Home » Rasdhar » રઘુવીર ચૌધરી
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

વૈચારિક જાગૃતિનો ‘અનવરત’ સંઘર્ષ

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
પ્રો. જયંતી પટેલ બી. ડી. આર્ટ્સ કૉલેજમાં અને પછી ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક હતા. વૈશ્વિક માનવવાદ, રેશનાલિઝમ અને એમ. એન. રોયના આ અંગેના વિચારોના એ જાણતલ છે. દર્શનશાસ્ત્રમાં પણ એમ.એ છે. મૂલ્યનિષ્ઠ વિદ્રોહનો પ્રચાર કરતાં સામયિકોના સંપાદક હતા. અધ્યાપકોનાં તેમજ અન્ય સંગઠનોના એ મંત્રી રહ્યા છે. ‘નયા માર્ગ’માં ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ નામે સ્મરણો લખ્યાં છે જે હજી ગ્રંથસ્થ થયાં નથી.

કથા આઝાદી પૂર્વેના થોડાક દાયકાને આવરી લે છે પણ સ્થળ-કાળને વૈશ્વિક રૂપ અપાયું છે. લેખકે દેશ અને દુનિયાનું એક માનસિક સંઘટનસૂત્ર કલ્પ્યું છે

રાજકીય વિચારધારાઓના એ અભ્યાસી રહ્યા છે. આફ્રિકાના રાજકારણ વિશે અેમનો ગ્રંથ છે. સાહિત્યમાં રસ. એમની પાંચેક વાર્તાઓ પ્રગટ થઇ છે. કવિ અને સહન કરનાર વર્ગના તરફદાર ડૉ. નીરવ પટેલ સાથે મૈત્રી, આ નવલકથા પૂરી કરવા એમણે જયંતીભાઇને સતત સંકોર્યા. સુરેશ પરીખ અને બિપિન શ્રોફ પ્રકાશન માટે નિમિત્ત બન્યા. કિંમત કેટલી? લખ્યું છે: વિદ્રોહીઓ પ્રત્યે સહિષ્ણુતા... ને આવકાર-સમભાવ.
જયંતીભાઇ વિદ્રોહમાં માને છે પણ નવલકથામાં સંવાદમાં માનતાં પાત્રો પણ છે.
આઠ પ્રકરણ પછી ‘બાવો આવ્યો’ અંતર્ગત ત્રીકમ અને નાનુભાઇ વચ્ચેની ચર્ચામાં ભારત અને ભારતીયોની મનોદશાનાં બે રૂપ પ્રગટ થાય છે. નાનુભાઇ કહે છે:
‘પહેલાં આપણે અવતારની આશાએ હાથ જોડી બેસી રહેતા હતા. હવે અતિમાનસના અવતરણની કલ્પનામાં રાચીએ છીએ.’ સંઘર્ષમાંથી નિવૃત્ત થવાની ફેશનનો ઉલ્લેખ કરીને એ બાવા રૂપે પાછા આવેલા ત્રીકમની વાત સાંભળવા આગ્રહ કરે છે. પૂછે છે: ‘તને ભારત કેવું લાગ્યું?’ ત્રીકમ કહે છે:
‘ખંડેર જેવું. ભવ્ય ભૂતકાળની ઇમારતોનાં ખંડેરો, પ્રાચીન સાંસ્કૃતિક મહત્તાનાં ખંડેરો, જરીપુરાણી પરંપરાઓ અને માન્યતાઓનાં ખંડેરોને બાથ ભરીને જીવતા, ભૂખ્યા, નાગા લોકોનો દેશ...’ ત્રીકમના ઉદ્્ગારો ચાલુ છે. શિક્ષિત અને ધનવાન લોકોના સ્વાર્થનો પણ એ નિર્દેશ કરે છે.
આ પ્રકરણમાં ત્રીકમની પત્નીનો ઉલ્લેખ છે. એ બંગાળી છે, નામ અનુપમા. શાંતિનિકેતન નજીકના બેલાપુરના જમીનદારની દીકરી છે. સુંદરવનની ઘટના પછી કલકત્તા છોડ્યું. અત્યારે બંને દિલ્હીમાં રહે છે.
