કુંભ વિવાહ કરવા એટલે સુખી લગ્નજીવનનો રાહ કંડારવો

article by pankaj nagar
ડાે. પંકજ નાગર

ડાે. પંકજ નાગર

Sep 13, 2018, 12:05 AM IST

હમણાં દસ દિવસ પહેલાંની જ વાત છે. અમારી બાજુમાં રહેતા વસંતલાલ ખુશખુશાલ અને પ્રસન્ન મુખમુદ્રા સાથે હાથમાં મોટુંમસ પેંડાનું પેકેટ લઇને અમારા ઘેર આવ્યા અને ગર્વ સાથે અમને ભેટ ધર્યું. અમે તેમને તેમની ખુશાલીનું કારણ પૂછ્યું.


કેમ વસંતલાલ આટલા બધા મૂડમાં છો અને આ પેંડાના પેકેટનું રહસ્ય શું છે?
વસંતલાલે કહ્યું: સાહેબ ગ્રહોની મહેરબાની. તમારી બતાવેલી કુંભ વિવાહની વિધિ કરાવ્યા બાદ મારી દીકરીના વિવાહનું સરસ રીતે ગોઠવાઇ ગયું એટલે તમને અભિનંદન અને પેંડા બંને સાથે આપવા પર્સનલી આવ્યો છું.


દીકરીની ચિંતાને લઇ પાનખર જેવા જીવનનો અહેસાસ અનુભવતા વસંતલાલના જીવનમાં કુ઼ંભ વિવાહની વિધિએ વસંતઋતુ લાવી દીધી. સામાન્ય જનજીવનમાં અને સમાજમાં લોકોને આપણે એવું બોલતા સાંભળીએ છીએ કે ફલાણાભાઇનાં લગ્ન પહેલાં તેમણે કુંભ લગ્ન કરેલા આથી તેમના લગ્ન વિના વિઘ્ને પૂર્ણ થયેલા. કુંભ વિવાહ વિશે હજુ જ્ઞાન-અજ્ઞાન, કેટલીક ગેરસમજ-ગૂંચ સમાજમાં ચાલ્યા કરે છે. આજે આ લેખમાં આપણે કુંભ વિવાહ વિશે સમજીએ. મુહૂર્ત ચિંતામણીમાં કુંભ વિવાહ માટે નીચે પ્રમાણે શ્લોક છે.


કુંભ વિવાહોદિતભે પૂર્વાધનિષ્ઠાકૃતિકાશ્રવે|
કુમારીવરયો: કાર્યચરણં ચ શુભંહનિ||


વિવાહનાં જ નક્ષત્રો ઉપરાંત કૃતિકા-પૂ.ષાઢા-પૂ.ફાલ્ગુની-શ્રવણ-ધનિષ્ઠા આ નક્ષત્રોમાં શુભ દિવસ જોઇને પુરુષ કે કન્યાના કુંભ વિવાહ કરવાથી લગ્નજીવનમાં આવતાં વિઘ્નો દૂર થાય છે અને શુભત્વ પ્રાપ્ત થાય છે.

લગ્નજીવનનું સુખ માણવા, એકથી વધારે વિવાહના સંજોગોને ટાળવા શાસ્ત્રમાં લગ્ન પહેલાં એક સચોટ વિધિ દર્શાવી છે જેને કુંભ વિવાહના નામે ઓળખવામાં આવે છે

જ્યારે કોઇપણ જાતકની કુંડળીમાં મંગળદોષ હોય અર્થાત્ જન્મકુંડળીના પ્રથમ (દેહ) સ્થાન-ચોથા(સુખ) સ્થાન-સાતમા (દાંપત્ય)ભાવ-આઠમા (મૃત્યુ) સ્થાન અને બારમા (વ્યય) સ્થાનમાં મંગળ બેસે ત્યારે અપવાદોને બાદ કરતાં મંગળદોષનું સર્જન થાય છે. આવા સંજોગોમાં સ્ત્રી અગર પુરુષનાં લગ્ન વિલંબે (લેઇટ મેરેજ) થાય છે. ક્યારેક આવા જાતકોના બે અગર બેથી વધુ વાર લગ્નયોગ ઊભા થાય છે. લગ્નજીવનમાં હેરાનગતિ પરેશાની તો ક્યારેક કજિયા, કંકાશ, છૂટાછેડા સુધીના બનાવો બને છે. ગુણ મેળાપમાં ગરબડ-નાડીદોષ-ગણદોષ અને દાંપત્યજીવનને સ્પર્શતી અનેક બાબતોને કારણે સ્ત્રી કે પુરુષે બીજાં લગ્ન કરવા પડતા હોય છે.

લગ્નજીવનનું સુખ માણવા એકથી વધારે વિવાહના સંજોગોને ટાળવા શાસ્ત્રમાં લગ્ન પહેલાં એક સચોટ વિધિ દર્શાવી છે જેને કુંભ વિવાહના નામે ઓળખવામાં આવે છે. મંત્રેશ્વરની ચમત્કાર ચિંતામણીમાં અને કલ્યાણ વર્માની સારાવલીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે લગ્ન કરતાં પહેલાં બંને જન્મકુંડળીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા એક પાત્રને મંગળદોષ હોય અને બીજા પાત્રને મંગળદોષ ના હોય અગર બંને પાત્રોમાંથી એકને સાતમે રાહુ અગર કેતુ હોય તો લગ્ન કરતાં પહેલાં કુંભ વિવાહ અવશ્ય કરવો. કુંભ વિવાહ કરવાથી દાંપત્યજીવન પ્રસન્ન રહે છે.


સૌ પ્રથમ આપણે કુંભ વિવાહ એટલે શું તે સમજીએ. શાસ્ત્રોમાં કુંભને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે. આથી જ દરેક શુભ અને માંગલિક કાર્યમાં કુંભ (ઘડા)નું આગવું મહત્ત્વ છે. જ્યારે કોઇપણ કન્યાનો કુંભ વિવાહ કરવાનો હોય કુંભ એ કન્યા માટે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બની જાય છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કન્યાનો ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થાય તે કન્યા અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેનું લગ્નજીવન અક્ષત રહે છે.

આવી સ્ત્રીને પતિની બીમારી અગર મૃત્યુનો ભય રહેતો નથી. કુંભ વિવાહ કરવાથી કન્યાના લગ્નજીવનમાં વિલંબ આવતો નથી અને દાંપત્યજીવનમાં આવનારાં અનિષ્ટો નાશ પામે છે.
પુરુષ જો કુંભ વિવાહ કરે તો શાસ્ત્રોક્ત દૃષ્ટિએ તેનો વિવાહ લક્ષ્મી સાથે થાય છે. લક્ષ્મી પણ લગ્નજીવનના સૌભાગ્ય અને સુખનો મૂળ સ્રોત છે. આમ જન્મકુંડળીમાં એકને મંગળદોષ હોય બીજાને ના હોય અગર સાતમા સ્થાનમાં રાહુ-કેતુની હાજરી હોય તો લગ્ન પહેલાં સારું નક્ષત્ર, દિવસ, તિથિ અને મુહૂર્ત જોઇ કુંભ વિવાહ કરવો હિતકર અને લાભદાયી છે.


અલબત્ત આ લેખમાં અમે શાસ્ત્રોક્ત આધારની વાત કરી છે, પરંતુ અનુભવ અને સંશોધન એવું કહે છે કે કુંભ વિવાહ કોઇ ઔષધ નથી કે જેનાથી લગ્નજીવન તંદુરસ્ત બની જાય અગર કુંભ વિવાહ કોઇ પ્રાણવાયુ પણ નથી કે જેનાથી મૃત લગ્નજીવનમાં પ્રાણ પુરાઇ જાય. અંતમાં એટલું કહીશું કે કોઇપણ વિધિમાં પડવું કે ના પડવું એ જાતકનો અંગત વિષય અને વ્યક્તિગત નિર્ણય છે.

[email protected]

X
article by pankaj nagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી