીતકારોએ કરેલી એમનાં ગીતોની સ્વરરચનાને અનુસરતા નથી અને પોતીકા ઢાળમાં ટકી રહેવાનું ગૌરવ લે છે. એમનો જન્મ ઓગણીસો પંચાવનના ઓગસ્ટની તેરમી તારીખે થયો હોવાથી આજે એ ત્રેસઠ વર્ષના થયા છતાં લોકગીતોમાં આવે છે એવા પાતળિયા લાગે છે. પ્રવાસથી થાક્યા નથી અને બે અઢી કલાક સુધી ચાલતા ‘સૈરન્દ્રી’ પ્રબંધકાવ્યના પાઠમાં એ સહૃદયોને તન્મય રાખે છે. દોહા-ચોપાઇમાં ઢાળેલી આ દીર્ઘ રચના એમના ભાવવાહી કંઠને કારણે કવિતાને કાનની કળા કહેનારને સાચા ઠરાવે છે.


વિનોદ જોશીનો પ્રથમ કાવ્યસંગ્રહ 1984માં પ્રગટ થયો. નામ હતું ‘પરન્તુ.’ અવ્યયને કોઇ નામ બનાવે? પણ ત્યારે આવો ચાલ હતો. રમેશ પારેખના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ હતું ‘ક્યાં’ (1970), વિનોદનો બીજો સંગ્રહ ‘તુણ્ડિબતુણ્ડિકા’ (1987), ત્રીજો સંગ્રહ ‘ઝાલર વાગે જૂઠડી’ (1991) અને ચોથો પ્રબંધકાવ્ય ‘શિખંડી’ (1997).


વિનોદના સંગ્રહોની નવી આવૃત્તિઓ થતી રહી છે. ક્યારેક મુદ્રકની બેકાળજીથી નોંધપાત્ર ભૂલો રહી ગઇ હોય તો આખો સંગ્રહ સાચવી રાખી નવો પ્રગટ કરવાનું ખર્ચ કર્યું છે. વિમલા જોશી પણ નોકરી કરતાં હોવાથી આ બધું પાલવે તેમ હતું. વિનોદ જોશી વિદ્યાર્થી વત્સલ તો ખરા જ, અતિથિવત્સલ પણ એવા. ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે એમણે કોલેજદીઠ વિદ્યાર્થીઓ પસંદ કરીને જે સ્વાધ્યાય શિબિરો કરી છે એનાં પરિણામ વર્ગશિક્ષણ કરતાં વધુ સારાં આવ્યાં છે.


સાહિત્યને ભાવક સુધી પહોંચાડવું એ કામ ઝવેરચંદ મેઘાણીથી કૃષ્ણવીર દીક્ષિત સુધી ચાલ્યું. ગુજરાતી સાહિત્ય પરિષદ આંતરા વર્ષે જ્ઞાનસત્ર લઇને ગ્રામપ્રદેશમાં ગઇ, એ પછી દર્શક ફાઉન્ડેશન પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું કામ કરે છે. પણ અસ્મિતા પર્વ-હનુમાન જયંતી અને સંસ્કૃત સત્ર-ગણેશચતુર્થી દરમિયાન યોજાતા મહુવા ગુરુકૂળનાં સત્રો ભારતીય કક્ષાએ ખ્યાતિ પામ્યાં છે. આસ્થા ચેનલ દ્વારા થતું આ સત્રોનું જીવંત પ્રસારણ દેશ-દુનિયાના લાખો શ્રોતાઓ સુધી પહોંચે છે. ટેક્નોલોજીની મદદ જેટલું જ મહત્ત્વ હોય છે વક્તાઓની પસંદગીનું.


વિનોદ એમ.એ.માં હતા ત્યારથી-ચારેક દાયકાથી હું એમને સાંભળતો આવ્યો છું. એમનાં કેટલાંક ગીતોમાં રહેલું લોકરંજનનું તત્ત્વ વારંવાર રજૂ કરવા પ્રેરે છે. એમાંનું એક છે: ‘કૂંચી આપો બાઇજી’- જે આમંત્રણ પત્ર સાથે છપાયું છે.


કવિ સંમેલનોના સંચાલકોને વારંવાર ખપ લાગતી પંક્તિઓ આ છે:
આપી આપીને તમે પીંછું આપો,
સજન! પાંખો આપો તો અમે આવીએ.
આ ગીતની સ્વરરચના પણ પ્રભાવક નીવડી છે. એની અંતિમ પંક્તિઓ છે:
આપી આપીને તમે આંસુ આપો,
સજન: આંખો આપો તો અમે આવીએ.
કવિની આંખો છે ફૂલોથી લઇને સહૃદયનો ધબકાર. સહૃદયધર્મ જગવવા બદલ પણ વિનોદની વંદના વાજબી છે.

અન્ય સમાચારો પણ છે...