કથા આઝાદી પૂર્વેના થોડાક દાયકાને આવરી લે છે પણ સ્થળ-કાળને વૈશ્વિક રૂપ આવ્યું હોવાથી ખરાખરી કરવાની રહેતી નથી. દેશ અને દુનિયાનું એક માનસિક સંઘટનસૂત્ર લેખકે કલ્પ્યું છે. પાત્રોમાં ઉસમાન છેક સુધી જોવા મળે છે. નરેશ અને હરિસિંહ-મિતાલીનાં પાત્રો પણ કથાનકને ગૂંથવામાં નિમિત્ત બને છે. છેલ્લા પ્રકરણનું નામ છે: ‘મિલનાં ભૂંગળાંના ઓછાયામાં’ સાંજે મિલના ઝાંપે કામદારોની સભા છે. ઉસમાનભાઇ સંબોધી રહ્યા હતા:
‘તમારી આઠ-આઠ કલાકની મહેનતથી રૂમાંથી કાપડ બને છે. આ મહેનત માટે તમને ચૂકવાય છે દસ રૂપૈડી અને એ જ કાપડ તમે બજારમાં લેવા જાઓ ત્યારે તમારે ચૂકવવા પડે છે પચાસ રૂપિયા. આ વધારાના ચાલીસ કોના ગજવામાં જાય છે? રૂ, કારકુન અને સાહેબોના પગાર, વેપારીનો ખર્ચો, મૂડીનું વ્યાજ વગેરેના પચીસેક રૂપિયા ગણો તોય, વધારાના પંદરેક રૂપિયા કોના ગજવામાં જાય છે? મૂડીના જોરે કરવામાં આવતું આ શોષણ આપણે નાબૂદ કરવાનું છે. હવે જો તમે સહકારી મંડળી બનાવી મિલ ચલાવો તો તમને દસને બદલે રોજના ઓછામાં ઓછા વીસેક રૂપિયા મળે...’ (પૃ. 178, અનવરત)
નાનુભાઇ કામદારોને વ્યસનમુક્ત થઇ કુટુંબ માટે જીવવા સૂચવે છે.
કથાને અંતે લેખકની ભાષામાં ત્રીકમ બોલે છે:
‘જીવવા માટે આપણને કેટલીક મોકળાશ જોઇએ છે. આ મોકળાશ એટલે સ્વતંત્રતા, સ્વાધીનતા, કમનસીબી એ છે કે માનવીએ એવી કેટલીક વ્યવસ્થાઓ સર્જી છે કે જેના કારણે તેની સ્વતંત્રતા ગૂંગળાઇ જાય છે. સમાજની પરંપરાઓ અને રીતરિવાજો, રાજ્યના કાયદાઓ સમૂહજીવન માટે જરૂરી છે પણ તેમાં ક્યારેક એવાં બંધનો લદાય છે જે સ્વતંત્રતાને ટૂંપાવે છે ત્યારે તેની સામે લડવું પડે.’
(પૃ. 179).
જયંતીભાઇ આ કથામાં સંઘર્ષ અને ક્રાંતિનો ભેદ સ્પષ્ટ કરે છે. ક્રાંતિકારી પાત્રોને બદલે એ વિદ્રોહીઓને નવાજે છે.
‘વિદ્રોહીઓ માનવસમાજને મળેલી મહામૂલી ભેટ છે. અલબત્ત, દરેક વિદ્રોહી ક્રાંતિકારી નથી હોતો. ક્રાંતિકાર સમગ્ર સામાજિક, આર્થિક, રાજકીય વ્યવસ્થાના ઢાંચામાં ધરમૂળથી પરિવર્તન ચાહે છે, નવનિર્માણ કરવા માગે છે. વિદ્રોહીનું શસ્ત્ર કલમ છે. ક્રાંતિકારી બંદૂક પણ ઉઠાવે, વિદ્રોહી તર્ક દ્વારા વિચારપરિવર્તન માટે પ્રયાસ કરે છે. વિદ્રોહી એટલે પરંપરાગત વિચારો, માન્યતાઓ, વ્યવહારો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવનાર... આવા વિદ્રોહીઓના પ્રદાન વિના માનવી પ્રાથમિક અવસ્થામાં જીવતો હોત... વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા પ્રાપ્ત થયેલી સવલતો તે ભોગવતો ન હોત.’
(પૃ. 1, કંઇક તો કહેવું જોઇએ ને...)
આ નવલકથા આઝાદી પૂર્વેનાં આંદોલનોની વિવિધ ઘટનાઓ, દેશનાં વિવિધ નગરોનો એમાં ફાળો, વૈચારિક સૂક્ષ્મતાઓ અને હાર-જીતના મૂળને સ્પર્શતાં કારણો ચીંધે છે. પંદર વર્ષની મથામણ પછી ‘અનવરત’ ને આ સ્વરૂપ મળ્યું છે. લેખક ઇચ્છે છે કે વૈચારિક જાગૃતિ માટેનો સંઘર્ષ અનવરત ચાલે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP